অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વિશ્વમાં દર ત્રણ સેકેન્ડે એક વ્યક્તિ ડિમેન્શિયાનો શિકાર

વિશ્વમાં દર ત્રણ સેકેન્ડે એક વ્યક્તિ ડિમેન્શિયાનો શિકાર

વૈશ્વિક સંસ્થા અલ્ઝાઇમર ડિસીઝ ઇન્ટરનેશનલ દ્વારા “અલ્ઝાઇમર ડિમેન્શિયા” અંગેની આંતરરાષ્ટ્રીય ઝુંબેશના ભાગરૂપે સપ્ટેમ્બર મહિનાને “વિશ્વ અલ્ઝાઇમર મહિના” તરીખે ઉજવવામાં આવે છે, જેથી આવા મગજના ગંભીર રોગ વિષે લોકોમાં જાગૃતિ આવે. વિશ્વ અલ્ઝાઇમર મહિનો ૨૦૧૨ માં શરુ થયો હતો અને “વિશ્વ અલ્ઝાઇમર દિવસ” ૨૧ સપ્ટેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે..

વાચકમિત્રો, આ વર્ષની થીમ મુજબ એવું જણાવવામાં આવ્યું છે કે “વિશ્વમાં દર 3 સેકન્ડમાં એક વ્યક્તિને ડિમેન્શિયા થઇ રહ્યો છે”; જો કે,વૈશ્વિક સ્તરે દર ૩ લોકોમાંથી ૨ લોકોમાં તેમના દેશોમાં ડિમેન્શિયાની બહુ ઓછી અથવા કોઈ સમજણ જ નથી. ડિમેન્શિયાના દર્દીઓ વિશેનું સામાજીક કલંક અને એના વિષેની ખોટી માહિતી વૈશ્વિક સમસ્યા છે જેને દૂર કરવી જરૃરી છે. ડિમેન્શિયા એ ઉમર સાથે થતો કોઈ સામાન્ય રોગ નથી. તે થાય છે ત્યારે મગજને એક ચોક્કસ રોગ દ્વારા અસર થાય છે. ડિમેન્શિયાના દર્દીમાં અલગ અલગ અસર જોવા મળે છે, જેમકે યાદશક્તિ, એકાગ્રતા, દિશાઓની ઓળખ, સ્વભાવ, વર્તન, વાણી અને ભાષા સહીતની સમસ્યાઓ થઇ શકે છે. ડિમેન્શિયા ક્રમશઃ આગળ વધી શકે છે તેથી સમય જતા દર્દીની તકલીફો ખુબજ વધી શકે છે. આગળ જતા દર્દીને તે જે જોઈ રહ્યો છે અને સાંભળી રહ્યો છે તેને સમજવામાં બહુજ સમસ્યા અનુભવાય છે. દર્દીને સમય અને દિવસનો ખ્યાલ રહેતો નથી અને જાણીતા ચેહરા ઓળખવામાં પણ તકલીફ પડે છે. તેમ છતાં પણ ડિમેન્શિયા સાથે ઘણા લોકો ક્રિયાશીલ અને ઉત્સાહી રીતે ઘણા વર્ષો સુધી સારી રીતે જીવતા હોય છે. ડિમેન્શિયા મોટાભાગે ૬૫ વર્ષથી વધુ ઉમરના લોકોને થાય છે, પણ યુવાન લોકોને પણ અસર કરી શકે છે. .

ડિમેન્શિયા મુખ્યત્વે ચાર પ્રકારના હોય છે. સહુથી સામાન્ય અલ્ઝાઈમર્સ નામનો રોગ અને વેસ્ક્યુલર ડિમેન્શિયા જોવા મળે છે. એ સિવાય ફ્રોન્ટો-ટેમ્પોરલ ડિમેન્શિયા અને લેવી બોડી ડિમેન્શિયા સહુથી ઓછા થતા હોય છે. જો એકથી વધુ પ્રકારના ડિમેન્શિયા હોય તો આ પરિસ્થિતિ ને ‘મિશ્ર ડિમેન્શિયા' તરીકે ઓળખવામાં આવે છે. એ સિવાય કેટલીક જુજ પરિસ્થિતિઓ છે જેના કારણે પણ ડિમેન્શિયા થઇ શકે છે..

એક તરણ મુજબ ૨૦૧૮માં ડિમેન્શિયા સાથે જીવતા ૫૦ મિલિયન લોકો છે, અને જો ડિમેન્શિયાના જોખમી પરિબળોને ઘટાડવાની અસરકારક વ્યૂહરચનાઓ લાગુ નહિ પડે તો ૨૦૫૦ સુધીમાં ૧૫૨ મિલિયન સુધીનો વધારો થઇ શકે છે. વિશ્વભરમાં ડિમેન્શિયા ધરાવતા મોટા ભાગના લોકો ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. એટલા બધા દર્દીઓની સારસંભાળ કરવામાં પુષ્કળ ખર્ચો થઇ શકે છે. ડિમેન્શિયાનું વહેલી તકે નિદાન થઇ શકે તો ઘણા બધા ફાયદા રહે, અને દર્દીની સારસંભાળ સારી રીતે થઇ શકે છે .

તો જાણો મગજને તંદુરસ્ત અને ડિમેન્શિયા-મુક્ત રાખવાના કેટલાક સચોટ ઉપાયો:.

  1. તમારી જીવનશૈલી બદલો. હદયરોગ નો હુમલો ના આવે એ માટે બ્લડપ્રેસર, ડાયાબિટીસ,કોલેસ્ટેરોલ અને સ્થૂળતાને કાબુમાં રાખો તથા ધુમ્રપાન ના કરો કેમકે હદયરોગના હુમલા પછી વાસ્ક્યુલર કારણોથી ડિમેન્શિયા થઇ શકે છે..
  2. નિયમિત કસરત કરો. એવું જોવામાં આવ્યું છે કે નિયમિત કસરત કરવાથી અને ખાસ કરીને કુટુંબના સભ્યો અને મિત્રો સાથે એમ નિયમિત વ્યાયામ કરવાથી ડિમેન્શિયા થવાનું જોખમ ઘણું ઘટી જાય છે. ખાસ કરીને ચાલવું અને ડાન્સીંગ એટલે કે નાચવું સહુથી સારી કસરત છે..
  3. તંદુરસ્ત અને સમતોલ આહાર લો. મેડિટેરેરિઅન ડાયટ કે જેમાં ફળફળાદિ, શાકભાજી અને કઠોળ વધુ હોય. વધુ પડતો ચરબીવાળો તથા ગળપણ અને નમક ઓછું લેવું જોઈએ..
  4. મગજને સતત કસરત મળે એમ નવું નવું શીખવું જોઈએ, જેમકે કોઈ નવી ભાષા શીખવી જોઈએ, કોઈ નવો શોખ કેળવવો જોઈએ, બંને હાથથી લખવાની ટેવ પાડવી જોઈએ, ગુથણકાર્ય કરવું જોઈએ, નવા નવા પુસ્તકો વાંચવા અને લેખનકાર્ય કરવું, કોઈ સંગીતવાદ્ય વગાડતા શીખવું જોઈએ વગેરે. એમ કરવાથી ભવિષ્યમાં મગજની તંદુરસ્તી જળવાઈ રહે અને ડિમેન્શિયા સામે રક્ષણ મળી શકે છે..
  5. તાજેતરના સંશોધન મુજબ બગીચામાં કામ કરવાથી જુદા જુદા છોડને અલગ અલગ જગ્યાએ રોપવાનું આયોજન કરવાથી મગજને કસરત મળે છે અને ખાસ કરીને નિયમિત ગાર્ડનિંગથી અલ્ઝાઇમર ડિમેન્શિયા સામે રક્ષણ મળે છે. એક અભ્યાસ અનુસાર ૬ મહિના સુધી નિયમિત ગાર્ડનિંગ કરવાથી, આગળ જતા ૧૮ મહિના સુધી ડિમેન્શિયાના દર્દીઓમાં થતો સમજણશક્તિનો ઘટાડો રોકી શકાયો હતો..
  6. સમાજમાં બધા લોકો સાથે હળીમળીને રહેવાથી મગજની તંદુરસ્તી ખીલે છે અને મગજનના રિઝર્વ ભાગનો વપરાશ વધે છે જેથી ડિમેન્શિયાનું જોખમ ઘટી શકે છે..
  7. ભવિષ્યમાં ડિમેન્શિયા ના થાય એના માટે જીવનમાં પૂરતી ઊંઘ લેવી બહુજ જરૂરી છે, સાથે સાથે નિયમિત મિડિટેશન, યોગા, પ્રાણાયમ અને પ્રાર્થના કરવાથી મગજની તંદુરસ્તી સારી રહે છે. .

અંતે યાદ રાખો કે જો તમે ડિમેન્શિયાથી પીડાતા હોવ તો તમે એકલા નથી. તો આવો આવા દર્દીઓ માટે વધુ હકારાત્મક અભિગમ અપનાવીએ અને તેમના પરિવારનુંજ નહિ પણ તેમના મિત્રો અને સમાજનું પણ તેમને સમર્થન મળે તે માટે “વિશ્વ અલ્ઝાઇમર દિવસ” ના સંદેશને વધુને વધુ લોકો સુધી પહોંચાડી જનજાગૃતિ લાવીએ..

સ્ત્રોત: ડો. શૈલેષ દરજી. કન્સલ્ટન્ટ ન્યુરોલોજીસ્ટ.

 

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/4/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate