অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

લિવરના કેન્સર અને અન્ય ગાંઠો

લિવરના કેન્સર અને અન્ય ગાંઠો

લિવર ટ્યૂમર્સ બે પ્રકારના હોય છે. સાદી ગાંઠ અને કેન્સરની ગાંઠ. કેન્સરની ગાંઠ બે પ્રકારની હોય છે, પ્રાયમરી (લિવરમાંથી શરૂ થતી) અને સેકન્ડરી (બીજેથી ફેલાયેલી).

સાદી ગાંઠ: લિવરની સાદી ગાંઠના વિવિધ પ્રકાર હોય છે.

હીમેન્જીયોમા :

આ સાદી ગાંઠનો પ્રકાર છે. તે રક્ત વાહિનીઓમાં શરૂ થાય છે. તે એક કરતા વધારે હોઈ શકે. તે ખુબ નાનાથી માંડીને ખૂબ મોટી હોઈ શકે. આ પ્રકારની મોટાભાગની ગાંઠો કોઈ તકલીફ કરતી નથી અને કોઈ સારવારની જરૂર હોતી નથી. જો ક્યારેક રક્તસ્ત્રાવ અથવા દુખાવો થાય તો સર્જરી કરવી પડે.

હીપેટિક એડીનોમા :

આ પ્રકારની ગાંઠ ગર્ભ નિયંત્રણની ગોળીઓ અથવા સ્ટેરોઇડ્સનો ઉપયોગ કરતી સ્ત્રીઓમાં મુખ્યત્વે જોવા મળે છે. તે મોટાભાગના કિસ્સાઓમાં જમણી બાજુના લીવરમાં સ્થિત હોય છે. સામાન્ય રીતે એડીનોમાનું કદ 1 થી 30 સે.મી. સુધીનું હોય છે અને મોટા ભાગે એક જ ગાંઠ હોય છે. હીપેટિક એડીનોમા સાથે સંકળાયેલ મોટાભાગનાં લક્ષણો મોટા કદ સાથે સંકળાયેલા છે જેમકે અસહ્ય દુખાવો, કેન્સરમાં પરિવર્તન, રક્તસ્ત્રાવ અને ગાંઠ ફૂટી જવી.

ફૉકલ નોડ્યુલર હાયપરપ્લાસિયા (FNH) :

આ લિવરની બીજા નંબરની સાદી ગાંઠ છે. આ ગાંઠમાં લિવરના તમામ સામાન્ય ઘટકો હાજર હોય છે, પરંતુ જે પેટર્નમાં રચના થાય છે તે અસાધારણ છે. લિવર હજી પણ સામાન્ય રીતે કાર્ય કરે છે. તેનું સી.ટી. સ્કેનમાં નિદાન શક્ય છે. આમાં કોઈ સારવારની જરૂર હોતી નથી. જો નિદાનમાં શંકા હોય તો ઓપરેશન કરવું પડે.

લક્ષણો

સામાન્ય લક્ષણોમાં દુખાવો, પેટમાં ગઠ્ઠો થવો, વજનમાં ઘટાડો, કમળો, પેટ ફૂલવું, પગ પર સોજા વગેરેનો સમાવેશ થાય છે. અમુક સમયે તેને હેલ્થચેકઅપ દરમિયાન આકસ્મિક રીતે નિદાન કરવામાં આવે છે.

કેન્સરની ગાંઠ

પ્રાયમરી (લિવરમાંથી શરૂ થતી)ગાંઠ સૌથી વધારે થતી લિવર કેન્સરની ગાંઠ છે જેને હીપેટોસેલ્યુલર કાર્સિનોમા (HCC) કહેવામાં આવે છે. લિવરના કેન્સરના બીજા પ્રાથમિક પ્રકારમા કોલેન્જીયોકાર્સીનોમા, સાર્કોમા અને હેપેટોબ્લાસ્ટોમા (બાળકોમાં)નો સમાવેશ થાય છે. સેકન્ડરી (બીજેથી ફેલાયેલી) ગાંઠો મોટા ભાગના કિસ્સાઓમાં અન્ય ગાંઠોમાંથી પ્રસરેલી હોય છે. સૌથી વધારે તે આંતરડાના કેન્સરમાંથી આવે છે. સ્તન કેન્સર, અંડાશયના કેન્સર, ફેફસાના કેન્સર, કીડનીનું કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર વગેરે પણ લિવરમાં પ્રસરી શકે છે.

તપાસ અને નિદાન

હેલ્થચેકઅપ દરમિયાન અથવા અમુક સમસ્યા માટે તપાસ દરમિયાન લિવરની ગાંઠને શોધી કાઢવામાં આવે છે. લિવરની ગાંઠની તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે ગાંઠ સાદી છે કે કેંસરની છે. તેમાં સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ ખૂબ મદદરૂપ છે. બ્લડ ટેસ્ટ લિવરની પરિસ્થિતિ અને તેની કાર્યક્ષમતા જાણવામાં મદદ કરે છે. કેટલાક સ્પેશિયલ બ્લડ ટેસ્ટ છે જે ટ્યૂમર માર્કર્સ તરીકે ઓળખાય છે, જે લીવરની ગાંઠના પ્રકારને ઓળખવામાં મદદ કરે છે. આલ્ફાફીટોપ્રોટીન (AFP), CA19-9, CA 125 અલગ અલગ ગાંઠો સૂચવે છે

ઓપરેશન - લિવર રિસેક્શન

ઓપરેશન એ લિવરના કેન્સરની ગાંઠની સારવાર માટે સારામાં સારો ઉપાય છે. ઓપરેશનનો ધ્યેય ગાંઠ ઉપરાંત તેની આસપાસના નોર્મલ લિવરનો ૧ સે.મીનો ગાળો મેળવવાનો છે. ઓપરેશન પહેલા ઘણા ટેસ્ટ કરીને મૂલ્યાંકન અને ગણતરીઓ કરી લિવરની ગુણવત્તા નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ઓપરેશનનું જટીલ પ્લાનિંગ કરવામાં આવે છે. બાકીનું લિવર જો સારી ગુણવત્તાવાળુ હોય તો 70 ટકા જેટલા લિવર ને શસ્ત્રક્રિયામાં દૂર કરી શકાય છે. ઇન્ટ્રાઓપેરેટીવ અલ્ટ્રાસાઉન્ડ, CUSA, હાર્મોનિક સ્કાલપેલ અને આર્ગોન લેસર જેવા ખાસ ટેકનોલોજીવાળા સાધનોથી સર્જરીને સુરક્ષિત રીતે કરી શકાય છે. શસ્ત્રક્રિયા વાઢકાપ અથવા લેપ્રોસ્કોપી દ્વારા કરવામાં આવે છે. લિવરની નાની ગાંઠોના ઓપરેશન માટે લેપ્રોસ્કોપિક અભિગમ સલામત અને શક્ય છે. લિવરના ઓપરેશનનો પ્રકાર અને માત્રા ગાંઠના કદ અને સ્થાન પર આધારિત છે. કેટલીકવાર શસ્ત્રક્રિયામાં લિવર ના કેટલાક નાના ભાગો અથવા એક મોટા ભાગને દૂર કરવામાં આવે છે. તાજેતરના તકનીકી બદલાવને લીધે હવે લોહીની જરૂર વગર પણ લિવર સર્જરી કરી શકાય છે. જો શસ્ત્રક્રિયા બાદ, બાકીનું લિવર નાનું કે ખરાબ ગુણવત્તાવાળું હોય તો તે લિવર ફેલ્યોર અને અન્ય કોમ્પ્લીકેશન્સ તરફ દોરી જાય છે, જેમ કે શ્વાસમાં તકલીફ, હૃદયની તકલીફ અને ઇન્ફેકશનનો ચેપ. કોઈ પણ મોટી સર્જરીની સહનશીલતાના સંદર્ભમાં સિર્રોસિસના દર્દીઓ નાજૂક હોય છે. કોઈપણ નોંધપાત્ર પોસ્ટ ઑપરેટિવ ગૂંચવણો લિવર ફેલ્યોર તરફ દોરી શકે છે. શસ્ત્રક્રિયાના થોડા અઠવાડિયા પછી લિવર તેના મૂળ કદ જેટલું વધી જાય છે.

ઇન્જેક્શન થેરપી

કેટલાક કિસ્સાઓમાં જે સર્જરી માટે અયોગ્ય છે અથવા ટ્રાન્સપ્લાન્ટની રાહ જુએ છે ત્યારે લિવર ના કેન્સરમાં સોનોગ્રાફીના માર્ગદર્શનમાં ઇથેનોલ ઇન્જેક્શન શક્ય છે. ઇથેનોલ કેન્સરના કોશોનો સીધો નાશ કરે છે. આ ઉપચારથી સંપૂર્ણ ક્યોર શક્ય નથી.

લિવર પ્રત્યારોપણ(ટ્રાન્સપ્લાન્ટ)

લિવર ટ્રાન્સપ્લાન્ટ કેન્સરની ગાંઠ માટે સૌથી આકર્ષક રોગનિવારક વિકલ્પ છે કારણ કે તે તમામ જાણીતા, અજાણ્યા અને સંભવિત નોડ્યુલ્સને દૂર કરે છે. તે સિર્રોસિસની સારવાર કરે છે અને પોર્ટલ હાયપરટેન્શન તથા લિવર ફેલ્યોર સાથે સંકળાયેલ પરિબળોને અટકાવે છે. બધા દર્દીઓ ટ્રાન્સપ્લાન્ટ માટે યોગ્ય નથી તેથી ખાસ માપદંડનો ઉપયોગ કરીને યોગ્ય ઉમેદવારોને પસંદ કરવામાં આવે છે. દાતા લિવર ની ઉપલબ્ધતાનો અભાવ, ઊંચા ખર્ચ અને લિવર ટ્રાન્સપ્લાન્ટની જટિલતાના કારણે માત્ર અમુકજ કેન્સરના દર્દીઓને લિવર ટ્રાન્સપ્લાન્ટનો ઓપ્શન આપવામાં આવે છે.

રેડીયોફ્રીકવન્સી એબ્લેશન (RFA)

રેડીયોફ્રીકવન્સી એબ્લેશન (આરએફએ) એક એવી તકનીક છે જે ગાંઠો બાળવા માટે ગરમીનો ઉપયોગ કરે છે. હાલમાં આ પદ્ધતિ મહત્તમ 7 સેમી ઝોન સુધી નેક્રોસિસ શક્ય બનાવે છે જે 5 સે.મી. સુધીની ગાંઠ માટે પર્યાપ્ત હશે. ગરમી વિશિષ્ટપણે નેક્રોસિસના ઝોનની અંદરના કોશોનો નાશ કરે છે. આ સારવાર સીટી સ્કેન અથવા સોનોગ્રાફીના માર્ગદર્શન સાથે કરી શકાય છે.

ટ્રાન્સઆર્તેરીયલ એમ્બોલાઇઝેશન (TAE / TACE)

આ પદ્ધતિમાં લિવરની એન્જીયોગ્રાફી કરવામાં આવે છે. કેમોથેરાપીની ઊંચી માત્રા સીધા જ લિવર માં આપવામાં આવે છે અને પછી ગાંઠ માટેનો લોહીનો પુરવઠો બંધ કરવામાં આવે છે. ગાંઠને અંકુશમાં રાખવામાં તે મદદરૂપ છે પરંતુ તેનો ઉપયોગ ક્યોર માટે ઓછો છે.

રેડિયોથેરાપી

રેડિયોથેરાપી મશીનોની નવી પેઢી ના લીધે ચોકસાઈવાળી રેડિયોથેરાપી શક્ય છે, જેથી તેની આસપાસના અંગો પર ન્યૂનતમ આડઅસરો અને નુકસાન થાય છે.

ટ્રાન્સઆર્તેરીયલ રેડીયોથેરાપી

આ ઉપચાર પદ્ધતિમાં લિવર એન્જીયોગ્રાફી પછી રેડિયોઆઈસૉટોપ્સનું ઇન્જેક્શન સીધું જ ટ્યુમરમાં આપવામાં આવે છે.

પ્રણાલીકાગત કિમોથેરાપી

પ્રણાલીગત કિમોથેરાપીનું મૂલ્ય લિવર ના કેન્સરના કેસીસમાં મર્યાદિત છે. લિવર કેન્સર કેસીસમાં આંશિક રિસ્પોન્સ માત્ર 20% અને નગણ્ય સંપૂર્ણ રિસ્પોન્સ ના કારણે પ્રણાલીકાગત કિમોથેરાપી વાપરવામાં આવતી નથી. સોરફેનીબ જેવી નવી દવાઓ અમુક કેસીસમાં વાપરવામાં આવે છે જેની આડઅસરો ઉપર ધ્યાન રાખવું ખુબજ જરૂરી બને છે.

લિવર કેન્સર સ્ક્રીનીંગ

સિર્રોસિસ, હીપેટાઇટિસ બી, હીપટાઇટીસ સી સાથેનાં તમામ ઉચ્ચ જોખમ ધરાવતા લોકોએ પ્રારંભિક તબક્કામાં ગાંઠને ઓળખવા માટે એક્સપર્ટ દ્વારા તપાસ, લોહીની તપાસ અને સોનોગ્રાફી દર છ મહીને કરાવવા જોઇએ. સાધન સામગ્રીથી સુસજ્જ હોસ્પિટલમાં નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા જો સમયસર નિદાન અને સારવાર કરવામાં આવે તો ચોક્કસ ઘણાં દર્દીઓને લાંબા સમયનું સારું આયુષ્ય આપી શકાય છે.

વધતુ લિવર સિરોસીઝ દર્દીના શરીરમાં કૅન્સર કરે છે, જેને ટ્રાન્સપ્લાન્ટની સારવાર દ્વારા અથવા શરીરમાંથી લિવરનો રોગગ્રસ્ત ભાગ દૂર કરી નિવારી શકાય છે
જો સમયસર અને યોગ્ય સારવાર મળે તો લિવરના રોગ માંથી છૂટકારો મેળવી શકાય છે. દવાઓ ઉપરાંત સર્જરી તથા છેલ્લા વિકલ્પ તરીકે લિવર ટ્રાન્સ્પ્લાન્ટનો ઓપ્શન દર્દીને નવજીવન આપી શકે છે.

લિવર કૅન્સર સામે રોકથામ

લિવર કૅન્સર સામે બચાવ બે તબક્કે શક્ય છે. પ્રથમ તબક્કે દારૂના વ્યસનથી દૂર રહેવાથી હિપેટાઈટીઝ બી કે હિપેટાઈટીઝ સી થી બચી શકાય. હિપેટાઈટીઝ રોગગ્રસ્ત વ્યક્તિનું સંક્રમિત રક્ત ચઢાવવાથી અથવા રોગગ્રસ્ત વ્યક્તિની સારવારમાં લીધેલ સોયને સ્વસ્થ વ્યક્તિ માટે ઉપયોગમાં લેવાથી અથવા જાતીય સંબંઘ મારફતે થાય છે. આ સંક્રમણને આપણે રોકી શકીએ છીએ, જેમકે હૉસ્પિટલમાં ડિસ્પોઝેબલ સોયનો જ ઉપયોગ કરવો, બ્લડબેંકમાં રક્તાદાતાઓના કડક અને આંતરારાષ્ટ્રીય સ્તરના ધારાધોરણોને અનુસરવા ઉપરાંત સંક્રમિત કે રોગગ્રસ્ત વ્યક્તિનું રકતદાન ન લેવું જોઈએ. સારવારનો બીજો તબક્કો લિવર સિરોસીઝના દર્દીઓ માટેનો છે. સતત વધતુ લિવર સિરોસીઝ દર્દીના શરીરમાં કૅન્સરનું નિર્માણ કરે છે, જેને સમયસર લિવર ટ્રાન્સપ્લાન્ટની સારવાર દ્વારા અથવા શરીરમાંથી લિવરનો રોગગ્રસ્ત ભાગ દૂર કરી નિવારી શકાય છે. લિવર સિરોસીઝથી પીડાતા દર્દીએ લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે પહેલાં લિવર સ્પેશ્યાલિસ્ટ પાસે યોગ્ય નિદાન કરાવી માર્ગદર્શન લેવું જોઈએ.

સિરોસીઝ સામે રોકથામ

સિરોસીઝ થવાના મુખ્યત્વે ત્રણ કારણો છે, જેમાં દારૂનું સેવન, હિપેટાઈટીઝ બી અને સી નું સંક્રમણ. આ તમામને ઉપરોક્ત પહેલાં તબક્કામાં જણાવ્યા અનુસાર રોકી શકાય છે પરંતું, આનુવંશિક રીતે થયેલ લિવર રોગ જેવાકે, ઓટૉઈમ્યુન હિપેટાઈટીઝ, મેટાબોલિક ડિસઓર્ડર્સ (વિલ્સન્સ ડિસિઝ અને અન્ય રોગ ખાસ કરીને બાળકોમાં), પ્રાયમરી બીલીઅરી સિરોસીઝ અને પ્રાયમરી સ્ક્લેરોસિંગ કોલન્જાઈટીસ વિગેરેની રોકથામ માત્ર ઉપરોક્ત રીતે શક્ય નથી.

