આયુર્વેદની દ્રષ્ટિએ પાંડુરોગ પાંચ પ્રકારનો માનવામાં આવેલ છે. જુદા જુદા પ્રકારનાં લોહીની ઉણપનાં રોગોનો આ પાંચમાં સમાવેશ થાય છે. બીજા રોગના ઉપદ્રવ તરીકે પણ પાંડુ થાય છે. દા.ત. હુકવર્મ. આપણે અહીં રક્તસ્ત્રાવજન્ય પાંડુરોગ (Hemargic Aneamia) વિષે વાત કરવા માગીએ છીએ. જેમાં રક્ત પ્રમાણ અને લોહતત્વની ખામી હોય છે. રક્તસ્ત્રાવ ઉપરાંત પૌષ્ટિક આહારનો અભાવ, મંદાગ્નિ જેવા પાચનને લગતા વ્યાધિથી પણ લોહતત્વની ખામીવાળો પાંડુરોગ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે હરસમાંથી લોહી પડવું, પેટના અલ્સરમાંથી રક્તસ્ત્રાવ થવો, મહિલાને માસિક વધારે આવવું વગેરે રક્તસ્ત્રાવજન્ય ઉપદ્રવો પાંડુરોગ ઉત્પન્ન કરે છે. કારણ કે ગુમાવેલ રક્ત ઝડપથી વધતું નથી.
શરીરને પૂરતા પ્રમાણમાં હીમોગ્લોબીન ઉત્પન્ન કરવા માટે ૨૭ મી. લોહતત્વની જરૂર પડે છે. વપરાયા પછી તુટી ગયેલા રક્તકણોમાંથી ૨૦ મી.ગ્રા. મળે છે. બાકી રહે તો પૌષ્ટિક ભોજન મારફત મેળવવાનું હોય છે. જો આ ખામી ભોજન મારફત પુરી થાય નહીં તો લોહયુકત ઔષધો વાપરવા પડે છે કારણ કે, લોહતત્વથી રકતાણું નિર્માણમાં ઝડપ આવે છે. સાધારણ રીતે ૧૦૦ મી. સીરમમાં આશરે ૯૦ થી ૧૫૦ માઇકોગ્રામ લોહ હોય છે. એક ગ્રામ હીમોગ્લોબીનમાં ૩.૩ મી. લોહ હોય છે. આશરે શરીરમાં કુલ ૪.૫ ગ્રામ લોહ હોય છે.આશરે ૧૪।। ગ્રામ હીમોગ્લોબીન નોરમલ ગણવામાં આવે છે. ૧૨ ગ્રામ સુધી ઔષધની જરૂર રહેતી નથી. લીલા શાકભાજી ફ્રૂટ અને દૂધ બરોબર લેવાથી ખામી દૂર થાય છે. પાચનશકિત નબળી હોય, આંતરડાના અન્ય કોઇ રોગ હોય તો પણ લોહતત્વની ખામી ઉભી થાય છે. આયુર્વેદમાં બતાવેલ છે કે પિત્તપ્રકોપ કરનારા આહાર વિહારથી લોહતત્વની ખામીવાળો પાંડુરોગ ઉત્પન્ન થાય છે. પાંડુરોગ થવાનાં સામાન્ય કારણો આપતાં કહે છે કે, અત્યંત ખારા, ખાટા, તીખા પદાર્થોનું લાંબો સમય સેવન કરવાથી, અતિપ્રમાણમાં નિયમિત દારુ પીવાથી, અતિશય જાતીય સુખ ભોગવાવથી, માટી ખાવા વગેરેથી પાંડુરોગ થાય છે. આ પાંડુરોગમાં લોહતત્વની ખામી પણ હોય છે.
આ વ્યાધિ કોઇ વખત ઔષધો લેવા છતાં કાયમી મટતો નથી. ઉથલા માર્યા કરે છે. આ વ્યાધિમાંથી કાયમ સારા થવા માટે આગળ આપેલ કારણો ત્યજવા અને ધીરજપૂર્વક આયુર્વેદિક ઔષધો લેવાથી સારું થાય છે. હરસ કે અન્ય કારણે રક્તસ્ત્રાવથી થયેલા પાંડુરોગમાં પિત્તશામક, રકતવર્ધક અને બલ્ય ઔષધો લેવા, ગરમ આહારવિહાર ત્યજવો, સારી ફાર્મસીનું પુષ્યાનુગ ચૂર્ણ-૨ ગ્રામ, પૂનર્નવા મંડૂર ૨ રતિ, પ્રવાલપિષ્ટિ ૨ રતિ, એક પડીકામાં મેળવી બે થી ત્રણ વખત લેવું. લોહાસવ અને ઉશીરાસવ મેળવી પાણી સાથે જમ્યા પછી લેવો. પ્રવાલમાક્ષિક, ધાર્તીલોહના પરિણામો પણ સુંદર છે. કબજિયાત હોય તો ગરમ ઔષધો લેવા નહીં, પરંતુ ત્રિફળા જેઠીમધ અને દ્રાક્ષ મેળવી ઉકાળો બનાવી સવાર કે રાત્રે લેવો. સારું પરિણામ મળશે
સ્ત્રોત: હેલ્થી ગુજરાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020