આપણાં દેશમાં દમના રોગનું પ્રમાણ પુખ્ત વયની વ્યક્તિઓમાં 4 થી 7% છે જ્યારે બાળકોમાં તેનું પ્રમાણ 7% 11% છે એટલે કે આપણાં દેશમાં બાળકોમાં દમનું પ્રમાણ પુખ્ત વયની વ્યક્તિઓ કરતાં બમણું છે. સ્ત્રીઓ અને પુરુષોમાં દમ સરખા પ્રમાણમાં અસર કરે છે. ઈંગ્લેન્ડ, ઉત્તર અમેરિકા અને યુરોપિય દેશોમાં લાંબો શિયાળો રહેતો હોવાથી દમનું પ્રમાણ આપણાં દેશ કરતાં બમણું છે છતાં પણ ત્યાં દમની અધતન દવાઓનો વપરાશ નિયમીત હોવાથી દમથી થતા મૃત્યુનું પ્રમાણ આપણાં દેશ કરતાં ઓછું છે.
દમના દર્દીને જે પદાર્થોની એલર્જિ હોય તેના સંપર્કમાં આવતા દમનો હુમલો આવે છે. આવા પદાર્થો જ્યારે શ્વાસમાં જાય છે ત્યારે શ્વાસનળી અને તેની પ્રશાખાઓ સંકોચાય છે. શ્વાસનળીની દિવાલમાં સોજો આવે છે અને શ્વાસનળીમાં કફ ભેગો થાય છે.
(ઉપરોક્ત લક્ષણોમાંથી કોઈપણ એક અથવા વધારે લક્ષણો હોઈ શકે છે).
દમ,શીળસ (ચામડી પર ચકામા થવા), શરદી, હેફિવર (પરાગરજનો તાવ), ખરજવું વગેરે એલર્જીથી થતા રોગ છે. કોઈક વખતે દમ ઉપરોક્ત પરિસ્થિતી સાથે પણ જોવા મળે છે એટલે કે, દમ અને એલર્જીને એકબીજા સાથે સંબંધ છે તેમ કહી શકાય. કોઈક વખતે ફક્ત દમ જોવા મળે છે અથવા ઘણાં એલર્જીના દર્દીઓને દમ નથી પણ હોતો. એલર્જી એ દમના રોગોનું મૂળ કારણ નથી પણ તેમાંથી દર્દીને દમની તકલીફ શરૂ થઈ શકે છે.
દમ ચેપી રોગ નથી. દમનો રોગ કુટુંબમાં બીજી વ્યક્તિને અસર કરતો નથી. છતાં એક જ કુટુંબમાં રહેતી બે વ્યક્તિને દમ હોઈ શકે છે કે જેમને એક જ જાતના એલર્જન્સ દા.ત. ઘરની ધૂળના સંપર્કમાં આવતાં એલર્જી થતી હોય.
દમ ક્યારેક વારસાગત હોય છે. એલર્જીક દમવાળા કેટલાંક દર્દીઓનાં બાળકોમાં દમ જોવા મળે છે અને સાથે દમને લગતાં અન્ય રોગ જેવા કે, હેફિવર, ખરજવું, અર્ટીકારિયા પણ જોવા મળે છે. દમની તકલીફ ધરાવતા મા-બાપના બધા બાળકોને દમ થતો નથી. માતા-પિતા માંથી કોઈ એકને દમ હોય તો બાળકને દમ થવાની શક્યતા સામાન્ય બાળક કરતાં વધારે હોય છે. જો બન્નેને દમ હોય તો બાળકને દમની શક્યતા ખૂબ વધારે રહે છે.
ધૂમ્રપાન દમ માટે જવાબદાર છે. જો દમ અથવા બ્રોન્કાયટીસ (શ્વાસનળીનો સોજો)ની તકલીફ હોય તો ધૂમ્રપાન ન કરવું કારણ કે તમ્બાકુનો ધૂમાડો ખૂબ જ ઉત્તેજક હોય છે અને તેમાંથી શ્વાસનળીમાં પણ ખૂબ જ લાંબા સમય સુધી સોજો રહે છે. ધૂમ્રપાન કુટુંબીજનો અથવા મિત્રોની સામે કરવામાં આવે તો તેનાથી તેમને પણ દમ અને બ્રોન્કાયટીસ થવાની શક્યકતા રહે છે. બાળકો સામે ખાસ ધૂમ્રપાન ન કરવું કારણ કે તેમના ફેફસા ખૂબ જ નાજૂક અને સંવેદનશીલ હોય છે જેથી તેમને દમ અને બ્રોન્કાયટીસ ત્વરિત થાય છે.
મનોવૈજ્ઞાનિક કારણોથી દમનો હુમલો થતો નથી પણ ક્યારેક વધારે પડતું રડવું, અટ્ટહાસ્ય, હતાશા, માનસિક તાણ જેવા માનસિક કારણોથી દમનો હુમલો આવે છે. માનિસક તાણ દમના હુમલાને વધુ ત્રાસદાયક બનાવે છે.
