કુટુંબપ્રથાનો મુખ્ય આધાર ઘરના વડિલ હોય છે, જેની જવાબદારી પોતાના પરિવારના ભરણ-પોષણ અને વિકાસની હોય છે. આપણાં સમાજમાં પુરુષોના ભાગે વિશેષ જવાબદારીઓ અદા કરવાની રહે છે, જેના પાલનમાં ઘણી વખત પુરુષો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યેની દરકાર યોગ્ય રીતે લઈ શકતા નથી અથવા તેને નજરઅંદાજ કરે છે. પરંતુ આવું કરવું એ સ્વયંની સાથે અન્યાય કરવા બરાબર છે. જો પુરુષો તન-મન અને ધનથી સ્વસ્થ રહે તો પોતાનું અને પોતાના પરિવારનું ક્ષેમ-કુળશ પોષણ કરી શકે. વિશ્વસ્તરે પણ નવેમ્બર માસમાં આ વિષયને ધ્યાનમાં લઈને ઘણાં લોકજાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યાં છે. નવેમ્બર ઈઝ મુવેમ્બર આવી જ એક પહેલ છે. આજે આપણે પૂરૂષોમાં થતા વિવિધ રોગો અને કૅન્સર વિશે થોડી માહિતી મેળવીશું.
મેડિકલ સાયન્સમાં મૂત્રરોગ સંબંધિત શાખાને યુરોલૉજી કહેવામાં આવે છે. આપણાં શરીરમાં આવેલી બે કિડની, યુરેટર, યુરીનરી બ્લેડર, પ્રોસ્ટેટ, યુરેથ્રા અને વૃષણનો તેમાં સમાવેશ થાય છે. સામાન્યત: મૂત્રરોગ સંબંધિત સમસ્યાઓમાં કિડનીમાં પથરી થવી, પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટ, યુરીનરી ઇન્ફેક્શન્સ થવાના કેસીઝ જોવા મળે છે. આ સિવાય પ્રમાણમાં ઓછાઅંશે પ્રોસ્ટેટ, કિડની, બ્લેડર અને ટેસ્ટીસમાં કૅન્સર થવાના કિસ્સા પણ જોવા મળે છે.
વર્તમાન સમયમાં પ્રોસ્ટેટ કૅન્સરની સાથે સાથે પુરુષ સંબંધિત સ્વાસ્થ્ય સમસ્યાઓમાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, આ માટે કારણભૂત પરિબળો જોઈએ તો, 60ની વય વટાવતા પુરુષોમાં થતી સ્વાસ્થ્ય સમસ્યાઓ, ગ્રામિણ અને શહેરીસ્તરે સુધરેલી સ્વાસ્થ્ય સુવિધાઓનો લાભ લઈ નિયમિત સ્વાસ્થ તપાસ કરાવવાથી નિદાન થતા રોગો. આ સિવાય યુવાવયે પ્રતિસ્પર્ધા, મહત્વાકાંક્ષાઓ, જીવનજીવવાના બદલાત દ્રષ્ટિકોણ અને સફળતાની ઘેલછા તથા નાની બાબતોમાં થતો ગંભીર તણાવ વિગેરેને કારણે યુવાનોમાં આત્મહત્યાનું પ્રમાણ પણ વધ્યુ છે.
આ ઉપરાંત સ્વાસ્થ્ય સુવિધાઓ અને ટૅક્નોલૉજીને કારણે તથા બદલાયેલા ખાન-પાનની ખોટી રીતભાતને કારણે ભૂતકાળની સરખામણીમાં હાલમાં યુવાનોમાં કિડનીમાં સ્ટૉનની સમસ્યાઓ પણ વધારે જોવા મળી રહી છે.
આપણાં દેશની સાથે સાથે જો અમેરિકાની પણ વાત કરવામાં આવે તો, ત્યાં 50ની વય વટાવી ચૂકેલા પુરુષોમાં પ્રોસ્ટેટ કૅન્સર મોસ્ટ કોમન કૅન્સર ગણાવા લાગ્યુ છે. સામાન્ય રીતે પી.એસ.એ. નામના લોહીના રિપોર્ટ પરથી પ્રોસ્ટેટ કૅન્સર છે કે નહી તેની જાણકારી મેળવી શકાય છે. જો તપાસ દરમિયાન પી.એસ.એ 4 થી વધારે હોય તો યુરોલૉજીસ્ટ પ્રોસ્ટેટની બાયોપ્સી કરાવે છે અને જો બાયોપ્સીમાં કૅન્સર હોવાનું નિદાન થાય તો, રૅડિકલ પ્રોસ્ટેટ દ્વારા સ્ટેજ-1નું કૅન્સર ક્યોર કરી શકાય છે. પ્રોસ્ટેટ કઢાવી નાંખવાની સર્જરી માટે હવે ઓપન સર્જરી અને રોબોટીક સર્જરી એમ બન્ને વિકલ્પો ઉપલબ્ધ છે. દર્દી સર્જરીના ચોથા કે પાંચમા દિવસે રજા લઈને ઘરે જઈ શકે છે. રિકવરી પણ ખૂબ ઝડપી આવે છે. જોકે રૅડિકલ પ્રોસ્ટેટ સર્જરી પછી વીર્યસ્ત્રાવ થતો નથી અને લિંગ ઉત્થાનની ઓછા વધતા અંશે સમસ્યા થઈ શકે છે. વૃધ્ધ દર્દીઓમાં તથા જે કિસ્સામાં સર્જરી શક્ય ન હોય ત્યારે રૅડિયોથેરપી પણ ઉત્તમ પરિણામ આપે છે.
જો કેન્સર પ્રોસ્ટેટની બહાર ફેલાયેલું હોય (સ્ટેજ 3 અથવા 4), તો દર્દીના શરીરમાંથી ટેસ્ટોસ્ટેરોનને પાછું ખેંચી અથવા અવરોધિત કરીને હોર્મોનલ ચિકિત્સા આપવામાં આવે છે. આ રોગ થોડા મહિના માટે નિયંત્રિત કરી શકાય છે પરંતુ અંતે દર્દી રોગના 3 અને 4 - તબક્કામાં પહોંચી શકે છે. આ માટે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે રોગનું નિદાન પ્રારંભિક તબક્કામાં જ થઈ જાય, જેથી યોગ્ય સારવાર મળી રહે. પ્રોસ્ટેટના કેન્સર વંશાગુત સમસ્યા પણ કહેવામાં આવે છે, એટલે પ્રોસ્ટેટ દર્દીઓના પુરુષ સંબંધીઓએ આ બાબતે નિયમિત ચકાસણી કરાવવી જોઈએ અથવા પી.એસ.એ ટેસ્ટ કરાવવો જોઈએ.
કિડની સંબધિત કૅન્સરમાં પણ વર્તમાન સમયમાં વધારો જોવા મળ્યો છે. જો તેનું વહેલું નિદાન થઈ જાય તો કિડનીનો કેટલોક ભાગ દૂર કરી (પાર્શિયલ નેફ્રેક્ટૉંમી) દર્દીની સર્જરી કરવામાં આવે છે. પરંતુ જો કિડનીમાં કૅન્સરની ગાંઠ વચ્ચે હોય અથવા આઠ સેમીથી વધારે મોટી હોય તો આખી કિડનીને લેપ્રોસ્કૉપી કે રોબોટિક ટૅક્નોલૉજીની મદદથી દૂર કરવામાં આવે છે. કિડનીનું કૅન્સર એક જટિલ રોગ કહી શકાય, જેમાં સારવાર માટે કિમોથેરપી (ટાર્ગેટેડ થેરપી) આપવામાં આવે છે, જે રોગને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. આ કિસ્સાઓમાં પણ જો રોગની જાણ શરૂઆતના તબક્કામાં જ થઈ જાય તો બહેતર પરિણામ મેળવી શકાય છે. મૂત્રાશયના કેન્સરમાં જો નાની ગાંઠ હોય તો એન્ડોસ્કૉપિક સર્જરી ઉપયોગી બને છે પરંતુ જો ગાંઢ મૂત્રાશયની દિવાલ બહાર સુધી પ્રસરી ગઈ હોય તો આખુ મૂત્રાશય કાઢવુ પડે છે. ત્યારબાદ આંતરડાંના નાના ભાગને લઈને એક નવું બ્લેડર બનાવી તેને મૂત્રમાર્ગ સાથે જોડવામાં આવે છે. આ એક જટિલ સર્જિકલ પ્રક્રિયા છે જેને આ વિષયના નિષ્ણાતો દ્વારા જ કરવામાં આવે છે.
ટેસ્ટીસ કૅન્સર (વૃષણનું કૅન્સર) જીવનના બીજા કે ત્રીજા દાયકામાં સામાન્ય રીતે જોવા મળે છે. તેનુ નિદાન કેટલાક લોહીના પરિક્ષણો, ટ્યુમર માર્ક્સ તથા સોનોગ્રાફી કે સીટી-સ્કેન પરથી કરવામાં આવે છે. આવા કૅન્સરમાં સર્જરીના ખૂબ સારા પરિણામો મળે છે. અને જો કૅન્સર વધારે પ્રસરી ગયું હોય તો કિમોથેરપી પણ આપવામાં આવે છે.
પુરુષોમાં સર્વાધિક 60ની વય બાદ પ્રોસ્ટેટ એનલાર્જમેન્ટની સમસ્યા જોવા મળે છે. જો કે દવાઓ અને અન્ય તબીબી પ્રક્રિયાઓને કારણે તેની કાબૂમાં લઈ શકાય છે.પરંતુ જો અન્લાર્જમેન્ટ ચાલુ રહે તો એન્ડોસ્કૉપિક સર્જરી બહેતર પરિણામ આપી શકે છે.
પુરુષોમાં થતાં રોગો વિષે યોગ્ય જાણકારીના અભાવે શરીરમાં રોગ વધુ પ્રસરીને નુક્સાન કરે તેના કરતા સામાન્ય લક્ષણોને જાણી યોગ્ય સમયે સચોટ નિદાન કરાવવું ખૂબ જરૂરી છે. રોગને જાણો, ચેતો અને અટકાવો એ સૂત્રને ધ્યાનમાં રાખી પ્રત્યેક પુરુષે પોતાના સ્વાસ્થ્ય માટે સજાગ બનવું જોઈએ એ જ સ્વયંનું અને પોતાના પરિવારની પ્રાથમિક આવશ્યક્તા સમાન છે.
લેખ : ડૉ.જનક દેસાઈ (યુરોલૉજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/22/2020