શિયાળાની ઋતુમાં હવામાં ઠંડક, વાતાવરણની રૂક્ષતા સાથે જ તહેવારોની ઉજવણીમાં ફૂટતા ફટાકડા વગેરેથી વધતા પ્રદૂષણની સૌ પ્રથમ અને સહુથી વધુ આડઅસર અસ્થમાથી પીડાતા લોકોને થતી હોય છે. અસ્થમાનો રોગ શ્વસનતંત્રમાં થતી વિકૃતિથી થતો રોગ છે. તેથી જ શ્વાસમાં આવન-જાવન કરતી હવાની અશુધ્ધતાની અસર તરત જ નુકશાન કરે છે. બેસતા શિયાળે અનુભવાતી દિવસ દરમ્યાનની ગરમી અને મોડી રાત અને વહેલી સવારની ઠંડક જેવા ટેમ્પરેચરમાં થતાં ફેરફારથી પણ શરદી, છીંકો, ખાંસી જેવી તકલીફ વધુ થતી જોવા મળે છે. આસો મહિનામાં ઉજવાતા નવરાત્રિના તહેવાર દરમ્યાન રાતનાં ઉજાગરા, મોડી રાતનાં થતાં નાસ્તા, અપૂરતી ઊંઘ, અને થાક સાથે દિવસ દરમ્યાનની વ્યસ્તતા, કાર્યપ્રવૃત્તિને કારણે ઈમ્યુનીટી ઘટી જતી હોય છે. આથી જ નબળી ઈમ્યુનીટી ધરાવતી વ્યક્તિઓ, નાનાં બાળકો, વૃદ્ધો અને અસ્થમાથી પીડાતા વ્યક્તિઓએ આ બધા તહેવારના વાતાવરણમાં પોતાને માફક ન આવે તેવા ખોરાક-પીણાં, ઉજાગરા, ધૂળ-ધૂમાડો, રંગ-રોગાન કે ઘરની સફાઈ દરમ્યાન ઉડતી ધૂળ-બાવા જાળાંથી બચવું જરૂરી બને છે.
અસ્થમા થવાનાં કારણો અને પ્રતિકાર
એકસમાન વાતાવરણ અને ખાનપાન ધરાવતી એકથી વધુ વ્યક્તિઓમાં કોઇક જ અસ્થમાથી પીડાય છે. અન્યને એવી કોઈ અસર થતી નથી. તે ઉપરથી એટલું તો સ્પષ્ટ છે કે, કોઈ અમુક જ કારણો અસ્થમાં માટે જવાબદાર છે તેવું નથી. તેમ છતાંપણ ક્યા કારણો અસ્થમાં થવા માટે જવાબદાર છે તે વિશે પણ મેડિકલ સાયન્સ ચોક્કસપણે જણાવી શકતું નથી. હા, વાતાવરણમાં થતાં ફેરફાર, વ્યક્તિગત ઈમ્યુનીટીની કમી તથા જેનેટિક ફેક્ટર જવાબદાર હોય શકે તેવું અનુમાન છે. આથી જ જ્યારે અસ્થમાં જેવો વારંવાર તકલીફ આપતો પરાણે કાબૂમાં રહેતો, ભાગ્યે જ મટતો રોગ જે તે વ્યક્તિને કયા કારણોથી થાય છે તથા વ્યક્તિગત ઈમ્યુનીટી અને આરોગ્ય જાળવવા શું કરવું તે વિશે ડોક્ટર-વૈદની સલાહ મુજબ સાવધાની અને ઉપાયો જરૂરી બને છે.
અસ્થમા માટે ઉત્તેજીત કરે તેવાં કારણો જેવાં કે
- વાયુનું પ્રદૂષણ, રજકણ, બાવાજાળા, ધૂળની ડમરી, જીવજંતુનાં સંપર્ક.
- ઠંડી હવા, ધૂમાડો, કેમિકલ્સયુક્ત વાતાવરણ, વાસ .
- વધુ પડતો શારીરિક શ્રમ, માનસિક તાણ, ચિંતા, લાગણીશીલ બની જવું.
