મગજમાં ચેતાતંતુઓને નુકશાન થવાના કારણે વ્યક્તીમાં વિવિધ પ્રકારના લક્ષણો જોવા મળે છે. આ લક્ષણોના સમુહને ડિમેન્શિયા નામ આપવામાં આવ્યું છે. આ લક્ષણો નીચે મુજબ છે:
- યાદશક્તિ ઓછી થવી.
- વિચારશક્તિ કે તાર્કીક્શક્તિ ઓછી થવી.
- યાદશક્તિ ઓછી થવાના કારણે ચિંતાની, દુખની કે ગુસ્સાની લાગણી અનુભવવી.
- જાણીતા વાતાવરણમાં પણ અજાણ્યું લાગવું, ગફલતમાં રહેવું.
ડિમેન્શિયા(ભૂલવાની બીમારી) ઘણા બધા કારણોસર થાય છે, પણ મુખ્ય કારણ અલ્ઝાઈમર્સ ડીસીઝ છે. વાસ્ક્યુલર ડિમેન્શિયા.
બીજા ક્રમે છે. વધુ પડતું બ્લડ પ્રેસર, હૃદય રોગ, રક્તમાં વધુ પડતું ચરબીનું પ્રમાણ અને મધુપ્રમેહ (ડાયાબીટીસ) વાસ્ક્યુલર ડીમેન્શિયા થવાનું જોખમ વધારે છે.
કોને થઇ શકે?
ડિમેન્શિયા કોઈને પણ થઇ શકે, તેમાં જાતિ કે ઉચ-નીચનો કોઈ ભેદભાવ હોતો નથી.
- મુખ્યત્વે ૬૫ વર્ષથી વધારે ઉમરવાળી વ્યક્તિઓમાં જોવા મળે છે પણ નાની ઉમરની વ્યક્તિઓમાં પણ ક્યારેક જોવા મળે છે. ૬૦ વર્ષની ઉમરના ૧ ટકા વૃદ્ધોમાં ડિમેન્શિયા જોવા મળે છે જયારે આ જ આંકડો ૮૫ વર્ષની ઉમરે ૩૫ ટકા સુધી પહોચી જાય છે.
- વૃદ્ધ મહિલામાં પુરુષો કરતા વધુ પ્રમાણમાં ડિમેન્શિયા જોવા મળે છે.
- લાંબા આયુષ્યના કારણે વિકસિત દેશોમાં ડિમેન્શિયાના દર્દીઓ વધુ પ્રમાણમા જોવા મળે છે.
- ડિમેન્શિયાની બીમારીથી અજાણ હોવાના કારણે દર્દીના કુટુંબીજનો અને ખાસ મિત્રો સૌથી વધુ પીડાય છે.
લક્ષણો:
દરેક ડિમેન્શિયાના દર્દીમાં બીમારીના લક્ષણો એક સરખા નથી હોતા. સામાન્ય રીતે નીચે મુજબના લક્ષણો જોવા મળે છે:
- આજ-કાલના બનાવ યાદ ન રહે પણ જૂની વાતો સારી રીતે યાદ હોય.
- નિર્ણયશક્તિ ઓછી થવી.
- બોલતી વખતે સાચો શબ્દ યાદ ન આવે.
- દિવસ-રાત, તારીખ અને વારનું ભાન ન હોય.
- પોતાની ચીજ-વસ્તુઓનું ધ્યાન ન હોય.
- રોજીંદી ક્રિયામાં મુશ્કેલી અનુભવવી જેવી કે રસોઈ બનાવવી.
- નામ ભૂલી જવા, ચહેરો ઓળખવામાં તકલીફ પડવી.
- પોતાની સાર સંભાળ ન રાખી શકે, દરેક કાર્યમાં મદદની જરૂર પડે.
- પૈસાનો વ્યવહાર કરવામાં મુશ્કેલી અનુભવવી.
- વ્યક્તિત્વ અને મૂડમાં ફેરફાર થવો.
- ઉદાસીનતા રહેવી.
- કહ્યા વગર ઘરની બહાર નીકળી જવું, રસ્તા ભૂલી જવા.
- એકની એક વાત વારંવાર કરવી.
- કુટુંબીજનો ઉપર શક-શંકા કરવી.
- ડિમેન્શિયાના લગભગ 30 થી 40 ટકા દર્દીઓને સાયકોલોજિકલ લક્ષણ જોવા મળે છે.
- મન ઉદાસ રહે.
- ઘણીવાર મન સૂનમૂન થઇ જાય, કોઈ વાતમાં બહુ રસ ના પડે.
- આભાસ થાય , ભણકારા વાગે
- કોઈક મારવા આવે છે તેવી વાત કરે, ઘરની વ્યક્તિને કોઈ હેરાન કરશે તેવો વહેમ મનમાં ઉભો થાય
- ઘણીવાર તેમની ઊંઘની સાઇકલ બદલાય જાય દિવસે ઊંઘ્યા કરે અને રાત્રે ઊંઘ ના આવે અને વારંવાર ઘરના બધા લોકોને બોલાવ્યા કરે કે ઊંઘવા ન દે.
- ઘણીવાર દર્દી વારંવાર પેશાબ કરવા જાય કે સંડાસ જવાની ઈચ્છા વ્યક્ત કરે.
ડિમેન્શિયાના મુખ્ય પ્રકાર અને કારણો:
- અલ્ઝાઇમર્સનો રોગ: કુલ ડિમેન્શિયા
- ના ૫૦ થી ૭૫% દર્દીઓ આ રોગથી પીડાય છે.
- વાસ્ક્યુલર ડિમેન્શિયા: ડિમેન્શિયા
- ના ૨૦ થી ૩૦% દર્દીઓમાં જોવા મળે છે.
- લેવી બોડી ડિમેન્શિયા: ૫ થી ૧૦% દર્દીઓમાં જોવા મળે છે.
- ફ્રન્ટો-ટેમ્પોરલ ડિમેન્શિયા: ૫% થી ઓછા દર્દીઓમાં જોવા મળે છે.
શું ડિમેન્શિયાનું જોખમ ઘટાડી શકાય?
- નિયમિત કસરત: દર રોજ ૩૦ મિનીટ ચાલવું કે તરવું, ઘરના રોજીંદા કામોમાં મદદ કરવી.
- સ્વસ્થ આહાર: લીલા શાકભાજી અને ફળ લેવા, ચરબીવાળા ખોરાકથી દુર રહેવું.
- મગજની કસરત કરો: નવી ભાષા શીખો, ક્રોસવર્ડ અને સુડોકુ રમો, રસપ્રદ પુસ્તક વાચો.
- ધૂમ્રપાનથી દુર રહો.
- શારીરિક બીમારીઓને કાબુમાં રાખો, યોગ્ય સારવાર કરાવો.
- તણાવથી દુર રહો: યોગા અને પ્રાણાયામની મદદ લો.
- સામાજિક પ્રવૃતિઓમાં કાર્યરત રહો, બધાને મળો, મિત્ર બનાવો, ઈન્ટરનેટ ને જાણો અને તેનો ઉપયોગ કરતા શીખો.
સારવાર:
ડિમેન્શિયાની સારવાર ઘણી જટિલ છે. તેને સંપૂર્ણરૂપે મટાડી શકાય તેવી શક્યતા ઘણી ઓછી છે પણ જો બીમારીનું નિદાન શરૂઆતના તબક્કામાં થઇ જાય તો તેને વધતી અટકાવી શકાય છે. મુખ્યત્વે બે પ્રકારની સારવાર કરી શકાય:
દવાથી થતી સારવાર:
- દવાઓ બીમારીને આગળ વધતી અટકાવવામાં મદદરૂપ છે.
- દવા વગર થતી સારવાર: આ સારવાર પદ્ધતિમાં દર્દીના કુટુંબીજનોનો ફાળો ઘણો મહત્વનો છે.
- દર્દીની રોજીંદી ક્રિયાઓનો કાર્યક્રમ બનાવી તેને અનુસરવું.
- કોઈને કોઈ કામ તેમને રચ્યા પચ્યા રાખવા.
- દર્દી અને સાર સંભાળ રાખનાર બંને ભાગ લઇ શકે તેવી પ્રવૃતિઓનું આયોજન કરવું.
- તેમને સમય-સ્થળ અને વ્યક્તિનું ભાન રહે તે માટે ઓરડામાં કેલેન્ડર લગાવવું, ઘડિયાળ રાખવી, ઘરના દરેક વ્યક્તિએ તેમને નામથી સંબોધીને પોતાની ઓળખ આપવી.
- જુના પ્રસંગોના ફોટા અને આલ્બમ બતાવવા.
- તેમની વાતોને નકારવી નહિ પણ શાંતિથી સાંભળવી.
