જેને આપણે સામાન્ય શબ્દોમાં સ્મૃતિ ભ્રંશ તરીકે ઓળખીએ છીએ તેમાં વ્યક્તિની યાદશક્તિ, વિચારશક્તિ, ભાષા (સમજવાની અને સમજાવવાની શક્તિ) તથા વર્તનમાં ઊણપ આવે છે. દર્દીના વાણી, વર્તન, વ્યક્તિત્વ અને વ્યવહારમાં આવતા નોંધપાત્ર ફેરફાર સાથે તેનું ચેતન ઓછું થયેલ જણાય છે. આમ બુદ્ધિમત્તાની ઊણપના કારણે કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે.
આમ તો ડિમેન્શિયા થવાના ઘણા બધા કારણો હોઈ શકે. આશરે ૮૦ ટાકા દર્દીઓમાં આનું કારણ અલ્ઝાઇમર્સ રોગ અથવા વાસ્ક્યુલર ડિમેન્શિયા હોય છે. આ ઉપરાંત લેવી બોડીઝ, જેકબ ફ્રૂટ્ઝફેલ્ટ ડિસિઝ, હંટિન્ગટન ડિસિઝ, સબકોર્ટિકલ લ્યુકોએન્સેફેલોપથી, એ. એલ. એસ, જેવા રોગોમાં ડિમેન્શિયા જોવા મળે છે. થાઈરોઈડ, પેરાથાઈરોઈડ અને ડાયાબીટીસ જેવા રોગો રોગો તથા કેટલાક ઝેરી દ્રવ્યો અને ભારે ધાતુઓની અસર આમ અનેક કારણોસર ડિમેન્શિયા થઈ શકે.
આ રોગની શરૂઆતમાં નીચે જણાવ્યા પ્રમાણેના લક્ષણો જોવા મળે છે.
આગળ જણાવેલ લક્ષણો ઉપરાંત દર્દીની સભાનતા, યાદશક્તિ, ગ્રહણશક્તિ અને ભાષાકીય સમતુલા ચકાસતા અનેક પરીક્ષણો (Cognitive Test)થી દર્દીને ડિમેન્શિયા હોવાની વાતનું સમર્થન થયી શકે છે. મીની મેન્ટલ સ્ટેટ્સ એકઝામીનેશન, વર્ડ લિસ્ટ મેમરી ટેસ્ટ, વર્ક રિકોલ ટેસ્ટ જેવા ન્યુરોસાયકોલોજિકલ માપદંડ દ્વારા રોગ અને તેની તીવ્રતાનું માપ નીકળી શકે છે.
લોહીના ટેસ્ટ, બ્લડસુગર પ્રમાણ, થાઈરોઈડ ટેસ્ટ, પેરાથાઈરોઈડ ટેસ્ટ, યકૃત તથા કિડનીના ટેસ્ટ, વિટામિન બી -૧૨ તથા ફોલિક એસિડનું પ્રમાણ વગેરે પણ નિદાનમાં સહાય કરે છે જે આ રોગના દર્દીઓમાં નોર્મલ હોય છે.
ઈ.ઈ.જી દ્વારા જેકબ ફ્રુટઝફેલ્ડટ ડિસિઝ તથા ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા જેવા રોગના નિદાનને સમર્થન મળે છે.
સી.ટી.સ્કેન, એમ.આર.આઈ ઉપરાંત એમ.આર.એન્જીઓ, સ્પેક્ટ, પૅટ જેવી ન્યુરોઇમેજિંગ પદ્ધતિઓની પણ નિદાનમાં ક્યારેક જરૂર પડે છે
નવતર શોધખોળ: અલ્ઝાઇમર્સના કારણો અને ઉપચાર માટે શોધખોળ ચાલુ છે. આશરે ૫% થી ૧૦% કેસોમાં આ રોગ વારસાગત હોય છે. દાખલા તરીકે દર્દીના ૧૯માં રંગસૂત્ર પર ઍપોલાઇપોપ્રોટિન ઈ-૪ જનીન હોય તો દર્દીના વારસને અલ્ઝાઇમર્સ થવાની શક્યતા વધુ રહેલી છે. મગજના ન્યુરૉન્સ (કોષોમાં) ન્યુરોફીબ્રિલરી ટેંગલ્સ બનવા, કોષોની બહાર બીટા એમાંયલોઇડ્સ નામના પ્રોટીનના પ્લેક્સ જમા થવા તેમજ તેના લીધે મગજના નાજુક કોષોને નુકશાન થવું અને સોજો આવવો તે આ રોગની એક પેથોલોજીકલ પ્રક્રિયા છે. પણ આવું કેમ થાય છે ? તે હજી સુધી શોધાયું નથી. પણ શક્ય છે કે APOE નામના પ્રોટીન અને TAU નામના બીજા જૈવિક રસાયણો આ બધી પ્રક્રિયા માટે જવાબદાર હોઈ શકે. નવું સંશોધન આ બધાને અટકાવવાની દવાઓ શોધવા પર કેન્દ્રિત થયેલું છે.
અલ્ઝાઇમર્સના દર્દીઓમાં “ડોનીસેપ્ત’ (Donep Alzil) નામની દવા અસરકારક છે. નવી વપરાતી દવામાં રિવાસ્ટિગિમન (એકસેલોન) અને તેને લગતી બીજી દવાઓમાં પરિણામ વધુ સારા છે. યુરોપમાં ગેલેન્ટેમાઈન (રેમિનિલ) વધુ પ્રચલિત છે. ભારતમાં મેમેન્ટઆઈન (Admenta) નામની દવા સરળતાથી ઉપલબ્ધ છે. પ્રથમ વધુ વપરાતી ટેકરીન (કોગથેક્સ) દવા તેની આડઅસરને લીધે હવે ઓછી વપરાય છે. સ્ટેટીન ગ્રુપની દવાઓ (Atorvastatin) વગેરે નો ઉપયોગ સામાન્ય રીતે લોહીની ચરબી ઘટાડવા માટે થાય છે. પરંતુ આ દવાઓ અલ્ઝાઇમર્સ ડિમેન્શિયામાં પણ ઉપયોગી જણાય છે
બીજી નવી દવા / પદ્ધતિ જેમાં જિનેટિક એન્જિનિરીંગ તથા ક્લોનિંગનો ઉપયોગ કરવામાં આવે છે તે હજી પ્રાયોગિક કક્ષામાં છે. આપણા દેશમાં આ બધી ખર્ચાળ દવાઓ હજી બનતી ન હોઈ પિરાસિટામ (નોર્માબ્રેઈન, ન્યૂટ્રોપીલ) તથા અરગટ ગ્રુપ ની દવાઓ પ્રચલિત છે.
આ રોગના દર્દીઓ માટે તેમને સરળ પડે અને બને એટલા સ્વાવલંબી રહી શકે તેવી દિનચર્યાનું આયોજન કરવું જોઈએ.
હરવા-ફરવા અને આરામ માટે દર્દીને ખાસ બંધન ન લાગે તે રીતે નિત્યક્રમ ગોઠવી આપવો પડે. આ ઉપરાંત નવી દવાઓ જેમ કે રિવાસ્ટિગિમન, ગ્લેનટામીન અને ડોનેપેઝીલ વાપરી શકાય. તે ઉપરાંત એન્ટીપ્લેટલેટ પ્રકારની દવા દર્દીના રોગના કારણ મુજબ આપી શકાય.
વારસાગત રીતે આવતા અલ્ઝાઇમર્સ કે બીજા ડિમેન્શિયામાં તેમના નજીકના સગાઓ (પુત્ર, પુત્રી, ભાઈ બહેન ) એટલે કે સ્વસ્થ વંશજોની પહેલેથી તપાસ કરવી કેટલે અંશે વાજબી કે વ્યવહારુ છે તે એક વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. પરંતુ કેટલાક દેશોમાં આવી સવલતો ઉપલબ્ધ છે કે જનીનોની તપાસ (આનુવંશિક લક્ષણોની તપાસ) દ્વારા આ રોગ આ વ્યક્તિને ભવિષ્યમાં વારસાગત રીતે થશે કે નહિ તે પ્રમાણમાં સચોટ રીતે જાણી શકાય છે.
ઘણીવાર ડિમેન્શિયા જેવા લક્ષણો માનસિક તણાવની સ્થિતિમાં થાય છે જેમાં ખરેખર તો ડિપ્રેસન કે સ્ટ્રેસ જ કારણભૂત હોય છે તેને સ્યુડોડિમેન્શિયા કહે છે. યોગ્ય ન્યુરોલોજિકલ તપાસથી જ તે જાણી શકાય છે; તેની ચિકિત્સા પ્રમાણમાં સરળ છે. આ રોગ કાબુમાં આવી શકે છે એટલે કે તેની લાંબો સમય રહેતી અને વધતી જતી અસરો રહેતી નથી.
કેટલાક મેડિકલ રોગોમાં પણ મહદંશે યાદદાસ્ત, વ્યવહાર, વ્યક્તિત્વ વગેરેમાં અસર આવી શકે છે, ત્યારે કેટલીક વાર ભૂલથી અલ્ઝાઇમર્સ નું નિદાન થતું જોવામાં આવે છે. દા.ત. આવા રોગો જેમ કે : થાઈરોઈડ ઘટવું (હાઈપોથાઈરોઈડ), વિટામિનની ઊણપ, કેટલાક કોલેજન ડિસિઝ જેમ કે એસ.એલ.ઈ વગેરે.
સ્ત્રોત : ડૉ.કૃણાલ પઢિયાર(ન્યૂરોલોજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/20/2020