- માફક ન આવતાં હોય તેવા, પ્રિઝર્વેટિવઝસ વાળા ખોરાક, વાસી ખોરાક, સૂકોમેવો, સલ્ફેટવાળા ખોરાક, ઠંડાપીણા, આઈસ્ક્રીમ, માવા-ખાંડવાળી મીઠાઈઓ.
- અપચો અને એસિડિટી વારંવાર થવાથી તથા હોજરીમાં જમા થયેલો એસિડ રીફ્લક્સ થઇ ગળામાં ઓડકાર સાથે આવવા જેવી ઉધ્વૅપિત્તથી આવૃત્ત થયેલા વાયુની વિકૃતી જેવા રોગથી શ્વાસ ચઢતો હોય છે. જે માત્ર શ્વાસની-અસ્થમાની ટ્રીટમેન્ટથી ઠીક થતો નથી. આવા રોગથી પીડાતી વ્યક્તિઓમાં મોટાભાગે કબજીયાત અને વિદગ્ધાગ્નિથી થતાં અજીર્ણનાં લક્ષણો જોવા મળે છે. આથી આવી વ્યક્તિઓની તકલીફ, દૈનિક પ્રવૃત્તિ, ખાન-પાન, પ્રકુતિ, ઉંમર વગેરે જેવી વ્યક્તિગત વિગતોને આધારે પ્રકૃતિને માફક આવે તેવા લાઈફસ્ટાઈલ સબંધિત સજેશન્સ આપવામાં આવે છે. આથી પાચનને લગતાં લક્ષણોમાં સુધારો થવાની સાથે કબજીયાત, એસિડ રીફ્લ્ક્સ જેવી તકલીફમાં ફેર પડવાની સાથે જ અસ્થમાની તકલીફમાં ઘટાડો થઇ ફાયદો થાય છે.
- કફ પ્રવૃત્તિવાળા, બેઠાડું જીવન જીવતાં, વારંવાર કફ વધે તેવા ખોરાક-પીણા પીતા હોય તેવા, ખૂબ જ ઠંડીનો સામનો કરવો પડતો હોય તેઓને કફની ઠંડક, ચીકાશ તથા ભારેપણાને ધ્યાનમાં રાખી ગરમ, પ્રવાહી અને કફ ઘટાડે તેવા ખાન-પાન અપનાવવાથી રાહત થાય છે. દિવસે સૂવાનું, રાત્રે વધુ લાંબા કલાકો સુધી સુવાનું ટાળવું જોઈએ. ગરમ પાણીની વરાળનો નાક દ્વારા નાસ લેવો, જેમાં અજમો અથવા યુકેલીપ્ટસ ઓઈલ ઉકળતા પાણીમાં નાખવાથી કફ જલ્દી છુટો પડી બહાર નીકળે છે.
અસ્થમા થવાનાં મુખ્ય કારણમાં કફની જમાવટ જ છે. જ્યારે નાકમાં, શ્વાસનળીમાં વધુ માત્રામાં કોઇપણ ટ્રીગરીંગ કારણોથી સ્ત્રાવ થવા લાગે છે તથા કફ નળીમાં જામી જાય છે ત્યારે શ્વાસોશ્વાસની ક્રિયામાં થતું વાયુનું આવાગમન અવરોધાય છે. જેને પરિણામે શરીરમાં પ્રાણવાયુની જરૂરિયાત પૂરી પાડવા માટે વધુ ઝડપથી વારંવાર શ્વાસ લેવા પડે છે. દરેક વ્યક્તિને થતી અસ્થમાની તકલીફમાં થતાં લક્ષણોની તીવ્રતા વધુ-ઓછી હોય છે. પરંતુ શ્વાસ ચઢવાનું મુખ્ય કારણ શ્વાસનળી, વાયુકોષોમાં વાયુ પહોંચાડતી નળીઓમાં કફનાં જમાવડાથી થતી સંકડાશ જ છે. આથી જ જે-તે કારણોથી છીંકો, ખાંસી આવવી, નાસાસ્ત્રાવ થવાની સંભાવના હોય તેવા કારણોથી સ્વબચાવનાં પ્રયત્ન કરવા સૌથી વધુ ઉપયોગી પૂરવાર થાય છે.
કોઈ ખાસ કેસમાં હ્રદય સબંધિત કે ફેફસામાં સોજો, ઈન્ફેકશન જેવા ક્રોનિક રોગનાં લક્ષણરૂપે શ્વાસ ચઢતો હોય તેઓ એ યોગ્ય પરિક્ષણ, નિદાન કરાવવું.
શરીરનું વ્યાધિક્ષમત્વ કેવી રીતે વધારવું ?
નાકમાં પાણી-છીંકો આવવી, ખાંસી થવી કે શ્વાસનલિકામાં કફનો સ્ત્રાવ થવો, શ્વાસની ગતિ વધી જવી એ શરીરની બહારનાં વાતાવરણ, માફક ન આવતાં પદાર્થો સામેની પ્રતિક્રિયા જ છે. આથી જ જો શરીરનાં પાચન, પોષણ, ધાતુપાક વગેરે ક્રિયામાં સુધારો થાય તે ધ્યાનમાં રાખી ખોરાક અન્ય ઉપચાર કરવાથી વાયુ, પિત્ત અને કફ તત્વનું સંતુલન શરીરની ઈમ્યુનીટી જાળવે છે. અસ્થમાનાં રોગીઓએ અપનાવવા લાયક થોડા સામાન્ય ઉપચારો આ મુજબ છે.
- પૂરતાં પ્રમાણમાં ઊંઘ, આરામ અને તાજુ પૌષ્ટિક ભોજન લેવું.
- વાયુ અને કફ તત્વને ધ્યાનમાં રાખી તાજો ઘરનો બનાવેલો ખોરાક જેમકે દાળ, કઠોળ-જેમાં ઘી, અજમો, આદું-લસણ, હિંગનો વઘાર કરવો, લીલા શાકભાજી, વેજીટેબલ સૂપ, સિઝનલ સલાડ, રોટલી-ભાત ખાવો.
- પ્રિઝર્વેટિવ્ઝ વાળી, બ્રેડ, પિઝા જેવા આથાવાળી, મેંદાની, મલાઈ-બટર-ઘી-ખાંડ વધુ હોય તેવી વાનગી ન ખાવી.
- શ્વસનતંત્રને યોગ્ય રક્તાભિસરણ મળે તે માટે હળવી કસરત જેમકે ચાલવું, યોગાસન, ઊંડો શ્વાચ્છોશ્વાસ કરવી.
- લાગણીતંત્રનાં નિયમન તથા સ્ટ્રેસથી બચવા મનગમતી પ્રવૃત્તિમાં મનોરંજન મેળવવું, જરૂર જણાય તો કાઉન્સેલિંગ કરાવવું, મેડિટેશન વગેરેથી જીવનને સંપૂર્ણ આયામમાં જીવવું.
- હળદર, અરડૂસી, ત્રિકટુ અને જેઠીમધનું ચૂર્ણ સરખાભાગે ભેળવી આ મિશ્રણમાંથી ૩ ગરમ ચૂર્ણ મધ સાથે સવાર-સાંજ ચાટી જવું.
- કબજીયાત ન રહે તે માટે એરંડભૃષ્ટ હરડે રાત્રે સૂતી વખતે ટીકડી કે ફાકી યોગ્ય માત્રામાં લેવી.
- એસિડિટી સાથે કબજીયાત હોય તેઓએ સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ ૧ થી ૨ ચમચી રાત્રે પાણી સાથે લેવું.
અનુભવ સિદ્ધ :
પાણી એ સાંત્વના આપતું ઉત્તમ પ્રવાહી છે. શ્વાસ ચઢવો, એસિડરિફલેક્સ, કબજીયાત જેવી તકલીફમાં દિવસ દરમ્યાન ૧૨ થી ૧૪ ગ્લાસ પાણી પીવું. પ્રકૃતિ અને રોગનાં લક્ષણ ધ્યાનમાં રાખી પાણીને સૂંઠ, વરિયાળી અથવા તુલસીથી સાધિત કરવું. આ માટે વૈદની સલાહ લેવી..
સ્ત્રોત : ડો. યુવા અય્યર.આયુર્વેદ ફિઝિશિયન.આરોગ્ય.