অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પુખ્તવયે (ટાઇપ-૨) ડાયાબિટીસ થવાનું કારણ શું?

પુખ્તવયે (ટાઇપ-૨) ડાયાબિટીસ થવાનું કારણ શું?

બહુ સામાન્ય રીતે જોવા મળતો પુખ્તવયનો ડાયાબિટીસ (જે ટાઇપ-ર ડાયાબિટીસ તરીકે ઓળખાય છે) શા કારણે થાય છે એ હજી સુધી ચોકકસપણે જાણી શકાયુ નથી. સંભવિત કારણોની ચર્ચા નીચે કરી છે.

વારસાગત :

આ ડાયાબિટીસ એક જ કુટુંબના ઘણા સભ્યોમાં જોવા મળે છે પરંતુ એનો વારસો કોને મળશે CRO અને કોને નહિ એ હજી સુધી ચોકકસપણે જાણી શકાયું નથી. યુવાન વયે ટાઇપ-ર ડાયાબિટીસ થાય તો એ MODY (Maturity Onset Diabetes of Young) તરીકે ઓળખાય છે. આ પ્રકારના  ડાયાબિટીસ ચોકકસપણે વંશપરંપરાગત જોવા મળે છે. ત્રણ પેઢીઓ સુધી આ રોગ સીધો ઉતરી આવેલ જોવા મળે છે. બે સમાન જોડિયા બાળકમાં જો એકને ટાઇપ-ર ડાયાબિટીસ થાય તો બીજાને સો ટકા એ થાય જ! ડાયાબિટીસના દર્દીના ભાઈબહેનોમાંથી ચાળીસ ટકાને અને બાળકોમાંથી તેત્રીસ ટકાને ડાયાબિટીસ થાય જ છે. માનવકોષમાં રહેલ કોમોઝોમ્સ (રંગસૂત્ર) ની ૧૧મી જોડમાં ખામી હોય તો ડાયાબિટીસ થાય છે.

ઉમર :

ટાઇપ-ર ડાયાબિટીસ ચાળીસ વર્ષથી મોટી ઉમરના લોકોમાં વધુ પ્રમાણમાં જોવામાં આવે છે. ઉમર વધવાની સાથેમોટાભાગનીવ્યક્તિઓમાં ગ્લુકોઝનું નિયંત્રણ ઘટતુ જાય છે. ઉમરના દર દાયકાએ ભૂખ્યા પેટે માપવામાં આવતા લોહીના ગ્લુકોઝમાં ૧-૨ મિ.ગ્રા.ડિ.લી. જેટલો વધારો થાય છે અને જમ્યા પછીના લોહીમાં આ વધારો હજી મોટો હોય છે. ઉમર  ની સાથોસાથ ઇન્સલ્યુલિનની કામગીરીમાં અવરોધ (રેઝિસ્ટન્સ) વધતો જાય છે. એટલે જેટલા ઇન્સલ્યુલિનથી પહેલાં લોહીનો ગ્લુકોઝ નિયંત્રણમાં રહેતો હતો એટલું ઇસ્યુલીન ઉમર વધતાં ઓછું પડે છે. આવું થવા પાછળ નીચે જણાવેલ ઘણાં પરિબળો કામ કરતા હોય છે:
  • ઉમરની સાથે શરીરમાં થતો ચરબીનો ભરાવો અને સ્નાયુઓનો ઘટાડો.
  • ઉમરને કારણે શારીરિક શ્રમમાં થતો ઘટાડો.
  • ઉમરની સાથે થતાં ખોરાકમાં અમુક પરિવર્તનો (શક્તિના વપરાશ કરતાં વધુ ખોરાક) ઇન્સલ્યુલિન રેઝીસ્ટસ માટે જવાબદાર બની શકે છે.
  • છેલ્લે, કેટલીક દવાઓ - બ્લડપ્રેશર માટે વપરાતી ડાઇયુરેટીકસ, ઇસ્ટ્રોજન, સ્ટીરોઇડ્રસ, એન્ટીડીપ્રેસન્ટ દવાઓ - વગેરે ગ્લુકોઝના નિયંત્રણમાં ખલેલ પહોંચાડી શકે છે. અને ઘણા વૃદ્ધો કોઇને કોઇ કારણે આ જાતની દવા લેતા હોય છે.

આમ, વધતી ઉમર ટાઇપ-ર ડાયાબિટીસ કરવા માટે ઘણાં કારણો પૂરા પાડે છે.

મેદસ્વીતા :

પુખ્તવયની વ્યકિતઓમાં વજન વધવાની સાથે ડાયાબિટીસ થવાની શકયતાઓ પણ વધતી જાય છે. મેદસ્વીતાનું પ્રમાણ નકકી કરવા માટે બોડી માસ ઇન્ડેક્ષ તરીકે ઓળખાતો સ્ટેલ માપ વપરાય છે. વ્યક્તિના વજન  (કિલોગ્રામમાં) ને એની ઊંચાઇ (મીટરમાં) ના વર્ગથી ભાગવાથી બોડી માસ ઇન્ડેક્ષની ગણતરી થઇ શકે છે. તંદુરસ્ત વ્યક્તિનો ઇન્ડેક્ષ ૨૭ થી વધારે નથી હોતો.

