অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ત્વચા

 

 

હીલ ફિશર(પગની એડીમાં ચીરા પડી જવા)

ક્રેક્ડ હીલ તરીકે પણ ઓળખાતું હીલ ફિશર એક સામાન્ય કોસ્મેટિક સમસ્યા છે, પરંતુ આગળ જતા તે ગંભીર મેડિકલ સમસ્યા નોંતરી શકે છે. હીલ ફિશરને કારણે પગની એડીની, ઉપરના ભાગની ચામડી સખત બની જાય છે, સૂકાઈ જાય છે, ઊંડા ચીરા પડી જાય છે જે ખૂબ જ પીડા આપે છે. ઘણી વાર લોહી પણ નીકળે છે.

ક્રેક્ડ હીલ પગની સામાન્ય સમસ્યા છે જેને હીલ ફિશર્સ પણ કહેવાય છે. ક્રેક્ડ હીલ્સ મુખ્યત્વે સૂકી ત્વચાને કારણે થાય છે.એડીની ચારે તરફની ચામડી જાડી હોય ત્યારે હીલ ફીશર વધુ વણસે છે.

હીલ ફિશર્સ ગમે તે વ્યક્તિને થઈ શકે,પરંતુ તેને કારણે જે જોખમો પરિબળો રહેલા છે તે આ મુજબ છેઃ

 

 

 

 

 

કારણ

  • સૂકા વાતાવરણમાં રહેવું
  • મેદસ્વિતા
  • સતત ખુલ્લા પગે ચાલવું અથવા સેન્ડલ પહેરીને કે પગની પાની ખુલ્લી હોય તેવા જૂતા પહેરીને સતત ચાલવું
  • પરસેવો અનિયમિત રીતે થવો
  • પગની ઘણી સમસ્યાઓની જેમ જો આ હીલ ફિશરની પણ યોગ્ય સારવાર ન કરાય તો તે વધુ જોખમી બની શકે છે અને વધુ ઊંડા ચીરા પડી શકે છે. ખાસ કરીને ડાયાબિટીસ હોય કે ચેપી રોગથી પીડાતા દર્દી માટે તે વધુ જોખમી બની શકે છે.
સારવાર અને રોગ થતો અટકાવવો

પગની પાની પ્રસાધન દ્રવ્યોની મદદથી સતત ભીની રાખવાથી હીલ ફિશર્સથી દૂર રહી શકાય છે. પગમાં ચીરા પડી ગયા હોય તો ચામડીનું જાડું પડ-થર ઘટાડવા માટે હળવો પથ્થર દરરોજ ધીમેધીમે ઘસી શકો છો. ખુલ્લા પગે જવાનું કે ખુલ્લા હોય તે પ્રકારના પગરખા પહેરવાનું ટાળો. પગની પાનીને અડતો પગરખાનો ભાગ નરમ હોય તો તે ચીરા પડવાની આ સમસ્યા હળવી કરવામાં મદદરૂપ થઈ શકે છે.

ઘરગથ્થું સારવાર

ઘેરબેઠા જ આ પગમાં ચીરા પડવાની સમસ્યાની સારવાર માટે રોજ રાત્રે સૂતા પહેલા મોઈસ્ચરાઈઝર(ક્રીમ) લગાવો અને પછી પગની પાની સતત ભીની રહે અને આ મોઈશ્ચરાઈઝર દૂર ન થઈ જાય તેનું ધ્યાન રાખો. જો આમ છતાં પગના ચીરાની સ્થિતિમાં સુધારો ન થાય તો તમારા પોડિયાટ્રિસ્ટ(પગને લગતા રોગોના નિષ્ણાત ફિઝિશિયન)ને કન્સલ્ટ કરો.

સ્રોત: Foot and Ankle Store

એકઝીમા(ખરજવું)

એક્ઝીમા અર્થાત ખરજવું શું છે

એક્ઝીમા અર્થાત ખરજવું એ ત્વચાની એવી સ્થિતિ છે જે સૂકી, ભીંગડા વળી જાય તેવી, ખૂબ જ ખંજવાળ આવે તેવી બનાવી દે છે.

ખરજવું થવાનું કારણ શું છે ?

ખરજવું સામાન્ય રીતે હાઈપરસેન્સિટિવિટી(અતિસંવેદનશીલતા) અથવા એલર્જીને કારણે થાય છે જેને લીધે બળતરા થાય છે. આ બળતરાને કારણે ત્વચા(ચામડી) લાલ, ખંજવાળ આવે તેવી અને ભીંગડાવાળી જાય તેવી થઈ જાય છે.

ખરજવું થવાના સંકેત અને ચિહ્નો શું છે ?

ખરજવું થવાથી ખંજવાળ આવે, ચામડી સૂકાઈ જાય કે લાલાશ પડતી થઈ જાય છે. ગરમી, તણાવ થયો હોય કે ખંજવાળવાથી ઉઝરડા પડ્યા હોય તો આ ખંજવાળ વધે છે. કઈ ઉંમરના લોકોને તે વધુ અસર કરે છે ? ખરજવું શિશુ અને નાના બાળકોમાં વધુ જોવા મળે છે. જોકે મોટા બાળકો અને પુખ્ત વયના લોકોને પણ ખરજવાનો અનુભવ થાય છે.

શરીરના કયા ભાગમાં સામાન્ય રીતે ખરજવું થાય છે ?

ઘૂંટણની પાછળના ભાગમાં, કોણી અને કાંડાના વળાંકમાં, અને ગળું, પગની ઘુંટી અને પગની પાનીમાં ખરજવાની અસર સામાન્ય રીતે જોવા મળે છે. શિશુઓમાં ચહેરાના ગાલ પર ફોડકી(કે ફોલ્લી) થવાનું શરૂ થઈ જાય છે. થોડાં મહિનાઓ પછી હથેળી અને પગમાં પણ ફોલ્લી કે અળાઈ થવા લાગે છે.

કોને ખરજવું થવાની સંભાવના વધારે છે ?

સંધિવા(અસ્થમા) કે દમ જેવી બીમારી ધરાવતા કે ભૂતકાળમાં આવી બીમારી થઈ હોય તેવી વ્યક્તિને ખરજવું થવાની શક્યતા વધારે છે. પરિવારના કોઈ સભ્યને અગાઉ ખરજવું થયું હોય, દમની બીમારી હોય કે શ્વાસ સંબંધિત અન્ય કોઈ એલર્જી હોય તો પણ આવી શક્યતા વધારે રહે છે.

ખરજવું થવાની શક્યતા વધારતા પરિબળો કયા છે ?

ખરજવું થવાની શક્યતા વધારતા અનેક પરિબળો છે જે દરેક વ્યક્તિ મુજબ અલગ-અલગ હોય છે:

  • પર્યાવરણ સંબંધિત પરિબળો(સાબુ, ડિટરજન્ટ્સ, ક્લોરીન અને અન્ય વ્યથિત કરતા પદાર્થો).
  • દૂધ, ઈંડા જેવી કેટલીક ખાદ્યચીજોથી પણ ખરજવું અંગેના લક્ષણો જોવા મળી શકે.
  • તણાવ પણ એક પરિબળ છે.
  • સૂકું વાતાવરણ અને સૂકી ત્વચા પણ ખરજવું થવા કે વધવા માટેના પરિબળ છે.

આવી સ્થિતિને કાબૂમાં લેવા માટે ઉપયોગી સામાન્ય ભલામણો કઈ કઈ છે? ખરજવું માટે કે તેને વધારતા ઉપરોક્ત પરિબળોથી દૂર રહેવાથી તેને આગળ વધતું અટકાવી શકાય છે.

લાંબા ગાળે તેની શું અસર થાય છે ?

  • રોગનો ચેપ
  • ચાંઠા પડી જાય
  • પોસ્ટ ઈન્ફ્લેમેટરી હાઈપોપિગમેન્ટેશન (શરીરના રંગમાં ફેરફાર)
સારવારની આડઅસર કેવી થાય છે ?

સ્ટીરોઈડ મલમ અને સ્ટીરોઈડ દવાઓ ચામડીમાં વધુ બળતરા પેદા કરી શકે છે અથવા ચામડીમાં વિકાર પેદા કરી શકે છે. લાંબા ગાળે ચામડી પાતળી પડતી જાય છે. એન્ટિબાયોટિક્સ દવાઓ ઘણા પ્રકારની આડઅસર ઉત્પન્ન કરી શકે છે. કઈ દવા લેવામાં આવે છે તેના પર તેનો આધાર રહેલો છે. એન્ટિહિસ્ટેમાઈન્સથી સુસ્તી-આળસ થઈ શકે છે.

સોરિયાસીસ(લાલ ચાંઠા પડી જવા)

સોરાયસીસ શું છે ?

સોરાયસીસ બિન-ચેપી, લાંબા સમય સુધી રહેતો ચામડીના વિકારનો રોગ છે. તેમાં ચામડી લાલ ચાંઠા પડી ગયા હોય તેવી થઈ જાય છે. તે ક્રોનિક ડિસઓર્ડર છે, મતલબ કે તેના લક્ષણો વર્ષો સુધી રહે છે. વળી તે સમગ્ર જીવન દરમિયાન ઘણી વાર ઉથલો મારે છે. પુરુષો અને મહિલાઓમાં તે સમાન રીતે અસર કરે છે.

સોરાયસીસ થવાના કારણો શું ?

સોરાયસીસ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ અત્યાર સુધીની માહિતી પરથી એવું માલૂમ થાય છે કે તે મુખ્ય બે પરિબળોને કારણે થતું હોવાની શક્યતા છે:
1. વારસાગત
2. ઓટોઈમ્યુન રિસ્પોન્સ(આપોઆપ થતી પ્રતિક્રિયા)
વ્યક્તિમાં વારસાગત રીતે શરીરની ઈમ્યુન સિસ્ટમ દ્વારા મોકલાવાયેલા ખામીયુક્ત સંકેતો ચામડીના કોષોમાં થતી વૃદ્ધિની ગતિ ઝડપી બનાવી દે છે જેને કારણે આવા કોષો સપાટી પર આવી જાય છે અને શરીર તેને ઝડપથી બહાર ફેંકી શકતું નથી. જોકે ઘણાં દર્દી એવા પણ છે જેમને કુટુંબમાં સોરાયસીસની બીમારી ન હોવા છતાં આ રોગનો શિકાર બન્યા છે.

શા માટે શરીર પર લાલ ચાંઠા જોવા મળે છે ?

શરીરની ચામડીના સૌથી ઉપરના પડ પર ચામડીના કોષોની સંખ્યા વધી જાય છે જેને કારણે લાલ ચાંઠા જોવા મળે છે. સામાન્ય રીતે ત્વચાના કોષો પરિપક્વ બનીને શરીરની ઉપરની સપાટી પરથી નાશ પામે છે. સામાન્ય રીતે આ પ્રક્રિયાને અંદાજે ચાર સપ્તાહનો સમય લાગે છે. પરંતુ સોરાયસીસની બીમારીવાળી વ્યક્તિ દર 3-4 દિવસે ત્વચાના કોષોને બહાર ફેંકવાનું કામ કરે છે. આ વધારાના ત્વચાકોષોને લીધે ચાંઠા પડે છે.

સોરાયસીસ થયું હોવાની ખબર કેમ પડે ?

સોરાયસીસના મુખ્ય લક્ષણોમાં ચામડી પર લાલ ચાંઠા પડી જાય છે, ખંજવાળ આવે છે અને હથેળી અથવા પગની પાની જાડી થઈ જાય, તેમાં ચીરા પડી જાય અને ફોલ્લા પડી જાય કે સોજા ચઢી જાય. આ લક્ષણો સાધારણથી લઈને તીવ્ર હોઈ શકે.

સોરાયસીસના વિવિધ પ્રકારો કયા ?

ચામડી પર પડેલા ચાંઠા અને ચામડીના કયા ભાગમાં ચાંઠા પડ્યા છે તેના આધારે સોરાયસીસના વિવિધ પ્રકારો છેઃ

ઈરીથ્રોડર્મિક: આ પ્રકારના સોરાયસીસથી ચામડી અત્યંત લાલ થઈ જાય છે અને સોજો ચઢી જાય છે.

પ્લાક સોરાયસીસ: સોરાયસીસનો આ વ્યાપક પ્રમાણમાં જોવા મળતો પ્રકાર છે.(લગભગ 80 ટકા લોકોને આ પ્રકારનું સોરાયસીસ થાય છે). તેમાં ચામડી પર લાલ ચાબખા-ચાંઠા ઉપસી આવે છે. આને કારણે સફેદ પોપડા-ભીંગડા થઈ જાય છે. ઘૂંટણ, કોણી, માથાની ચામડી, ધડ અને નખ જેવા ભાગમાં તે વધુ જોવા મળે છે. તેમ છતાં શરીરના ગમે તે ભાગમાં તે જોવા મળી શકે છે.

ઈન્વર્સ સોરાયસીસ: ચામડી જ્યાં વળતી હોય તેવા ભાગમાં સ્મૂધ લાલ ચાંઠા જોવા મળે છે.

ગ્યુટ્ટેટ સોરાયસીસ: પ્રવાહીના ટીપા જેવા લાગતા ચાંઠા પડી જાય છે.

પુસ્ટ્યૂલર સોરાયસીસ: ફોલ્લાં પડી જાય છે જેમાં ઘટ્ટ સફેદ પદાર્થ જોવા મળે છે.

સોરિયાટીક આર્થરાઈટીસ: રહ્યુમેટોઈડ આર્થરાઈટિસ અને સોરાયસીસ એ બન્ને રોગોના લક્ષણો જોવા મળે તેવો આ સંયુક્ત રોગ છે.

સોરાયસીસની તકલીફ વધી જાય તેવા કયા પરિબળો ?

ચોક્કસ પરિબળોને કારણે સોરાયસીસના દર્દીની તકલીફ વધી જાય છે. આ પરિબળો આ મુજબ છે: ચામડીને નુકસાન(રસાયણો, ચેપ, ઉઝરડા, તાપને કારણે ચામડીની બળતરા), દારૂ, હોર્મોનમાં ફેરફાર, ધુમ્રપાન, બીટા-બ્લોકર્સ, નોન-સ્ટીરોઈડ એન્ટી-ઈનફ્લેમેટરી ડ્રગ્સ સહિતની ચોક્કસ દવાઓ અને તણાવ.

આ રોગની લાંબા ગાળે શું અસર થાય છે ?

સોરાયસીસનો રોગ દર્દી પર ભાવનાત્મક અને શારીરિક બન્ને પ્રકારની અસર કરે છે. સંધિવાથી પીડાતા દર્દીને સોરાયસીસ થયું હોય( સોરીયાટિક આર્થરાઈટિસ) તેમને માટે વધુ પીડાદાયક બને છે અને ઘણીવાર પાંગળા બનાવી દે છે.

સોરાયસીસ ચેપી રોગ છે ?

ના, સોરાયસીસ ચેપી રોગ નથી. કોઈપણ વ્યક્તિને અન્ય વ્યક્તિ મારફતે આ રોગ થતો નથી.

સોરાયસીસને કાબૂમાં લઈ શકાય તે માટે શું કરવું જોઈએ ?
  • તડકામાં રહેવાનું ટાળો અને ચામડીને અન્ય કોઈ રીતે ઈજા-નુકસાન થતું અટકાવો
  • દારૂ અને ધુમ્રપાનનું વ્યસન છોડો
  • સોરાયસીસને વિપરીત અસર કરતી દવા લેવાનું ટાળો
  • તણાવમુક્ત રહો, તણાવ ઓછો કરો
  • ચામડીને વધુ પડતી પાણીમાં ન રાખો. હળવું સ્નાન લો, સ્વીમિંગ કરતા હો તો તે પણ મર્યાદિત કરી દો
  • ચામડીમાં ઉઝરડા ન પડે તેનું ધ્યાન રાખો
  • ચામડી સાથે ન ઘસાય તેવા યોગ્ય સ્મૂધ કપડાં પહેરો
  • ચેપ લાગે અને અન્ય બીમારી થાય તો ડોક્ટરનો સંપર્ક કરો
આહારની પરેજી કેટલી જરૂરી ?

આહારની બાબતે વ્યક્તિને જે શ્રેષ્ઠ લાગે તે તેનો રોજિંદો આહાર હોવો જોઈએ. કારણ કે તંદુરસ્ત જીવનશૈલી અને યોગ્ય આહારની ટેવ અન્ય કોઈ સામાન્ય વ્યક્તિની જેમ સોરાયસીસના દર્દી માટે પણ ફાયદાકારક નીવડે છે. ઘણાં લોકો કહેતા હોય છે કે ચોક્કસ ખોરાક લેવાથી તેમની ત્વચા ખરાબ થાય છે અથવા વધુ સારી થાય છે. આથી સોરાયસીસના દર્દી માટે ચોક્કસ કોઈ આહાર નથી. તેમ છતાં તે અંગે ઘણાં સૂચનો કરવામાં આવેલા છે.

સ્કીન ડિસકલરેશન(ત્વચાનો રંગ ઊડી જવો)

હાઈપોપિગમેન્ટેશનના મુખ્ય પ્રકાર કયા છે ?

સ્કીન હાઈપોપિગમેન્ટેશન(ચામડીના રંગમાં મોટાપાયે ફેરફાર)ના મુખ્ય ત્રણ પ્રકાર છે ઃ વિટિલિગો(જેમાં ચામડી સફેદ થઈ જાય છે), પોસ્ટ ઈન્ફ્લેમેટરી હાઈપોપિગમેન્ટેશન(બળતરા થયા પછી ચામડીનો રંગ બદલાઈ જાય), અને એલ્બિનિઝમ અર્થાત રંજકદ્રવ્ય હીનતા(આંખ, ચામડી, વાળમાં રંગદ્રવ્ય મિલેનીનની ઉણપ જોવા મળે છે).

વિટિલિગો મુખ્યત્વે રંગદ્રવ્ય વિનાના ભાગ દ્વારા ઓળખાય છે, જે સમપ્રમાણ જોવા મળે છે. ચામડીના રંગ માટે જવાબદાર કોષો-મિલેનોસાઈટ્સ-ના અભાવને કારણે આમ થાય છે. ડિપિગમેન્ટેશન અર્થાત રંગદ્રવ્ય વિનાની સ્થિતિમાં એક કે બે ટપકાં જોવા મળી શકે અથવા મોટાભાગની ચામડીને પણ તે આવરી લે છે. શરીરના વિટિલિજિનસ ભાગોમાં વાળ પણ સામાન્ય રીતે સફદ હોય છે. ચામડીમાં જ્યાં ઈજા થઈ હોય તે ભાગ અલ્ટ્રાવાયોલેટ કિરણોના પ્રકાશથી ધ્યાનમાં આવે છે.

પોસ્ટઈન્ફ્લેમેટરી હાઈપોપિગમેન્ટેશનમાં કેટલાક બળતરા(દાહ) થાય તેવા વિકારો(ડર્મેટાઈટીસ), દાઝી જવું, ચામડીના રોગનો ચેપ પછી ચામડીનો રંગ બદલાઈ જાય છે. શરીર પર ચાંઠા પડવા અને શરીરના ચોક્કસ ભાગને નકામો બનાવવા સંબંધિત છે. સ્કીન પિગમેન્ટેશન ઘટે છે, પરંતુ વિટિલિગોમાં જોવા મળે છે તેમ ચામડી સાવ દૂધ જેવી સફેદ થઈ નથી જતી. કેટલીકવાર અચાનક રિપિગમેન્ટેશન જોવા મળે છે.

એલ્બિનિઝમ એ ભાગ્યે જ જોવા મળતી વારસાગત માંદગી છે જેમાં મિલાનોસાઈટ્સ હાજર હોય છે, પરંતુ તેમાંથી મિલેનીન બનાવતા નથી. આ મિલેનીન એ ચામડીને રંગ આપતો પદાર્થ છે. તેના વિવિધ સ્વરૂપ છે. ટાયરોસિનેસ-નેગેટિવ એલ્બિનિઝમમમાં વાળ સફેદ થઈ જાય છે, ચામડી નિસ્તેજ ભૂખરા રંગ જેવી થઈ જાય છે, અને આંખ ગુલાબી થઈ જાય છે. આંખ ફરકવી અને દૃષ્ટિમાં ખામી સામાન્ય છે. આવા લોકોએ સૂર્યપ્રકાશમાં બને ત્યાં સુધી ન રહેવું, સનગ્લાસનો ઉપયોગ કરવો અને દિવસ દરમિયાન એસપીએફ 15 જેટલો કે વધારે હોય તેવા સનસ્ક્રીનનો ઉપયોગ કરવો.

આ મુખ્ય ત્રણ પ્રકાકરના હાઈપોપિગમેન્ટેશન ઉપરાંત ચામડીની અન્ય એક સામાન્ય સ્થિતિ જોવા મળે છે જેમાં ચામડીનું ડિપિગમેન્ટેશન થાય છે અર્થાત ભીંગડા વળે છે. આ સ્થિતિ કે અવસ્થાને ટાયરિઆસિસ કહેવાય છે.

વિટિલિગો(ત્વચાનો રંગ સફેદ થઈ જવો)

વિટિલિગો શું છે ?

વિટિલિગો એ આપોઆપ થતી સ્થિતિ છે જેને કારણે ચામડીનો રંગ સફેદ થઈ જાય છે. તેમાં ચામડી પર ખૂબ નજીક એવા દૂધ જેવા સફેદ રંગના ટપકાં થઈ જાય છે. જોકે ચામડીની સામાન્ય સ્થિતિ અને સંવેદના જળવાઈ રહે છે. તેમાં ચામડીમાં ભીંગડા વળતા નથી.

લ્યૂકોડર્મા શું છે ?

લ્યૂકોડર્મા એ વિટિલિગોનું જ બીજું નામ છે: "લ્યૂકો"નો અર્થ થાય છે સફેદ અને "ડર્મા"નો અર્થ થાય છે ચામડી(ગ્રીક ભાષાનો મૂળ શબ્દ)

વિટિલિગો થવાનું કારણ શું ?

  • વિટિલિગો મુખ્યત્વે ચામડીના મિલાનોસાઈટ્સ(ચામડીના રંગ માટે જવાબદાર કોષો)ને નુકસાન થવાથી કે તેનો નાશ થવાથી થાય છે. વિટિલિગો થવાના કારણો અંગે અલગ-અલગ થિયરી છે:
  • શરીરની ઈમ્યુન સિસ્ટમ મિલાનોસાઈટ્સનો નાશ કરે છે. શરીર જે પદાર્થને બાહ્ય પદાર્થ તરીકે પ્રતિસાદ આપે છે તેને કારણે તેનો નાશ થાય છે(આ સૌથી વધુ સ્વીકૃત થિયરી છે).
  • આનુવંશિક ખામીનેકારણે મિલેનોસાઈટ્સ ઈજા સામે ટકી શકતા નથી.
  • અસામાન્ય રીતે કામ કરતા જ્ઞાન તંતુઓ(કોષો) ઝેરી પદાર્થો ઉત્પન્ન કરે છે જે મિલેનોસાઈટ્સને નુકસાન કરે છે.
  • સંશોધકો માને છેકે આ બધી થિયરીઓને પરસ્પર જોડવામાં આવે તો સૌથી શ્રેષ્ઠ તારણ બહાર આવી શકે છે.

વિટિલિગોને અન્ય કોઈ સ્થિતિ-અવસ્થા સાથે જોડી શકાય ?

હા, અન્ય ઓટોઈમ્યુન ડિસઓર્ડર(આપોઆપ થતી માંદગી) સાથે તેને જોડી શકાય છે

એક્ન(ખીલ, ફોલ્લી)

એક્ને વલ્ગરીસ(તેના માટે પિમ્પલ શબ્દ વધુ પ્રચલિત છે) એ ત્વચાને લગતી બીમારી કે વિકાર છે

લક્ષણો

  • 20થી 40 વર્ષની વય વચ્ચે તે જોવા મળે છે છતાં મોટાભાગે પ્રજનનક્ષમ અવસ્થામાં તે જોવા મળે છે.
  • કાળી અણીવાળી ફોડકીઓ, પરુ, ચામડી લાલ થઈ જવી અને ઉપસી આવવી, ચહેરા, પીઠ અને છાતી પર ફોલ્લી થવી કે ગૂમડાં થવા
  • ચાંઠા પડી જવા
  • પીડા થવી, આળું થવું અને ખંજવાળ-ખુજલી થવી
  • સ્ત્રીને માસિક સ્ત્રાવ પહેલા વધુ અસર થાય

પુરુષોમાં ખીલ વધુ ખરાબ સ્થિતિમાં થાય છે અને મહિલાઓ કરતાં વધુ તકલીફ કરે છે.

કારણો

  • સાચું કારણ જાણી શકાયું નથી. કેટલાક કિસ્સામાં એન્ડ્રોજેન્સ(હોર્મોન્સ) તેનું કારણ બને છે.
  • કેરેટીન નામના પ્રોટીન દ્વારા વાળની કોષિકાઓને કારણે ઘણીવાર કાળી અને સફેદ, અણીવાળી ફોલ્લી થાય છે. વાળની કોષિકાઓમાં ચરબીયુક્ત તેલ જેવું પ્રવાહી રેડાવાથી સેબમ નામનું તૈલી પ્રવાહી અલગ થવાનું ચાલું રહે છે. સેબમ અને ત્વચાના કોષો સાથે રહી શકતા નથી, આથી કોષિકા ફૂલી જાય છે. જો આ રીતે કોષિકા ફૂલવાનું ચાલું રહે તો ફાટી જાય છે અને તેને કારણે બેક્ટેરીયા તેમાંથી બહાર આવે છે(જે સામાન્ય રીતે ચામડી પર જોવા મળે છે) અને ચેપ લગાડે છે(ખીલ, ફોડકી થાય છે) અને તે ધીમે ધીમે મોટું થાય છે.
  • બળતરા કરે તેવા ક્રીમ અને ઓઈલ
  • ચોક્કસ પ્રકારની દવા લેવાથી થાય છે
  • ચામડી સાથે સતત કોઈ વસ્તુનું ઘર્ષણ(જેમ કે મોટરસાઈકલ હેલ્મેટ, ટેલિફોન, વગેરેનો ઉપયોગ)

સરળ ઉપચાર

  • ખીલને હાથ વડે અડીને તેનો ચેપ બીજે ન લગાવો
  • તમારો ચહેરો સ્વચ્છ રાખો
  • કોસ્મેટિક્સનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખો
  • કેટલીક વાર ચોક્કસ પ્રકારની ખાદ્યચીજો પણ ખીલમાં વધારો કરે છે

સ્કેબીસ(ખુજલી)

ખુજલી(ખસ) શું છે ?

સ્કેબિઈઝ અર્થાત ખુજલી કે ખસ એ ચામડી(ત્વચા)નો રોગ છે જે સાર્કોપ્ટસ સ્કેબિઈ નામના પરોપજીવીને કારણે થાય છે. આ નાનકડો એવો જંતુ 0.3 મીમી લાંબો છે જે માઈટ(સુક્ષ્મ જંતુ) તરીકે ઓળખાય છે. માદા પરોપજીવી ચામડીની નીચે દર બનાવે છે, રહે છે અને રોગનો ચેપ લાગે એટલે 2-3 કલાકમાં જ ઈંડા મૂકવાનું શરૂ કરી દે છે. સામાન્ય રીતે તે રોજના 2-3 ઈંડા મૂકે છે. ઈંડાનું સેવન થાય છે અને તેમાંથી 10 જ દિવસમાં પુખ્ત માઈટ્સ બની જાય છે. સ્કેબિઈઝ પ્રમાણમાં ચેપી પ્રકારનો રોગ છે જે નાનકડા માઈટ દ્વારા ફેલાય છે.

કઈ રીતે ફેલાય છે

ખૂજલીનો રોગ એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિના સંપર્કમાં આવવાથી થાય છે. ખાસ કરીને પરસ્પરની ચામડી એકબીજાના સંપર્કમાં આવે ત્યારે તે ફેલાય છે. રોગના ચેપ સાથેની પથારીમાં સૂવાથી, ચેપી કપડાં પહેરવાથી અને હાથ મિલાવવાથી કે હાથ પકડવાથી પણ થાય છે.

માદા માઈટ્સ ચામડીની નીચે દર કરે છે અને ગણતરીના કલાકોમાં(રોજના 2-3 ઈંડા) ઈંડા મૂકવાનું શરૂ કરી દે છે. ઈંડાનું સેવન થાય છે અને તે10 દિવસમાં જ પુખ્ત માઈટ્સ(સુક્ષ્મ જંતુઓ) બની જાય છે. તેના લક્ષણોમાં મુખ્યત્વે ખંજવાળ આવે છે જે અંદાજે 4 સપ્તાહ સુધી રહે છે. અપરિપક્વ માઈટ્સની હાજરીથી થતી સંવેદનશીલતાને કારણે આમ થાય છે.

ખૂજલી-ખંજવાળ થઈ હોય તેવી વ્યક્તિની જ્યાં સુધી સારવાર ન થાય ત્યાં સુધી તે ચેપી ગણાય છે. આવી વ્યક્તિના કપડાં અને પથારી પણ તેની સારવાર ન થાય ત્યાં સુધી ચેપી ગણાય છે. સારવાર પછી વ્યક્તિ અગાઉ જે વ્યક્તિને ખંજવાળ થવાની શરૂઆત થઈ હતી કે જેમને ખૂજલી છે તેના સંપર્કમાં આવે તો તેને ફરી ખૂજલી-ખસ થઈ શકે છે.

લક્ષણો

માઈટ અર્થાત આ સુક્ષ્મ જંતુઓને કારણે લાલાશ પડતા કથ્થાઈ રંગના ચાબખા જોવા મળે છે અને સતત ખંજવાળ આવે છે. રાત્રે ખૂજલી વધી જાય છે. ખસને કારણે વધુ પડતી ખૂજલી ચામડીની અંદર થતા રિએક્શનને કારણે થાય છે. જે વ્યક્તિને સૌપ્રથમવાર ખસ-ખૂજલીનો ચેપ લાગે તેને અનેક સપ્તાહો સુધી(ચારથી છ સપ્તાહો) ખંજવાળ ન આવે તેવું પણ બની શકે છે. પણ સૌપ્રથમ માઈટ સાથે જ ગણતરીના કલાકોમાં ખંજવાળ શરૂ થઈ જાય છે. માઈટ્સ આશરે ત્રણ દિવસ માનવીય ત્વચાથી દૂર રહે છે, તેમ છતાં આવી વ્યક્તિ કે તેની પથારી કે કપડાંના સંપર્કમાં આવનારી વ્યક્તિને તેનો ચેપ લાગી શખે છે. મે-2002માં સેન્ટર ફોર ડિઝીસ કંટ્રોલ(સીડીસી)એ સેક્સુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીસ(જાતીય સંસર્ગથી ફેલાતા રોગ)ની સારવાર માટેની અપડેટેડ માર્ગદર્શિકામાં સ્કેબિઈઝ અર્થાત ખૂજલીનો સમાવેશ કર્યો છે.

કયા ભાગમાં ખૂજલી થઈ શકે ઃ આંગળીઓ અને અંગૂઠા વચ્ચેની ચામડી અને તેની બાજુમાં, બગલ(કાખ)માં, કોણી અને ઘૂંટણના વળાંકની જગ્યાએ, કેડ પાસે, કાંડામાં, ડૂંટી, સ્તન, નિતંબના નીચેના ભાગમાં, ક્યારેક જનનેન્દ્રીયમાં, પેટના નીચેના ભાગમાં, જાંઘમાં ખૂજલી થઈ શકે છે. હાથની હથેળીમાં અને પગની પાનીમાં ક્યારેક જ ખંજવાળ આવે છે અને ગળાના ઉપરના ભાગમાં પણ જવલ્લે જ ખંજવાળ આવે છે. ખંજવાળવાથી ઘણી વાર બેદરકારીમાં પણ માઈટ્સ દૂર થઈ જાય છે. ખૂજલીનો ઉપદ્રવ મોટાભાગે 15થી વધુ માઈટ્સનો નથી હોતો.

વ્યક્તિ ખંજવાળ આવતી હોવા છતાં ખંજવાળે નહીં અથવા તેની રોગપ્રતિકારક પ્રણાલી નબળી હોય ત્યારે હજારોથી લાખોની સંખ્યામાં માઈટ્સ(સુક્ષ્મ જંતુઓ)નો ઉપદ્રવ થઈ જાય છે. આવા દર્દીઓમાં સામૂહિક રીતે રહેતા, મંદબુદ્ધિના લોકો કે શારીરિક રીતે નબળા લોકોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય રોગો જેવા કે લ્યુકીમિઆ, ડાયાબિટીસ, રોગપ્રતિકારક શક્તિ ઘટાડે તેવી દવા લેતા દર્દીઓ, કેન્સર માટેની કીમોથેરપી લેતા દર્દી, અંગ પ્રત્યારોપણ પછી દવા લેતા દર્દી, કે રોગપ્રતિકારક શક્તિ નબળી કરે તેવા અન્ય રોગ ધરાવતા દર્દી(જેમ કે એક્વાયર્ડ ઈમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ કે એઈડ્સ)ને ખૂજલીનો ઉપદ્રવ મોટી સંખ્યામાં સુક્ષ્મ જંતુઓથી થાય છે. આ પ્રકારના ઉપદ્રવથી થતી ખૂજલીને ક્રસ્ટેડ સ્કેબિઈઝ અથવા નોર્વેજિયન સ્કેબિઈઝ કહેવાય છે. આવા દર્દીના માથાની ચામડી સહિત આખા શરીરમાં પોપડા થઈ જાય છે. તેમની ચામડી ભીંગડાવાળી થઈ જાય છે. તેમના નખ પણ ઝાડા અને મોટા થઈ જાય છે.

નિદાન

ખસ કે ખૂજલી પેદા કરનારા સુક્ષ્મ જંતુઓ(માઈટ્સ) તેના દરમાંથી કઈ રીતે ફેલાય છે તેનું નિરીક્ષણ કરીને તેનું નિદાન કરી શકાય છે. દર પૂરું થતું હોય ત્યાં થયેલાં ઢીમણાને ફોડવા માટે સ્ટરીલાઈઝ્ડ(જંતુરહિત) સોયનો ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા તત્વો સ્લાઈડ પર લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. ત્યારબાદ સુક્ષ્મજંતુને માઈક્રોસ્કોપ(સુક્ષ્મદર્શક યંત્ર) હેઠળ જોઈને ઓળખી શકાય છે.

કેટલીક વાર કૂતરાઓ પર રહેલા સુક્ષ્મ જંતુઓનો ચેપ માનવીને લાગી શખે છે. આ માઈટ્સ માનવી પર વધુ સમય સુધી જીવિત રહી શકતા નથી, આથી તેનો ચેપ ખૂબ જ હળવો હોય છે.

સારવાર

ખૂજલીની સારવાર માટે શરીર પર અનેક પ્રકારના મલમ(સામાન્ય રીતે પાંચ ટકા પરમીત્રિનયુક્ત) લગાવી શકાય છે અને તેને 12-24 કલાક સુધી લગાડી રાખવામાં આવે છે. આમ તો બે-ચાર દિવસમાં સારું થઈજાય ત્યાં સુધી લગાડવામાં આવે છે, પરંતુ તેમ છતાં જંતુઓ રહી ગયા હોય તો એક સપ્તાહ પછી ફરી મલમ લગાડવો પડે છે. ખંજવાળ ઓછી કરવા માટે કેલેમાઈન લોશન અથવા એન્ટીહિસ્ટેમાઈન દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

ખૂજલીનો રોગ થતા કઈ રીતે અટકાવશો

ખૂજલી-ખસ ન થાય તે માટે સારું આરોગ્ય અને સ્વચ્છ શરીર રાખવું જરૂરી છે. દરરોજ વ્યવસ્થિત સ્નાન કરવું જોઈએ, સ્વચ્છ ધોયેલા કપડાં પહેરવા જોઈએ. અન્ય વ્યક્તિએ પહેરેલા કપડાં ન પહેરવા જોઈએ. ઘરના એકથી વધુ સભ્યને ખૂજલી થઈ હોય તો દરેકે સારવાર લઈ લેવી જોઈએ. ઘરના કોઈ એક સભ્યને ખૂજલી હોવાનું નિદાન થાય તો તે વ્યક્તિના તાજેતરમાં પહેરેલા કપડાં અને તેની પથારી-ઓઢવાની ચાદર વગેરે અત્યંત ગરમ પાણીમાં બોળીને ધોઈ નાખવા જોઈએ તથા તેને સૂર્યની ગરમીમાં સૂકવી નાખવા જોઈએ.

 

 

 

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate