অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

પાર્કિન્સન: જાણો ચેતો અને અટકાવો

પાર્કિન્સન: જાણો ચેતો અને અટકાવો

વર્ષ 1817માં ડૉ. જેમ્સ પાર્કિન્સને સૌપ્રથમ મગજના રોગનાં લક્ષણોની વિસ્તૃત માહિતી આપી હતી તેથી આ રોગને તેમના નામે ઓળખાય છે. વયસ્ક લોકોને આ મૂંઝવતો અને પ્રચલિત રોગ છે, જેમાં મગજના ‘સબસ્ટેન્સિયા નાયગ્રા' નામના કોષો કોઈ કારણસર ક્ષતિગ્રસ્ત થઈ નાશ પામતા જાય છે ત્યારે ડોપામિન નામનું બ્રેઈનનું અગત્યનું જૈવિક રસાયણ બનતું ઓછું થઈ જાય છે. તેનાથી હલન-ચલન ધીમું અને મંદ થઈ જવું, ધ્રુજારી (કંપન), સ્નાયુઓનું કડકપણું વિગેરે લક્ષણો ઉદભવે છે. શરૂઆત મોટે ભાગે શરીરની એકબાજુ એટલે કે જમણા કે ડાબા અંગથી થાય છે. અમુક દર્દીઓમાં આગળ જતા થોડાક વર્ષોમાં તે બન્ને અંગોમાં પ્રસરી જાય છે. .

પાર્કિન્સન્સના લક્ષણો જોઈએ તો, આરામની પળોમાં હાથ-પગની આંગળીઓમાં વિશિષ્ટ પ્રકારની લયબધ્ધ ધ્રુજારી (Tremors), ચાલતી વખતે હાથનું હલન-ચલન ઓછું થવું, ઐચ્છિક સ્નાયુઓની બધી જ ક્રિયાઓ ઓછી અને ધીમી થવી. (Bradykinesia), હાથ-પગ તથા ચહેરાના સ્નાયુઓ કડક થઈ જવા (Rigidity), અક્ષર નાના થઈ જવા, ચાલ ધીમી પડવી, ચાલતા-ચાલતા સ્થગિત થઈ જવું, યાદદાસ્તમાં ઘટાડો થવો, ડિપ્રેશન આવવું, ખૂબ પરસેવો થવો, શરીરે કળતર થવું, અવાજ ધીમો અને કંટાળાજનક થઈ જવો (Monotonous), ચહેરાના હાવભાવ ઓછા થવા–અદ્રશ્ય થવા, મોઢામાંથી લાળ પડવી, આંખોના ઝપકારા મંદ થવા વિગેરે લક્ષણો જણાય તો ડૉક્ટરને મળીને રોગનું નિદાન કરાવવું જરૂરી બને છે. .

આ રોગ ઉંમર વધવાને કારણે થતા મગજના ઘસારા(Wear & tear) સાથે સંકળાયેલો છે. તેના ચોક્કસ કારણો હજી સંપૂર્ણપણે જાણી શકાયા નથી. કેટલીકવાર દવાઓની આડઅસર, માથામાં ઈજાઓ, જૈવિક રસાયણો કે વાયરસથી થતા નુક્સાન કે વારસાગત કારણોથી આ રોગ થાય છે. ઘણાં કિસ્સાઓમાં દર્દી અજાણ કારણોથી પણ આ રોગનો ભોગ બન્યાનું જણાયું છે. ક્યારેક આ રોગ બીજા કોઈ મોટા રોગના ભાગરૂપે પણ થતો જોવા મળે છે. આશરે 500 માંથી એક વ્યક્તિને કંપવા થઈ શકે છે. 60 વર્ષથી વધુ વયના આશરે 1.5% લોકો આ રોગથી પીડાય છે. મગજમાં ડોપામિન નામનું મગજનું રસાયણ ઉત્પન્ન કરનાર 80 ટકા જેટલા કોષો નાશ પામે ત્યારે કંપવાના લક્ષણો દેખાવા લાગે છે. .

આ રોગના નિદાન માટે MRI, Functional MRI ઉપયોગી સાબિત થાય છે. આ કોષોને નાશ પામતા અટકાવવાની કોઈ ચિકિત્સા કે દવા નથી, તેથી તેને જડમૂળ માંથી નાબૂદ કરી શકાતો નથી, પરંતુ નિયમિત દવા, સારવાર કરવાથી તેના ઘણાંબધા લક્ષણો પર મહદઅંશે કાબૂ જરૂર મેળવી શકાય છે. આધુનિક ચિકિત્સા પધ્ધતિ અને યોગ દ્વારા આ રોગમાં રાહત મળી શકે છે. .

તબીબી દ્રષ્ટીએ આ રોગને પાંચ અવસ્થામાં વહેચવામાં આવે છે. જેમકે પહેલા તબક્કે શરીરની એક બાજુ ધ્રુજારી કે કડકપણું આવવું, જ્યારે અંતિમ તબક્કામાં દર્દી પથારીવશ હોય છે. પ્રત્યેક તબક્કે દર્દીને કઈ દવા કેટલા પ્રમાણમાં આપવી તે ન્યુરોફિઝિશિયન નક્કી કરે છે. અત્રે ઉલ્લેખનીય છેકે પ્રત્યેક દર્દીની સારવાર અને દવાની માત્રા જુદી જુદી હોય છે. .

પાર્કિન્સન્સ સંબંધિત સર્જરીમાં છેલ્લા બે દાયકાઓમાં ખાસ સંશોધનો થયા છે. કયા પ્રકારની અને કયા સમયે સર્જરી કરવી તેના વિશે પણ નિષ્ણાતોમાં ખાસ સેમિનારો મારફતે ચર્ચાઓ પણ થઈ રહી છે. સામાન્ય રીતે પાર્કિન્સોનિઝમમાં 3 પ્રકારની સર્જરીઝ થઈ શકે છે. જેમકે, અબ્લેશન સર્જરી, ડીપ બ્રૅઈન સ્ટીમ્યુલેશન અને સેલ ટ્રાન્સપ્લાન્ટેશન સર્જરી. .

મેડિકલ તથી સર્જિકલ પ્રકારની સારવાર ઉપરાંત નિયમિત વ્યાયામ, આનંદિત જીવન, સમુહમાં મળવું અને યોગોપચાર કરવો વિગેરે પણ સફળ સારવારના ઉપયોગી પરિબળો છે. ટૂંકમાં પાર્કિન્સન્સ રોગથી હવે ગભરાવાની કોઈ જરૂર નથી. વિશ્વ પાર્કિન્સન્સ દિવસ 11 એપ્રિલે મનાવવામાં આવે છે. પાર્કિન્સન્સ વિશે જાણીએ, તેનાથી ચેતીએ અને અટકાવવા માટે પ્રયત્નશીલ થઈએ તેવા વિશ્વાસ સાથે આગળ વધીએ..!!.

પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ્સ – જેમાં મુખ્યત્વે 4 પ્રકાર છે. મલ્ટિસિસ્ટમ એટ્રૉફી-MSA (ચાલત-ચાલતા પડી જવું, બોલવામાં તકલિફ, હાથની ક્રિયાઓમાં તકલિફ, એકદમ ઉભા થવા જાઓ ત્યારે બ્લડપ્રેશર ઘટી જવું, પેશાબ અટકી જવો.) ડિફ્યુઝ લેવી બૉડી ડિસીઝ –DLB (યાદદાસ્ત ઘટીજવી, અશક્તિ લાગવી, ભ્રમણા થવી, ચિત્તભ્રમ, સભાનતામાં નોંધપાત્ર વધઘટ થવી.) પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિઅર પાલ્સી-PSP (શરીરના અંગોમાં મુખ્યત્વે છાતી અને પીઠના ભાગે કડકપણું થઈ જવું, આંખોના સ્નાયુઓનું હલન-ચલન ઘટી જવું, અવાજ્માં ફેરફાર થઈ જવો.), કોર્ટિકોબેઝલ ડિજનરેશન-CBD(હાથના એકબાજુના ભાગે વિચિત્ર હલન-ચલણ થવું, હાથમાં તાકાત હોવાછતાં કામ થતું નથી અને સંવેદના નાશ પામે છે.).

Strot ડૉ. કૃણાલ પઢીયાર,ન્યુરો ફિઝિશિયન

વિશેષ આભાર – પ્રો. ડૉ. સુધીર શાહ, ન્યુરોલૉજિસ્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate