જ્યારે મગજના કોઈ ભાગમા લોહી પહોંચતું બંધ થઈ જાય છે, ત્યારે સ્ટ્રોક આવે છે. હૃદયથી મગજ સુધી લોહીનું વહન કરતી રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ અટકી જાય છે, અથવા રક્તવાહિની ફાટી જવાથી મગજમાં રક્તસ્ત્રાવ થાય છે, ત્યારે મગજ સુધી લોહીનો પુરવઠો પહોંચતો નથી અને સ્ટ્રોક આવે છે. જ્યારે લોહીનો પુરવઠો અટકી જાય છે, ત્યારે મગજનો ભાગ ગ્લુકોઝ અને ઓક્સિજન વિના લાંબા સમય સુધી અસ્તિત્વ ટકાવી ન શકે તથા સ્ટ્રોક આવ્યાનાં ૪.૫ કલાકની અંદર નુકસાન થાય છે. સ્ટ્રોક પછી દર મિનિટે મગજમાં ૨ મિલિયન કોષોનો નાશ થાય છે અને જો સમયસર સારવાર ન મળે તો આ નુકસાન કાયમ માટે થઈ શકે છે. એટલે વિકલાંગતા અને મૃત્યુ ટાળવા સ્ટ્રોકની સારવાર તાત્કાલિક વિન્ડો પીરિયડ મા(સ્ટ્રોક ની શરૂઆત બાદ ૦ થી ૪.૫ કલાક નો સમય) થાય એ જરૂરી છે.
F: મોઢુ એક બાજુ વાકુ થઈ જવુ
A: એક તરફ હાથ અને પગમાં નબળાઈ આવવી
S: બોલવામાં મુશ્કેલી પડવી
T: હોસ્પિટલે ઝડપથી પહોંચવાનું મહત્વ
અચાનક કોઈને મોઢુ વાકૂ થાય અથવા એક બાજુ હાથ-પગમાં નબળાઈ આવી જાય અથવા બોલી ના શકાય,કન્ફ્યુઝ થઈ જાય અને વાત સમજી ના શકે અથવા બેલેન્સ ના રહીને પડી જાય અને બેભાન થઈ જાય તો લકવો હોય શકે.
તે નોંધવું મહત્ત્વપૂર્ણ છે કે અમદાવાદમાં નવી સારવાર સરળતાપૂર્વક ઉપલબ્ધ છે, જેનાં દ્વારા રક્તવાહિનીમાં લોહીનાં ગઠ્ઠા ઓગાળી શકાશે અથવા સર્જરી વિના મિકેનિકલી દૂર કરી શકાય છે અને જો વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચડાવમાં આવે તો તેમના સાજા થવાની તક ઘણી વધી જાય છે.
ઇસકેમિક સ્ટ્રોક અને રક્તવાહિનીઓમાં લોહીનું પરિભ્રમણ બંધ થઈ જવા માટે ધુમ્રપાન, તમાકુનું સેવન, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટિસ, હૃદયરોગ, કોલેસ્ટેરોલનું ઊંચું પ્રમાણ, શરાબનું સેવન, ઓછા બી૧૨ અને ફોલેટ સ્તરે સાથે હોમોસીસ્ટેઇનનું ઊંચું પ્રમાણ વગેરેના કારણે થઈ શકે છે. હેમરેજીક સ્ટ્રોક માટે હાઈ બ્લડ પ્રેશર, ધુમ્રપાન, શરાબનું સેવન, આર્ટેરિયો-વીનસ માલફોર્મેશન કે રક્તવાહિનીમાં ફુગ્ગો બની જવો જેવા કેટલાંક કારણો જવાબદાર રહી શકે છે. અત્યારે યુવાનોમાં (૪૦ વર્ષથી ઓછી વય ધરાવતાં લોકોમાં) સ્ટ્રોકનું ટકાવારીની દ્રષ્ટિએ વધારે પ્રમાણ જોવામાં આવે છે, જેનુ કારણ છે- ચિંતામાં વધારો, કસરતનો અભાવ, બેઠાડું જીવનશૈલી અને ભોજનની ખરાબ આદતો.
તાત્કાલિક સચોટ સારવારઃ જો તમને એવું લાગે કે વ્યક્તિને સ્ટ્રોક આવ્યો છે, તો દર્દીને સીટી/એમઆરઆઈ અને કેથ લેબ સુવિધા ધરાવતાં સ્ટ્રોક સેન્ટરમાં તાત્કાલિક લઈ જવા જોઈએ. સ્ટ્રોક સેન્ટરમાં દર્દીને અનુકૂળ હોય તો લોહીનાં ગઠ્ઠા ઓગાળવા ‘થ્રોમ્બોલીસિસ થેરેપી’ નો વિકલ્પ આપી શકાય છે. ભલે થ્રોમ્બોલીસિસ થેરેપીમાં ખર્ચ થોડો વધારે આવે છે પરંતુ લાંબો સમય હોસ્પિટલમાં રહેવું, વિકલાંગતા વેઠવી અને પછી ફિઝિયોથેરેપી અને પુનર્વસનની સરખામણીમાં તે વધારે ફાયદાકારક છે. અત્યારે અમદાવાદમાં ચોક્કસ કેન્દ્રોમાં મિકેનિકલ ક્લોટ રિમૂવલ શક્ય છે. સબઆર્કનોઇડ હેમરેજનો શિકાર બનેલા દર્દી માટે બ્રેઇન એન્જિયોગ્રાફી અને કોઈલીંગ એન્યુરિઝમ(લોહીની ધમનીનો ફુગ્ગા ને કોઈલ થી બંધ કરવાની પ્રક્રિયા ) ઉપલબ્ધ છે.
વિન્ડો પીરિયડ પછી હોસ્પિટલ પહોંચનાર દર્દી ક્લોટ બર્સ્ટિંગની સારવાર મેળવવાને પાત્ર રહેતાં નથી, પણ તેમને દવાઓ અને ફિઝિયોથેરેપી સાથે પરંપરાગત સારવાર આપી શકાય છે.
ઓછા ફેટ ધરાવતું ભોજન લેવું, કસરત કરવી, સ્વાસ્થ્ય જાળવવું, લીલા શાકભાજી ધરાવતું ભોજન લેવું, ડાયાબિટિસ મેલિટસનું નિયંત્રણ, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવું, હૃદય રોગ નિયંત્રણમાં રહે એ મહત્ત્વપૂર્ણ છે. ડીહાઇડ્રેશન ટાળવા પુષ્કળ પાણી પીવો. ધુમ્રપાન બંધ કરો.
તમે સ્ટ્રોક થતો ટાળી શકો અને જ્યારે પણ કોઈ વ્યક્તિ ને સ્ટ્રોક થતો જણાય તો તેની સારવાર ચોક્ક્સ રીતે ઉપલબ્ધ છે પરંતુ તેને ઉપર પ્રમાણેની સેવાઓ હોય, મગજના સુપરસ્પેશ્યાલિસ્ટ ડોક્ટર હોય એવા સ્ટ્રોક સેન્ટરમાં સમયસર પહોચાડવુ અત્યંત અગત્ય છે.
ડૉ. સુચેતા મુડગેરીકર(કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/28/2020