દમ નામથી જ કેટલાંક દર્દીઓ ગભરાય છે. કેટલાંક પોતાના ડોક્ટરો પણ દર્દીને દમ છે તેમ જણાવતા ગભરાય છે. કેટલાંક કિસ્સાઓમાં દર્દીને દમ છે તેમ કહેવામાં આવે તો દર્દી ડોક્ટર બદલી નાંખે છે. દમનો દર્દી એક ડોક્ટરથી બીજા ડોક્ટર અને છેવટે ઊંટ વૈધો સુધી આંટા મારતો થઈ જાય છે છતાં પણ આ રોગ કોઈ હંમેશ માટે મટાડી શકતું નથી. વિશ્વમાં આધુનિક સંશોધન અને અવલોકનો દ્વારા ડોક્ટર અને વૈજ્ઞાનિકોએ શોધેલી આધુનિક દવાઓ (ઈન્હેલર મેડિસિન્સ)થી રોગ ખૂબ જ સારી રીતે કાબૂમાં રાખી શકાય છે. દર્દી સામાન્ય જીવન જીવી શકે છે. આ દવાઓ ખૂબ જ સલામત છે એટલે દમના દ્રીને પોતાને દમ છે તે વાતથી શરમાવવાની કે ભય પામવાની જરૂર નથી.
દમનાં લક્ષણો જેવા કે છાતીમાં ભીંસ, સૂકી ખાંસી, સિસોટી જેવો અવાજ, શ્વાસ ચઢવો વગેરે હોય છે. ઉપરોક્ત લક્ષણો હોય તો દમના નિષ્ણાંત ડોક્ટર દ્વારા શારીરિક તપાસ અનિવાર્ય છે. જેમ હૃદયના રોગ જાણવા માટે કાર્ડિયોગ્રામ કરવામાં આવે છે તેમ શ્વાસના રોગોમાં (લંગ્સ ફંક્શન ટેસ્ટ) ફેફસાની કામગિરીની તપાસ કરવી અતિઆવશ્યક છે. દમના દર્દીના ફેફસાની કાર્યક્ષમતા તથા રોગ કાબૂમાં છે કે નહીં તે જાણવા માટે લંગ ફંક્શન ટેસ્ટ ખૂબ જરૂરી છે.
ફેફસાની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે અને ફેફસાની કાર્યક્ષમતાનો ગ્રાફ અને રેકોર્ડ રાખવામાં આવે છે. આ ઉપરાંત ફેફસાનો રોગ કયા સ્ટેજ (તબક્કા)માં છે, ફેફસાનો રોગ અને હૃદય રોગની જાણકારી અને તફાવત, અસ્થમા (દમ) અને બ્રોન્કાઈટીસ તથા ફેફસાના અન્ય રોગોનું નિદાન અને જાણકારી મેળવી શકાય છે.
ફેફસાની કાર્યક્ષમચા જાણવાની આ સાદી પદ્વતિ છે. આ પદ્વતિથી પિક-એક્સપિરેટરી ફ્લો-રેટ (P.E.F.R) માપી શકાય છે. પિક ફ્લો મીટર (શ્વાસ બહાર કાઢવાની શક્તિ માપવાનું) નાનું સાધન છે. આ સાધન દમના રોગના નિદાન અને સારવાર માટે ખૂબ જ ઉપયોગી છે. આ સાધનમાં જોરદાર ફૂંક મારવાથી ફેફસાની કાર્યક્ષમતાનું માપ મળે છે.
સારવારનો મુખ્ય હેતું દર્દી સામાન્ય માનવીની જેમ જીવન જીવી શકે ઉપરાંત દમના અણધાર્યા હુમલાને સારવારથી રોકી શકાય, દમની દવાઓની હાનિકારક અસર ના થવી જોઈએ તથા દમથી થતાં મૃત્યુને રોકવાનો છે.
દમ દવાઓથી કાબૂમાં રહેતો રોગ છે એટલે કે ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હૃદયરોગ, સંધિવા વગેરે રોગના દર્દીઓ જેમ જીવનભર નિયમીત દવા લે છે તેમ દમના દર્દીઓએ પણ જીવનભર નિયમીત દવા લેવી જરૂરી છે. દવાઓ નિયમીતપણે લેવાથી સામાન્ય વ્યક્તિની જેમ કાર્યરત જીવન જીવી શકાય છે. દમની દવાના મુખ્ય બે પ્રકાર છે (1) દમના હુમલા વખતે રાહત કરે તેવી દવાઓ અને (2) દમનો હુમલો થતો રોકે તેવી દવાઓ. કોઈપણ દવા તબીબની સૂચના વગર લેવાથી દર્દીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે માટે તબીબની સલાહ વગર કોઈ દવા લેવી જોઈએ નહીં અને તબીબ દ્વારા સૂચવેલી દવાઓ નિયમીતરૂપે લેવી જરૂરી છે..
ડો નરેન્દ્ર રાવલ . પલ્મોનોલોજિસ્ટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 7/15/2020