વિટામિન સીની ઊણપનાં લક્ષણો : વિટામિન સીની કમીથી ઉત્પન્ન થતા સૌથી અગત્યના રોગને સ્કર્વી કહે છે. ભૂતકાળમાં અમુક પ્રકારની આહારપદ્ધતિઓ તથા વૈજ્ઞાનિક સમજના અભાવને કારણે ઘણા લોકો આ રોગના શિકાર બનતા હતા ને અકાળે મૃત્યુ પામતા હતા, પરંતુ હવે વૈજ્ઞાનિક શોધ-સંશોધન તેમજ પર્યાપ્ત અન્ન અને આહારના કારણે આ તકલીફ એટલી માત્રામાં વ્યાપ્ત નથી. અલબત્ત, હજુય દુનિયાના ગરીબ દેશોમાં કુપોષણના કારણે વિટામિન સીની કમી સર્જાવાને લીધે સ્કર્વી જોવા મળતો હોય છે.
સ્કર્વીનાં લક્ષણો: વિટામિન સી કોલેજનના નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે. કોલેજન લોહીની નસોની દીવાલના નિર્માણમાં અને તેમને મજબૂતાઇ આપવામાં અગત્યનો ભાગ ભજવે છે. વિટામિન સીની ઊણપને લીધે લોહીની નસો નબળી પડી જાય છે અને તેમાંથી લોહી લીક થવા લાગે છે. સૌપ્રથમ તેનાં લક્ષણો પગ અને જાંઘમાં જોવા મળે છે. ત્યાં ચામડીની નીચે લોહી જમા થવાના કારણે કાળા ધબ્બા પડવા લાગે છે. દાંત અને પેઢાંમાંથી લોહી વહેવા લાગે છે. દાંત ધીમે ધીમે તેમના સ્થાનમાંથી ઢીલા પડી જતા હોય છે અને તૂટવા લાગે છે. આ સિવાય શરીરનાં આંતરિક અંગોમાં પણ રક્તવાહિનીઓમાંથી લોહી વહેવાના કારણે હેમરેજ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. બ્રેઇન હેમરેજ, આંતરડાંમાં હેમરેજ, આંખોમાં હેમરેજના કારણે આ અંગોની કાર્યશક્તિમાં વિક્ષેપ પડે છે. સમયસર આ સમસ્યાનું નિદાન તથા ઇલાજ કરવામાં ન આવે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઇ શકે છે.
વિટામિન સીની ઊણપનાં લક્ષણો તાત્કાલિક જોવા મળતાં નથી. દરેક વ્યક્તિમાં વિટામિન સી અમુક માત્રામાં સંગ્રહ થયેલો હોય છે. આ કારણસર જો સતત અમુક દિવસો સુધી વિટામિન સી રહિત ખોરાક લેવામાં આવે તો જ સ્કર્વીનાં લક્ષણો જોવા મળતાં હોય છે. સામાન્ય રીતે તંદુરસ્ત વ્યક્તિમાં ત્રણ મહિના સુધી ચાલે તેટલું વિટામિન સી સંગ્રહ થયેલું હોય છે. આ કારણસર તેઓ ત્રણ મહિના સુધી વિટામિન સી વગર જીવી શકે છે.
વિટામિન સી અને હૃદયની તકલીફો : વિટામિન સી એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. એન્ટીઓક્સિડેશન પ્રક્રિયાના કારણે એથેરોસ્કેલેરોસીસ (લોહીની નસોની દીવાલો જાડી થઇ જવી) જેવી પ્રક્રિયા અટકાવી શકાય છે. વિશ્વમાં થયેલા એક અભ્યાસના તારણમાં કેનેડિયન ડોક્ટર સલીમ યુસુફે જણાવ્યું હતું કે જેમના આહારમાં ફળો અને શાકભાજીની માત્રા ઓછી હોય છે તેવી વ્યક્તિઓમાં હૃદયની તકલીફો થવાની સંભાવના વધારે હોય છે. ફળોમાં રહેલાં ફાઇબર્સ, વિટામિન્સ, મિનરલ અથવા કોઇ અન્ય તત્ત્વના કારણે હૃદય અને રક્તવાહિનીઓને રક્ષણ મળતું હોય તે શક્ય છે. એક અન્ય અભ્યાસમાં દરરોજ લેતા હોય તે ઉપરાંત પ૦ ગ્રામ ફળ અને શાકભાજી લેવાથી ચાર વર્ષ પછી આ વ્યક્તિઓમાં મૃત્યુદર ઘટેલો જોવા મળ્યો હતો, પરંતુ આ બધા જ વૈજ્ઞાનિક અભ્યાસો અંતિમ નિર્ણય સુધી પહોંચ્યા નથી.
વિટામિન સી અને કેન્સર : વિટામિન સી કેન્સર અટકાવવામાં મદદરૂપ થઇ શકે એવું અમુક વૈજ્ઞાનિકો માને છે. ધૂમ્રપાન કરનારી વ્યક્તિઓમાં વિટામિન સીની માત્રા ઓછી હોય છે. તેમને કેન્સર થવાની સંભાવના વધારે હોય છે, એટલું જ નહીં બીજા અન્ય અભ્યાસમાં વિટામિન સીની માત્રા જેમનામાં ઓછી હતી તેવી વ્યક્તિઓમાં કેન્સર થવાની સંભાવનાઓ વધારે માત્રામાં જોવા મળી હતી. સ્ર્ાીઓ કરતાં પુરુષોમાં વિટામિન સીની ઓછી માત્રા અને કેન્સર થવાની સંભાવનાઓ વધારે સંબંધ ધરાવે છે.
