પશ્ચિમના દેશોમાં નવેમ્બર મહિનો મુવેમ્બર તરીકે જાણીતો છે. ખાસ કરીને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ વ્યવસાયિક માટે મુવેમ્બર એક પુરુષના સ્વાસ્થ્ય વિષે જાગૃતિ ફેલાવવાનો મહિનો. છે. જેનો મુખ્ય ઉદ્દેશ છે પુરૂષોનું નાની વયે થતું અવસાન અટકાવવું. આ માટે પુરુષો નવેમ્બરમાં પોતાની મૂછો ઉગાડીને પુરુષ સ્વાસ્થ્ય અંગેની જનજાગૃતિ વધારે છે. અનેક સામાજિક, સાંસ્કૃતિક અને સમુદાયીક કાર્યક્રમમાં મનોરંજન, નૃત્ય, કથા અને વક્તવ્ય સ્વરૂપે પુરુષના સ્વાસ્થ્યની સમસ્યાઓ ચર્ચાય છે. આમાં મુખ્યત્વે પ્રોસ્ટેટ કેન્સર, ટેસ્ટીક્યુલર કેન્સર અને માનસિક સ્વાસ્થ્યના નિદાન, તપાસ અને સારવારની વિવિધ પાસાની માહિતી અપાય છે.
આ રોગોના સામાજીક પ્રત્યાઘાત અને તેના કૌટુંબિક ઉકેલ સૂચવવામાં આવે છે. સ્ત્રીઓ પણ આમ ભાગ લેતી હોય છે. જેથી તેઓ પોતાની કુટુંબના પુરુષોને સ્વાસ્થ્ય અંગેની જાણકારી અને માર્ગદર્શન આપી શકે છે. મુવેમ્બરની શરૂવાત ઑસ્ટ્રિલિયામાં 2003 માં થઈ હતી. 2007 થી અન્ય દેશોમાં તેનો વિકાસ થયો અને હાલમાં 20 થી વધુ દેશોમાં ઑસ્ટ્રિલિયાથી, અમેરિકા સુધી આ તેના મૂવમેન્ટમાં સહભાગી બને છે. અત્યાર સુધી 80 લાખથી વધુ પુરુષો મૂછો ઉગાડી ચુક્યા છે. 5383 કરોડ રૂપિયાનું ભંડોળ મુવેમ્બરમાં એકત્રિત થયુ છે. જેના દ્વારા 820 થી વધુ હેલ્થની પ્રવુતિઓ થઈ ચુકી છે.પ્રોટેસ્ટ શકે અખરોટના આકાર અને કદની ગ્રંથિ છે જે પુરુષોના શરીરમાં મૂત્રાશયની નીચે આવેલ છે. મૂત્રનળી (Uretra) માં થઈને પસાર થાય છે. 50 વર્ષ પછી દરેક પુરુષમાં (Hormone) ના અસંતુલનના કારણે તેનું કદ વધતું હોય છે. પ્રોટેસ્ટ એક આનુષંગિક સેક્સ ઓર્ગન છે જેનું કાર્ય વીર્યમાં પોષક તત્વો ઉમેરવાનું છે.
પ્રોસ્ટેટનું કેન્સર ભારતમાં દર 1 લાખ પુરુષે 9 પુરુષોમાં જોવા મળે છે અને 50 વર્ષ પછી તે ચોથા ક્રમે સૌથી સામાન્ય કેન્સર ગણાય છે. પશ્ચિમના દેશોમાં તેનું પ્રમાણ ભારત કરતા 4 ઘણું વધુ હોય છે. વૈશ્વિક આંકડા પ્રમાણે દર સાત
પુરુષોમાંથી તેમના જીવનકાળ દરમયાન પ્રોટેસ્ટ કેન્સરનું નિદાન થાય છે. આપણા દેશમાં પ્રોસ્ટેટ કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે. તેના ઘણા કારણો છે. જેમ કે વધતું આયુષ્ય, સ્વાસ્થ્ય માટેની જાગૃતિથી થતું વહેલું નિદાન, નિદાન માટેની વધુ સારી ટેક્નોલોજી અને હેલ્થ ચેકઅપના વિવિધ પ્રોગ્રામ.
