ગોલ્ડન અવર્સ દરમિયાન સ્ટ્રૉકમાં મદદરૂપ બનતી અદ્યતન સારવાર એટલે મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી. વિશ્વભરમાં સ્ટ્રૉકને ગંભીર રોગ માનવામાં આવે છે તેમછતાં તેની સમયસર યોગ્ય સારવાર શક્ય છે. અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સ્ટ્રૉકની સમસ્યા વ્યાપક છે. ભારતમાં મૃત્યુનું બીજુ સૌથી મોટું કારણ સ્ટ્રૉક માનવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિને સ્ટ્રૉકના હુમલા પછી જીવનભરની ખોડખાંપણ રહી જાય છે.
બ્રેઈન સ્ટ્રૉક 'બ્રેઇન એટેક' તરીકે પણ ઓળખાય છે, જે ઇશ્કેમિયા (જેમાં કોઈ કારણોસર મગજમાં પૂરતો રક્તપ્રવાહ જઈ શકતો નથી) અથવા હેમરેજ (મગજમાં રક્તસ્ત્રાવ થવા)ને લીધે ચેતાતંત્રની કાર્યપ્રણાલીમાં અવરોધ ઉભો થાય છે. આજ કારણ છેકે વિશ્વભરમાં જીવલેણ રોગોની શ્રેણીમાં સ્ટ્રૉકને ગણવામાં આવે છે. ખાસ કરીને વૃધ્ધ વ્યક્તિઓમાં તેની સમસ્યા વધારે થઈ શકે છે. લગભગ 85 ટકા સ્ટ્રૉક ઇશ્કેમિક હોય છે, જે મુખ્યત્વે મગજને પૂરતુ રક્ત ન મળવાને કારણે થાય છે. જોકે આ માટે અને તેનાથી થતા નુક્સાન માટે લગભગ 300થી પણ વધારે કારણો જવાબદાર હોય છે. મુખ્યત્વે વૃદ્ધાવસ્થા, હૃદયરોગની બીમારી, બી.પી.(હાયપરટેન્શન), ડાયબીટીઝ, હાયપર કોલેસ્ટરોલેમિયા, ધૂમ્રપાન-દારૂનું વ્યસન જેવા પરિબળો સ્ટ્રૉક આવવાના ચોક્ક્સ કારણોમાં ગણી શકાય. સ્ટ્રૉકના લક્ષણોમાં જોઈએ તો, ચહેરો એક તરફ વાંકો થઈ જવો, હાથ-પગ કે કોઈ એક તરફના અંગમાં નિષ્ક્રિયતા આવવી, બોલવામાં અસમર્થતા કે જીભ લથડવી, ચક્કર આવવા, દેખાવામાં મુશ્કેલી વિગેરે જોવા મળે છે.
છેલ્લા દાયકામાં સ્ટ્રૉક-વ્યવસ્થાપન અને તેના પરિણામોને સમજવા માટે પણ અનેક આધુનિક અને અદ્વિતિય સંશોધનો થયા છે. ગણતરીના સમયમાં જ સ્ટ્રોકને ઓળખીને તેના કારણો, મગજની કઈ નસોમાં ખામી થઈ છે તેની વિગતો અને તેના પણ પ્રકારો, ટ્રીટમેન્ટ પ્રોટોકૉલ, રોગનિવારકતા અને સ્ટ્રૉક ફરીથી આવવાના જોખમો વિશે માહિતી મેળવી શકીએ છીએ. સ્ટ્રૉક આવ્યાના 3.5 થી 4.5 કલાકની અંદર આર-ટી.પી.એ ઈન્જેક્શન આપવામાં આવે છે, જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સારવાર છે.
એક્યુટ ઇસ્કેમિક સ્ટ્રૉક (એ.આઈ.એસ)માં એન્ડોવાસ્ક્યુલર સારવાર એક અસરકારક અને આધુનિક ઉપચાર છે. એક્યુટ ઇસ્કેમિક સ્ટ્રૉકનો આ ઉપચાર સ્ટ્રૉકની સારવારમાં આવેલા આમૂલ પરિવર્તનના ઉદાહરણરૂપ છે. ગંભીર પ્રકારના સ્ટ્રૉકમાં ઉપયોગી આ સારવાર પધ્ધતિએ અદ્યતન ધોરણો સ્થાપિત કર્યા છે.
મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી (એમ.ટી.)માં પગની નસમાં પંચર કરવામાં આવે છે અને ડિવાઈસને ત્યાંથી મગજની નસ કે જ્યાં લોહીના પ્રવાહમાં અવરોધ ઉભો થયો છે ત્યાં જઈ અવરોધને દૂર કરવામાં આવે છે. થ્રોમ્બેક્ટોમી ડિવાઇસની મદદથી અવરોધ દૂર કરાતા મગજમાં રક્તનો પ્રવાહ પૂર્વવત્ થઈ જાય છે અને રક્તપરિભ્રમણ યોગ્ય રીતે થવા લાગે છે. આમ કરવાથી આપણે મગજના ચેતાકોષોને થતાં વ્યાપક નુક્સાનને અટકાવી શકીએ છીએ અને બચાવી પણ શકીએ છીએ.
જો આપણે સમયસર રીતે આ પધ્ધતિ સાથે સ્ટ્રોકનો ઉપચાર કરીએ, તો આપણે મગજના મુખ્ય ભાગને થતા નુક્સાનથી બચાવી શકીએ છીએ. મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી (એમ.ટી.)ની સારવાર એ ઇસ્કેમિક સ્ટ્રૉકના દર્દીઓ માટે વરદાન સમાન છે, જે ત્વરીત અને શ્રેષ્ઠ પરિણામો આપે છે. ટૅક્નોલૉજીની દ્રષ્ટિએ એમ.ટી. ખૂબ એડવાન્સ્ડ પ્રક્રિયા છે, જેના માટે અદ્યતન ન્યુરો-કૅથલેબ, સ્ટ્રૉકની સારવારના નિષ્ણાતો અને અનુભવી ટીમ તથા સંપૂર્ણ માળખાગત સુવિધાઓ હોવી જરૂરી છે.
જો કોઈ વ્યક્તિને સ્ટ્રૉકના લક્ષણો જણાય તો તેવી વ્યક્તિને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ગોલ્ડન વિન્ડો પીરિયડ (સ્ટ્રૉક આવ્યાના 6 કલાક સુધીમાં), જ્યાં સ્ટ્રૉકની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ હોય તેવી સ્ટ્રૉક-રેડી હૉસ્પિટલમાં લઈ જવા જોઈએ. કેટલાક કિસ્સાઓમાં દર્દી માટે આ સમયગાળો 24 કલાક સુધી લંબાવી શકાય છે. યોગ્ય સમયે સારવાર મળવાને કારણે સ્ટ્રૉકના હુમલાથી થતી જાનહાનિ રોકી શકાય છે અને પરિવાર તથા દેશને થનારા નુક્સાનને ટાળી શકાય છે. મિત્રો, આપણાં ગુજરાતમાં સ્ટર્લિંગ હૉસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય ગુણવત્તાઓ અને તમામ અદ્યતન સુવિધાઓથી સંપન્ન સ્ટર્લિંગ સ્ટ્રૉક ઈન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. સ્ટ્રૉક વિશે જનસામાન્ય સુધી સુચારૂ માહિતી અને અગમચેતીની બાબતોનો પ્રચાર-પ્રસાર અત્યંત આવશ્યક છે. સ્ટ્રૉક વિશે મહત્તમ લોકજાગૃતિ, યોગ્ય આયોજન અને ઉપલબ્ધ અદ્યતન ટૅક્નોલૉજી દ્વારા ગંભીર સ્ટ્રૉકમાં પણ આપણે વ્યક્તિનું જીવન બચાવી તેને પુન: સ્વસ્થ જીવનની ભેટ આપી શકાય છે.
ડૉ.હિરેન એફ. પટેલ (ઇન્ટરવેન્શનલ ન્યુરો-રૅડિયોલૉજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/22/2020