એક અભ્યાસ મુજબ ભારતમાં હજારે 14 વ્યક્તિ એપિલેપ્સિ એટલે કે ખેંચના દર્દી છે. ખેંચ એ કોઈ માનસિક રોગ નથી પણ, એક એવી સ્થિતિ છે જેમાં મગજમાં ટૂંક સમય માટે વીજળીક તરંગો ઉત્પન્ન થવાથી હાથ-પગ અને કોઈકવાર મોઢું ખેંચાઈ જાય છે. જેને આપણે ખેંચ કે આંચકી કહીએ છીએ અને ભવિષ્યમાં જો આ વારંવાર આવે તો તેને એપિલેપ્સિ કહેવાય છે.
ખેંચને આપણે પ્રાદેશિક ભાષામાં આંચકી, વાઈ, તાણ તથા મીર્ગીના નામે પણ જાણીએ છીએ જ્યારે અંગ્રેજીમાં તેને seizure તેમજ convulsionsના નામે ઓળખવામાં આવે છે. ઘણી વખત ગામડાંના નિરક્ષર લોકો ખેંચને ભૂતપ્રેત, શ્રાપ અથવા માનસિક મંદતામાં ખપાવી ચોક્કસ ડૉક્ટર પાસે સારવાર લેવાના બદલે ભૂવા અને તાંત્રિકોના ચક્કરમાં ફસાતા હોય છે અને બીમારીને અસાધ્ય બનાવી દેતા હોય છે.
એક અંદાજ મુજબ ભારતમાં સવા કરોડથી પણ વધારે લોકો ખેંચની સમસ્યાથી પીડિત છે. આ પૈકીના સંખ્યાબંધ લોકોમાં જાગૃતિની કમી, ખોટી માન્યતાની દોરવણી તેમજ સાચી સારવારની જાણકારીનો અભાવ છે. ખેંચ સ્ત્રી અથવા પુરૂષ બંનેને કોઈ પણ ઉંમરે આવી શકે છે. એમાંથી ઘણા દર્દીઓને બાળપણમાં ખેંચ આવી હોય છે તેવું પણ એક તારણ અભ્યાસમાં સામે આવ્યું છે.
ખેંચ માટેના મુખ્ય કારણોમાં મગજમાં ઈજા થવાથી, મગજમાં ઈન્ફેક્શન થવાથી, મગજની ગાંઠના કારણે, લકવો થવાથી, મેટાબોલિક રોગોના કારણે, જન્મ વખતે બાળકને ઓક્સિજન કે ગ્લુકોઝ ઓછું મળવાથી અને કેટલાક કિસ્સામાં ખેંચનું કારણ વારસાગત પણ હોઈ શકે છે.
ખેંચના ઘણા પ્રકારો અને લક્ષણો છે. જેમાં ખાસ કરીને અચાનક હાથ-પગ કડક થઈ જવા, કેટલીક મિનિટ અથવા સેકન્ડ માટે બેભાન થવું, આંખો ઉપર ચઢી જવી, જીભ કચડાઈ જવી, કપડામાં પેશાબ થઈ જવો, મોઢું એક તરફ અચાનક ફરી જવું, મોઢું હલવા માંડવું, ઝટકા આવે વગેરે જેવા ચિહ્નો ખેંચના હોઈ શકે છે.
ખેંચ આવે ત્યારે દર્દીનું ચોક્કસ નિદાન થવું જરૂરી છે. તે માટે ન્યુરોલોજિસ્ટ દર્દીની ડિટેલ હિસ્ટ્રી મેળવી તપાસ બાદ સારવાર શરૂ કરે છે. ખેંચના દર્દીઓ માટે MRI/CT Brain & ECGના રિપોર્ટ કઢાવવા અત્યંત જરૂરી છે. આ રિપોર્ટના આધારે ખેંચના કારણો અને તેની તિવ્રતાનો ખ્યાલ આવતો હોય છે.
હા, ખેંચની સારવાર શક્ય છે અને તેને કાબૂમાં પણ રાખી શકાય છે. માર્કેટમાં હાલ AEDs (anti-epileptic drugs) ઉપલબ્ધ છે. જેના પરિણામો ખૂબ સારા છે. 65 ટકા દર્દીઓ માત્ર એક જ દવાના કોર્સથી ખેંચ ઉપર કાબૂ મેળવી શકે છે જ્યારે બાકીના 35 ટકા જેટલા દર્દીઓને બે અથવા તેથી વધારે દવાના કોમ્બિનેશનથી રાહત મળી શકે છે. એ ઉપરાંત બાકી રહેતા ખેંચના દર્દીઓ માટે સર્જરી તેમજ અદ્યતન સારવારનો વિકલ્પ ખુલ્લો છે. મોટાભાગના દર્દીઓમાં ખેંચની દવાઓ આખી જિંદગી લેવાની જરૂર હોતી નથી. કેટલાક વર્ષો દવા લીધા બાદ તેને બંધ પણ કરી શકાય છે. ગર્ભવતી મહિલાઓ માટે પણ ઘણી ખેંચની સુરક્ષિત દવાઓ ઉપલબ્ધ છે. જે ગર્ભાવસ્થા દરમિયાન આપવામાં આવે તો માતા અને આવનાર બાળકને આવનારી ખેંચથી બચાવી શકાય છે.
લેખ : ડૉ. પ્રિયંક શાહ, M.D., D.M. ન્યુરોલોજિસ્ટ,
પ્રિવ્યા ન્યુરોલોજી ક્લિનિક એન્ડ રિહેબિલિટેશન સેન્ટર;2/D, સુર્યરથ કોમ્પ્લેક્સ, સંસ્કૃતિની ઉપર, વ્હાઈટ હાઉસની સામે, પંચવટી ચાર રસ્તા, અમદાવાદ 380006 ;એપોઈન્ટમેન્ટ માટેઃ 079 48934400, 88494 31399
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020