অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

ડિમેન્શિયા એટલે સ્મૃતિ સાથે સતત સંઘર્ષ કરાવતો રોગ

ડિમેન્શિયા એટલે કે ચિત્તભ્રમ, સ્મૃતિભ્રંશ અથવા મનોનાશ એ કોઈ ઉંમર સાથે થતો સામાન્ય ફેરફાર નથી, પરંતુ મગજનો એક ચોક્કસ રોગ છે કે જેમાં વ્યક્તિને યાદશક્તિ, વિચારશક્તિ, ભાષા, વગેરે જેવી પ્રવુત્તિઓમાં અડચણ ઉભી થાય છે. લોકોમાં આ બીમારીને લગતી જાણકારીના અભાવે ઘણાખરા અંશે આ રોગનું નિદાન અને સારવાર થવામાં વિલંબ ઉભો થાય છે. તદુપરાંત, આ રોગ માત્ર દર્દીઓ માટે જ નહિ પણ તેના પરિવારજનો માટે પણ આર્થિક, સામાજિક અને લાગણીશીલ સમસ્યા બની જાય છે. અલ્ઝાઈમર ડીસીઝ ઇન્ટરનેશનલ નામની વૈશ્વિક સંસ્થા દ્વારા સપ્ટેંબર મહિનાને “વર્લ્ડ અલ્ઝાઈમર મન્થ” તરીકે ઉજવવામાં આવે છે. તો મિત્રો, આ નિમિત્તે આજે આપણે ડિમેન્શિયા રોગ વિષે થોડી જાણકારી મેળવીશું.

ડિમેન્શિયા અને તેના પ્રકારો

માનવ મગજના દરેક વિભાગ સાથે એક નિશ્ચિત કાર્ય જોડાયેલું છે. અમુક ચોક્કસ કે અચોક્કસ કારણોસર જો મગજના યાદશક્તિ, વિચારશક્તિ, નિર્ણયશક્તિ, ભાષા વગેરેનું સંચાલન કરતા કોષો નાશ પામતા જાય, અને તેના દ્વારા ઉભી થતી પ્રગતિશીલ મુશ્કેલીઓ કે જે દર્દીના વ્યવહાર અને રોજીંદા કાર્યોમાં અડચણરૂપ બનતી જાય, તેને મેડીકલ ભાષામાં ‘ડિમેન્શિયા' કહે છે. દર્દીમાં દેખાતા આ રોગના લક્ષણો તે વાત પર નિર્ભર કરે છે કે મગજના કયા વિભાગના કયા કોષોનું કાર્ય કેટલા અંશે ખોરવાયું છે અને તે કેટલી ગતિએ આગળ વધે છે. સામાન્યસ્તરે આ બીમારી ૬૦ વર્ષની ઉંમર પછી શરુ થતી હોય છે, પરંતુ જુજ કેસોમાં તે નાની ઉંમરે પણ જોવા મળી શકે છે.

દર્દીમાં દેખાતા લક્ષણો અને મગજમાં અમુક ચોક્કસ વિભાગોમાં થતા ફેરફારોના આધારે ડિમેન્શિયાના વિભિન્ન પ્રકારો છે, જેમાંથી આશરે ૭૦-૮૦% દર્દીઓ “અલ્ઝાઈમર ડિમેન્શિયા” અથવા “વાસ્કયુલર ડિમેન્શિયા” પ્રકારના હોય છે. આ ઉપરાંત “લેવી બોડી ડિમેન્શિયા (DLB)”, “ફ્રન્ટો ટેમ્પોરલ ડિમેન્શિયા (FTD)”, “પાર્કિન્સન ડિમેન્શિયા”, વિગેરે પ્રકારો પણ હોય છે. જોવા જઈએ તો ડિમેન્શિયા એક ઉત્તરોત્તર વધતી બીમારી છે, પરંતુ અસામાન્ય કેસોમાં વિટામીનની ઉણપ, થાયરોઈડ, ઇન્ફેકશન, ટ્યુમર કે અમુક ઝેરી ધાતુઓ દ્વારા પણ ડિમેન્શિયા નો રોગ થઇ શકે છે, જેને ‘રીવર્સીબલ ડિમેન્શિયા' કહે છે. આ પ્રકારના ડિમેન્શિયાનું નિદાન કરવું આવશ્યક છે કારણ કે આવા કેસોમાં યોગ્ય ઉપચાર દ્વારા દર્દીને ત્વરિત સાજા કરી શકાય છે.

