શહેરની ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલના વાલીઓનું ડાયાબિટીસને લઈને સર્વે કરવામાં આવ્યું હતું. જેમાં ચોંકાવનારા તારાણો બહાર આવ્યા હતા. આ સર્વેમાં ૧૫ ટકા બાળકો મોટાપાના શિકાર હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ૨૫ ટકા વાલીઓના પરિવારમાં અડધો અડધ લોકો ડાયાબિટીસના રોગી હોવાનું પણ બહાર આવ્યું હતું.
ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલના એક હજાર જેટલા વાલીઓ પાસેથી ડાયાબિટીસ અને હાયપરટેન્શનને લઈને એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતા. આ સર્વેમાં બહાર આવેલા તથ્યો ખુબ જ ચોંકાવનારા હતા. સર્વેમાં ૭૫ ટકા લોકોના ચારેય ગ્રાન્ડપેરેન્ટ્સને ડાયાબિટીસનો રોગ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ૨૫ ટકા લોકોના પરિવારમાં અડધો અડધ લોકોને ડાયાબિટીસ હોવાનું જણાયું હતું.
સર્વેમાં પોતાનો અભિપ્રાય આપનારા વાલીઓ પૈકી ૬૦ ટકા વાલીઓ હાયપરટેન્શનનો શિકાર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે ૧૫ ટકા વાલીઓના બાળકો મોટાપાનો શિકાર હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું. એટલે કે ભવિષ્યમાં આ બાળકો ડાયાબિટીસનો શિકાર બની શકે છે. ઉપરાંત ૨૩ ટકા વાલીઓના બાળકો સંપૂર્ણ ભોજન લીધા બાદ ગળપણ ખાવાની ઈચ્છા ધરાવે છે. જે પણ આગળ જતાં ડાયાબિટીસના રોગમાં પરિણમી શકે છે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલના એક્ઝ્યુકિટીવ ડાયરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે, આ સર્વે બાદ સ્કૂલ તરફથી તકેદારીના પગલા લેવામાં આવશે. જેમાં વાલીઓને હાલની સ્થિતી અંગે માહિતગાર કરી તે અંગે જાગૃતતા લાવવા માટેની કામગીરી કરવામાં આવશે.
સ્ત્રોત: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020