ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં ખેતી કરનાર વ્યક્તિનો દીકરો ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો અને તે દિકરાને પરીક્ષામાં ઘણા સારા માર્કસ મેળવ્યા હતા. તેજસ્વી દિકરાને પિતાએ ઉચ્ચ અભ્યાસ માટે મેડીકલ કોલેજમાં જવાની સલાહ આપી અને તે વિદ્યાર્થીએ તેના પિતા તેમજ ગામના વડીલોના આશિર્વાદ સાથે મેડીકલ કોલેજનો અભ્યાસ શરૂ કર્યો હતો. આ તેજસ્વી વિદ્યાર્થી દર વર્ષે સારા માર્કસ સાથે પરીક્ષામાં પાસ થતો હતો. ત્રીજા વર્ષે આ વિદ્યાર્થીને સામાન્ય ખાંસી ઉધરસ અને તાવના લક્ષણો જણાયા અને ત્યારબાદ તે જ મેડીકલ કોલેજના સાહેબોએ સ્વાઈન ફ્લુની સારવાર શરૂ કરી હતી, પરંતુ સ્વાઈન ફ્લુની સારવાર પૂરી કર્યા બાદ સામાન્ય ખાંસી અને ઉધરસ તેમજ તાવ લગભગ ૬-૮ અઠવાડિયા રહેતા તેની ટીબીની તપાસ કરી હતી. જેમાં તેને ટીબીની બિમારીએ દેખા દીધી હતી અને તે માટેની સારવાર પણ ચાલુ કરી હતી. પરંતુ આ રોગ (જે CBNAAT દ્વારા) હઠીલો ટીબી જણાતા તેને દેશની અન્ય શહેરો જેવી કે દીલ્હી, મુંબઈ તેમજ અમદાવાદ ખાતે બતાવેલ અને આ માટેની જરૂરી તપાસ પણ કરાવેલ હતી..
આ વિદ્યાર્થી મનથી ભાંગી પડ્યો હતો હવે તેના ભવિષ્યનું શું થશે તેની તેને ચિંતા સતાવી રહી હતી. આશરે ૨૪-૨૭ મહિનાની સારવાર તેમજ શરૂઆતના ૬-૯ મહિના ઈન્જેક્શન લીધા હતા. મનમાં ચિંતા તો હતી જ પણ ડૉક્ટર હોવાથી આ વિદ્યાર્થીને રોગ માટેની તમામ પ્રકારની સમજ પણ હતી. એક તરફ અભ્યાસની ચિંતા અને બીજી તરફ આ બિમારીના કારણે માનસિક તાણ વિદ્યાર્થી અનુભવવા લાગ્યો હતો અને બીજા એકાદ મહિનામાં તેના ટીબીના જંતુ અતિ ગંભીર પ્રકારના જણાયા હતા. જેમાં બે કે ત્રણ દવા જ અસરકારક હતી. જે માટે તેને મુંબઈ શહેરમાં છ માસ રહેવાનું તેમજ ત્યાં સારવાર કરવી પડે તેમ હતી. આવા સંજોગોમાં તે દર્દી ટીબી વિભાગ, સીવીલ હોસ્પીટલ, અમદાવાદ ખાતે આવેલ તેને અહીં તમામ પ્રકારની સગવડ તેમજ ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થાએ ટીબીની નવી દવા (Bedaquiline) ચાલુ કરવાનો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થીની તમામ જરૂરી તપાસ અને અંદરના દર્દી તરીકે ૧૪ દિવસ દાખલ રહેવાની તૈયારી સાથે આ દવા શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન બીજી દવાઓ સાથે બેડાક્વીલીનની સારવાર શરૂ કરાઈ હતી અને જેમાં Inj. Km, (કાનમાં બહેરાશ આવવી), Cycloserine (ડીપ્રેશન અને ન ગમતા વિચારો આવવા), Ethionamide અને PAS (પેટની ગરબડ અને ભુખ મરી જવી) જેવી તકલીફો સામે આવી હતી. પરંતુ દર્દીની પરિસ્થિતિ અને રોગની ગંભીરતાને લઈને દવાની સારવાર જરૂરી ફેરફાર અને તકલીફોને ધ્યાનમાં લઈ લગભગ ૧૬ મહિના સુધી કોર્સ ચાલ્યો હતો અને આવી પરિસ્થિતિમાં પણ તે વિદ્યાર્થીએ વાંચન અને અભ્યાસ ચાલુ રાખ્યો હતો. આ વિદ્યાર્થીએ ત્રીજા વર્ષની પરીક્ષામાં સારા માર્ક મેળવ્યા હતા. તેણે ભવિષ્યમાં આ પ્રકારના ગંભીર હઠીલા ટીબીના દર્દીઓની સારવાર કરવાનો સંકલ્પ કર્યો હતો.
