વર્લ્ડ સ્ટ્રોક ઓર્ગેનાઈઝેશન દ્વારા 29 ઓક્ટોબરના દિવસને 2006થી વૈશ્વિક સ્તરે ‘વર્લ્ડ સ્ટ્રોક ડે' તરીકે ઉજવવામાં આવે છે, જેથી લોકોમાં બ્રેઈન સ્ટ્રૉક વિશેની સમજણ વધે અને એના લક્ષણો જાણી ત્વરીત સારવાર મેળવી શકે. સ્ટ્રૉક દરમિયાન પ્રત્યેક સેકન્ડે મગજના 32 હજાર કોષો નાશ પામે છે. જો દર્દીને ત્વરીત સારવાર ન મળે તો તેનું જીવન જોખમમાં મૂકાય છે. એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે એક લાખે 150ને અને વિશ્વમાં દર બે સેકન્ડે એક વ્યક્તિને પક્ષઘાત થાય છે. જેમાંથી 30% લોકો 1થી 4 અઠવાડિયામાં મૃત્યુ પામે છે. વિશ્વભરમાં લગભગ 80 મિલિયન લોકો પક્ષઘાતથી પીડાય છે, આ પૈકીના 50 મિલિયનથી વધુ લોકોને કાયમી અપંગતા હોય છે. પક્ષઘાત પછી ઘણા લોકોનું જીવન પહેલા જેવું રહેતું નથી, જોકે યોગ્ય સંભાળ અને સારવાર ચાલુ રાખીએ તો અર્થપૂર્ણ જીવન જીવી શકાય છે. આમ સ્ટ્રોકથી બચી ગયેલા લાખો દર્દીઓ સાબિત કરે છે કે, ‘સ્ટ્રોક પછી પણ હિંમતથી જીવવું શક્ય બન્યું છે'.
સ્ટ્રોક (લકવો, પક્ષઘાત, પેરાલીસીસ) એટલે શું?
પક્ષઘાત એ મગજનો એક ગંભીર રોગ છે જેના મુખ્યત્વે બે પ્રકાર છે. 80 % સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે અને તરત જ લકવાના લક્ષણો દેખાય છે. બાકીના 20% માં હેમરેજિક સ્ટ્રોક હોય છે જેમાં મગજમાં લોહીની નળી ફાટવાથી હેમરેજ થાય છે.
કેવા હોય છે પક્ષઘાતના લક્ષણો?
પક્ષઘાતના મુખ્ય લક્ષણોમાં ચહેરો ત્રાંસો થવો, એક બાજુનાં હાથના હલનચલનમાં તકલીફ થવી, એક બાજુના પગમાં નબળાઈ અને ચાલવામાં તકલીફ, બોલવામાં તકલીફ જેમકે જીભ જાડી થવી, અસ્પષ્ટ ઉચ્ચારો, ચાલવામાં બેલેન્સ ના રહેવું, ખોરાક ગળવામાં તકલીફ પડવી વગેરે છે. આમાંથી કોઈ પણ લક્ષણ અચાનક થાય તો તરત જ 108 બોલાવીને નજીકની હોસ્પિટલમાં દર્દીને લઈ પહોંચવું જરૂરી છે.
ત્વરિત સારવારની જરૂર કેમ?
મોટાભાગના દર્દીઓમાં ઇસ્કેમિક સ્ટ્રોક થતો હોય છે. આ પ્રકારના લકવાની સારવાર rTPA(Alteplase) અથવા Tenecteplase નામના ઈન્જેકશનને તરત જ આપવાથી થઈ શકે છે જેનાથી લોહીનો ગઠ્ઠો ઓગળી જાય છે અને મોટાભાગના દર્દીઓને આંશિક અથવા પૂર્ણ રાહત થઇ શકે છે. જો આ દવા સાડા ચાર કલાક દરમિયાન આપવામાં આવી હોય તો જ અસર કરે છે, પરંતુ આવું ભાગ્યેજ બને છે, કારણકે શરૂઆતમાં ઘણીવાર દર્દીને તો ખ્યાલ જ નથી આવતો કે આ લકવો હોઈ શકે, પરંતુ જ્યારે ખબર પડે ત્યારે તે નજીકના દવાખાનામાં જવાનું વિચારે અને જો તકલીફ વધુ જણાય તો પણ ટ્રાફિકની સમસ્યાને લીધે દર્દી સારવાર માટે સમયસર હોસ્પિટલ પહોંચી શકતો નથી.
શું પક્ષઘાતને અટકાવી શકાય છે?
પક્ષઘાત થતો અટકાવવો એ જ તેની શ્રેષ્ઠ સારવાર છે. ચાલો જાણીએ કેટલાક ઉપાયો જેનાથી પક્ષઘાત થતો અટકાવી શકાય.
- નિયમિત કસરત કરો, કાર્યશીલ રહો.
- પક્ષઘાત થવાના જોખમી પરિબળો હાઇપરટેન્શન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલને કાબૂમાં રાખો.
- ખાવા-પીવાનું ધ્યાન રાખો અને મેદસ્વિતા ટાળો.
- તમાકુના સેવનથી દૂર રહો.
- મદ્યપાન ટાળો.
- તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ વાયુ પ્રદૂષણથી પણ પક્ષઘાતનું જોખમ રહેલું છે. વાયુ પ્રદુષણને કાબૂમાં રાખવું એ જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બને છે. વૃક્ષારોપણ કરો, પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરો, કારપુલ તથા સાઈકલિંગનો ઉપયોગ વધારો, રેડ સિગ્નલ પર વાહન બંધ કરી દો, કચરો ના બાળો, સોલાર એનર્જીનો ઉપયોગ વધારો.
પક્ષઘાતના પ્રારંભિક લક્ષણો વિષે સમજણ કેળવો અને સમાજમાં જાગૃકતા વધારો જેથી કોઈને પણ પક્ષઘાતના લક્ષણો જણાય તો ત્વરીત ન્યૂરોલોજિસ્ટનો સંપર્ક કરી શકાય.
સ્ત્રોત: કેર ન્યૂરો ક્લિનિક (બાપુનગર)