પેટનો દુઃખાવો એ સૌથી સામાન્ય તબીબી ફરિયાદ છે કે જે લગભગ દરેકને થતી હોય છે અને તેને અન્ય તબીબી લક્ષણો સાથે સાંકળીને મૂંઝવણ પણ અનુભવતા હોય છે. ગેસ્ટ્રીક સમસ્યાના કારણે થતી પીડા પેટમાં ઉપરના ભાગે (અપર એબ્ડોમેન)માં કેન્દ્રીત થાય છે. દુઃખાવાની પીડા સામાન્યથી લઈને તીવ્ર એમ વિવિધ પ્રકારની હોઈ શકે છે. અન્ય લક્ષણો પણ આ પીડા સાથે સામેલ હોય શકે છે જેમકેં.
- ઉબકા આવવા, ઉલટી, ઝાડા અને તાવ આવવો.
- છાતીમાં બળતરા થવી જેને હાર્ટબર્ન તરીકે ઓળખવામાં આવે છે.
- વારંવાર ઓડકાર આવવા.
- બ્લોટીંગ (પેટ જાણે હવાથી ફુલાયું હોય એવી અનુભૂતિ થવી).
- ખાવાનું શરૂ કરે તો ઝડપથી જ પેટ ભરાઈ ગયાની લાગણી થવી.
- ઘણીવાર ભોજન લીધા પછી પીડા ખૂબ વધી જાય છે, જો કે ડ્યુઓડેનલ અલ્સરની પીડા ભોજન લીધા પછી ઘટી જાય છે.
પેટના દુઃખાવાના સામાન્ય કારણો
- કેટલાક પ્રકારનો ખોરાક જેમકે વાસી/તીખી વસ્તુઓ, ચીઝ, માખણ, કોફી, ચા, કાર્બોનેટેડ ડ્રિન્ક્સ, આલ્કોહોલ, ચોકલેટ, ચ્યુઈંગ ગમ અને દૂધ પણ પેટના દુઃખાવાનું કારણ બને છે.
- ધુમ્રપાન કરનારા લોકો કે જેઓ એસ્પિરિન કે પેઈન કિલર્સ લેતા હોય છે તેમને પેટનો દુઃખાવો થઈ શકે છે.
- તણાવ, ચિંતા કે જેનાથી હાયપરએસિડિટી થાય છે તેના કારણે પેટનો દુઃખાવો થાય છે.
- કોઈ વ્યક્તિને હેલિકોબેક્ટર પાયલોરી, જીવાણુનો ચેપ લાગ્યો હોય કે જે બેક્ટેરિયા પેટની દિવાલ પર વિકસી રહ્યા હોય તેમને અલ્સરના કારણે પેટનો દુઃખાવો થાય છે.
- ખૂબ ભારે ખોરાક લીધો હોય કે ભોજન પછી તરત જ ખૂબ વધારે પાણી કે અન્ય પ્રવાહી લીધું હોય તો તેનાથી બ્લોટીંગ થાય છે જેનાથી પણ દુઃખાવો થાય છે.
- ખૂબ ઝડપથી ખાવામાં આવે ત્યારે પેટમાં હવા પહોંચતી હોય છે જેનાથી પેટનો દુઃખાવો શક્ય છે.
નિદાન
સામાન્ય રીતે પેટના મધ્યભાગમાં ઉપરની બાજુએ દુઃખાવો થાય જે સામાન્ય રીતે ખોરાક લીધા પછી વધતો હોય છે. તેમાં વાસી ખોરાક કે કેટલીક પેઈન કિલર ટેબલેટ જેમકે બ્રુફેન વગેરેનો ઈતિહાસ રહેલો હોય છે. બ્લડ રિપોર્ટ અને એબ્ડોમિનલ સોનોગ્રાફી સામાન્ય રીતે શરૂઆતના સ્તરમાં કરાવવી પડે છે જે નોરમલ આવતી હોય છે. જો પીડા વધુ હોય, સતત રહેતી, વારંવાર થતી અને સામાન્ય દવાથી તે મટતી ન હોય, વારંવાર ઉલટી થાય અથવા ઉલટી મા લોહી આવે તો ગેસ્ટ્રોસ્કોપી (એન્ડોસ્કોપી)ની સલાહ આપવામાં આવે છે. ગેસ્ટ્રોસ્કોપી/એન્ડોસ્કોપી ની તપાસ પેટના નિષ્ણાત ડૉક્ટર - ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ કરે છે જે ખાલી ૫-૧૦ મીનીટની પ્રક્રિયા હોય છે અને એક પાતળી દુરબીન થી કરવામા આવે છે. આ દુરબીન દ્વારા બાયોપસી લેવાની સારવાર પણ ઉપલબ્ધ છે.
સારવાર
- પેટમાં દુઃખાવો થાય ત્યારે તમારે નીચેના સંજોગોમા ડોક્ટરને બતાવવું જરૂરી છેં.
- લોહી પડતું હોય એ રીતે બોવેલ મૂવમેન્ટ, ઝાડા કે ઉલટી થાય.
- પીડા અસહ્ય હોય અને કલાક કે તેથી વધુ સમય રહે અથવા ૨૪ કલાક માટે આવે ને જાય છે.
- તમે કલાકો સુધી કંઈ ખાઈ શકતા નથી કે પી શકતા નથી.
- તમને 102˚F (39˚C) તાવ રહેતો હોય.
- કોઈ પ્રયાસ વિના ઘણું વજન ઘટી જાય કે ખોરાક લેવાની રૂચિ ઘટી જાય.
અપર એબ્ડોમિનલ દુઃખાવાના અનેક કારણો હોય છે પણ તે મૂળ ગેસ્ટ્રીક જ કારણો ના લીધે હોતા નથી, તેમાંથી કેટલાક હિપેટાઈટીસ, આંતરડામાં અવરોધ, પેન્ક્રિયાટાયટીસ, ગોલ બ્લેડર સ્ટોન અને એપેન્ડિસાઈટીસ જેવા વધુ ગંભીર રોગોના સંકેત પણ હોય છે. ડોક્ટર દ્વારા યોગ્ય નિદાન આવા કેસોમાં કોઈપણ પ્રકારની દવા લેતા પહેલા કરવું જરૂરી છે. વગર નિદાન લઈને ઓવર-ધ-કાઉન્ટર દવાઓ લેવાની પદ્ધતિ જોખમકારક છે કારણ-કે એના લીધે બિમારી દબાય જાય છે પણ મટતી નથી અને ભવિષ્યમા ખતરનાક સાબિત થઈ શકે.જો કે ગેસ્ટ્રીક પીડામાં રાહત મેળવવા માટે કેટલાક પ્રાકૃતિક ઉપચારોનો ઉપયોગ કરી શકાય છે.
- ખોરાક લો તેની નોંધ કરતા રહો અને જૂઓ કે કોઈ ચોક્કસ પ્રકારના ખોરાક પછી સમસ્યા થાય છે. એ ખોરાક ખાવાનું બંધ કરી દો.
- હળવું અને સરળતાથી પચે એવું ભોજન થોડા સમય માટે લો.
- નાળિયેરનું પાણી અને શ્નઅજમાઌનું પાણી પીઓ જે એસિડિટીના કારણે થતા ગેસ્ટ્રીક દુઃખાવામાં રાહત આપે છે.
- જેનાથી ગેસ થાય એવો ખોરાક જેમકે શેકેલા દાણા, કૌલીફ્લાવર, કોબી, કાર્બોનેટેડ ડ્રિન્ક્સ, કેફિનયુક્ત પીણા, આલ્કોહોલ, નિકોટીન અને મસાલાયુક્ત ખોરાક ન લો.
- દિવસમાં ત્રણ વખત વધુ ભોજન લેવાના સ્થાને દિવસમાં થોડું થોડું અનેકવાર ભોજન કરો. આનાથી તમારૂં પેટ ખાલી પણ નહીં રહે અને ગેસ થતો પણ અટકશે.
- જો બ્લોટીંગના કારણે દુઃખાવો હોય તો બ્લોટિંગ ઘટાડવા કેટલીક કસરત કરો અને ખૂબ પાણી પીઓ.
- ઘણા લોકોને દૂધ કે દૂધની પ્રોડક્ટ્સ માફક આવતી નથી (લેક્ટોઝ ઈનટોલરન્સ), તેઓ દૂધની પ્રોડક્ટ્સ ન લઈને રાહત મેળવી શકે છે.
- થોડા દિવસ નોનવેજ ખોરાક ખાસ કરીને રેડ મીટથી દૂર રહો.
- ડોક્ટરની મદદ લો ત્યાં સુધી, દવાની દુકાને મળતી દવાઓ જેમકે એન્ટાસિડ, રેનીટીડાઈન જેવી દવાઓ થોડી મદદરૂપ થઈ શકે છે પરંતુ ટૂંકા સમયગાળા માટે જ.
જો તમને આ બધા વિકલ્પો થી રાહત ના મળે અને અગર તમારી ઉંમર ૫૦ વર્ષ થી વધારે છે તો તમારે ગેસ્ટ્રોએન્ટેરોલોજીસ્ટ ડૉક્ટર જોડે માહિતી લેવી જોઈએ.
સ્ત્રોત: ડો. શ્રવણ બોહરા, ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ અને લિવર રોગ નિષ્ણાત.