આપણે જયારે શ્વાસ લઈએ ત્યારે બહારની હવા મોં અને નાક વાટે થઈ શ્વાસનળી તથા નાની શ્વસનલિકાઓમાં જાય છે .જેના છેડે અસંખ્ય અતિસુક્ષ્મ ફુગ્ગાઓ જેવી થેલીઓ હોય છે. હવામાંનો પ્રાણવાયુ (oxygen) આ થેલીઓની દીવાલ પાર કરીને લોહીમાં ભળે છે. જો તમને દમની બીમારી હોય તો તમારી શ્વાસનળી બધા કરતા જુદી હોય છે તેથી તદ્દન થોડી ધૂળ, ધુમાડો કે પરાગરજથી છંછેડાઈ સંકોચાઈ જાય છે અને શ્વાસનલિકામાં ચીકણો રસ ઝરે છે અને અંદરની દીવાલ પર સોજો આવે છે આને કારણે દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે, ખાંસી આવે છે અને છાતીમાં ભીંસ પડે છે મોટેભાગે આ તકલીફ પરોઢિયે જોવામાં આવે છે. આ બધી વસ્તુઓનો સરવાળો એટલે જ દમ.
છાતીની ભીંસ, સિસોટી જેવો અવાજ અને ખાંસી. આ લક્ષણોમાં વિવિધતા જોવા મળે છે. કોઈ ક્ષણે એ હોય તો બીજી ક્ષણે ન પણ હોય. થોડા દર્દીઓને ક્યારેક જ શ્વાસ ચઢે તો બીજાઓને ફક્ત ખાંસી જ હોય. દમ એ ઘણુંખરું વારસાગત બીમારી છે પણ એ એમ જ હોવું જરૂરી નથી.
દમની દવાઓ મુખ્યત્વે બે પ્રકારની હોય છે (અ) હુમલા વખતે રાહત કરે તેવી (બ) હુમલો થતો અટકાવે તેવી. દર્દીના દમની તીવ્રતા મુજબ બેમાંથી કઈ દવા આપવી તે ડોક્ટર નક્કી કરે છે. દમની દવાઓ ગોળી, ઈન્જેકશન અને પમ્પ સ્વરૂપે મળતી હોય છે. ત્રણેય સ્વરૂપ પૈકી પમ્પથી લીધેલી દવાઓ સૌથી અસરકારક નીવડે છે તે અત્યંત સરળતાથી લેવાય છે અને દવાને સીધી શ્વાસનળીમાં કે જ્યાં તેની સૌથી વધારે જરૂર છે ત્યાં પહોંચાડે છે આમ, ગોળી કરતા તેની અસર ઘણી જલ્દી થાય છે એટલુંજ નહી, દમને એક ગોળીથી મળે છે તેટલી જ રાહત પમ્પ દ્રારા મળવા માટે ગોળીનાં લગભગ ૨૦ થી ૪૦માં ભાગ જેટલીજ દવાની જરૂર પડે છે અને એટલા ઓછા પ્રમાણમાં દવાના કારણે તેની આડઅસર પણ નહીવત છે. આમ છતાં, દર્દીઓ હંમેશ આ પમ્પ વાપરવા તૈયાર થતા નથી. કારણકે એવી એક માન્યતા છે કે એનું બંધાણ અથવા આદત થઇ જશે કે હાનિકારક છે વગેરે, પરંતુ આ તદ્દન ખોટી માન્યતા છે અને દમની દવા પમ્પ દ્રારા લેવાની દુનિયાભરમાં પ્રચલિત અને સૌથી અસરકારક પધ્ધતિ છે. 41 પમ્પનો પુરેપુરો લાભ લેવા માટે તેને સાચી રીતે વાપરતા આવડવો જરૂરી છે. સ્ટેરોઈડ્સનાં પમ્પ અત્યંત સલામત છે અને દમના હુમલાને વારંવાર આવતો રોકવાની આધુનિક સારવાર પદ્ધતિની તે કરોડરજ્જુ છે નિયમિત રીતે લેવામાં આવે તો તેનાથી અત્યંત નાજુક શ્વાસનલિકાઓનો ઉત્તેજનાત્મક સ્વભાવ ઓછો કરી શકાય છે. જેથી એવા પદાર્થોના સંપર્કમાં આવ્યા છતાંય દર્દીને દમના હુમલા વારંવાર થતા નથી તથા તેમની તીવ્રતા પણ ઓછી થાય છે અને છેવટે દવાની જરૂરિયાત પણ ઘટી જાય છે. પમ્પની દવાઓ MDI અને રોટાહેલર જેવા પમ્પ થકી ઉપલબ્ધ હોય છે દમની તીવ્રતા મુજબ દર્દીઓને પમ્પ સિવાય ગોળીઓ તથા ઈન્જેકશન તમારા ડોક્ટર ના માર્ગદર્શન હેઠળ લેવા જરૂરી હોય છે.
બધાજ દમના દર્દીઓને એકસરખી તકલીફ પડતી નથી .જેને ક્યારેક જ દમનો હુમલો થાય છે તેવા દર્દીઓને ફક્ત તે હુમલા દરમ્યાન જ દવા લઈ સારું થઈ જાય છે .આવા દર્દીઓને બે હુમલા વચ્ચે કોઈ જાતની તકલીફ હોતી નથી.બીજા દર્દીઓને લગભગ રોજ દમના હુમલા પડે છે. તમારો જો આ વર્ગમાં સમાવેશ થતો હોય તો તમને નિયમિત દવા લેવાની જરૂર છે. જો નિયમિત દવા લેવામાં ન આવે તો બાળકોમાં છાતીની ખોડ રહી જાય છે અને મોટેરાંઓમાં ફેફસા કાયમ માટે ખરાબ થઈ જાય છે..
બીજી બાજુ, જો નિયમીત દવાઓ લઈ તમે તમારા દમને કાબુમાં રાખો તો તમારા તીવ્ર પ્રકારનો હેરાનગતિ કરતો દમ ઘણો મંદ થઇ જશે અને લગભગ તદ્દન સારા થઈ ગયાની અનુભૂતિ કરાવશે .
સ્ત્રોત : ડૉ. નલિન શાહ. પલ્મોનોલોજિસ્ટ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/30/2019