ડાયાબિટીસના દર્દીઓમાં નીચે જણાવેલ કારણોસર સુગર ઘટી જઇ શકે છે:
ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જવાથી શરીરના કોષોને પોષણ મળવાનું પણ ઘટી જાય છે. માનવ મગજના કોષો પોષણ માટે માત્ર ગ્લુકોઝ અથવા કીટોન બોડીઝ વાપરી શકે છે. જયારે લોહીમાંનું ગ્લુકોઝ અચાનક ઘટી જાય ત્યારે સીધી અસર મગજના કોષોના કાર્ય પર થાય છે. જો તાત્કાલિક અસરથી લિવરમાં નવેસરથી ગ્લુકોઝનું ઉત્પાદન શરૂ ન થાય તો મગજના કોષો કાર્ય કરતા બંધ થઇ જાય છે જેને લીધે બેભાનાવસ્થા (કોમા) ની સ્થિતિ આવે છે.
મગજને ગ્લુકોઝ ઓછો પહોંચે તો શરૂઆતના તબકકામાં ચકકર આવે, માથું દુ:ખે, માથું ખાલી ખાલી લાગે, આંખે ઝાંખપ વળે, અંધારાં આવે, વિચારશક્તિ ક્ષીણ થવા માંડ, ઝીણવટભર્યું કામ કરવાની ક્ષમતા જતી રહે, મગજમાં ગુંચવાડા ઉદ્દભવે, અસામાન્ય-વિચિત્ર વર્તણૂક થાય, ખેચ આવે અને છેવટે બેભાનાવસ્થા આવી જાય. આ લક્ષણોની સાથોસાથ જ (લોહીમાં ગ્લુકોઝ વધારવાના આંતરિક પ્રયત્નને લીધે) પરસેવો થઇ જાય, હાથ પગ પાણી પાણી થઇ જાય, ધ્રુજારી આવે, હૃદયના ધબકારા વધી જાય, ચિંતા-વ્યાકુળતા જણાય અને ભૂખ લાગવાનો અહેસાસ થાય
ઇન્સલ્યુલિન લેનારાઓ અને લાંબા સમય સુધી અસર કરે એવી ગ્લુકોઝ ઘટાડવાની દવા લેનારાઓમાં આ રીતે અચાનક ગ્લુકોઝ ઘટી જવાની શકયતા સૌથી વધારે રહે છે. આવી તકલીફ થાય અને દર્દી બેભાન થઇ જાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે એ હેતુથી દરેક દર્દીએ પોતાનું નામ- સરનામુ, ફોન નંબર; ડૉકટરનું નામ-સરનામુ, ફોન નંબર; તથા “મને ડાયાબિટીસની બીમારી છે. જો હું વિચિત્ર વર્તણુંક કરતો હોઉં કે બેભાન હોઉં તો તરત જ મને ડૉકટર પાસે લઇ જવા વિનંતી” એવુ લખાણ ધરાવતું કાર્ડ કાયમ પોતાની પાસે રાખી મૂકવું જોઇએ.
જો સુગરઘટી જવાની તકલીફને શરૂઆતના તબકકામાં જ પારખી લેવામાં આવે તો દર્દી પોતે જ એનો ઇલાજ કરી શકે છે. ચકકર કે પરસેવાની શરૂઆત થાય કે તરત જ ખાંડ નાખેલ દૂધ કે અન્ય પ્રવાહી પી લેવું જરૂરી છે. જેવી ખાંડ શરીરમાં જશે કે તરત જ આ તકલીફો ઓછી થઇ જશે. સાથે સાથે કંઇક નકકર ખોરાક | નાસ્તો પણ લઇ લેવો જોઇએ જેથી થોડા સમય પછી પાછી તકલીફ ન થાય. જો દર્દી બેહોશ થઇ ગયો હોય તો એવા દર્દીને મોં વાટે કંઇ આપવાનો પ્રયત્ન કરવાને બદલે તાત્કાલિક હોસ્પિટલ ભેગો કરવો જોઇએ જયાં નસમાં ગ્લુકોઝના ઇન્જેકશન | બાટલા આપીને દર્દીની જિંદગી બચાવી શકાય.
સામાન્ય રીતે બાળપણથી જ શરૂ થઇ જતા ઇન્સલ્યુલિન આધારિત ડાયાબિટીસમાં આ પ્રકારનું કોમ્પિલકેશન થાય છે. જયારે શરીરમાં ઇન્સલ્યુલિનનું પ્રમાણ ઘટી જાય અને ગ્લકાગોન નામના અન્ય અંતઃસ્રાવનું પ્રમાણ વધી જાય ત્યારે આવી તકલીફ ઉદ્દભવે છે. સામાન્ય રીતે કોઇ ચેપ લાગવાથી, ઓપરેશન કરાવવાથી કે માનસિક તાણને કારણે અચાનક જ કીટોએસિડોસીસની શરૂઆત થાય છે. ઘણા દર્દીઓ પોતાની ઇચ્છા પ્રમાણે અચાનક જ ઇન્સલ્યુલિનનાં ઇજેકશન લેવાનું બંધ કરી દે ત્યારે પણ ડાયાબીટીક કીટોએસિડોસીસની તકલીફ થાય છે.
કીટોએસિડોસીસમાં દર્દીના શરીરમાં ગ્લુકોઝ અને કીટોન બોડીઝનું પ્રમાણ ખૂબ વધી જાય છે, જેને કારણે ઉલટી-ઉબકા, બેચેની, ભૂખ મરી જવી, વારંવાર વધુ પ્રમાણમાં પેશાબ જવું, ખૂબ તરસ લાગવી, મોં-ગળુ સૂકાવાં, શ્વાસોશ્વાસ ઝડપી ચાલવા વગેરે અનેક તકલીફો થાય છે અને છેવટે દર્દી બેભાન થઇ જાય છે. દર્દીના લોહી-પેશાબની તપાસમાં ગ્લુકોઝ વધી ગયેલ જણાય અને “એસિટોન” ની હાજરી જણાય.
આ તકલીફમાં, દર્દીને દાખલ કરીને તાત્કાલિક સલાઇનના બાટલાઓ તથા ઇન્સલ્યુલિનના ઇજેકશનો આપવામાં આવે છે. ડાયાબીટીક કીટોએસિડોસીસને લીધે બેહોશી ઉપરાંત પેટની તકલીફ પણ ઉદ્દભવે છે. ઉલ્ટી થવી, પેટ ફુલવું, કબજિયાત થવી, ઉલ્ટીમાં લોહી નીકળવું વગેરે તકલીફો કેટલાક દર્દીમાં જોવા મળે છે. હૃદયની ગતિમાં અનિયમિતતા, હૃદયના પમ્પીંગમાં ઘટાડો, હાર્ટ ફેઇલ્યર કે હાર્ટ એટેકની શકયતા પણ કીટોએસિડોસીસ દરમ્યાન વધી જાય છે. નિયમિત ઇન્સલ્યુલિનનાં ઇન્જેકશન લેવાની કાળજી તથા શારીરિક-માનસિક તાણની સ્થિતિમાં તાત્કાલિક ડૉકટરની સલાહ લેવાથી આ કોમ્પિલકેશનને થતું જ અટકાવી શકાય છે.
પુખ્તવયના ડાયાબિટીસમાં લોહીની અંદર ગ્લુકોઝનું પ્રમાણ ખૂબ જ વધી જાય ત્યારે “હાઇપર-ઓસ્મોલર કોમા” ની તકલીફ ઉદ્દભવે છે. લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ પ૦૦-૭૦૦ મિ.ગ્રા.ડિ.લી. કરતાં પણ વધી જાય ત્યારે પેશાબ વાટે ખૂબ મોટા પ્રમાણમાં ગ્લુકોઝ અને પાણી નીકળી જાય છે. પરિણામે, શરીરની અંદર પાણીનું પ્રમાણ ઘટી જાય છે; દર્દીના હોઠ-માં-ગળું સુકાવા લાગે છે; શરીર ઠંડુ થવા લાગે; બી.પી. ઘટવા માંડે; નસોની અંદર લોહીનું પરિભ્રમણ ધીમું થઇ જાય અને કયારેક નસની અંદર જ લોહી ગંઠાવાની પ્રક્રિયા શરૂ થઇ જાય છે.
મગજમાંથી પ્રવાહી ઘટી જવાથી વિચારશકિત મંદ પડવા લાગે છે, ગુંચવાડા ઉદ્દભવે છે અને કયારેક ખેંચ પણ આવે છે. જો તાત્કાલિક યોગ્ય સારવાર ન મળે તો દર્દી બેહોશ થઇ જાય છે. એક વાર દર્દી બેહોશ થઇ જાય પછી બચવાની શકયતા પચાસ ટકાથી ઓછી રહે છે. આવા દર્દીને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરી સલાઇનના બાટલા ઝડપભેર ચઢાવવા પડે છે. શરીરમાં કોઇપણ જાતનો બેકટેરિયાનો ચેપ હોય તો યોગ્ય એન્ટિબાયોટિકની મદદથી એની સારવાર કરવી પડે છે.
આમ, ડાયાબિટીસના દર્દીઓમાં ગ્લુકોઝની મોટી વધઘટ ઘણા દર્દીઓને બેભાનાવસ્થામાં ધકેલી દે છે. આવું ન થાય એ માટે નિયમિત દાકતરી તપાસ કરાવવી જરૂરી છે. એ ઉપરાંત સૌથી વધુ કાળજી દવા | ઇન્જેકશનો નિયમિતપણે લેવાની રાખવી જોઇએ. દવા કે ઇજેકશન લીધા પછી સમયસર ખોરાક લેવાનું યાદ રાખવું જોઇએ. ગ્લુકોઝ ઘટાડવાની દવા/ ઇન્જેકશન લીધા પછી ખોરાક લેવાનું ભૂલી જનાર કે ઉપવાસ કરનારાઓ જાણી જોઇને ઉપાધિ વ્હોરી લે છે.
શરીરમાં સુગરઘટી જાય તો ચકકર આવે, માથુ ખાલી લાગે, પરસેવો થઇ જાય, હાથ પગ પાણી પાણી થઇ જાય, ધ્રુજારી આવે, હૃદયના ધબકારા વધી જાય, આંખે અંધારા આવે, મગજમાં ગુંચવાડા ઉદ્દભવે, ખેચ અને છેવટે બેભાનાવસ્થા આવે.
સ્ત્રોત : ડૉ કેતન ઝવેરી ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શેલી કિલનિક, સુરત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/20/2020