વ્યક્તિમાં  બોડીમાસ ઇન્ડેક્સ ૪૦ કે તેથી વધારે હોય તો વ્યક્તિને ડાયાબિટીસથવાની શક્યતા નોર્મલ ઇન્ડેક્સવાળી વ્યક્તિ કરતા ત્રણ ગણી વધી જાય છે પરંતુ આ મેદસ્વીતાનું ડાયાબિટીસ સાથેનું સગપણ માનવવંશ (RACE) સાથે બદલાય છે. પીમા ઇન્ડીયન નામના વંશના મેદસ્વી લોકોમાં જેટલા પ્રમાણમાં ડાયાબિટીસ છે તેની કરતાં સોમાં ભાગનો ડાયાબિટીસ અમેરિકન વ્હાઇટસ વંશમાં છે. બીજા એક અભ્યાસ મુજબ માત્ર મેદસ્વીતા જ નહીં પણ શરીરમાં વધારાની ચરબીની જગ્યાને આધારે ડાયાબિટીસ થવાની શકયતા બદલાય છે. પેટની આસપાસ વધુ પડતી ચરબી ધરાવનાર વ્યકિતના કોષો પર ઇસ્યુલીનની અસર ખૂબ ઓછી થાય છે  એટલે કે પેટની આસપાસ વધુ ચરબી જમા થઇ હોય એ વ્યક્તિને ડાયાબીટીસ થવાની શક્યતા વધુ રહે છે (જયારે પગ, સાથળ કે પીઠના નીચેના ભાગે જમા થયેલ ચરબીથી ડાયાબિટીસ થવાની શકયતા વધતી નથી.)

બેઠાડુ જીવન :

વ્યક્તિનું જીવન જેટલું બેઠાડુ એટલી ડાયાબિટીસ થવાની શકયતાઓ વધારે રહે છે. કસરતથી ઇન્સલ્યુલિનની અસરકારકતામાં વધારો  થાય છે. એથલેટ્સ (કસરતબાજો) ના શરીરના કોષો ઇન્સલ્યુલિનની બહુ ઓછી માત્રાથી ગ્લુકોઝ નિયમનનુ કામ કરી લે છે. જયારે બેઠાડુ જીવન જીવનાર વ્યક્તિઓને ગ્લુકોઝ નિયમન માટે વધુ માત્રામાં ઇન્સલ્યુલિન જોઇએ છે. જેમ જેમ વ્યકિત ધનવાન થતો જાય છે તેમ તેમ એની ખાવા પીવા ઊઠવા બેસવાની આદતોમાં કંઇક એવા પરિવર્તનો આવે છે કે જેને કારણે ડાયાબિટીસ થવાની શકયતા વધતી જાય છે. ગામડાઓમાં અને ગરીબ વિસ્તારોમાં રહેતા ભારતીયોમાંથી આશરે એક ટકા લોકો ડાયાબિટીસનો ભોગ બને છે. મુંબઇ, કલકત્તા જેવાં મોટાં શહેરોમાં વસતા ભારતીયોમાંથી બે ટકા લોકો ડાયાબિટીસનો શિકાર બને છે. જયારે પરદેશમાં વસતા ભારતીયોમાંથી ચાર ટકા લોકોને ડાયાબિટીસની બીમારી લાગુ પડે

અન્ય પરિબળો:

શરીરના અન્ય અંત:સ્રાવો (એડ્રીનાલીન, સ્ટીરોઇડ, ગ્લકાગોન, ગ્રોથ હોમોન વગરે) નું પ્રમાણ વધી જાય ત્યારે એમની  ઇન્સલ્યુલિન વિરોધી અસરોને લીધે ગ્લુકોઝ નિયમન ખોરવાઇ જાય છે અને ડાયાબિટીસની બીમારી દેખા દે છે. એ જ રીતે કેટલીક દવાઓ (ડાઇયુરેટીકસ, ગર્ભનિરોધક ગોળીઓ, સ્ટીરોઇડ્રેસ વગેરે) શરીરમાં છુપાયેલ ડાયાબિટીસને છતો કરવામાં ભાગ ભજવી શકે છે. માનસિક તાણને કારણે ડાયાબિટીસ થવાની શક્યતા વધી જાય છે  માનસિક તાણને કારણે શરીરમાં ઇન્સલ્યુલિન-વિરોધી અંતઃસ્રાવોનું પ્રમાણ વધી જાય છે અને ઇન્સલ્યુલિનનુ ઉત્પાદન ઘટી જાય છે જેને પરિણામે લાહીમાં સુગરવધવા લાગે છે. ઘણા દર્દીઓમાં ડાયાબિટીસ કરવા માટે એક કરતાં વધારે કારણો જવાબદાર હોય છે. ડાયાબિટીસની બંદૂકમાં ગોળી ભરવાનું કામ વારસાગત (જનીનિક) પરિબળો કરે છે. જયારે બંદૂક ફોડવાનું કામ રહેણી-કરણી (બાહ્ય પરિબળો) કરે છે. હજી સુધી કોઇ એક ચોકકસ કારણ બધા દર્દીઓને લાગુ નથી પડી શકતું અને મોટા ભાગનાં દર્દીઓમાં ડાયાબિટીસનું કારણ છેક સુધી અજાણ જ રહે છે.

સ્ત્રોત : ડૉ કેતન ઝવેરી ભણશાળી ટ્રસ્ટ સંચાલિત જીવન શેલી કિલનિક, સુરત.

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/5/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate