ડાયાબિટીસ અને લાઈફ સ્ટાઈલમાં થઈ રહેલા ઝડપી બદવાવના કારણે ફેટી લિવરના દર્દીઓનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે. આ રોગનું નિદાન પેટની સોનોગ્રાફી તથા લોહીના પરિક્ષણથી થાય છે. ફેટી લિવર અને નોન આલ્કોહોલિક સ્ટેટોહિપેટાઈટીસ (NASH)નું નિદાન અને સારવાર યોગ્ય સમયે ન લેવામાં આવે તો તે લાંબા ગાળે સિરોસિસ તથા થોડા દર્દીઓમાં લિવર કેન્સર પણ કરી શકે છે. આધુનિક સાધનો જેવા કે ફાઈબ્રોસ્કેન મશીન લિવરની સ્ટીફનેસ માપી યોગ્ય નિદાન અને સારવારમાં મદદરૂપ થાય છે.
સિરોસીસ એ લાંબા સમય સુધી લિવરના રોગોના કારણે થાય છે જેમાં નરમ સ્વસ્થ કોષોનું સ્થાન સખત ચાઠાવાળા કોષ લે છે તેથી લિવર તેનું કામ કરવા સક્ષમ રહેતું નથી. સતત દારૂનું સેવન, નોન આલ્કોહોલિક સ્ટેટોહિપેટાઈટીસ, ક્રોનિક વાયરલ હિપેટાઈટીસ B અને C, ઓટોઈમ્યુન હિપેટાઈટીસ, પિત્તની નળીના રોગ અને જનીન સંબંધિત રોગો તેના મુખ્ય કારણો છે. આ રોગના મુખ્ય સામાન્ય લક્ષણો થાક લાગવો, ભૂખ ન લાગવી, વજન ઘટવું, કમળો થી માંડી ગંભીર જેવા કે પેટમાં પાણી ભરાવું, પગે સોજા આવવા તથા લોહીની ઉલ્ટી કે બેભાન થઈ જવું જેવા હોય છે.આ રોગનું નિદાન લક્ષણો, લોહીની તપાસ, ઈમેજિંગ ટેસ્ટ અને એન્ડોસ્કોપી તથા કેટલાંક દર્દીઓમાં લિવરની બાયોપ્સીથી થાય છે.સિરોસીસની સારવાર અને તેના કારણો તથા લિવરને થયેલા નુક્સાન પર આધારિત હોય છે. સારવારનો હેતુ લિવરને વધુ નુક્સાન થતું રોકવાનો તથા તકલીફો ઓછી કરવાનો હોય છે. લિવર પ્રત્યાર્પણ કરવું એ ઉત્તમ સારવાર વિકલ્પ રહેશે કે કેમ એ ડોક્ટર જ નક્કી કરે છે.
લેખક :ડો અપૂર્વ શાહ, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ
સ્ત્રોત: નવગુજરાત સમય
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/18/2020