COPD એટલે કે ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલમોનરી ડિસીઝ ધૂમ્રપાન, ધૂળ અને ધૂમાડાના કારણે થતો રોગ છે. આ રોગમાં ફેફસાંની શ્વાસનળી અને પ્રશાખાની અંદરની દીવાલમાં રીઢો સોજો આવે છે. જેને ક્રોનિક બ્રોન્કાઈટીસ પણ કહેવામાં આવે છે. ઉપરોક્ત કારણોથી ફેફસાના શ્વાસનળીની પ્રશાખાના છેડે આવેલી વાયુકોષોની દીવાલ તૂટી જાય છે અને તેમા જીવંતપર્યત હવા ભરાઈ રહે છે. આ રોગને એમ્ફીસીમા કહે છે. સીઓપીડીમાં રીઢા દમનો પણ સમાવેશ થાય છે.
અત્યાર સુધી એવું મનાતું હતું કે, સીઓપીડી ફકત ફેફસાંનો રોગ છે, પણ વિજ્ઞાનની આધુનિક શોધ પ્રમાણે સીઓપીડી આખા શરીરના અવયવોનો રોગ છે. સીઓપીડી 100 ઉપરાંત શારીરિક રોગો પેદા કરે છે. સીઓપીડીથી ફેફસાને તો નુકસાન થાય છે. સાથેસાથે હૃદયરોગના હુમલા પણ આવી શકે છે. હોજરી, આંતરડા, મગજ, ગર્ભાશય, આંખ, કાન, દાંત, હાડકાં, લોહીની નળીઓ, ચહેરો વગેરેમાં પણ રોગો થઈ શકે છે.
સીઓપીડી સાથે ધૂમ્રપાનથી ટીબી થવાની શક્યતા 10 ગણી વધી જાય છે તથા શારીરિક કેન્સર મુખ્યત્વે ફેફસા, શ્વાસનળી, અન્નનળી, સ્વરપેટી, સ્વાદુપિંડ, ગળુ, હોઠ, ગર્ભાશય વગેરે અંગોમાં પાંચ ગણુ વધારે થાય છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મત પ્રમાણે વિશ્વમાં 124 કરોડ લોકો ધૂમ્રપાન કરે છે. તે પૈકી દર વર્ષે 48 લાખ ઉપરાંત લોકો મૃત્યુ પામે છે. સીઓપીડી એ અત્યારે મૃત્યુ નોતરતો ચોથા ક્રમે આવતો રોગ છે. સીઓપીડીને નિયંત્રણમાં રાખવામાં નહીં આવે તો 2030ની સાલ સુધીમાં વિશ્વનો મૃત્યુ નોતરતો બીજા નંબરનો રોગ થઈ જશે.
સીઓપીડીને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવે છે. તમાકુથી થતો સીઓપીડી જેમાં બીડી, સિગારેટ, હૂક્કો, ચલમ, ચિરૂટ, છીંકણી વગેરેનો સમાવેશ થાય છે તથા
તમાકુની ખેતી અને તમાકુના કારખાનામાં કામ કરતા લોકોને પણ આ રોગ થાય છે. તમાકુના ધૂમાડા સિવાય અન્ય ધૂળ-ધૂમાડાથી પણ સીઓપીડી થાય છે. આમા મુખ્યત્વે કોલસા, લાકડા અને કેરોસીનથી જે બહેનો રસોઈ કરે છે તેમને આ રોગ લાગુ પડી શકે છે.
તદઉપરાંત રસોઈ દરમિયાન ઉત્પન્ન થતા કોઈ પણ ધૂમાડાથી સીઓપીડી થાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને ધૂળથી પણ આ રોગ થાય છે. કેમિકલ ઈન્ડસ્ટ્રી, કાપડમિલ અને કારખાના, કોલસા અને ખનિજ તત્વોની ખાણોમાંથી પેદા થતા રજકણોથી પણ આ રોગ થાય છે. ચોકથી લખતા શિક્ષકોને સીઓપીડી રોગ થઈ શકે છે. વાહનોમાંથી નિકળતા ધૂમાડાથી પણ સીઓપીડી થાય છે. સમુદ્ર કિનારાની ભેજવાળી હવાથી પણ આ રોગ થઈ શકે છે.
ધૂમ્રપાન કરતા વ્યક્તિને શરૂઆતમાં સૂકી ખાંસી આવે છે. આ ખાંસીમાં સમય જતા વધારો થાય છે. થોડા સમય પછી સીઓપીડીના દર્દીને શ્વાસ ચઢે છે. સમય જતા આ શ્વાસ એટલે સુધી વધી જાય છે કે, સીઓપીડીનો દર્દી પથારીવશ બની જાય છે. આ દર્દીને સીઝનમાં બદલાવ આવતા ફેફસામાં જંતુજન્ય રોગ થઈ શકે છે. જેનાથી દર્દીને ગળફા પણ પડે છે અને તાવ પણ રહે છે તથા હલનચલનમાં તકલીફ પડે છે. આવા દર્દીઓને જ્યારે શ્વાસનો વધુ પડતો હુમલો આવે ત્યારે શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે અને સાયનોસીસ થાય છે એટલે કે હોઠ, જીભ તથા આંગળીઓના ટેરવા જાંબલી થઈ જાય છે.
સીઓપીડીના નિદાનમાં ફેફસાના રોગોના નિષ્ણાત દ્વારા નિદાન કરાવવું અનિવાર્ય છે. આ રોગના નિદાન માટે દર્દી ધૂમ્રપાન કેટલું અને કેટલા સમયથી કરે છે તે જાણવું જરૂરી છે. ડૉક્ટરી તપાસ બાદ આવા દર્દીનો લંગફંકશન ટેસ્ટ કરવામાં આવે છે. આ ટેસ્ટ દ્વારા FVC, FEC1 તથા FEV-1/FVC પરથી દર્દીને રોગનું પ્રમાણ કેટલુ છે તે નક્કી થાય છે. લંગફંકશન ટેસ્ટથી દર્દી સીઓપીડીના કયા સ્ટેજમાં છે તે ખબર પડે છે.
સ્ટેજઃ0 સામાન્ય લંગ ફંકશન ટેસ્ટ
સ્ટેજઃ1 માઈલ્ડ COPD FEV1<80%
સ્ટેજઃ2 મોડરેટ COPD FEV1<60%
સ્ટેજઃ3 સીવીયર COPD FEV1<40%
આ ટેસ્ટ ઉપરાંત દર્દીનો છાતીનો એક્સ-રે લેવામાં આવે છે. જેમાં ક્રોનિક બ્રોન્કાઈટીસ કેટલા પ્રમાણમાં છે તેની ખબર પડે છે તથા આ રોગ સિવાયના અન્ય રોગો જેવા કે ટીબી અથવા કેન્સર છે તેની જાણકારી પણ મળે છે.
ડૉ. નરેન્દ્ર રાવલ(ફેફસાના રોગના નિષ્ણાત)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/27/2019