કોઈપણ ખોરાકમાંથી કેટલી શક્તિ મળે છે તે ડાયાબિટીસના દર્દીએ ખાસ ચકાસવું જોઈએ કેમકે ભારતીય ભોજનમાંથી મળતી મોટા ભાગની શક્તિ કાર્બોહાઈડ્રેટસમાં આવતી હોય છે. જ્યારે ભોજન શકરાથી સમૃદ્ધ હોય ત્યારે ફરીથી એ જોવું પડે કે આ શકરા સરળ શકરા છે કે જટીલ શકરા છે. સરળ શકરા બારીક દળેલા લોટ, મેંદો, રીફાઈન્ડ ખોરાક, બટાટા જેવા કંદમૂળ, શકરા, મધ જેવા ખોરાકમાંથી વધુ મળે છે. આવા ખોરાક ફટાફટ પચી જાય છે. અને શકરા પચી જઈને ગ્લુકોઝમાં ફેરવાઈ જાય છે. મતલબ કે જેમ શક્તિ વધુ તેમ તે ભોજનની લોહીની સાકર વધારી દેવાની ક્ષમતા વધુ. ડાયાબીટીસના દર્દી માટે સરળ શકરાયુક્ત શક્તિથી ભરપૂર ખોરાક જેટલો ઓછા લેવાય તેટલું જ સારું.
આજ રીતે વધુ ખાંડ, ફળશકરા લેવી પણ યોગ્ય નથી. આ બંને સુક્રોઝ અને ફ્રક્ટોઝ રૂપે હોય છે. જે શક્તિ સિવાય અન્ય કોઈ પોષકતત્વો આપતાં નથી. ઘણાં લોકોમાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે ડાયાબીટીસમાં ખાંડ અને સાકર બંને સુક્રોઝ છે. ફક્ત તેમના કદ અને દેખાવ અલગ છે . જ્યારે ખાંડ કે સાકર ખવાય ત્યારે તેના શરીરમાં ચયાપચય માટે ઈન્સ્યુલીન ફરજીયાત જોઈએ. પરંતુ ડાયાબીટીસનાં દર્દીમાં તો ઈન્સ્યુલીન ઉત્પન્ન થતુ હોતું જ નથી. આથી ખાંડ કે સાકરનો ગ્લુકોઝ લોહીમાં જ જમા થયા કરે છે. આ પરિસ્થિતિ ડાયાબિટીસના દર્દી માટે જોખમી છે. જો ગળ્યું ખાવાનું મન થાય તો સાકર કે ખાંડ કરતાં તાજા ફળના ટુકડા પર પસંદગી ઉતારવી જોઈએ કેમકે ફળમાં ફળશકરા-ફ્રુક્ટોઝ આવેલી હોય છે. આ ફ્રુક્ટોઝના પાચન માટે ઈન્સ્યુલીનની જરૂર હોતી નથી.