કોઈ ચોક્કસ કારણ પ્રોસ્ટેટ કેન્સર થવા માટે નથી મળ્યું. આ કેન્સર થવામાં વારસાગત તથા અમુક પર્યાવરણના પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. ખોરાક, તમાકુ અથવા દારૂના સેવનથી આ રોગ થતો નથી.
શરૂઆતના તબક્કામાં પ્રોસ્ટેટ કેન્સરના ચિન્હો પ્રોસ્ટેટની સાદી ગાંઠના ચિન્હો જેવા હોય છે. જેમ કે પેશાબમાં અટકાવ , દુઃખાવો, બળતરાં, પેશાબ કરવા વારંવાર જવું વગેરે જયારે રોગ આગળ પ્રસરે ત્યારે કમરમાં દુઃખાવો, પગે સોજા, વજનનો ઘટાડો વગેરે ચિન્હો દેખાય છે.
નિદાનના ત્રણ આધાર છે. શારીરિક તપાસ PSA નો લોહીનો રિપોર્ટ અને બાયોપ્સી
(1) શારીરિક તપાસ : જયારે દર્દીને પેશાબમાં તકલીફ થાય ત્યારે યુરોલોજિસ્ટ તેની શારીરિક તપાસ કરે છે. અનુભવી યુરો ઓન્કોલોજીસ્ટ અથવા યુરોલોજીસ્ટ આ તપાસ દ્વારા કેન્સરનું નિદાન ઘણીવાર કરે છે.
(2) PSA : આ પ્રોટીન પ્રોસ્ટેટ ગાંઠમાં ઉત્પન્ન થાય છે અને પ્રોસ્ટેટ કેન્સર તથા પ્રોસ્ટેટનાં ઇન્ફેકશનમાં તે વધે છે. આ PSAની માત્રા લોહીની તપાસ દ્વારા જાણી શકાય છે. જો PSA 4 થી 10ની માત્રામાં હોય તો કેન્સરની શક્યતા હોય છે. mpMRI ની તપાસ દ્વારા કેન્સર છે કે નહિ તે જાણી શકાય છે જો PSA 10 થી વધુ હોય તો પ્રોસ્ટેટની બાયોપ્સી લેવી જરૂરી છે અને કેન્સરનું નિદાન આ બાયોપ્સી દ્વારા કરાય છે.
(3) બાયોપ્સી : પ્રોસ્ટેટની બાયોપ્સી સામાન્ય રીતે સોનોગ્રાફી અથવા એમઆરઆઈના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે. પ્રોસ્ટેટનાં સેમ્પલ લઈને કેન્સરનું નિદાન તથા તેની પ્રસરવાની ઝડપ વિષે જાણી શકાય છે.
દરેક કેન્સરની જેમ પ્રોસ્ટેટ કેન્સરમાં પણ ચાર સ્ટેજ હોય છે. દરેક સ્ટેજ પ્રમાણે તેની સારવાર નક્કી થાય છે. Bone SCAN તથા એમઆરઆઈના એક્સ-રે દ્વારા આ સ્ટેજિંગ નક્કી કરાય છે. જો કે સૌથી સચોટ સ્ટેજિંગ માટે PSMA-PET SCAN નો ઉપયોગ કરાય છે. PET SCAN દ્વારા શરીરના કોઈપણ ભાગમાં કેન્સરની નાનામાં નાની ગાંઠ હોય (1 cm થી નાની) તો તેનું નિદાન ઘણી સચોટતાથી થઈ શકે છે.
