હોસપિસ શબ્દ લેટિન ભાષાનો શબ્દ છે, જે ‘Host’ અને ‘Guest’ ને વર્ણવે છે. તેને ‘Hospitality’ એટલે કે મહેમાનગતિ સાથે પણ જોડી શકાય. ગુજરાતીમાં હોસપિસ શબ્દનો અર્થ વિસામો કે આશ્રય થાય છે, પણ શું આપ જાણો છો કે આ એક તબીબી સંસ્થા છે અને આ તબીબી વિષય ‘પેલિએટિવ કેર’ સાથે પણ સંકળાયેલો છે.
ચોથી ફેબ્રુઆરી કેન્સર દિવસ તરીકે ઉજવાય છે ત્યારે પેલિએટિવ કેર અને તેના કાર્યો વિશે તેમજ આ કાર્ય સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશે સમજવું અગત્યુનું છે.
૧૯મી સદીના અંતમાં અને ૨૦મી સદીની શરૂઆતમાં સેનેટોરિયમ – ટી.બી. ના દર્દીઓ માટે હવાફેરનું સ્થળ ખૂબ પ્રચલિત હતું. હોસપિસ એક આવી જ વ્યવસ્થા કહી શકાય, પણ તેમાં એક્ટિવ તબીબી અને નર્સિંગ સારવારની સાથે સાથે કાઉંસેલર, સોશિયલવર્કર અને અન્ય લોકોની સેવાઓનું આયોજન થતું હતું.
૧૯૬૭માં સૌ પ્રથમ હોસપિસની શરૂઆત થઈ હતી. એક ખૂબ જ મહત્વકાંક્ષી, દયાળુ, સેવાભાવી અને સંવેદનશીલ નારી એવા ‘ડેમ સિસીલી સોન્ડર’ દ્વારા આ હોસપિસનો વિચાર, એક ફિલોસોફી આકાર પામી હતી. અત્યંત માંદા, પથારીવશ અને અંત તબક્કાના રોગોથી પિડાતા દર્દીઓને એક સર્વાંગી સારવાર આપવાના હેતુથી આ સંસ્થાની સ્થાપના થઈ હતી. એક અતિ ઘાયલ અને મરણપથારીએ પડેલ સૈનિકના પ્રેમમાં પડનાર, નર્સમાંથી ચિકિત્સક સુધીની પદવી મેળવનાર આ મહિલાએ તેના પ્રેમી ‘ડેવિડ તસ્મા’ ની યાદમાં, તેના મરતાં પહેલાં આપેલા ૫૦૦ પાઉન્ડમાંથી ‘સેંટ ક્રિસ્ટોફર હોસપિસ’ ની સ્થાપના કરી હતી. ડેમ સિસીલી સોન્ડરને લાગ્યું કે જીવન ટૂંકાવતા, અસાધ્ય રોગોના દર્દીઓને જરૂરી સારવાર, હૂંફ, પ્રેમ અને સંભાળની ખાસ જરૂર હોય છે. આવા દર્દીઓને માટે અદ્યતન સંસ્થાની સ્થાપના કરવી જોઈએ જેના થકી દર્દીઓને શારીરિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ટેકા દ્વારા TOTAL CARE – સંપૂર્ણ સંભાળ / સારવાર મળી રહે અને તેઓ પીડા રહિત મૃત્યુને વરે તે ઉદ્દેશની સગવડ ઉપલબ્ધ કરવામાં આવી હતી.
ભારતમાં સૌ પ્રથમ હોસપિસ, મુંબઇમાં સન ૧૯૮૬ માં બન્યું હતું. તેના બે જ વર્ષ પછી, ગુજરાતમાં પેલિએટિવ કેર અને હોસપિસની સેવાઓ, લાયન ભરત ક્ષત્રિય કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, ધી ગુજરાત કેન્સર સોસાયટી, પ્રવિણનગર બસ સ્ટોપની સામે, વાસણા, અમદાવાદ ખાતે શરૂ થઈ. આજે આ હોસપિસમાં કેન્સરના દર્દીઓ માટે ૨૦ પથારીની સગવડ છે. આગળ વધી ગયેલા કેન્સરના દર્દીઓને પેલિએટિવ કેર – રાહતદાયી સારવાર, એક આશ્રય અને એક સહાય, નિસ્વાર્થભાવે અને નિશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જાતિ, કોમ, ધર્મ કે સામાજિક સ્તરના ભેદભાવને અવગણીને બધા દર્દીઓને જીવનના અંત સુધી અપાતી સારવાર અને હૂંફ થકી તેમના જીવનની ગુણવત્તા સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
નવેમ્બર મહિનામાં 52 વર્ષીય મહેન્દ્રભાઈ (નામ બદલ્યું છે) હોસપિસમાં દાખલ થયા હતા. તેમને આગળ વધી ગયેલું ગલેફાનું કેન્સર હતું. મહેન્દ્રભાઈ એકલા, સ્વમાની, સ્વનિર્ભર, પેઈન્ટીંગના કલાસ ચલાવતા અલગારી વ્યક્તિ હતા. વિવાહિત જીવનની નિષ્ફળતા પછી તેમના માટે પોતાનું હુનર અને વિદ્યાર્થીઓ જ તેમના જીવનના સાથીદાર રહ્યાં હતા. યોગ્ય સારવાર છતાં રોગે છેલ્લું સ્વરૂપ ધારણ કર્યું. તેમના ભાઈઓ દ્વારા તેમને હોસપિસમાં દાખલ કરવામાં આવ્યા હતાં.