આથી જ મર્યાદિત માત્રામાં ફળ લેવાય ત્યારે તેમાંથી શરીરમાં ભળતી ફળશકરા ઈન્સ્યુલીનની ગેરહાજરીમાં પણ વપરાય જાય છે અને લોહીની સાકરનું લેવલ પણ ઊંચુ જતું નથી. ખોરાકના ગ્લાયસેમિક ઈન્ડેક્સ પણ ડાયાબીટીસના દર્દી માટે ભોજન કેટલું સલામત કે કેટલું જોખમી છે તે નક્કી કરવામાં અગત્યનો ભાગ ભગવે છે. ગ્લાયસેમિક ઈન્ડેક્સ એટલે કોઈપણ ખોરાક ખાધા પછી તે કેટલી ઝડપથી લોહીની સાકરનું સ્તર વધારી શકે છે તે. માટે જેમ ખોરાકનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઊંચો તેમ ડાયાબીટીસમાં તે ખોરાક નુકસાનકારક નિવડી શકે છે. જેમ ખોરાકનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ નીચો તેમ રાક ખાદ્યમાંથી ગ્લુકોઝની રક્તમાં ભળવાની પ્રક્રિયા ધીમી. આથી જયારે શરીરમાં ઈન્સ્યુલીન ઓછું હોય ત્યારે તે ધીમે ધીમે ભળતી સાકરને પચાવી નાંખી રક્તમાં સાકરની માત્રા વધવા દેતુ નથી. આમ નીચા ગ્લાયસેમીક ઈન્ડેકસવાળા ખોરાક ડાયાબીટીસમાં ફાયદાકારક છે. સફેદ બ્રેડનો ગ્લાયસેમિક ઈન્ડેકસ ૧૦૦ છે. આને આધારરૂપ રાખીને અન્ય ખોરાકનો ગ્લાયસેમીક ઈડેક્ષ મપાય છે. મેદો, ફાસ્ટફૂડ, સફેદ બ્રેડ, ફળના રસ, ગળ્યા બિસ્કિટ વગેરે વધુ ગ્લાયસેમિક ઈન્ડેકસ ધરાવતા ખોરાક છે જ્યારે આખાં ફળ, અંકુરીત કઠોળ, જાડા ધાન્ય વગેરે ઓછો ગ્લાયસેમિક ઈન્ડેક્સ ધરાવતા ખોરાક છે.
ડાયાબીટીસ એક જીવનશૈલીની અયોગ્યતાને લીધે થતો રોગ છે. ડાયાબીટીસ અટકાવવાના યોગ્ય પગલા ભરાય તો ડાયાબીટીસ થતો અટકાવી શકાય છે.
હજુ થોડા વર્ષો પહેલા ડાયાબિટીસએ રાજરોગ ગણાતો હતો. મોટો ભાગે બેઠાડું જીવન જીવતા અને પૈસાદાર લોકોને જ ડાયાબિટીસ થાય એવું મનાતું હતું. પણ આજે ડાયાબિટીસ ભારતના ગામડે-ગામડે ફેલાઈ ગયો છે. હવે તો સારું એવું મહેનતનું કામ કરતા ખેડૂતો અને શ્રમિકોમાં પણ ડાયાબિટીસ દેખા દેવા લાગ્યો છે. પણ ગામડામાં ઘણી વખત કાં તો પૂરતી જાણકારી ન હોય એટલે , આળસ કે બેદરકારીને લીધે પણ ડાયાબિટીસનું નિદાન ખૂબ મોડું થાય છે અને મોટા ભાગનાં લોકો ડાયાબિટીસ થયા પછી પણ ઘરગથ્થું નુસખાઓ કર્યા કરે છે. નિયમિત લોહી-પેશાબમાં ગ્લુકોઝની ચકાસણી કરાવતાં નથી અને પરિણામે ડાયાબિટીસ ખૂબ વધી જાય છે. ઘણી વખત તો ડાયાબિટીસને કારણે હૃદયરોગ અને લકવાનો હૂમલો પણ આવે છે. આવી ગંભીર પરિસ્થિતિ ઊભી ન થાય એ માટે આપણે ડાયાબિટીસના લક્ષણો અને ડાયાબિટીસમાં રાખવી જોઈતી કાળજી વિષે જાણવું જરૂરી છે.
સ્ત્રોત: ડો. બી.જી. પટેલ, પ્રીતિ દવે, ગુહવિજ્ઞાન અને પોષણ મહાવિદ્યાલય સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, સરદારકૃષિનગર,જી. બનાસકાંઠા પિન : ૩૮૫૫૦૬ ફોનઃ (૦૨૭૪૮) ૨૬૮૨૬૪
કૃષિ ગોવિદ્યા ,ઓગસ્ટ -૨૦૧૫ વર્ષ: ૬૮ અંક: ૪ સળંગ અંક : ૮૦૮
કોલેજ ઓફ એગ્રીકલ્ચરલ ઈનફોર્મેશન ટેકનોલોજી, આણંદ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/11/2020