પ્રોસ્ટેટ કેન્સરની સારવાર તેના સ્ટેજ પ્રમાણે નક્કી થાય છે એ ઓપરેશન, શેક, હૉર્મન થેરાપી અથવા કિમોથેરાપી દ્વારા કરી શકાય છે. જો રોગ શરૂઆતના તબક્કામાં (સ્ટેજ 1 અથવા 2) હોય તો અને પ્રોટેસ્ટ પૂરતું મર્યાદિત તથા દર્દીની ઉમર 74 વર્ષથી ઓછી હોય તો રેડિકલ પ્રોસ્ટેક્ટોમીનું ઓપરેશન કરવામાં આવે છે. આ ઓપરેશનમાં સંપૂર્ણ પ્રોસ્ટેટ તેના આસપાસના ટીશ્યુ જેવા કે સેમિનલ વેસિકલ, લીમ્ફનોડ વગેરે કાઢવામાં આવે છે. રેડીકલ પ્રોસ્ટેક્ટોમી ઓપરેશન રોબોટ, લેપ્રોસ્કોપીક અથવા ઓપન સર્જરી દ્વારા કરી શકાય છે પશ્ચિમના દેશોમાં પણ 90 ટકાથી વધુ ઓપરેશન રોબોટ પદ્ધતિથી થાય છે. અમદાવાદમાં હવે રોબોટિક સર્જરી ઉપલબ્ધ છે.
રોબોટિક સર્જરીમાં સર્જન એક કન્સોલ ઉપર બેસીને જોય સ્ટિક દ્વારા રોબોર્ટના ચાર હાથમાંથી સ્પેશ્યલ સાધન ઉતારીને ઓપરેશન કરે છે. રોબોટ જાતે ઓપરેશન કરતો નથી પરંતુ સર્જનની સૂચના પ્રમાણે કામ કરે છે અને સર્જનના સંપૂર્ણ નિયંત્રણમાં થાય છે. આ ઓપરેશન 8 એમએમના પાંચ છેદ કરાય છે. તેના ઘણા ફાયદા છે. જેમ કે ઓછો રક્તસ્ત્રાવ, ઓછી પીડા, ઝડપી રિકવરી, વધુ સારો કેન્સર પરનો કાબુ વગેરે. ઓપેરેશનના વિકલ્પ તરીકે રેડિયોથેરાપી અથવા શૅકની સારવાર પણ આપી શકાય છે.
આ સારવાર બે થી ત્રણ વર્ષ સુધી હૉર્મનના ઈન્જેકશનલેવા જરૂરી છે. જયારે કેન્સર ચોથા અથવા અંતિમ તબક્કામાં હોય ત્યારે બીજા અવયવો (જેમ કે લીવર, હાડકા વગેરે) માં ફેલાઈ ચૂક્યું હોય છે. આ સ્ટેજ માં રોગ સંપૂર્ણપણે માટી શકતો નથી પરંતુ સારવારથી ઘણા વર્ષો સુધી કાબુમાં રાખી શકાય છે. આ સારવાર હૉર્મન થેરાપી અને કિમોથેરાપી દ્વારા કરાય છે. હૉર્મન થેરાપી, ઈન્જેકશન દ્વારા અથવા નાના ઓપરેશન Orchidectomy દ્વારા કરવામાં આવે છે. હૉર્મન થેરાપીની અસર સામાન્ય રીતે દોઢ થી બે વર્ષ સુધી રહે છે. ત્યારબાદ રોગ આગળ વધે છે. આ સ્ટેજમાં ઘણી નવી અસરકારક દવાઓનો ઉપયોગ થાય છે.
આ રોગ અટકાવી શકાય નહિ, પરંતુ તેનું વહેલું નિદાન કરીને તેને સંપૂર્ણપણે મટાડી શકાય છે. તે માટે નિયમિત હેલ્થ ચેક અપ અને 55 થી 70 વર્ષની ઉંમરના પુરુષોમાં દર બે વર્ષે PSA ની લોહીની તપાસ ખુબ જરૂરી છે. એક બ્લડ ટેસ્ટ જિંદગી બચાવી શકાય છે.
ડૉ. હેમાંગ બક્ષી(યુરો ઓન્કોલોજી અને રોબોટિક સર્જરી)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 1/16/2020