શરૂઆતના દિવસોમાં તેમની શારીરિક તકલીફો, જેવી કે અસહ્ય દુખાવો, ગલેફાના કેન્સરના ઘામાં પડેલી જીવાત, અંગત અસ્વચ્છતા, ખોરાક ન લઇ શકવાથી ઊભી થયેલી નબળાઈ અને અન્ય ફરિયાદોનું પેલિએટિવ કેર નિષ્ણાંત દ્વારા નિરાકરણ લવાયું હતું. થોડી શક્તિ આવતાં અને પગભર થતા, હવે પછીની જિંદગીનું શું, તેવો પ્રશ્ન ઉભો થયો.
મહેન્દ્રભાઈએ એક મક્ક્મ નિર્ધાર જાહેર કર્યો. ‘જીના યહાં, મરના યહાં, ઈસકે સીવા જાના કહાં’!!! આ સંસ્થા જ હવે મારું ઘર અને કર્મસ્થળ છે તેવું તેમણે તેમનાં કુટુંબીજનોને કહી દીધું. સંસ્થાની ટીમે ફાળો ઉઘરાવી તેમને પેઈન્ટીંગ માટે જરૂરી કલર, પેપર અને અન્ય સામગ્રી લાવી આપી. બાકી રહેલી જિંદગીના અંત સુધી મારી કળા જીવતી રાખીશ તેવા નિર્ણય સાથે તેમણે અનેક ચિત્રો બનાવવાના શરૂ કર્યા. આ ચિત્રોમાં જીવનની વસ્તવિકતા અને કેન્સરના દર્દીઓની માનસિક વિટંબણા જોવા મળી હતી. તે ઉપરાંત આજના યુવાનોને તમાકુમુક્ત જીવન જીવી કેન્સરથી બચવાના તેમણે ચિત્ર દ્વારા સંદેશા તાદ્રશ કર્યા હતા. ‘હું ચોક્કસ સાજો થઈ જઈશ’, ‘પ્રભુ ચમત્કાર કરશે’, ‘હું પ્રભુ પાસે જવા તૈયાર છું’ તેવા તેમના કથનો તેમના આત્મવિશ્વાસની પ્રતિતિ કરાવતા હતા. ચર્ચની નન્સ દ્વારા તેઓ હોસપિસમાં જ પ્રાર્થના કરી શકે તેવી પણ ગોઠવણ કરાઈ હતી. વચ્ચે વચ્ચે કુટુંબીજનો તેમને જરૂરી ચીજવસ્તુઓ અને ભાવતી વાનગીઓ પૂરી પાડવામાં આવતી હતી. હોસપિસની પરિચારિકાઓ, સોશિયલવર્કર્સ અને અન્ય મુલાકાતીઓ દ્વારા તેમનું એકલાપણું તેમનાથી હંમેશા દૂર રહ્યું હતું.
બે મહિના પછી તેમનું અચાનક મૃત્યુ થતાં હોસપિસમાં ગમગીની છવાઈ ગઈ હતી, પણ તેઓ દોરેલા ચિત્રો અને અન્ય કલાકૃતિઓ તેમના આદર્શ જીવનની યાદ મૂકતા ગયાં હતા. આમ હોસપિસ, એક જીવનના અંત સમય માટેનું સ્થળ નથી, પણ એક એવી સંસ્થા છે જેમાં બચેલા જીવનને સારવાર, હૂંફ અને પ્રેમ થકી ધબકતું રાખવાનો પ્રયત્ન કરવામાં આવે છે.
દર્દીના સ્વજનને પણ જરૂરી માહિતી અને શિક્ષણ આપી દર્દીની સારવાર કરવા તૈયાર કરવામાં આવે છે. તેમનાં પ્રશ્નોનું નિરાકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. હોસપિસની ટીમની મદદથી દર્દી અને સ્વજનો દર્દીની ઘરે પણ સારવાર કરવા તૈયાર થાય છે. આ રીતે હવે કાંઈ થઈ શક્શે નહીં એવા શબ્દોની જગ્યાએ અમે તમારી માટે ઘટતું બધું જ કરી છુટશું તેવી આશા અપાય છે.
ડૉ.ગીતા જોશી(પેલિએટિવ કેર નિષ્ણાત)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020