અલ્ઝાઈમર ડિમેન્શિયા અને તેના લક્ષણો

અલ્ઝાઈમર ડીસીઝ એક ખુબજ વ્યાપક પ્રકારનો ડિમેન્શિયા છે. તાજેતરમાં થયેલા એક સર્વેક્ષણ મુજબ ૨૦૧૭ સાલમાં આશરે ૫ કરોડ દર્દીઓ વૈશ્વિક સ્તરે અલ્ઝાઈમર ડિમેન્શિયાથી પીડિત છે, જેમાં અમેરિકા, ચીન અને ભારત મોખરે છે. એક બાજુ જ્યાં સરેરાશ દર ૩ સેકન્ડે વિશ્વમાં એક વ્યક્તિને ડિમેન્શિયા થાય છે, ત્યારે દર ૩ વ્યક્તિ દીઠ ૨ વ્યક્તિ ડિમેન્શિયાની બીમારી અને તેના લક્ષણોથી અજાણ છે. .

અલ્ઝાઈમર ડિમેન્શિયામાં ‘પ્લેક્સ' અને ‘ટેન્ગલ્સ' કેહવાતા નુકસાનકારક પ્રોટીન બંધારણો મગજના ‘ટેમ્પોરલ લોબ' તરીકે ઓળખાતા ભાગમાં એકત્રિત થઇ તેના કોષોની કાર્યક્ષમતા ક્રમશઃ ઘટાડતા જાય છે. અમુક કેસોમાં અલ્ઝાઈમર ડીસીઝ વારસાગત હોવાનું પણ સાબિત થાય છે.

તબીબી દ્રષ્ટિકોણથી દર્દી આ રોગમાં ૩ તબક્કાઓ થકી પસાર થાય છે. આ રોગની શરૂઆત યાદશક્તિની તકલીફો થી ચાલુ થાય છે, ખાસ કરીને તાજેતરના ભૂતકાળની વાતો યાદ કરવામાં અને નવી વસ્તુઓ શીખવામાં તકલીફ પડે છે. જુના ભૂતકાળની યાદો બીમારીના છેલ્લા તબક્કા સુધી જળવાઈ રહે છે. આ સિવાય બોલતી વખતે યોગ્ય શબ્દો ન મળવા, ગણતરીમાં ભૂલો થવી, દિશાભાનમાં તકલીફો થવી, સ્વભાવ/વર્તન બદલાવવું, એકાગ્રતા ન રહેવી જેવા લક્ષણો અનુભવાય છે.બીમારી આગળ વધતા વધુ તીવ્ર લક્ષણો ઉમેરાય છે જેવા કે પરિચિત જગ્યાઓ તથા વ્યક્તિઓની ઓળખ જતી રહેવી, મોબાઈલ કે ટીવી જેવા નિયમિત વપરાશ વાળા મશીનો વાપરવામાં તકલીફ પડવી, સમય / જગ્યા / વ્યક્તિ વિશેની સભાનતા ન રહેવી, જાહેરમાં અજુગતું વર્તન કરવું, રોજીંદા કામો જેમકે નહાવું, ખાવું, પેશાબ-સંડાસની ક્રિયાઓ, વગેરે માટે પરાવલંબી બની જવું, અચાનક જ વિના કારણે રડવા કે હસવા માંડવું અથવા કોઈ પ્રવુત્તિનું આયોજન કરવામાં તકલીફ પડવી. અંતિમ સ્ટેજમાં દર્દી સંપૂર્ણપણે પરાવલંબી અને પથારીવશ બની જાય છે. આ દરમ્યાન ઇન્ફેકશન, પાણી/ક્ષારની ઉણપ, ચામડીના રોગો જેવી બીમારીઓ માટે વારંવાર દવાખાનામાં દાખલ થવું પડે છે.

ડિમેન્શિયાનું નિદાન

ડિમેન્શિયા અને તેના પ્રકારોનું નિદાન દર્દીના લક્ષણો અને તેના પરીક્ષણ દ્વારા કરી શકાય છે. આ માટે મગજનાં રોગોના સ્પેશિયાલિસ્ટ ડોકટર એટલે કે ન્યુરોફીઝીશિયનનો સંપર્ક કરવો જરૂરી બને છે. ડિમેન્શિયા અને તેની તીવ્રતા જાણવા માટે દર્દીની યાદશક્તિ, સમજશક્તિ, ભાષા, સભાનાવસ્થા, વગેરેના પરીક્ષણો (Cognitive Tests) કરવામાં આવે છે. આ સિવાય ‘રીવર્સીબલ ડિમેન્શિયા'ના વિવિધ કારણો જાણવા માટે જરૂરી તપાસો પણ આવશ્યક છે. નિદાન માટેની આધુનિક પદ્ધતિઓ જેમ કે ઈઈજી, MRI, SPECT અને PET પણ અમુક કેસોમાં મદદરૂપ સાબિત થાય છે.

ડિમેન્શિયાની સારવાર

ડિમેન્શિયા એક ક્રમશઃ વધતો રોગ છે જેના માટે મેડીકલ ક્ષેત્રે કોઈ વિશેષ જાણીતો ઉપચાર નથી. આ માટે ડિમેન્શિયાને અગાઉથી ઓળખી અને દર્દીના લક્ષણો માટે જરૂરી દવાઓ, જીવનશૈલીના ફેરફારો તથા પુનર્વસવાટ (rehabilitation) ની વિભિન્ન પદ્ધતિઓ દ્વારા આ રોગનો ઈલાજ કરવામાં આવે છે. અલ્ઝાઈમર ડિમેન્શિયાના નિદાન અને સારવાર માટે વિશ્વભરમાં સઘન સંશોધન ચાલી રહ્યું છે અને અનેક પ્રકારની દવાઓ અત્યારે પ્રાયોગિક તબક્કામાં છે. અલ્ઝાઈમર ડીસીઝમાં બનતા ‘પ્લેક્સ' અને ‘ટેન્ગલ્સ'ને રોકવા માટેની રસી (Vaccine) વિષે પણ પુરજોશમાં પ્રયોગો થઇ રહ્યા છે.

અલ્ઝાઈમર્સ અને અન્ય ડિમેન્શિયામાં બીમારીના તબક્કા અને લક્ષણોને ધ્યાનમાં રાખીને અમુક દવાઓ જેમ કે Donepezil, Rivastigmine, Memantine, Galantamine, વગેરે વપરાય છે. આ ઉપરાંત, ‘ન્યુટ્રાસ્યુટીકલ્સ' તરીકે ઓળખાતી વિવિધ દવાઓ દિમાગી કોષોના કેમિકલ બેલેન્સ અને વિકાસ માટે ઉપયોગી થવાનાં હેતુથી વાપરી શકાય છે. દર્દીના વર્તન, સ્વભાવ અને ઊંઘમાં જો તકલીફો હોય તો અમુક પ્રકારની માનસિક દવાઓથી પણ ફાયદો મળી શકે છે.

ડિમેન્શિયા સાથેનું સરળ જીવન

નીચે જણાવ્યા પ્રમાણે પોતાની જીવનશૈલીમાં અમુક ફેરફારો કરવાથી અલ્ઝાઈમર ડીસીઝનાં દર્દીઓ મહદઅંશે સ્વાવલંબી અને સરળ જીવન પસાર કરી શકે છે.