- દર્દી પુરતી ઊંઘ અને આહાર લે તેનું ધ્યાન રાખવું.
- યાદશક્તિ મજબુત કરવા મગજની કસરત કરાવતી રમત રમાડવી જેવી કે, સાપસીડી, લૂડો, સુડોકુ, મોબાઈલમાં રમાય તેવી હળવી રમતો પણ રમાડી શકાય.
- વર્તનના લક્ષણો જેવા કે, ભટકવું, કારણ વગર ગુસ્સો કરવો, એકની એક ક્રિયા વારંવાર કરવી વગેરે..તેના માટે “બીહેવીઅર મોડીફીકેસન ટેકનીક” નો ઉપયોગ કરવો.
- દર્દીના વસ્ત્રોમાં એક આઈડી કાર્ડ રાખવું કે જેમાં તેમનું નામ, સરનામું, આકસ્મિક સંજોગોમાં સંપર્ક કરી શકાય તે વ્યક્તિનું નામ અને મોબાઈલ નંબર લખવો.
- વિવિધ થેરાપીનો ઉપયોગ કરવો જેવી કે, મ્યુઝીક અને ડાન્સ થેરાપી, અરોમાથેરાપી, મસાજ થેરાપી, પેટ થેરાપી વગેરે.
ડિમેન્શિયાના દર્દીની સારવાર દરમ્યાન કુટુંબીજનોએ ધ્યાનમાં રાખવાની બાબતો:
- બીમારી વિષે જાણો.
- દર્દીની ક્ષમતાને જાણો અને તેને અનુરૂપ અપેક્ષા રાખો.
- રોજીંદી ક્રિયાઓ માટેનું સરળ સમયપત્રક બનાવો અને તેને અનુસરો.
- દર્દી સાથે પ્રેમથી વાત કરો, ગુસ્સો ન કરો, દર્દીની સમજ શક્તિ ઓછી છે તેનું ધ્યાન રાખો.
- પૌષ્ટિક આહાર અને સ્વસ્થ આરોગ્ય દર્દીની સારવાર માટે અતિ અગત્યના છે.
- દર્દીને જરૂર પડે સહકાર આપો પણ અમુક ક્રિયાઓ તેમને જાતે કરવા દો. વધુ પડતી સાર-સંભાળ ન લો.
- તેમને હળવાશની પળો માણવા દો. ફરવા લઇ જાઓ, ફિલ્મ જોવા લઇ જાઓ, હસી-મજાક કરો.
- ન દર્દીની ચાલતી બધી દવાઓનું લીસ્ટ રાખો અને સમયસર દવા આપો.
- દર્દીને શારીરિક કસરત કરાવવા માટે સમય ફાળવો.
- જયારે પણ જરૂરત પડે ત્યારે બીજા કુટુંબીજનો, મિત્રો અને સ્નેહીજનોની મદદ લો.
- ડિમેન્શિયાનું નિદાન એટલે મોત એમ ન સમજો. નિદાન બાદ પણ દર્દી એકંદરે ૭ થી ૧૦ વર્ષજીવે છે.
- ડિમેન્શિયાના દર્દી લાગણી અનુભવી શકે છે, ભલે તો પ્રસંગો ભૂલી ગયા હોય. તમારી વાણી અને વર્તન તેમના પર ખુબ અસર કરે છે.
- બીમારી પહેલા દર્દી જે વ્યક્તિ હતા તેને યાદ રાખો અને એ જ લાગણીથી તેમની સાર-સંભાળ લો.
- પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ડિમેન્શિયાના દર્દીની સાર-સંભાળ એ ઘણી મોટી જવાબદારી છે. પોતાની ક્ષમતાને જાણો.
- તેમના બદલાયેલા મૂડ અને વર્તન માટે જવાબદાર બીમારી છે, તે શું કરી રહ્યા છે કે બોલી રહ્યા છે તેનું તેમને ભાન હોતું નથી. બીમારી વધતા તેમના વર્તન અને વાણી પર વધુ અસર થવાની છે.
- જયારે વાતચીત શક્ય ન હોય ત્યારે હળવા સ્પર્શ અને હાસ્યનો ઉપયોગ કરો. ગીત-સંગીત સંભળાવો, તેમની સાથે બેસીને સમય પસાર કરો. આમ કરવાથી તેમને એકલાપણું નહિ લાગે.
સ્ત્રોત: ડૉ હિમાંશુ દેસાઈ, મનોચિકિત્સક