ઓસ્ટીઓપોરોસીસ એ હાડકાં ઘસાવાને કારણે થતો રોગ છે. એ હાડકાંનાં ચયાપચય સંબંધિત રોગ છે. સામાન્ય રીતે હાડકાંનાં બે ભાગ હોય છે. બહારનો મજબૂત ભાગ (કોર્ટેક્સ) અને અંદરનાં તંતુઓનું જુથ જેને ટ્રેબેક્યુલે કહેવાય છે અને જે હાડકાંને મજબૂતાઈ બક્ષે છે. હાડકાંઓનું દળ (જથ્થો) ૩૫ વર્ષ સુધી વધીને સ્થિર થાય છે. આ પ્રક્રિયા હાડકાંનાં પુનર્ગઠન ને કારણે થાય છે. આ એક હાડકાંનું તુટવાનું અને પુનર્ગઠન થવાનું ચક્ર છે. ૪૦ વર્ષની વયની આસપાસ હાડકાંનો તુટવાનો દર હાંડકાંનાં પુનર્ગઠનનાં દર કરતાં વધી જાય છે. જેને કારણે હાડકાંનાં દળમાં ઘટાડો થાય છે અને હાડકામાં કેલ્શિયમ નો જથ્થો ઘટે છે. સ્ત્રીઓમાં આ ઉંમર સંબંધિત હાડકાંનાં ઘસારા ઉપરાંત મેનોપોઝ અને તેને લીધે ઈસ્ટ્રોજન નામનાં સ્ત્રીઓનાં અંત:સ્ત્રાવનાં ઘટાડાનાં કારણે કોર્ટીકલ અને ટ્રેબેક્યુલર હાડકાંનો ઘસારો થાય છે. જેમને ઓસ્ટીઓપોરોસીસ રોગ થયો હોય તેવા વ્યક્તિઓમાં કોર્ટીકલ અને ટ્રેબેક્યુલર હાડકાંમાં ૩૦ થી ૪૦ % ઘસારો થાય છે. જેને કારણે હાડકાં બરડ બને છે અને ફ્રેકચર થવાનો ખતરો રહે છે. ઓસ્ટીઓપોરોસીસનાં વિકાસમાં ઘણાં પરિબળોનું યુગદાન હોય છે. ધુમ્રપાન, દારૂ ને બેઠાડું જીવનને કારણે આ વિકૃતિ વધવાનો ખતરો રહે છે. ઉંમર અને જાતિ પણ આમાં ઉમેરો કરતાં પરીબળો છે. સ્ત્રીઓમાં મેનોપોઝ પછી ઘટતાં ઈસ્ટ્રોજન અંત:સ્ત્રાવને કારણે પણ ઓસ્ટીઓપાઈરોસીસ વધવાની શક્યતા રહે છે. વધુમાં પુરૂષોમાં હાડકાંનું બંધારણ સ્ત્રીઓ કરતાં વધુ મજબુત હોય છે. જેથી પુરૂષોમાં આવી શક્યતાઓ ઓછી હોય છે
વિટામીન ડી
સુકતાન (રીકેટ) બાળપણમાં થતો અંત્યંત સામાન્ય રોગ મનાતો હતો. સુકતાન (રીકેટ) એ એક જુનાં અંગ્રેજી શબ્દ twist અથવા wrick પરથી બનેલો છે તથા સુકતાન થયેલ બાળકો તેમનાં ધનુષ્યની જેમ વળી ગયેલાં પગ અને કઠણ ઘૂંટણથી ઓળખી શકાય છે. સુકતાન એ વિટામીન ડી ની ઉણપને કારણે થતો રોગ છે. વિકાસ દરમ્યાન મનુષ્યનાં હાડકાં કેલ્શિયમ, ફોસ્ફરસ તથા વિટામીન ડીનાં સંયોજનથી બને છે. કેલ્સીફીકેશનની પ્રક્રિયા દરમ્યાન કેલ્શિયમ અવિકસિત હાડકાં (ઓસ્ટીઓઈડ) પર જમા થાય છે અને અવિકસિત હાડકાંને વિકસિત સ્વરૂપમાં બદલે છે. પરંતુ ખોરાકમાં ઉપલબ્ધ કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે શરીરને વિટામીન ડી ની જરૂર હોય છે. સુકતાનમાં આ મહત્વપૂર્ણ વિટામીનની ઉણપને કારણે પુરતું કેલ્શિયમ ઉપયોગમાં લેવાતું નથી. જેને કારણે કેલ્સીફીકેશન ની પ્રક્રિયા અપૂરતી થાય છે અને હાડકાં યોગ્ય આકારનાં નથી રહેતાં. વિટામીન ડી એ એક માત્ર વિટામીન છે જે ખોરાક દ્રારા પણ પ્રાપ્ય છે અને શરીર દ્રારા પણ તેનું નિર્માણ થાય છે. આમ તો વિટામીન ડી વધુ ચરબી હોય તેવા દૂધ, ચીઝ, માછલી તથા માંસમાં થી મળતું હોય છે. પણ આ પ્રમાણ દૈનિક જરૂરિયાતનાં ફક્ત ૧૦ % જેટલું હોય છે. બાકીનાં ૯૦% વિટામીન ડી નું નિર્માણ શરીર દ્રારા થાય છે. સુર્યનાં પારજાંબલી કિરણો ત્વચામાં રહેલ ૭-ડાયહાઈડ્રોકોલેસ્ટેરોલને વિટામીન ડી૩ માં તબદીલ કરે છે. આ વિટામીન ડી૩ કેલ્સીટ્રાઓલ નામનાં અંત:સ્ત્રાવમાં (જે વિટામીન ડી૩ નું સક્રિય સ્વરૂપ છે) મૂત્રપિંડની મદદથી તબદીલ થાય છે. વિટામીન ડી વગર શરીર ખોરાકમાં ઉપલબ્ધ ફક્ત ૧૦ થી ૧૫% કેલ્શિયમનું શોષણ કરી શકે છે. વિટામીન ડી, કેલ્શિયમ અને ફોસ્ફેટનું સંતુલન હાડકાંનાં વિકાસ અને મરામત માટે ખાસ કરીને બાળકોમાં જરૂરી છે. આ ઉણપ વૃધ્ધ વ્યક્તિઓમાં પણ થઈ શકે છે.ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/28/2019