  • બીમારીને સ્વીકાર્ય કરી અને પોતાના જીવન પ્રત્યે સકારાત્મક બનવું.
  • બીમારી અને તેનાથી થતી તકલીફોની જાણ પરિવારજનોને કરવી.
  • શારીરિક વ્યાયામ, બુદ્ધિમતાની કસરતો, વાંચન, સંગીત, ચિત્રકામ, બાગકામ, વગેરે પ્રવુત્તિઓ માટે રોજ સમય ફાળવવો.
  • મગજને સતેજ રાખવા માટેની કસરતો જેમ કે સુડોકુ, શબ્દવ્યૂહરચના, ગણિતના કોયડા, નવી ભાષા શીખવી, નવા પુસ્તકો વાંચવા અને મેડીટેશન ઉપયોગી નીવડી શકે છે.
  • રોજીંદા વપરાશની વસ્તુઓને ઘરમાં એક ચોક્કસ જગ્યાએ રાખવી અને કબાટો / બારણાં પર તેના સંબંધિત સ્ટીકરો અથવા લેબલો મારવા.
  • મહત્વના ફોન નંબરો એક ડાયરીમાં નોંધી તેને ફોનની પાસે મૂકી રાખવા.
  • રોજનાં કામો અને યાદ રાખવા લાયક બાબતોની સૂચી બનાવીને એક ડાયરીમાં નોંધી રાખવા.
  • સંતુલિત આહાર લેવો, પુરતી ઊંઘ લેવી અને ધૂમ્રપાન / મદિરાપાન જેવા વ્યસનોથી દુર રહેવું.

ડિમેન્શિયાથી બચવાનાં ઉપાયો

  • શારીરિક વ્યાયામ, ખાસ કરીને એરોબીક્સ, જોગિંગ, વગેરે નિયમિત કરવાથી મગજમાં લોહી તથા ઓક્સિજનનું પરિભ્રમણ સુધરે છે.
  • સુડોકુ, શબ્દવ્યૂહરચના, ગણિતના કોયડા, મોબાઈલમાં આવતી બ્રેઈન પઝલ્સ, નવા પુસ્તકો વાંચવા જેવી દિમાગને સતેજ બનાવતી કસરતો (Neurobics) કરવી જોઈએ.
  • મેડીટેશન, યોગ, પ્રાણાયામ, વગેરે મનની શાંતિ અને ધ્યાન સુધારવા માટે મદદરૂપ થાય છે.
  • સામાન્ય ગણતરી, શોપિંગ લીસ્ટ, જરૂરી ફોન નંબરો અને જન્મતારીખો માટે મોબાઈલ કે બીજી ટેકનોલોજી પર નિર્ભર ન રહેવું અને મોઢે યાદ રાખવાનો પ્રયત્ન કરવો.
  • પુરતી ઊંઘ, તણાવરહિત મન અને જીવન પ્રત્યેનો સકારાત્મક અભિગમ ખુબજ જરૂરી છે.
  • સમતોલ આહાર લેવો અને ધુમ્રપાન / મદિરાપાન થી દુર રહેવું.

વાચકમિત્રો, ડિમેન્શિયા વિષેની ઉપરોક્ત જણાવેલ માહિતી આપને તથા આપના પરિવારજનોને ઉપયોગી સાબિત થશે એ આશા રાખું છું. ડિમેન્શિયાના યોગ્ય નિદાન અને જરૂરી સારવાર માટે તેના શરૂઆતી લક્ષણો ઓળખીને ન્યુરોફીઝીશિયનનો સંપર્ક કરવો જોઈએ.

સ્ત્રોત : ડૉ ભૂમિર ચૌહાણ ન્યૂરોલોજિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/4/2019



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate