શું આપને ખબર છે કે સી.ઓ.પી.ડી શું છે ? જો જવાબ ન આવડતો હોય તો આજે આપના સ્વાસ્થ્ય-જ્ઞાનમાં આને ચોકક્સ ઉમેરી લો. કારણ, આ એક એવો રોગ છે જે શરીરમાં હોવા છતાં જાણકારીના અભાવે તેની અવગણના કરીએ છીએ અને જ્યારે રોગ વધી જાય ત્યારે આપણને ગંભીર ક્ષતિ થાય છે.
સી.ઓ.પી.ડી.નું પુરુંનામ ક્રોનિક ઓબ્સ્ટ્રેક્ટિવ પલ્મોનરી ડિસીઝ છે, જે શ્વસન તથા ફેફસાંના રોગોનો એક સમુહ છે. જેમાં એમ્ફીસીમા, ક્રોનિક બ્રોન્કાઇટિસ અને અસ્થમા છે જે શ્વસન અને ગંભીર તીવ્રતામાં મુશ્કેલીનું કારણ બને છે. લક્ષણોમાં તેની સમાનતાને લીધે, ડોક્ટર પણ કેટલીકવાર આ રોગના નિદાનમાં અને તેને પારખવામાં મુશ્કેલી અનુભવે છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ, વિશ્વભરમાં સી.ઓ.પી.ડી.થી પીડાતા આશરે 64 મિલિયન લોકો છે. 2005 માં સી.ઓ.પી.ડી.થી 3 મિલિયનથી વધુ લોકોના મોત થયા હતા. એક અંદાજીક તારણ મુજબ વર્ષ 2030 સુધી વિશ્વભરમાં સી.ઓ.પી.ડી. મૃત્યુનું ત્રીજુ પ્રમુખ કારણ બનશે. વર્તમાન સમયમાં પ્રદૂષણ અને પેસીવ સ્મોકિંગ ને કારણે આ રોગમાં તીવ્ર વધારો થયો છે.
ક્રોનિક બ્રોન્કાઈટીસમાં ફેફસાંમાં હવા લઈ જતી શ્વાસની નળીમાં સોજો આવે છે અને પુષ્કળ મ્યુકસ (ચીકણો કફ)બહાર આવે છે. આ કારણથી શ્વાસનળી સંકોચાઈ થાય છે અને શ્વસનપ્રક્રિયા અવરોધાતા દર્દીને વિવિધ તકલીફોનો સામનો કરવો પડે છે.
સી.ઓ.પી.ડી.ના જોખમી પરિબળો વિશે યોગ્ય માહિતી હોય તો આ રોગ વિશે જાગૃતિ ફેલાવી તેનો શિકાર બનતા લોકોને બચાવી શકાય છે. મુખ્યત્વે સિગારેટ, બીડી જેવા ધુમ્રપાન કરવાથી આ રોગનો ખતરો વધી જાય છે. આ સિવાય ધુમ્રપાન કરતી વ્યક્તિની આસપાસ કે તેના સંપર્કમાં આવતી વ્યક્તિને પણ પેસિવ સ્મોકિંગને કારણે આ રોગ લાગુ પડી શકે છે. આ રોગનું અન્ય એક સીધુ કારણ પ્રદુષણ પણ છે. આપણી આસપાસના વાતાવરણમાં ફેલાતી પ્રદુષિત હવા, કેમિકલ, રજકણો કે અન્ય દુષિત હવા સતત શ્વાસમાં જાય અને ફેફસામાં જઈને નુક્સાન પહોંચાડે છે. સી.ઓ.પી.ડી.નું ત્રીજુ કારણ, જે મુખ્યત્વે ગ્રામીણ સ્તરે અને ગરીબ પરિવારો જ્યાં રાંધણ-ચૂલામાં લાકડાનો ઉપયોગ થાય છે તે છે. લાકડાં બાળીને રસાઈ કરતી વ્યક્તિના શ્વાસમાં સતત ધુમાડો જવાથી મુશ્કેલી સર્જાય છે.
સી.ઓ.પી.ડીના લક્ષણો અને સમસ્યાઓમાં, જો વ્યક્તિને લાંબા સમયથી આવતી ખાંસી-ઉધરસ, દવા લેવા છતાં ફરક ન પડવો, ખાંસી દરમિયાન જાડો કફ વધારે પ્રમાણમાં બહાર આવવો, સામાન્ય પ્રવૃત્તિ કે થોડોપણ શ્રમ કરવાથી શ્વાસ ફુલવા લાગે અથવા શ્વાસ ઝડપી થઈ જાય, છાતીમાં ભાર લાગવો, ક્યારેક ભારે મુંઝવણ કે અકરામણ થવી, તાવ આવવો જેવી સમસ્યાઓ પણ સંભવી શકે છે. સામાન્ય રીતે જો ઉપરોક્ત સમસ્યાઓ અને લક્ષણો જણાય તો નિદાન કરાવવું આવશ્યક છે અને જો ઉપરોક્ત લક્ષણો સાથે વ્યક્તિની ઉંમર 40થી વધારે હોય તો જરૂરી તપાસ અને યોગ્ય સારવાર લેવી આવશ્યક છે. કેમકે સી.ઓ.પી.ડી મુખ્યત્વે 40 ની વય પછી થતો રોગ છે. શહેરોની સાથે ગ્રામીણસ્તરે પણ સી.ઓ.પી.ડીના કેસિઝ યોગ્ય જાણકારીના અભાવને કારણે પ્રકાશમાં આવતા નથી. પરિણામે જ્યારે રોગની માત્રા તીવ્ર થઈ જાય ત્યારે વ્યક્તિને વધારે નુક્સાન થઈ શકે છે. અગમચેતી એ ખૂબ જ અત્યાવશ્યક અને સી.ઓ.પી.ડીથી બચવાનો કારગત વિકલ્પ છે. આ રોગના લક્ષણો ધરાવતી દર્દીએ ઠંડાપીણાં, આઈસક્રિમ, ફ્રિઝમાં રાખેલી વસ્તુઓનો ઉપયોગ ટાળવો જોઈએ, પાણી ઉકાળીને પીવું જોઈએ. સ્વચ્છ હવા હોય તેવા વાતાવરણમાં રહેવું જોઈએ. પ્રદુષણથી દૂર રહેવા માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. અતિ શીતલહેર કે ઠંડીની મોસમમાં શરીરને ઠંડીથી બચાવવાના તમામ પ્રયાસ કરવા જોઈએ. ડાયબિટીસ, બી.પી., વધુ વજન, એલર્જી, શ્વાસની સમસ્યા હોય તેમણે યોગ્ય માર્ગદર્શન લેવું જોઈએ.
ઉપરોક્ત વિષયને ટુંકમાં સમજીએ તો, ક્રોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ- આ રોગમાં સૌથી વધુ અસર શ્વાસનળીઓ પર થાય છે જેમાં નાક વાટે ફેફસાંમાં ઓક્સિજન લઇ જવાનું અને કાર્બનડાયોક્સાઇડને પાછો કાઢવાનું કામ કરતી વાહિનીઓમાં અસર થાય છે. સ્મોકિંગ, પોલ્યુશન, ધુમાડો, દુષિત હવા કે બીજાઘણાં કારણોસર નાકવાટે ફેફસાંમાં જતા કણો શ્વાસનળીમાં જમા થતાં જાય છે અને લાંબા ગાળે કફ પેદા કરે છે. આ કારણોસર શ્વાસનળી સાંકડી થઇ જાય છે જેથી શ્વાસ લેવામાં અને છોડવામાં તકલીફ ઊભી થાય છે. ૪૦ વર્ષની ઉંમર પહેલાં કોઇ પણ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થાય તો એને મોટાભાગે અસ્થમા નીકળતો હોય છે, જ્યારે ૪૦ વર્ષ પછી કોઇ પણ વ્યક્તિને શ્વાસમાં તકલીફ થાય અને વારંવાર કફની સમસ્યા રહ્યાં કરે તો સમજવું કે એને સી.ઓ.પી.ડી. પણ હોઇ શકે છે. જેમાં યોગ્ય સમયે યોગ્ય સારવાર અને ડૉક્ટર દ્વારા પૂરતુ માર્ગદર્શન જ બહેતર વિકલ્પ છે.
ડૉ. મુકેશ પટેલ (પલ્મોનોલૉજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/27/2020