અસ્થમા(દમ)થી પીડાતા દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે અને છેલ્લા દસકામાં તેની સંખ્યામાં બે ગણો વધારો થયો છે. દમ એ શ્ર્વસનતંત્રને અસર કરતી બીમારી છે. શ્વસન માર્ગમાં સોજો આવવા ને કારણે તે શ્વાસનળી સંકોચાય છે અને નાના નાના શ્વાસ લેવા પડે છે. છાતીમાં ખેંચાણ જેવો અનુભવ થાય છે, શ્વાસ ફૂલવા લાગે છે અને વારવાર ખાંસી આવે છે. આ બીમારી કોઈપણ વયની વ્યક્તિને થઈ શકે છે. શ્ર્વાસનળીમાંથી મ્યુકસ (અતિચીકણો પદાર્થ)બહાર આવે છે અને નળીમાં અવરોધ પેદા કરે છે.
અસ્થમા વિશે આપણાં સમાજમાં ઘણી ખોટી માન્યતાઓ પણ પ્રવર્તે છે. જેમકે, તે એક પ્રકારની એલર્જી છે. શરદપૂનમની રાત્રે ખીર પીવાથી દમ મટે છે, માછલીસાથે દવા સાથે લેવાથી દમ મટે છે, દમ એ ચેપી રોગ છે અને દમને કાબુમા ન રાખી શકાય, દમ ની દવા નિયમિત લેવામાં આવે તો ટેવ પડી જાય. અસ્થામા માટે લેવાતો પમ્પ એ આખરી ઉપાય છે. આવી અનેક ભ્રામકતાઓને કારણે દમની બીમારી દર્દી માટે વધારે નુક્સાનકારક બની જાય છે.
બાળપણમાં આ રોગ સામાન્ય શરદી, ઉધરસથી શરૂ થાય છે. વારંવાર ખાંસી આવવી જેમાં સામાન્ય ઉપચાર કરવા છતા ફરક ન પડવો, રોગનું ચોક્કસ કારણ ન પકડાવું, પુખ્ત ઉંમરે થતાં દમમાં દર્દીની આસપાસનું વાતાવરણ મુખ્ય ભૂમિકા ભજવે છે. દમના હુમલા વખતે દર્દીને શ્વાસ લેવામાં તકલિફ પડે છે. શ્વાસોચ્છવાસમાં તીણો અવાજ આવે છે. છાતીના સ્નાયુઓ પર વધારે ભારણ લાગે છે. શ્ર્વાસનળીમાં અવરોધ ઉભો થતાં ફેફસાં દ્વારા લોહીમાં પૂરતા પ્રમાણમાં પ્રાણવાયુ જતો નથી.
ઈન્ડસ્ટ્રીયલ વાતાવરણ જયાં હોય ત્યાં કામ કરતા કામદારો અને સ્ટાફને દમ થવાની શક્યતા વધી જાય છે. જેમકે, કાપડની મીલોમાં રૂ ની ઝીણી રજકણો શ્ર્વાસનળીમાં જવાથી વ્યક્તિને બીસીનોસીસ નામનો દમને મળતો રોગ થાય છે. આ સિવાય કૅમિકલ ફેક્ટરીઝમાં ફેલાતા કેમિકલની વાસ, સિમેન્ટ, બેકરી, રંગ-રોગાન, સૌંદર્ય-પ્રસાધનો બનાવતી કંપનીઓ વિગેરેમાં કામ કરતા કામદારો માટે પણ જોખમ વધારે રહે છે. કોલસા અને પથ્થરની ખાણોમાં કામ કરતા કામદારો માટે પણ લાંબાગાળે દમ જેવા રોગો થવાની શક્યતા વધી જાય છે. આ સિવાય અસ્થમાનો રોગ વારસાગત કારણોથી પણ થઈ શકે છે.
વારંવાર સુકી ખાંસી અને સસણીના હુમલા થાય અને વિષાણુજન્ય રોગો અને એલર્જી શ્વાસમાં જવાથી તેની તીવ્રતા વધી જાય છે. ઘણી વખત સુકી ખાંસી દમનું એકમાત્ર ચિહ્ન હોય છે. જો ઉપરોક્ત ચિહ્નો જણાય તો યોગ્ય તપાસ કરાવી સમયસર સારવાર લેવી ખૂબ જરૂરી છે. અસ્થમાના નિદાન અને યોગ્ય તપાસ માટે સ્પાયરોમેટ્રી રિપોર્ટ, છાતી અને સાયનસનો એક્સ-રૅ, લોહીમાં શ્વેતકણોનું પ્રમાણ વિગેરેમા તપાસ કરવામાં આવે છે.
શ્વાસની કસરત કે જેમાં ઉચ્છવાસ દરમિયાન ઉદરપટલ અને પેટના સ્નાયુઓનો સક્રિય ઉપયોગ થાય તો તે મદદરૂપ છે અને ફેફસાંની ક્ષમતા ટકાવી રાખવામાં લાભદાયક છે. ઉંડો શ્વાસ લેવો, બન્ને હોઠને સાથે સંકોચીને જોરથી ફૂંક મારવી, જેનાથી ફેફસાંની હવા બહાર ધકેલાય છે. જો અનુકૂળતા હોય તો ફુગ્ગો ફુલાવવો, પેટ વડે શ્વાસની કસરત જેમકે નાભિ પર વજન આપી શ્વાસ લેવો, યોગ્ય પધ્ધતિથી પ્રાણાયામ કરવાથી શ્વસનમાર્ગના સ્નાયુઓ ને મજબૂતી મળે છે.
સ્ત્રોત: ડૉ. મુકેશ પટેલ. શ્વસન અને ફેફસાંના રોગોના નિષ્ણાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020