ટીબી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે ભારત સરકાર અને વિશ્વ આરોગ્ય સંસ્થા સંપૂર્ણ રીતે કટિબદ્ધ છે અને દર ૪ વર્ષે જરૂરી સંશોધન અને માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે. વર્ષો પહેલા ટીબી રોગ સામેની સારવાર જેવા કે સેનેટોરીયમ, સંપૂર્ણ આરામ અને સાથે ખોરાક લેવો પડતો. કારણ કે ટીબીના રોગ સામેની દવાઓ ઉપલબ્ધ ન હતી. તેથી તેને રાજરોગની ઉપમા આપી હતી.
સમય જતા આ રોગની સારવારમાં Rifampicin નામની દવા જે ખુબ જ અસરકારક હતી તે ૧૯૮૦ થી ૨૦૦૦ સુધીમાં દર્દીઓને શ્રેષ્ઠ પરિણામો આપ્યા હતા, પરંતુ સમય જતા આ દવાની અસરકારકતા ( Mycobacteria become Resistant to Rifampicin) ઘટી જવાથી MDR-TB અને XDR-TB નામના ગંભીર ટીબીનું સ્વરૂપ ધારણ કર્યુ હતું. ૨૦૦૦ થી ૨૦૧૦ સુધીમાં MDR-TB/XDR-TBનું નિદાન કરવા માટેની પદ્ધતિ ખૂબ મુશ્કેલ હતી. જેનો રીપોર્ટ મેળવવા માટે ૪-૬ મહિના સુધી રાહ જોવી પડતી હતી તેમજ તેની સારવાર માટેનો સમયગાળો ખૂબ જ લાંબો, દવાની અસરકારકતા પણ ઘણી ઓછી હતી અને આડ અસર વધુ પડતી હોવાથી દર્દીઓની પરિસ્થિતિ દયાજનક હતી. પરંતુ સમય જતા આ બાબતે WHO દ્વારા આ પ્રકારના ટીબીના સ્વરૂપનું નિદાન માટે અધ્યતન લેબોરેટરી અને ઘણા જ કિંમતી (CBNAAT) મશીનોની જરૂર જણાઈ હતી. વિશ્વના તમામ દેશોએ ટીબી સામેની લડત આપવાનો સંકલ્પ આપ્યો તે અંગેના સંશોધનમાં સહકાર આપીને નવી દવા જેવી કે બેડાક્વીલીન અને ડેલામાઈડ ની અસરકારકતાની સાબિતી આપેલ છે. જેથી આવનારા દિવસોમાં સમયસર ટીબીનું નિદાન (MDR/XDR TB) એકાદ અઠવાડીયામાં થઈ જતા તેની તાત્કાલીક સારવાર શરૂ કરી શકાય અને દર્દી જલદીથી સામાન્ય જિંદગી જીવી શકે છે.ટીબી સામેની લડતમાં દર્દીઓએ સંપૂર્ણ પણે સહકાર આપવો પડતો હોય છે. જેમ કે સારો પૌષ્ટિક આહાર લેવો પડતો હોય છે અને કુટેવો છોડવી પડતી હોય છે. જેવી કે તમાકુ, સીગારેટ, દારૂ તથા જંકફૂડ વિગેરેનો ત્યાગ કરવો પડતો હોય છે. ટીબીના દર્દીઓ ખાસ કરીને જેમને ફેફસાનો રોગ હોય તેવા દર્દીઓએ મોં પર રૂમાલ રાખવો જોઈએ અથવા સામાવાળી વ્યક્તિને ચેપ ન લાગે તે પ્રકારની ટેવ પાડવાની હોય છે. આવા દર્દીઓએ ગળફા, થુંકનો યોગ્ય રીતે નાશ કરવો જરૂરી છે.
વર્ષો પહેલા ટીબી રોગ સામેની સારવારમાં સંપૂર્ણ આરામ અને સાથે પૌષ્ટિક ખોરાક લેવો પડતો હતો કારણ કે ટીબીના રોગ સામેની દવાઓ ઉપલબ્ધ ન હતી. આ કારણે ટીબીને રાજરોગ સમકક્ષ ગણવામાં આવતો હતો
સ્ત્રોત : ડો રાજેશ સોલંકી., છાતીના રોગના, નિષ્ણાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020