સંક્રમિત હિપેટાઈટીઝ સામે રોકથામ

યોગ્ય સ્વચ્છતા રાખવીએ હિપેટાઈટીઝ સહિત ઘણાં બધા રોગોને વધતા અટકાવવાની ચાવી છે. રોકથામના અન્ય પરિબળો નીચે મુજબ છે.

  • રસી લેવી – નાના બાળકોની રસીકરણ પ્રક્રિયામાં હિપેટાઈટીઝ-બી ની રસી પણ આપવામાં આવે છે. હિપેટાઈટીઝ-એ ની રસી જે વ્યક્તિઓ મુસાફરી કરતા હોય અને જેમને આ રોગ થવાની શક્યતા હોય તેમના માટે ઉપલબ્ધ છે. (હિપેટાઈટીઝ સી, ડી અને ઈ માટે રસી ઉપલબ્ધ નથી)
  • લોહી ચઢાવવા દરમિયાન – રક્તદાન અને લોહી ચઢાવવા માટે સંક્રમણના જોખમને રોકવા માટે લોહી અને લોહીના પ્રોડક્ટ્સનું હિપેટાઈટીઝ બી અને સી તથા એચ. આઈ. વી વિગેરેની નિયમિત તપાસ થવી જોઈએ.
  • એન્ટિબૉડી પ્રિપરેશન – જો કોઈ વ્યક્તિને હિપેટાઈટીઝ-બી થયાની જાણ થાય તો અન્ટિબૉડી પ્રિપરેશન આ રોગથી રક્ષણ આપવામાં મદદરૂપ થાય છે.

હિપેટાઈટીઝના હાઈ રિસ્ક ગ્રુપ્સ અને નિમ્ન બાબતોને સામે હિપેટાઈટીઝ બી અને સી ની રોકથામ કરવી અનિવાર્ય છે

  • અયોગ્ય રક્તદાન
  • પરિવારમાં હિપેટાઈટીઝ-બી અને હિપેટાઈટીઝ-સી ગ્રસ્ત પરિજન
  • શસ્ત્રક્રિયા અને દંત ચિકિત્સા દરમિયાન
  • શરીરમાં દવા ચઢાવવાની પ્રક્રિયા દરમિયાન
  • જોખમી જાતીય સંસર્ગ
  • ડાયાલિસિસ
  • મૅડિકલ કે પેરામૅડિકલ સારવાર લેવા દરમિયાન

લિવર કેન્સરની સારવાર:

એચસીસી (HCC) સાથેના દર્દીઓ માટે ઘણી સારવારો ઉપલબ્ધ છે. આમાં નીચેનાનો સમાવેશ થાય છે:

  • ઓપરેશન - લિવર રિસેક્શન અથવા લિવર ટ્રાન્સપ્લાન્ટ
  • લિવરની એન્જીયોગ્રાફી દ્વારા કિમોથેરાપી (TACE)
  • રેડિયોથેરાપી
  • રેડિયોફ્રીક્વેન્સી એબ્લેશનથી ગાંઠને બાળવી.

સારવારનો પ્રકાર દર્દીની સ્થિતિ અને લિવરના કાર્યની સ્થિતિ પર આધાર રાખે છે.
હેલ્થચેકઅપ દરમિયાન અથવા અમુક સમસ્યા માટે તપાસ દરમિયાન લિવરની ગાંઠને શોધી કાઢવામાં આવે છે. લિવરની ગાંઠની તપાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ નક્કી કરવાનો છે કે ગાંઠ સાદી છે કે કેંસરની છે. તેમાં સોનોગ્રાફી, સીટી સ્કેન અને એમઆરઆઈ ખૂબ મદદરૂપ છે. બ્લડ ટેસ્ટ લિવરની પરિસ્થિતિ અને તેની કાર્યક્ષમતા જાણવામાં મદદ કરે છે

ડો. ચિરાગ જે દેસાઈ, ગેસ્ટ્રો અને લિવર સર્જન

સ્ત્રોત: નવગુજરાત સમય

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/17/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate