ડાયાબિટીસને ડાયાબિટીસ મેલિટસ તરીકે પણ ઓળખવામાં આવે છે જેનો અર્થ એ છે કે શરીરની ઈન્સ્યુલિન પેદા કરવાની ક્ષમતા ખોરવાય છે અથવા બંધ થાય છે, જેના પરિણામે કાર્બોહાઈડ્રેટ્સનું મેટાબોલિઝમ અસામાન્ય બને છે અને લોહીમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. સ્પષ્ટ છે કે હવે ડાયાબિટીસ રાજરોગ અથવા તો માત્ર અમીરોનો રોગ રહ્યો નથી. તેના ભરડામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે અને તે કોઈપણ વર્ગના કે જાતિના લોકોને થઈ શકે છે. ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) દ્વારા દર વર્ષે ૧૪ નવેમ્બરે વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે મનાવાય છે જેથી આ જીવલેણ એવા રોગ વિશે જાગૃતિ ફેલાવી શકાય. દર વર્ષે, આઈડીએફ ડાયાબિટીસ સંબંધિત થીમ પર લક્ષ આપે છે અને આ વર્ષનું થીમ ‘વુમન એન્ડ ડાયાબિટીસ’ હતું. હાલમાં વિશ્વભરમાં ૧૯૯ મિલિયનથી વધુ મહિલાઓ ડાયાબિટીસ સાથે જીવી રહી છે. લૈંગિક ભૂમિકા ડાયાબિટીસ પ્રત્યે સંવેદનશીલ હોય છે અને તેને પ્રભાવિત કરે છે, સ્વાસ્થ્ય સેવાઓની પહોંચને પ્રભાવિત કરે છે અને એમ તેનાથી મહિલાઓ પર ડાયાબિટીસનો પ્રભાવ વધે છે. ડાયાબેટોલોજિસ્ટ ડો. નિતેશ પટેલે કહ્યું હતું, ‘મહિલાઓની સ્વાસ્થ્યના મામલે અવગણના થતી હોય છે. તેઓ ઘણીવાર ચેતવણી આપતા લક્ષણોનો અવગણે છે. મોડું નિદાન થવાના કારણે, કોમ્પ્લિકેશન્સ થાય છે.’
મહિલાઓને ડાયાબિટીસનું જોખમ વધુ રહેવાના કેટલાક કારણો છે. સમાજમાં રહેલા સામાજિકઆર્થિક માળખામાં અસમાનતાના કારણે મહિલાઓમાં ડાયાબિટિસનું જોખમ વધારે રહે છે, જેમકે અપૂરતો આહાર, અપૂરતું પોષણ અને શારીરિક રીતે વધુ નિષ્ક્રિયતા તેમાં સામેલ છે. અન્ય પરિબળો કે જે આ જોખમ વધારે છે તેમાં સ્થૂળતા, માનસિક તણાવ, જીવનશૈલી, ધુમ્રપાન અને એસ્ટ્રોજનનું વધુ પ્રમાણ કે જેનાથી ઈન્સ્યુલિનની સેન્સિટિવિટી ઘટે છે. આજે મહિલાઓ પણ કામ કરે છે અને પ્રોફેશનલ અને પર્સનલ લાઈફમાં સંતુલન જાળવે છે પણ એમ કરવામાં તેઓ તેમના સ્વાસ્થ્યને ગુમાવે છે.
સગર્ભા મહિલાઓને જ્યારે ડાયાબિટીસ હોવાનું નિદાન થાય ત્યારે તેમને વધુ જોખમ રહે છે. જો ગર્ભવતી મહિલા ડાયાબિટીસથી પીડાય છે ત્યારે બાળકમાં કોઈ જન્મજાત સમસ્યા થઈ શકે છે અને દર્દીની આથી વધુ પ્રમાણમાં કાળજી લેવી જરૂરી બને છે. આ ઉપરાંત એવી પણ શક્યતા રહેલી છે કે ભવિષ્યમાં બાળકને પણ આ રોગનું નિદાન થવાનું જોખમ રહે છે. કોઈ કિસ્સામાં મહિલાને ગેસ્ટેશનલ ડાયાબિટિસ મેલિટસ (જીડીએમ) તેની પ્રેગનન્સી દરમિયાન હોવાનું નિદાન થાય ત્યારે કોમ્પ્લિકેશન્સ ખૂબ વધી શકે છે. ડાયાબિટીસ એવો રોગ છે કે જેનાથી તમારા શરીરના તમામ ભાગોને અસર થઈ શકે છે અને એટલા માટે પૂરતી કાળજી લેવાય એ જરૂરી છે. તેને રોકવા માટે મહિલાઓએ દર વર્ષે પોતાનું સુગર લેવલ ચેક કરાવતા રહેવું જોઈએ અને એ મુજબ પોતાના આહારમાં ફેરફાર કરતા રહેવું જોઈએ. નિયમિત કસરત આવશ્યક છે. ડો. પટેલે સલાહ આપતા કહ્યું હતું, ‘મોટી વયની મહિલાઓ માટે કે જેમને ઘૂંટણની સમસ્યા છે, તેમણે સાયક્લીંગ અને સ્વિમિંગ જેવી કસરતો કરવી જોઈએ.’ જેઓને ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે તેઓના માટે પ્રથમ મહત્ત્વનું કદમ આ રોગનો સ્વીકાર કરવાનું છે. ડાયેટ અને જીવનશૈલીનું સંચાલન તેની સારવારના મુખ્ય ભાગ છે. એ જરૂરી છે કે આંખ, કિડનીનું નિયમિત ચેક અપ કરવામાં આવે અને યુરિન માઈક્રો આલ્બ્યુમિન તથા ફંગસનું ચેક અપ કરાવવામાં આવે. ડો. પટેલેના સૂચન મુજબ, ‘ડાયાબિટીસના નિદાન પછી શરીરનું વજન સાત ટકા જેટલું ઓછું કરવું જોઈએ. જો ડાયાબિટીસ અંકુશમાં ન હોય તો પણ ઈન્સ્યુલિન લેતા અચકાશો પણ નહીં.’
અન્ય ડાયાબેટોલોજિસ્ટ ડો. અલકા ગાંધીએ કહ્યું હતું કે ડાયાબિટીક મહિલાઓને ડિપ્રેશન, વેજિનલ ઈન્ફેક્શન અને ઓસ્ટિયોપોરોસિસનું જોખમ પણ રહે છે તેથી તેમણે તેમના સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી જોઈએ. પોતાના કામકાજ અને ઘર પરિવારને સંતુલિત કરવાની સાથે મહિલાઓએ તેમના ડાયાબિટીસને અંકુશમાં રાખવા માટે પણ અનેક ચીજો કરવાની રહે છે. ૪૯ વર્ષીય અલકા શાહને ૪૦ વર્ષની વયે આ રોગ હોવાનું નિદાન થયું હતું. તેમણે કહ્યું હતું, ‘પ્રથમ તો મને ચક્કર આવતા હતા. જ્યારે હું ડોક્ટર પાસે ગઈ તો મને ખ્યાલ આવ્યો કે મને ડાયાબિટીસ છે.’ આ રોગ પછી તેમણે ખુદને પૂછ્યું અને તેમને ખ્યાલ આવ્યો કે તેઓ શું ખોટું કરી રહ્યા હતા આખરે તેઓનેજીવનશૈલીમાં મોટા ફેરફારો કરવા પડ્યા. તેમણે કહ્યું હતું, ‘મને અગાઉ મોડે સુધી ઓફિસમાં રોકાવાની આદત હતી પણ મને ડાયાબિટીસ હોવાનું નિદાન થયા પછી મને થયું કે મારે મારી આંખોની સારી રીતે કાળજી લેવા વહેલા સૂઈ જવું જોઈએ. આ ઉપરાંત મારે દિવસમાં બે વખત ભારે ભોજન પણ ન લેવું જોઈએ. મેં ત્યારપછી દિવસમાં ચાર વખત હળવું ભોજન લેવાનું શરૂ કર્યું.’ તેમણે કહ્યું હતું કે તેઓના માટે નિયમિત દવાઓ લેવી, નિયમિત કસરત કરવી અને નિયમિત ચેકઅપ્સ સૌથી મહત્ત્વની બાબતો બની ગઈ છે. પોતાનું બ્લડ સુગર અંકુશમાં રાખવા માટે ૨૨ વર્ષીય મિતી ભટ્ટ ઈન્સ્યુલિન પેન ઈન્જેક્શન્સ અને ટેબલેટ્સ લે છે. તેઓ ખુદની સારી રીતે સંભાળ રાખે છે જેમાં તે આરોગ્યપ્રદ ભોજન પસંદ કરે છે, નિયમિત સમયાંતરે ખાય છે, નિયમિતપણે બ્લડ સુગર લેવલ મોનિટર કરે છે, કસરતના ક્રમને યોગ્ય રીતે જાળવે છે, ત્રણ મહિને એચબીએ૧સીનું પરીક્ષણ કરાવે છે અને એન્ડોક્રિનોલોજિસ્ટ પાસે ચેક અપ કરાવે છે. ભટ્ટ કહે છે, ‘પાવર યોગ કરીને મેં ચાર વર્ષમાં મારા ઈન્સ્યુલિન ડોઝીસને એકદમ નીચા લાવી દીધા છે અને મારા બ્લડ ગ્લુકોઝ લેવલ્સ પર ખૂબ સારો અંકુશ મેળવ્યો છે. મને લાગે છે કે ડાયાબિટીસ મને હરાવી શકશે નહીં.’
સ્ત્રોત: નવગુજરત સમય
વધુ માહિતી માટે સંપર્ક કરો: Amit.Shanbaug@timesgroup.com
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020