অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

જો મનમાંથી દૂર કરશો બીક તો પ્રોસ્ટેટ કેન્સરની ઝીલી શકશો ઝીંક

જો મનમાંથી દૂર કરશો બીક તો પ્રોસ્ટેટ કેન્સરની ઝીલી શકશો ઝીંક

જ્યારે વ્યક્તિને જાણ થાય કે તે પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બની છે ત્યારે તેને પોતાના ભવિષ્યની ચિંતા થાય તે અત્યંત સ્વાભાવિક છે પણ પ્રોસ્ટેટ કેન્સરથી ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી કારણ કે આ રોગનો ભોગ બનેલી વ્યક્તિ તંદુરસ્ત અને ખુશહાલ જીવન જીવવા માટે સક્ષમ હોય છે.
પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન જો તેના પ્રારંભિક તબક્કામાં જ થઈ જાય તો તેની સારવાર પ્રમાણમાં સરળ બની જાય છે. કારણ કે આ તબક્કામાં કેન્સર અન્ય અંગોમાં ફેલાયેલું ન હોતા માત્ર પ્રોસ્ટેટ સુધી જ સીમિત રહે છે. જો પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન શરૂઆતના તબક્કામાં ન થતા બહુ પાછળથી એટલે કે લગભગ અંતિમ તબક્કામાં થાય તો પણ આજના આધુનિક તબીબી વિજ્ઞાનના કારણે તેના પર કાબૂ મેળવી શકાય છે.

નિદાનઃ

વ્યક્તિ જ્યારે યુવાવસ્થામાં હોય છે ત્યારે તે પ્રોસ્ટેટના સ્વાસ્થ્ય અંગે સભાન હોતી નથી કારણ કે તેની સ્વાસ્થ્ય પર કોઈ દેખીતી અસર થતી નથી. પણ જેમ જેમ તેની ઉંમર વધે છે તેમ તેમ ક્યારેક તેના પ્રોસ્ટેટના બંધારણીય કોષોમાં વિકૃતિ પ્રવેશે છે જેના કારણે પ્રોસ્ટેટના મૂળભૂત પ્રાકૃતિક બંધારણમાં ફેરફાર થાય છે. આ ફેરફારના કારણે પ્રોસ્ટેટમાં સાદી અથવા તો કેન્સરજન્ય (મેલિગનન્ટ) ગાંઠોનું સર્જન થાય છે.

પ્રોસ્ટેટ કેન્સરથી બચવા માટે યાદ રાખોઃજો પ્રોસ્ટેટ કેન્સરનું નિદાન શરૂઆતના તબક્કામાં થઈ જાય તો દર્દીની સાજા થવાની સંભાવનામાં ભારે વધારો થઈ જાય છે. પ્રોસ્ટેટ કેન્સરની શરૂઆતના તબક્કામાં જ જાણ થઈ જાય તે માટે ૪૫ વર્ષ પછી વ્યક્તિએ તેની નિયમિત શારીરિક તપાસ કરાવવી જોઈએ અને દર વર્ષે સીરમ પીએસએ (સીરમ પ્રોસ્ટેટ સ્પેસીફીક એન્ટિજન ટેસ્ટ) કરાવવો જોઈએ.

જો પ્રોસ્ટેટ કેન્સર વિશે સંપૂર્ણ માહિતી જોઈતી હોય તો તમારે તમારા શરીરમાં થતી અનેક પ્રકારની જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓ વિશે જાણવું પડે છે, અને ત્યારબાદ તેની સારવાર વિશેના વિકલ્પોની સંપૂર્ણ અને સાચી જાણકારી હોય તો વ્યક્તિ પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનીને પણ સારી રીતે જીવી શકે છે.

સામાન્ય રીતે પ્રોસ્ટેટ કેન્સરના પોતાના કોઈ આગવા લક્ષણો હોતાં નથી પણ જ્યારે વ્યક્તિ પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બને છે ત્યારે તે પહેલા તો યુરિનરી ટ્રેક અથવા તો પ્રોસ્ટેટની કોઈ સામાન્ય સમસ્યાનો ભોગ બને છે. પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનેલી વ્યક્તિએ તેનાથી ડરવાની બિલકુલ જરૂર નથી કારણ કે આ કેન્સરની વૃદ્ધિ અત્યંત ધીમેથી થતી હોવાથી તેના પર સરળતાથી કાબુ મેળવી શકાય છે. આ સિવાય આ રોગને કારણે અપવાદરૂપ કિસ્સાઓ સિવાય મોટાભાગના કિસ્સાઓમાં નપુંસકતા જેવી કોઈ શારીરિક સમસ્યાઓ ઉદભવતી નથી. જો કદાચ ઉદભવે તો કોઈ સારા યુરોલોજિસ્ટને તમે સંપૂર્ણ પરિસ્થિતિથી માહિતગાર કરીને તેની સારવાર માટેના ઉપલબ્ધ તમામ વિકલ્પોની માહિતી મેળવી શકો છો. આજે તબીબી વિજ્ઞાન ક્ષેત્રે થયેલા વિકાસને કારણે પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનેલી વ્યક્તિ પણ આરામદાયક જીવન જીવી શકે છે.

જ્યારે વ્યક્તિ તેની પ્રોસ્ટેટને લગતી સમસ્યાને લઈને યુરોલોજિસ્ટ પાસે જાય છે ત્યારે યુરોલોજિસ્ટે નિદાન કરવા માટે પરિસ્થિતિના સમગ્ર પાસાઓનો અભ્યાસ કરવો પડે છે. યુરોલોજિસ્ટ આ અભ્યાસ કરવા માટે ડિજિટલ રેક્ટલ એક્ઝામ તથા લોહી અને યુરિન તપાસ જેવી અનેક પ્રકારની શારીરિક તપાસ કરે છે.

પ્રોસ્ટેટ કેન્સરને સમજવા માટે પુરુષના શરીરમાં આવેલી પ્રોસ્ટેટ ગ્રંથિની માહિતી મેળવીએ તો પ્રોસ્ટેટ ગ્રંથિ પુરુષોમાં ટ્યુબિક બોન અને રેક્ટમની વચ્ચેના વિસ્તારમાં આવેલી અખરોટ જેટલા કદની અને લગભગ તેટલા જ આકારની ગ્રંથિ છે. તેમાંથી મૂત્રાશયમાંથી મૂત્રનું વહન કરતી નળી (યુરેથ્રા) પસાર થાય છે. પ્રોસ્ટેટમાં શુક્રકોષોનું વહન કરતા વીર્યનું નિર્માણ થાય છે. સંભોગ દરમિયાન આ વીર્ય વૃષણ દ્વારા નિર્મિત થતા શુક્રકોષો તેમજ સેમિનલ વેસિકલ્સ દ્વારા નિર્મિત થતા પોષક દ્રવ્યો સાથે મિશ્ર થાય છે. આ વૃષણ પુરુષત્વ માટે જવાબદાર એવા અગત્યના અંતઃસ્ત્રાવ ટેસ્ટોસ્ટેરોનનું પણ નિર્માણ કરે છે. આ ટેસ્ટોસ્ટેરોન પ્રોસ્ટેટની કાર્યવિધિ સુવ્યવસ્થિત રીતે થાય તે માટે અત્યંત આવશ્યક અંતઃસ્ત્રાવ છે. આ પ્રોસ્ટેટના કોષોમાં જ્યારે કોઈ પ્રકારનો ફેરફાર થાય છે ત્યારે પ્રોસ્ટેટના મૂળભૂત બંધારણમાં વિકૃતિ પેદા થાય છે જેના કારણે તેમાં ગાંઠનું સર્જન થાય છે. આ ગાંઠના પ્રકાર નીચે પ્રમાણેનાં હોઈ શકે છે. આ એક બહુ સામાન્ય પ્રકારનું કેન્સર છે તેમાં નીચે પ્રમાણે આ પ્રકારની ગાંઠ જોવા મળે છે.

નોન કેન્સરસ એટલે કે સામાન્ય ગાંઠ

સામાન્ય રીતે આ પ્રકારની ગાંઠ ૪૦થી ૪૫ વર્ષની આસપાસના વ્યક્તિને થતી હોય છે. આ પરિસ્થિતિને બીનાઈન પ્રોસ્ટેટિક હાઈપરપ્લેસિયા (બીપીએચ) તરીકે ઓળખાય છે. આ બીપીએચનું નિદાન સામાન્ય ડિજિટલ રેડાટર એક્ઝામ દરમિયાન થઈ શકે છે. આ ગાંઠના કારણે યુરેથ્રાને અસર પહોંચે છે. જેના લીધે વ્યક્તિને મૂત્રોત્સર્જનની પ્રક્રિયામાં તકલીફ પડે

પ્રિકેન્સરસ કોષો

જે કોષો વિકૃત હોય પણ કેન્સરની ગાંઠમાં પરિવર્તિત ન થયા હોય તે કોઈપણ પ્રકારનાં ખાસ લક્ષણો દર્શાવતા નથી. આ કોષની ઉપરોક્ત લાક્ષણિકતાને કારણે તેને શારીરિક તપાસ દરમિયાન ઓળખવા પ્રમાણમાં અઘરા અને  લગભગ અશક્ય હોય છે. આ કોષોને યુરોલોજિસ્ટ અન્ય તપાસની પદ્ધતિ દ્વારા ઓળખી શકે છે અને તેની વૃદ્ધિ પર અંકુશ રાખી પ્રોસ્ટેટ કેન્સર પર નિયંત્રણ રાખી શકે છે.

કેન્સરજન્ય ગાંઠ

સામાન્ય રીતે કેન્સરજન્ય ગાંઠ પ્રોસ્ટેટના બહારના વિસ્તારમાંથી થતી હોય છે. આ ગાંઠ તેના પ્રારંભિક તબક્કામાં યુરેથ્રાપેશાબ ની નળી પર કંઈ અસર કરતી ન હોવાથી તેનાં કોઈ ખાસ લક્ષણો જણાતાં નથી. જો કે આ ગાંઠનું નિદાન શારીરિક તપાસ દરમિયાન સરળતાથી થઈ શકે છે. આ કેન્સરજન્ય ગાંઠના કેન્સરગ્રસ્ત કોષો ક્રમશઃ પ્રોસ્ટેટ સિવાય સેમિનલ વેસિકલ્સ, લિમ્ફ નોડ અને સ્પાઈનલ કોલમનાં હાડકાં સુધી પણ પ્રસરે છે.

સારવારની વિવિધ પદ્ધતિઓ

શરૂઆત ના તબક્કા મા કેન્સર માટે ઓપરેશન ની સારવાર: જો વ્યક્તિને પ્રોસ્ટેટ કેન્સર થયું છે તેવું નિદાન થાય અને તપાસમાં એવી જાણ થાય કે કેન્સર શરૂઆતના તબક્કામાં છે તો યુરોલોજિસ્ટ સારવાર માટે રેડિકલ કે ટોટલ અથવા તો પ્રોસ્ટેટેક્ટોમી પ્રકારની સર્જરી કરાવવાનો વિકલ્પ આપે છે. યુરોલોજિસ્ટ આ સર્જરી દ્વારા કેન્સરગ્રસ્ત ગાંઠને દૂર કરવા માટે ઈચ્છતો હોય છે પણ જો ઓપરેશન પહેલાંની તપાસ કે સર્જરી દરમિયાન ખ્યાલ આવે તે કેન્સરગ્રસ્ત કોષો પ્રોસ્ટેટ સિવાય અન્ય જગ્યાએ પણ પ્રસરી ગયા છે ત્યારે પરિસ્થિતિને લક્ષમાં લઈને સારવારના અન્ય વિકલ્પો વિશે વિચારવામાં આવે છે.

ફેલાયેલ કેન્સર પ્રોસ્ટેટ ની સારવાર

કેન્સરના કોષોનો નાશ કરવાની પદ્ધતિ

મોટા ભાગના પ્રોસ્ટેટ કેન્સર કોષોના વિકાસ માટે ટેસ્ટોસ્ટેરોન અત્યંત આવશ્યક છે. હોર્મોનથેરાપીમાં શરીરમાં રહેલા ટેસ્ટોસ્ટેરોનનાં સ્તરમાં વધારો કે ઘટાડો કરીને પ્રોસ્ટેટ કેન્સર કોષોનાં વિકાસ પર નિયંત્રણ રાખી શકે છે. પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનનારા દર્દીનો યુરોલોજિસ્ટ રોગનું પ્રમાણ અને પ્રકારને ધ્યાનમાં રાખીને કેન્સરને કાબુમાં રાખવા તેમજ દુઃખાવાને ઘટાડવા માટે હોર્મોનથેરાપી, કિમોથેરાપી અને રેડિએશનમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી છે. આ સિવાય જો જરૂર પડે તો આ દરેક થેરાપીનો ઉપયોગ કરીને એક ખાસ નવી થેરાપીથી દર્દીની સારવાર કરવામાં આવે છે.

હોર્મોન થેરાપી

હોર્મોનો થેરાપીમાં યુરોલોજિસ્ટ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવના સ્તરને ઘટાડવા કે તેનું નિર્માણ થતું રોકવા માટે ગોળી કે ઈન્જેક્શન આપે છે. આ સારવારની પદ્ધતિમાં ક્યારેક દર્દીને સ્ત્રીઓનો અંતઃસ્ત્રાવ ઈસ્ટ્રોજન અથવા તો (ગોનાડોટ્રોપીન રિલીઝીંગ હોર્મોન) સ્વરૂપે આપવામાં આવે છે. આ સિવાય હોર્મોન થેરાપીમાં ફ્લુટેમાઈડ જેવી એન્ટિએન્ડ્રોજન દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ટેસ્ટોસ્ટેરોન આપણા શરીરમાં સતત ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ હોવાથી હોર્મોનથેરાપીનો વિકલ્પ અપનાવનાર દર્દીએ આ થેરાપી સમગ્ર જીવનકાળ દરમિયાન લેવી પડે છે અથવા તો ઓર્ચીઓક્ટોમી સર્જરી દ્વારા કાયમ માટે વૃષણ દૂર કરાવવાનો વિકલ્પ પસંદ કરવો પડે છે.

રેડિએશન થેરાપી

પરિસ્થિતિની ગંભીરતાને લક્ષમાં રાખીને યુરોલોજિસ્ટ આ રોગને નાથવા માટે રેડિએશન થેરાપીનો વિકલ્પ પણ અજમાવે છે. આ રેડિએશન થેરાપી કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરીને તેની જગ્યાએ સ્વસ્થ કોષોનું સર્જન થાય તે રીતે સારવાર કરે છે. આ થેરાપીમાં મશીનમાંથી રોજ અમુક નિશ્ચિત માત્રામાં રેડિએશન અસરગ્રસ્ત વિસ્તારમાં આયાત કરવામાં આવે છે અથવા તો પ્રોસ્ટેટમાં શ્નસિડ્સઌ દ્વારા આ રેડિએશનનું પ્રત્યારોપણ કરવામાં આવે છે.

રેડિએશન થેરાપી વિશે ગેરમાન્યતા પ્રવર્તે છે કે તેની સારવાર જે દર્દી લેતો હોય તેની આસપાસની વ્યક્તિઓ પર પણ તેની અસર થાય છે પણ આ માન્યતા સદંતર ખોટી છે. રેડિએશન થેરાપીનો કોઈ પણ વિકલ્પ તમારી આસપાસની વ્યક્તિ માટે સંપૂર્ણ રીતે સલામત છે.

કોમ્બીનેશન મલ્ટી થેરાપી

આ થેરાપીમાં કેન્સરગ્રસ્ત કોષોનો નાશ કરવા માટે હોર્મોન સાથે કિમોથેરાપીનો તેમ જ રેડિએશન થેરાપીનો સંયુક્ત ઉપયોગ કરવામાં આવે છે. આ સપ્લિમેન્ટરી થેરાપીની મદદથી કેન્સરને સરળતાથી કાબુમાં રાખી શકાય છે. સપ્લિમેન્ટરી થેરાપીનો ઉપયોગ કર્યારે કરી શકાય તે દર્દીની સ્થિતિ જોઈને ડોક્ટર નક્કી કરે છે.

નિયમિત ફોલોઅપ અને જાણકારી

સ્વસ્થ રહેવા માટે નિયમિત ફોલોઅપ અને જાણકારી છે જરૂરીઃએકવાર સંપૂર્ણ સારવાર લઈને પ્રોસ્ટેટ કેન્સરનો દર્દી પોતાની કાળજી લેવાનો મહત્ત્વપૂર્ણ પ્રયાસ કરે છે પણ માત્ર સારવાર લેવી જ અગત્યની બાબત નથી પણ તેની સાથે નિયમિત ચેકઅપ, ખોરાક પ્રત્યેનું જાગૃત વલણ, વજનને નિયંત્રિત રાખવું, નિયમિત કસરત કરવી અને ધુમ્રપાન છોડી દેવું પણ એટલું જ અગત્યનું છે. પ્રોસ્ટેટ કેન્સરના દર્દીની જીવનશૈલી જેટલી સ્વસ્થ હશે એટલું જ તેનું જીવન આનંદમય હશે.

યુરોલોજિસ્ટની નિયમિત મુલાકાત

સારવાર લીધા પછી પણ સ્વસ્થ રહેવા માટે યુરોલોજિસ્ટની નિયમિત મુલાકાત લેવી:આભાર - નિહારીકા રવિયા  જોઈએ. આટલી કાળજી રાખવાથી પરિસ્થિતિ વધારે વકરશે નહીં. આ સિવાય નિયમિત તબીબી તપાસ કરાવવાથી તમને અન્ય શારીરિક તકલીફોની જાણકારી પણ મળતી રહેશે.

પ્રોસ્ટેટ કેન્સરનો ભોગ બનેલા મોટા ભાગના પુરુષો સામાન્ય પુરુષ જેટલું જ સ્વસ્થ અને લાંબુ જીવન આનંદપૂર્વક જીવી શકે છે. જોકે દરેક વ્યક્તિનુ અલગ અલગ વ્યક્તિત્વ હોવાથી દરેક વ્યક્તિનું સારવારનું પરિણામ અલગ અલગ હોય છે. આમ, પ્રોસ્ટેટ કેન્સરની સારવારનું કોઈ ચોક્કસ પરિણામ નથી. પ્રોસ્ટેટ કેન્સરનો દર્દી અને તેનો યુરોલોજિસ્ટ બંને સંયુક્તપણે પોતાનાથી બનતા તમામ પ્રયત્નો કરે તો પ્રોસ્ટેટ કેન્સરના દર્દીને નવજીવન મળી શકે છે. આમ, પ્રોસ્ટેટ કેન્સરનો જો બહાદુરીપૂર્વક સામનો કરવામાં આવે તો જ તેનાથી મુક્ત બનીને સ્વસ્થ જીવન જીવી શકાય છે.

ડૉ. દર્શન કે. શાહ (કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ)

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate