অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

બાળકોને યોગ્ય આહાર આપો ડાયાબિટીસ-મેદસ્વિતાથી દૂર રાખો

આહારપદ્ધતિ તેમજ દૈનિક જીવનશૈલીમાં પરિવર્તનથી ટાઇપ-2 ડાયાબિટીસના કેસોમાં વધારો થયો છે : બાળકો શારીરિક પ્રવૃત્તિઓના અભાવ અને વધુ જંકફૂડ ખાવાથી મેદસ્વી બની જાય છે

ચિલ્ડ્રન ડે અને ડાયાબિટીસ ડે – સંગાથે આવતા સ્પે. દિવસો શું એકબીજાના પર્યાય તો નથી ને?

બાળ દિવસ અને ડાયાબિટીસ દિવસને એક સાથે નિરીક્ષણ કરવા માટે યોગ્ય કારણ છે. બાળકો રાષ્ટ્રનું ભાવિ છે અને લોકો શારીરિક રીતે તંદુરસ્ત હોય તેવા મજબૂત રાષ્ટ્રના નિર્માણની દેશને જરૂરીયાત છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી દેશમાં ડાયાબિટીસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે અને આ જ બાબત દેશ માટે ચિંતાનું કારણ બની છે. તેથી જ્યારે આપણે બાળકોને સમર્પિત એવા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે બાળકો તંદુરસ્ત રહે તેમજ ડાયાબિટીસ જેવા રોગોને તેનાથી દૂર રાખે તે માટેના જરૂરી રસ્તાઓ આપણે શોધવા જોઇએ.

ડાયાબિટીસ એક એવી બિમારી છે જે શરીરને શક્તિહીન બનાવે છે. જ્યારે આપણે આહાર આરોગીએ છીએ ત્યારે આપણું શરીર ખોરાકને ખાંડમાં અથવા ગ્લુકોઝમાં ફેરવી નાખે છે. આ જ સમયે આપણું સ્વાદુપિંડ ઇન્સ્યુલિન રિલીઝ કરે છે. ઇન્સ્યુલિનથી કોષો ખુલ્લા પડે છે અને ત્યારબાદ ગ્લુકોઝ અંદર પ્રવેશે છે. આ જ ગ્લુકોઝનો ઉપયોગ આપણે શક્તિ મેળવવા માટે કરીએ છીએ, પણ ડાયાબિટીસમાં આ પદ્વતિ નથી જોવા મળતી.

શા માટે આ બિમારી યુવાવર્ગમાં ઝડપી રીતે ફેલાઇ રહી છે?

તે ચેપી ના હોવા છતાં પણ આ રોગ કોઇ ચેપી બિમારી કરતાં વધુ ઝડપે પ્રસરી રહ્યો છે. બાળકોને વધુ પ્રમાણમાં થતા ડાયાબિટીસનાં મુખ્ય બે કારણો છે. દૈનિક જીવનશૈલી અને આહારપદ્વતિ. હકીકતમાં યુવાવર્ગની વસ્તીના એક તૃતીયાંશ યુવાનો કે જેનાં દાદા-દાદીને ડાયાબિટીસ છે, તેઓને આનુવંશિક રીતે ટાઇપ-1 ડાયાબિટીસ થવાની સંભાવના વધી જાય છે, પણ આહારપદ્વતિ તેમજ દૈનિક જીવનશૈલીમાં તાજેતરમાં જોવા મળેલા પરિવર્તનથી ટાઇપ-2 ડાયાબિટીસના કેસોમાં આઘાતજનક રીતે વધારો જોવા મળ્યો છે.

વર્તમાન સમયમાં બાળકો તેમના ટેસ્ટને અનુસાર આહાર લેવાનું પસંદ કરે છે. તેઓ માટે સૌથી પસંદગીનું ફૂડ જંકફૂડ છે. મેકડોનાલ્ડ, પિત્ઝા હટ અને કેએફસી જેવાં રેસ્ટોરાંને કારણે પણ આ પ્રકારના અયોગ્ય ખોરાકના સેવનમાં વૃદ્વિ થઇ છે. આ પ્રકારનાં રેસ્ટોરાં ઓછા ભાવે અને સરળતાથી ઉપલબ્ધ થતું અને સ્વાદિષ્ટ એવું જંકફૂડ ગ્રાહકને પીરસે છે. આ સ્ટોર ઉપરાંત બાળકોનાં માતાપિતા પણ તેઓને પેઢીઓથી ચાલતી આવતી વર્ષો જૂની સ્વાસ્થ્યપ્રદ આહારપદ્વતિ મુજબ આહાર આપવાને બદલે તેઓને ભાવતા જંકફૂડ ખવડાવવાનું પસંદ કરે છે. તેથી રોટલી-શાકનું સ્થાન સેન્ડવિચે લીધું છે. જ્યારે પરંપરાગત ભોજનને સ્થાને પાસ્તા ખાવામાં આવે છે. જંકફૂડમાં ઉપરથી ચીઝ અને બટરનો પણ ભરપૂર પ્રમાણમાં વપરાશ થાય છે જે તેને વધુ બિનઆરોગ્યપ્રદ બનાવે છે. વારંવાર જંકફૂડ ખાવાથી શરીર ખાંડ અને સ્ટાર્ચને તોડતા ઇન્સ્યુલિનને વધુ પ્રમાણમાં નથી બનાવી શકતું અને શરીરમાં જમા થયેલી ખાંડને કારણે વ્યક્તિને ડાયાબિટીસ થાય છે.

ખાંડના સ્તરમાં વધારા પાછળનું કારણ ખાંડ જ છે. સામાન્યપણે બાળકો વધુ પ્રમાણમાં ખાંડ નથી ખાતાં પણ તેઓ ગલ્યાં ડ્રિન્ક્સ, પેસ્ટ્રી, ચોકલેટ અને આઇસક્રીમ ખાય છે, જેમાં ભરપૂર પ્રમાણમાં ખાંડ હોય છે. આ ફૂડ પ્રોડક્ટથી શરીરમાં સુગર-લેવલમાં વધારો થાય છે અને તેનાથી બાળકોમાં હાઇપર એક્ટિવિટી જોવા મળે છે.

કિશોર અવસ્થામાં જોવા મળતા ડાયાબિટીસનું બીજું કારણ બાળકોનું બેઠાડુ જીવન છે. મોટા ભાગની સ્કૂલોમાં શારીરિક પ્રવૃત્તિઓ માટેનો અવકાશ ખૂબ ઓછો હોય છે. સ્કૂલથી બાળકો ટ્યુશનમાં જાય છે અને રમવા માટે પણ તેઓને સમય નથી મળતો. આ સિવાય બાળકો બહાર રમત રમવાને બદલે ટીવી, મોબાઇલ ફોન, ટેબલેટ અને અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ પાછળ વધુ સમય પસાર કરે છે.

તેથી બાળકો શારીરિક પ્રવૃત્તિઓના અભાવ અને વધુ જંકફૂડ ખાવાને કારણે નાની ઉંમરે મેદસ્વી બની જાય છે. તદુપરાંત ડાયાબિટીસ થવામાં જનીન તત્વો પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આપણાં જનીનોને કાબુમાં રાખવું શક્ય નથી પણ મર્યાદિત પ્રમાણમાં જંકફૂડ ખાવા માટે પગલાં લઇ શકીએ છીએ અને દૈનિક જીવનશૈલીમાં શારીરિક કસરતને સામેલ કરીને ડાયાબિટીસને દૂર રાખી શકીએ છીએ. એક માતાપિતા તરીકે બાળકોને મેદસ્વી થતાં રોકવા અને તેઓને જંકફૂડથી દૂર રાખવા એ આપણી ફરજ છે. કોઇકવાર આ વસ્તુ યોગ્ય છે પણ દૈનિક ખાનપાનમાં તે જરા પણ સ્વીકાર્ય નથી.

સ્ત્રોત: મનન ચોકસી mge@mgehoksi.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate