ભારતમાં આશરે દર વર્ષે દર ૧ લાખે ૧૫૦ને પક્ષઘાત થાય છે. વિશ્વમાં દર બે સેકન્ડે એક વ્યક્તિને પક્ષઘાત થાય છે, જેમાંથી ૩૦ ટકા લોકો ૧ થી ૪ અઠવાડિયામાં મૃત્યુ પામે છે. વિશ્વભરમાં લગભગ ૮૦ મિલિયન સ્ટ્રોકથી બચી ગયેલા દર્દીઓ છે. જેમાંથી ૫૦ મિલિયનથી વધુ લોકો લાંબાગાળાની અપંગતા સાથે જીવે છે.
ભારતમાં આશરે દર વર્ષે દર ૧ લાખે ૧૫૦ને પક્ષઘાત થાય છે. વિશ્વમાં દર બે સેકન્ડે એક વ્યક્તિને પક્ષઘાત થાય છે, જેમાંથી ૩૦ ટકા લોકો ૧ થી ૪ અઠવાડિયામાં મૃત્યુ પામે છે. વિશ્વભરમાં લગભગ ૮૦ મિલિયન સ્ટ્રોકથી બચી ગયેલા દર્દીઓ છે. જેમાંથી ૫૦ મિલિયનથી વધુ લોકો લાંબાગાળાની અપંગતા સાથે જીવે છે.
અજ્ઞાનતાને કારણે મોટા ભાગના પક્ષઘાતના દર્દીઓ સમયસર સારવાર માટે હોસ્પિટલ પહોંચતા નથી. જેમકે એક અભ્યાસમાં, કેરળ દેશનું સૌથી વધુ શિક્ષિત રાજ્ય હોવા છતાં, એવું જાણવામાં આવ્યું છે કે ત્યાંના ૮૪ ટકા લોકો પક્ષઘાતથી પરિચિત નથી અને એનાં લક્ષણોથી પણ માહિતગાર નથી. આ પ્રકારની જાગૃતિનો અભાવ પક્ષઘાતની સારવારમાં થતા વિલંબનું મુખ્ય કારણ છે
સ્ટ્રોક એક મેડિકલ ઇમર્જન્સી છે. સ્ટ્રોકથી દર્દીને એકદમ અચાનક તકલીફ થાય છે. તેના લક્ષણો સમજવા માટે ‘BEFAST’ યાદ રાખો. B (BALANCE) એટલેકે બેલેન્સ જતું રહે અને ચાલવામાં તકલીફ પડે, E (EYE) એટલે કોઈ એક કે બંને આંખોમાં જોવામાં તકલીફ પડે, F (FACE) એટલે કે ચેહરો ત્રાંસો લાગે, A (ARM) એટલે કે એક હાથમાં નબળાઈ લાગે અને S (SPEECH) એટલે કે બોલવામાં તકલીફ પડે તો તરતજ T (TIME) એટલે કે સમયસર દર્દીને હોસ્પિટલ લઇ જાવ અને ડોક્ટરની સૂચના મુજબ મગજનો ફોટો પડાવી આગળની સારવાર કરાવવી જોઈએ.
૮૦ ટકા સ્ટ્રોક ઇસ્કેમિક હોય છે, જેમાં મગજમાં લોહી પહોંચાડતી નળીમાં લોહીનો ગઠ્ઠો થવાથી સતત વહેતા લોહીના પ્રવાહમાં અવરોધ આવે છે અને તરતજ લકવાના લક્ષણો દેખાય છે. વર્ષોથી આવા લકવાની સારવારમાં મુખ્યત્વે “એસ્પીરીન” નામની ગોળીનો ઉપયોગ થાય છે. આમ તો એસ્પીરીનની શોધ છેક ૧૮૯૩ની સાલમાં ફેલિક્સ હોફમેન નામના એક જર્મન કેમિસ્ટે કરી હતી, પણ આ સદીમાં ૧૯૭૧માં એક બ્રિટિશ ફાર્મેકોલોજિસ્ટ સર જ્હોન વને શોધી કાઢ્યું કે તેનાથી લોહી પાતળું થાય છે અને ત્યારથી એ હૃદયના હુમલા અને મગજના આવા સ્ટ્રોકમાં નિયમિત વપરાવા લાગી. એ સિવાય દર્દીને સ્ટેટીન, હિપેરીન ઈન્જેકશન, ક્લોપિડોગ્રેલ તથા બ્લડપ્રેસર અને સુગર કન્ટ્રોલની દવાઓ આપવામાં આવે છે, પરંતુ આ પરંપરાગત દવાઓથી લકવામાં જોઈએ એટલો ઝડપથી સુધારો આવતો નથી.
એસ્પીરીનના ઉપયોગ પછી ૧૯૯૫માં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ એન્ડ સ્ટ્રોક સ્ટડી (NINDS ) નામની રિસર્ચમાં જાણવા મળ્યુંકે, લકવાની સારવાર rTPA (Alteplase) નામના ઈન્જેકશનને ત્વરીત આપવાથી થઇ શકે છે, જેને આઈ વી થ્રોમ્બોલાઈસીસ કહે છે. આ દવાથી લોહીનો ગઠ્ઠો ઓગળી જવાથી મોટાભાગના દર્દીઓમાં આંશિક અથવા પૂર્ણ રાહત થઇ શકે છે. પણ આ દવા તોજ અસર કરે છે જો એને સાડા-ચાર કલાક (૪.૫ કલાક)માં આપવામાં આવે. એટલે જ પ્રથમ ૪.૫ કલાકને “ગોલ્ડન પિરિયડ” કહે છે. આગળ જતા ૨૦૦૫માં Tenecteplase નામના ઈન્જેકશનથી પણ એવીજ અસર જોવા મળી અને આમ આ આધુનિક સંશોધનથી લકવાની ઘણી સફળ સારવાર શક્ય બની છે.
જો દર્દી શરૂઆતના ગોલ્ડન પિરિયડ એટલે કે ૪.૫ કલાકમાં હોસ્પિટલ ના પહોંચી શકે તો એવા દર્દીઓ માટે પણ હવે ઇન્ટ્રા-આર્ટેરીઅલ અથવા મિકેનિકલ એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ થઇ શકે છે. સંશોધનકારો સર્વપ્રથમ ૨૦૦૪માં “મર્સી” નામની ડિવાઇસથી મગજની લોહીની નળીમાં રહેલા ગઠ્ઠાને તોડીને બહાર કાઢવામાં સફળ રહ્યાં હતા, જેને મિકેનિકલ એન્ડોવાસ્ક્યુલર ટ્રીટમેન્ટ કહે છે. આ પ્રકારની સારવાર લકવાની શરૂઆતના ૬ થી ૮ કલાકથી લઈને અમુક ખાસ કિસ્સાઓમાં ૨૪ કલાક સુધી પણ થઇ શકે છે અને જેમાં ઘણી સફળતા મળે છે. પરંતુ આ સારવાર મોંઘી હોય છે અને અમુક સ્પેશ્યિલિસ્ટ સ્ટ્રોક સેન્ટરોમાં જ ઉબલબ્ધ હોય છે.
આમ અદ્યતન તકનીકથી લકવાની ત્વરિત સારવાર શક્ય બની છે, તો તેના પ્રારંભિક લક્ષણો વિષે સમજણ
કેળવો અને સમાજમાં જાગૃકતા વધારો કે જેથી કોઈને પણ લકવાના લક્ષણો જણાય તો ત્વરીત ન્યુરોલોજીસ્ટનો સંપર્ક કરી શકાય.
સ્ત્રોત: ડૉ.શૈલેષ દરજી (કન્સલ્ટન્ટ ન્યુરોલોજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 2/3/2020