રોગપ્રતિકારત્મક શક્તિ : વિટામિન સી ઇમ્યુન સિસ્ટમ ઉપર અસર કરે છે. ઇમ્યુન કોષોની રોગપ્રતિકારાત્મક શક્તિ વધારવામાં વિટામિન સી ફાળો આપે છે. વિટામિન સીની કમી ધરાવતી વ્યક્તિમાં ઈન્ફેક્શન થવાની શક્યતા વધુ હોય છે. સામાન્ય શરદી અને ન્યૂમોનિયા જેવી તકલીફો વિટામિન સીની ઊણપ ધરાવતી વ્યક્તિઓમાં વધારે જોવા મળે છે, પરંતુ અહીં પણ વિટામિન સી આવા ઇન્ફેક્શન રોકવા પરના પ્રયોગો કોઇ નિર્ણયાત્મક તારણો પર આવ્યા નથી અર્થાત્ વિટામિન સી આવી તકલીફો રોકવામાં ચોક્કસરૂપે મદદરૂપ થઇ શકે કે નહીં એ જાણતા નથી.
વિટામિન સીની ઊણપનાં અન્ય લક્ષણો : વિટામિન સી લોહીમાં યુરિક એસિડ ઓછું કરી શકે છે. લોહીમાં યુરિક એસિડની વિશેષ માત્રા ગાઉટ જેવી તકલીફ આપી શકે છે. વિટામિન સી પરોક્ષરૂપે યુરિક એસિડ ઘટાડીને આ ગાઉટ થવાની સંભાવના ઓછી કરી શકે છે. સીરીબ્રલ સ્ટ્રોક અથવા પેરાલિસિસવાળી વ્યક્તિમાં વિટામિન સીની માત્રા ઓછી જોવા મળી છે. વિટામિન સીની ર્નોમલ માત્રા ધરાવનાર વ્યક્તિઓમાં બ્રેઇન સ્ટ્રોક અથવા પેરાલિસિસ થવાની શક્યતાઓ ઓછી માત્રામાં જોવા મળે છે. ઉપરાંત ચામડીની, હાડકાઓની તકલીફ, સાંધાની તકલીફો, પ્રેગ્નન્સી તથા અન્ય અનેક તકલીફોમાં વિટામિન સીનો ફાળો જોવા મળ્યો છે.
સામાન્ય રીતે આપણા ખોરાકમાં જ પૂરતા પ્રમાણમાં વિટામિન સી મળી રહેતું હોય છે એટલે તેની અછત સર્જાતી નથી, પરંતુ માંદગી ધરાવતી વ્યક્તિઓ, મોટી ઉંમરની વ્યક્તિઓ, સાવ એકલવાયું જીવન જીવનારા લોકો તથા કુપોષણગ્રસ્ત વ્યક્તિઓમાં વિટામિન સીની અછત સર્જાવાની શક્યતાઓ જણાય છે.
ભોજનમાં વિટામીન સી ની ઉણપના કારણે સ્કર્વી થાય છે.આ પ્રકારના અન્ય કારણોની અસરના લીધે થાય છે જેમ કે:
વિટામિન સીની ઊણપનું નિદાન : વિટામિન સીની ઊણપનું નિદાન સંજોગો તથા તેનાં બાહ્ય લક્ષણો દ્વારા સહેલાઇથી થઇ શકે છે. તેના નિદાન માટે કોઇ વિશેષ લેબોરેટરી ટેસ્ટની જરૂર પડતી નથી અને સામાન્ય લેબોરેટરીમાં તે શક્ય પણ નથી, પરંતુ અમુક વૈજ્ઞાનિક અભ્યાસોમાં શરીરમાં વિટામિન સીની માત્રા જાણવી જરૂરી હોય છે. વિટામિન સીનું પૃથક્કરણ લોહીમાંથી થઇ શકતું હોય છે, પરંતુ લોહીમાં તેની માત્રા વિટામિન સીની ઊણપનું ચોક્કસ નિદાન કરી શકતું નથી. કારણ કે તે દૈનિક આહાર ઉપર નર્ભિર હોય છે. વિટામિન સીની ઊણપનું ચોક્કસ નિદાન લોહીમાં આવેલ શ્વેતકણ લીમ્ફોસાઇટમાં તેની કેટલી માત્રા છે તેનાથી જાણી શકાય છે કારણ કે તે વિટામિન સી શરીરમાં કેટલો સંગ્રહ ધરાવ છે તેની માત્રા જણાવે છે. વિશષ્ટિ ટેસ્ટ અમુક વિશેષ લેબોરેટરીમાં જ ઉપલબ્ધ હોય છે. આમ વિટામિન સીની ઊણપ સ્કર્વી જેવા વિશષ્ટિ તથા શરદી, ન્યૂમોનિયા જેવી કોમન અને હૃદયની તકલીફો તથા કેન્સર જેવી ગંભીર તકલીફો આપી શકે છે. સ્કર્વી તેનું ખૂબ જાણીતું અને પ્રયોગસિદ્ધ લક્ષણ છે. વિટામિન સીના કારણે ઉદ્ભવતી અન્ય તકલીફો સંપૂર્ણપણે સાબિત થયેલી નથી.
સ્ત્રોત : રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રવેશદ્વાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 8/5/2019