વર્તમાન સમયમાં હીમોફિલીયા ન મટી શકે તેવો વ્યાધિ ગણવામાં આવે છે. દર્દીઓને જીવનભર વધારે પડતા રક્તસ્ત્રાવનું જોખમ રહે છે. તેના માટે કરવામાં આવતી સારવારનો મુખ્ય આશય રક્તસ્ત્રાવનો અપિસોડ ઓછો કરવાનો અને તેને કારણે થતી લાંબાગાળાની આડઅસર ઓછી કરવાનો હોય છે.
હીમોફિલીયા આનુવંશિક બીમારી હોવા છતાં અમુક દર્દીઓમાં કે અમુક પરિવારોમાં તેનું વંશાનુગત પ્રમાણ હોય જ એવું જણાતું નથી. શિશુ કે નાના બાળકોમાં લોહી ગંઠાવાના લક્ષણો કે અકારણ રક્તસ્ત્રાવનું જલ્દીથી જલ્દી નિદાન કરવું જરૂરી છે. આ બીમારીનું નિદાન દર્દીની લોહીની તપાસ કરવાથી થાય છે. હીમોફિલીયા-A માં ફેક્ટર VIII અને હીમોફિલીયા-B માં ફેક્ટર IXની ખામી હોય છે.
રક્તસ્ત્રાવની સારવાર ખામી રહેલા ફેક્ટરને બહારથી આપવાથી થાય છે. કૃત્રિમ રીતે ઉપલબ્ધ પરિબળ- હ્યુમન પ્લાઝમાના શુધ્ધીકરણથી બનાવવામાં આવે છે. કૃત્રિમ રીતે બનાવેલ ફેક્ટર પણ ઉપલબ્ધ હોય છે. જે જગ્યાએ ફેક્ટર ઉપલબ્ધ ન હોય ત્યાં બ્લડબેંક માંથી ઉપલબ્ધ ફ્રોઝન પ્લાઝમા થી પણ સારવાર થઈ શકે છે.
સામાન્ય રીતે કોમર્શિયલ ઉપલબ્ધ ફેક્ટર ખૂબ જ કિંમતી હોય છે પણ મોટાભાગની સરકારી હૉસ્પિટલોમાં આ ફેક્ટર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ માટે નિદાન થતાની સાથે જ નિર્ધારીત હૉસ્પિટલ્સમાં નોંધણી અને સારવાર શરૂ કરાવવી હિતાવહ છે. હીમોફિલીયાના દર્દીઓમાં મુખ્યત્વે સાંઘા, ધુંટણ અને કોણીના સાંધામાં અસર થતી જોવા મળે છે. તેના લક્ષણોમાં સાંધાઓમાં સોજો આવવો, દુખાવો થવો અને હલન-ચલન ઓછું થવું વિગેરે જોવા મળે છે. આ સાથે જે તે ફેક્ટરનું ઈન્જેક્શન લેવું આવશ્યક છે. આ ઉપરાંત, ઘરગથ્થુ ઈલાજ જેવાકે સાંધા પર બરફ લગાવવો, આરામ કરવો અને સાંધાઓને અલિવેટ કરવાથી ઘણી રાહત મળે છે. લાંબા સમયથી વારંવાર એક જ સાંઘામાં રક્તસ્ત્રાવ થાય તો કાયમી નુક્સાન થવાની શક્યતા પણ હોય છે. આવું થતું અટકાવવા માટે નિયમિત સારવાર અને નિયમિત કસરત ઘણી લાભદાયી હોય છે.
એક અઠવાડિયામાં લગભગ ચારથી પાંચ દિવસ નિયમિત કસરત કરવાથી મોશન અને ફ્લેક્સીબિલીટી જાળવવામાં ઉપયોગી થાય છે. સ્વિમિંગ, સાઈકલ ચલાવવી અને ફિઝિયોથેરપી જેમાં કોઈ પ્રકારની ઈજા ન થાય તેનું ધ્યાન રાખવાની પ્રાથમિક સલાહ આપવામાં આવે છે.
સ્વિમિંગ, સાઈકલ ચલાવવી અને ફિઝિયોથેરાપી જેમાં કોઈ પ્રકારની ઈજા ન થાય તેનું ધ્યાન રાખવાની પ્રાથમિક સલાહ આપવામાં આવે છે
આ ઉપરાંત સારવારના અન્ય પ્રકારમાં અઠવાડિયામાં બે થી ત્રણ દિવસ ઓછા ડોઝ માં ફેક્ટર આપવામાં આવે છે. આમ કરવાથી રક્તસ્ત્રાવ થવાના એપીસોડ ઓછા થાય છે. વિકસિત દેશોમાં નિયમિત રીતે અને ભારતમાં નાનાપાયે આ સારવારનો આરંભ કરી દેવામાં આવ્યો છે.
હાલમાં ઉપલબ્ધ આ ફેક્ટર ફક્ત 12 થી 24 કલાક સુધી જ અસરકારક છે. અને રક્તસ્ત્રાવ સમયે ઈન્જેક્શન વારંવાર લેવા પડે છે. લાંબાસમય સુધી અસર કરે તેવા પ્રકારના ફેક્ટર બનાવવાનું અને પરિક્ષણ કરવાનું કાર્ય પ્રગતિમાં છે. હીમોફિલીયાની અસરને કાયમીધોરણે દુર કરવા માટે જીન-થેરપી પર પણ હાલમાં સંશોધન ચાલુ છે, જેના દ્વારા હીમોફિલીયા અસરગ્રસ્ત શરીરના જીન્સને બદલી શકાય તેવા પ્રયોગો કરવામાં આવી રહ્યાં છે, જો તેમાં બહેતર પરિણામ મળે તો ખૂબ જ અસરકારક સારવાર શક્ય બનશે તેવી સંભાવના છે.
ડૉ. અભિષેક દુધાત્રા. હિમેટોલૉજિસ્ટ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020