હિપેટાઈટીસ અર્થાત્ કમળાના મુખ્ય ચાર પ્રકાર છે. હિપેટાઈટીસ એ, બી, સી, ઈ અને આલ્કોહોલિક હિપેટાઈટીસ. ભૂખ ઓછી લાગવી, વજન ઘટવું, ક્યારેક બેચેની અને અસ્વસ્થતા જણાવી વિગેરે જેવા સામાન્ય લક્ષણો હિપેટાઈટીસમાં શરૂઆતના તબક્કે જોવા મળે છે
લિવરમાં થતી બળતરા (સોજો) થોડા લાંબા સમય સુધી રહે તો તેને સાદી ભાષામાં કમળાની અસર કહેવાય છે. આ અસર વાયરસજન્ય હોય છે. કમળો થયો હોય ત્યારે તેની અસર ઓછામાં ઓછા છ-સાત મહિના સુધી ચાલે છે. કમળાની અસર જો ખૂબ લાંબાગાળા સુધી રહે તો તેને ક્રોનિક હિપેટાઈટીસ કહેવામાં આવે છે, જેની જટિલ અસરો શરીર પર પડે છે અને દર્દી ખૂબ નબળાઈ અનુભવવા લાગે છે. આ ઉપરાંત, હિપેટાઈટીસ થવા માટેના મુખ્ય કારણો માં નશીલા પદાર્થોનું સેવન, મદિરાપાન, કેટલિક દવાઓનું નિયમિત સેવન, કેટલાક ઔદ્યોગિક કાર્બનિક દ્રવ્યો અને વનસ્પતિઓ દ્વારા તથા અન્ય ચેપજન્ય પદાર્થ કે વ્યક્તિઓનો ઘનિષ્ઠ સંપર્ક વિગેરે હોઈ શકે છે. અસ્વચ્છતા, દુષિત આહાર અને પેય આ રોગને ફેલવવામાં અગ્રેસર ભૂમિકા ભજવે છે.
હિપેટાઈટીસ અર્થાત્ કમળાના મુખ્ય ચાર પ્રકાર છે. હિપેટાઈટીસ એ, બી, સી, ઈ અને આલ્કોહોલિક હિપેટાઈટીસ. ભૂખ ઓછી લાગવી, વજન ઘટવું, ક્યારેક બેચેની અને અસ્વસ્થતા જણાવી વિગેરે જેવા સામાન્ય લક્ષણો હિપેટાઈટીસમાં શરૂઆતના તબક્કે જોવા મળે છે.
હિપેટાઈટીસ-એ – જે જગ્યાએ સ્વચ્છતાનો અભાવ છે. જાજરૂ–પેશાબના નિકાલવાળા વિસ્તારો કે ખુલ્લામાં થતી શૌચક્રિયાઓના સ્થળે આ વાયરસ ઝડપથી ફેલાય છે. હિપેટાઈટીસ-એ સામાન્ય રીતે મળ કે પેશાબથી સંક્રમિત થયેલું દુષિત પાણી આપણાં શરીરમાં જવાથી થાય છે. હિપેટાઈટીસ-એ મુખ્યત્વે ટૂંકા ગાળાનું સંક્રમણ છે. હિપેટાઈટીસ એ ની રસી મુકાવવી, અસ્વચ્છતા ન રાખવી, દૂષિત જળ કે અન્ય દુષિત પ્રવાહી ન આરોગવા જેવા રક્ષણાત્મક પગલાં લેવાથી આ વાયરસથી સ્વયંને અને પરિવારને બચાવી શકાય છે.
હિપેટાઈટીસ-બી – રક્ત અને બોડી ફ્લુઈડ મારફતે આ રોગ પ્રસરતો હોય છે. લોહી ચઢાવવું, અસુરક્ષિત શારીરિક સંબંધ દરમિયાન યોની માર્ગના પ્રવાહી, વીર્ય દ્વારા, દવા વાળી એકની એક સોયનો વારંવાર ઉપયોગ કરવો જેવા અનેક કારણો આ રોગ માટે જવાબદાર હોય છે. આ રોગથી બચવા હિપેટાઈટીસ બી ની રસી મુકાવવી આવશ્યક છે.
હિપેટાઈટીસ-સી - હિપેટાઈટીસ સી સંક્રમિત લોહી દ્વારા ફેલાય છે. બહુ ઓછાં પ્રમાણમાં લાળ અને વીર્ય અથવા વાઈરસગ્રસ્ત શરીરના અન્ય પ્રવાહીના માધ્યમ દ્વારા ફેલાતો જોવા મળે છે. એન્ટીવાઈરલ મેડિસિન લેવાથી તેને દુર કરી શકાય છે.
આલ્કોહોલિક હિપેટાઈટીસ – નિયમિત મદિરાપાન કરવાથી લિવરને નુક્સાન થાય છે જેના કારણે કમળો થવાની શક્યતા રહે છે. સામાન્ય રીતે આ પરિસ્થિતિના કોઈ વિશેષ લક્ષણો હોતા નથી, દર્દીની શારીરિક અસ્વસ્થતા અને કેટલાક પરિક્ષણોની તપાસ કરાવ્યા બાદ તેના વિશે જાણી શકાય છે.
હિપેટાઈટીસ અને ક્રોનિક હિપેટાઈટીસ બન્ને દર્દીના સ્વાસ્થ્ય માટે નુક્સાનકારક છે. કેમકે તેના કારણે દર્દીને થાક લાગવો, બેચેની, ઈમ્યુનિટીમાં ઘટાડો જેવી તકલિફોથી લઈને અનેક જટિલ સમસ્યાઓ થવાની ભીંતિ રહે છે. સામાન્ય રીતે રસીકરણ ખૂબ ઉપયોગી બની રહે છે.
ઉપરોક્ત હિપેટાઈટીસ વિશે સામાન્ય માહિતી મેળવ્યા બાદ હવે આપણે હિપેટાઈટીસ એ અને હિપેટાઈટીસ ઈ વિશે થોડી વિસ્તારપૂર્વક માહિતી મેળવીએ..
હિપેટાઈટીસ એ અને ઈ સામાન્ય રીતે મોનસુન સિઝનમાં વધે છે. હેપેટાઇટિસ એ અને હેપેટાઇટિસ ઇ થવા પાછળના મુખ્ય કારણોમાં દુષિત પાણી અને ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન જવાબદાર હોય છે. વરસાદી મોસમ આ રોગના વાયરસમાં ખૂબ ઝડપથી ગુણાત્મક વધારો છે.
વર્તમાન ચોમાસાની સિઝનમાં જ્યાં ખૂબ વરસાદ થયો હોય અથવા જ્યાં ભૂગર્ભ જળ દુષિત થયેલું હોય તેવા વિસ્તારોમાં હિપેટાઈટીસ ન ફેલાય તેની વિશેષ કાળજી રાખવી જોઈએ. ગરમીની ભયાવહતા માંથી વરસાદની મોસમ આવે અને વરસાદની મોસમ વિદાય લઈ ઠંડીની ઋતુ આવે આ દરમિયાન વાતાવરણમાં ઋતુ અનુસારના ઘણાં પરિવર્તનો થતાં હોય છે. પરિવર્તનની આ પ્રક્રિયામાં જળ, ભૂમિ અને આકાશમાં પણ જ્યારે વ્યાપક ફેરફારો થાય ત્યારે હવા, પાણી અને ખોરાક પણ દુષિત થવાની શક્યાતાઓ વધી જાય છે પરિણામે હિપેટાઈટીસ જેવા વાયરસજન્ય રોગોનો વ્યાપ વધી જાય છે.
ચોમાસા જેવી ઋતુમાં વિશેષ કાળજી ખૂબ જરૂરી હોય છે પરંતુ આપણે ત્યાં વસ્તી ગીચતા, બંધિયાર બાંધકામો, કેટલાંક વિસ્તારોમાં ખુલ્લી ગટરો, કચરાના ઢગલાં, જાહેરમાં શૌચક્રિયા વિગેરે જેવી અસ્વચ્છતાને કારણે રોગો ખૂબ ઝડપથી ફેલાય છે. કમનસીબે, ચોમાસાની સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિનો અભાવ પણ જોવા મળે છે. યાદ રાખો, ચોમાસાની મોસમ દરમિયાન થોડી કાળજી આપને અને આપના પરિવારને સ્વાસ્થ્ય સુરક્ષામાં મદદરૂપ બની શકે છે.
અર્બન અને સેમી-અર્બન વિસ્તારોમાં, સંખ્યાબંધ પાણીની પાઇપ લાઇન્સ લીક થતી હોય છે, જેનાથી પાણી દૂષિત થાય છે. આ ઉપરાંત, ચોમાસા દરમિયાન હવામાં રહેલો ભેજ ખૂબ વધી જાય છે, જે હિપેટાઈટીસ જેવા રોગના જંતુઓ માટે ઉત્તમ પ્રવેશદ્વાર બની જાય છે. પરિણામ સ્વરૂપે હવામાનમાં ભેજ હિપેટાઈટીસના વાયરસમાં અનેક ગણો વધારો કરે છે, જે તેજ ગતિથી વહેતા પવનને કારણે અન્યત્ર પણ પ્રસરે છે.
ગરમી કે વધારે પડતા શારીરિક શ્રમને કારણે શરીરમાં ડિહાઈડ્રેશન થાય ત્યારે આપણને વધારે પાણી પીવાની ઈચ્છા થાય છે. ઘણી વખત આવા સંજોગોમાં આપણે પાણીની ગુણવત્તા ચકાસ્યા વગર જ પાણી પી લઈએ છીએ. શરીરમાં હિપેટાઈટીસ એ અને ઈના વાયરસ જન્ય રોગને પ્રવેશ આપવા આ કારણ પૂરતુ હોય છે. આ સિવાય ગરમીની ઋતુ હોય કે ચોમાસાની ઋતુ આપણી ગુજરાતી જનતાને પાણીપૂરી, ભજીયા, ચાટ અને તળેલા સ્ટ્રીટફૂડ લગભગ નિયમિત પળે ખાવાનો શોખ હોય છે. લારી- ખુમચા કે આવી ઈટરીઝમાં જ્યાં સ્ટ્રટીફુડ તૈયાર થતુ હોય તેવા સ્થળોએ સંપૂર્ણ સ્વચ્છતા અને જંતુમુક્ત ચીજવસ્તુઓના ઉપયોગ થયાની ખાત્રી કરી શકાતી નથી.
હિપેટાઇટિસ એ વાયરસ (HAV) અને હિપેટાઇટિસ ઇ વાયરસ (HEV) બંને આંતરિક રીતે ફેલાય છે. ઘણી વખત જેના પરિણામે તીવ્ર વાયરલ હિપેટાઇટીસ થાય છે. હિપેટાઇટીસ-એ વાયરસ ચેપજન્ય છે. હિપેટાઇટિસ એ અને ઇ ચેપનું સૌથી સામાન્ય લક્ષણ કમળો છે. ભૂખ ન લાગવી, નબળાઇ લાગવી, તાવ રહેવો, ઝાડા થવા અને ઉબકા આવવા તેના અન્ય લક્ષણો છે. ઘણાં કિસ્સાઓમાં એચ.એ.વી અથવા એચ.ઈ.વી ચેપથી એકાદ અઠવાડિયા સુધી સ્પષ્ટ લક્ષણો દેખાય નહી તેમ પણ બની શકે.
હિપેટાઈટીસ અંગે લોકજાગતિ ફેલાવવા માટે સ્ટર્લિંગ હૉસ્પિટલ સતત પ્રયત્નશીલ છે અને વિવિધ સંસ્થાઓ સાથે મળીને આ માટે વિશેષ કાર્યો પણ કરે છે. કોઈ પણ રોગ સામે અગમચેતી રૂપે સામાજિક, આર્થિક અને વ્યક્તિગત ધોરણે નિયંત્રણાત્મક પગલાં અવશ્ય મદદરૂપ બની શકે છે. વરસાદની મૌસમમાં બાળકોમાં આ રોગ ફેલાવાની શક્યતા વધારે હોય છે. ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ સમસ્યાઓથી બચવાનો સૌથી સરળ અને ઉત્તમ ઉપચાર ખાવા-પીવાની ચીજવસ્તુઓ પર નિયંત્રણ રાખવું છે. યોગ્ય સ્વચ્છતા, પીવાનું પાણી યોગ્ય રીતે ફિલ્ટર કરેલું અથવા ઉકાળેલું પીવું, ખાદ્ય પદાર્થો સ્વચ્છ અને જંતુમુક્ત હોવા, ઘરમાં સ્વચ્છતા રાખવી જેવા અગમચેતીરૂપ પગલાં લેવા હિતાવહ છે. આ સાથે, રસીકરણ પણ ખૂબ ઉપચોગી બને છે. નિમ્નદર્શિત કેટલાક સૂચનો પણ ઉપયોગી બનશે.
યાદરાખો, અસુરક્ષિત અને જંતુયુક્ત આહાર પેટ અને આંતરડાંને રોગની ભેટ આપવા પૂરતા હોય છે. ચેપજન્ય રોગોથી શરીરની ક્ષમતાઓને ક્ષતિ પહોંચે છે જે વ્યક્તિની શારીરિક ક્ષમતા અને રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. ખાવા-પીવાનો શોખ રોગનુ કારણ બની નુક્સાન કરે એટલી હદે ન કેળવો. શરીરના મિત્ર બનો અને જીવનશૈલી તથા આહારશૈલી નિયમિત રાખી શરીર સાથેની મિત્રતાને નિભાવો.
સ્ત્રોત: ડૉ.સંદિપ શાહ(ગેસ્ટ્રોએન્ટ્રૉલૉજિસ્ટ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/23/2019