વર્ષ 2016માં એક્ટિવ ટીબીના એક કરોડથી વધુ કેસ નોંધાયા હતા જેમાંથી 13 લાખ દર્દીઓના મૃત્યુ થયા હતા. આ કારણે ચેપીરોગોમાં મૃત્યુનું આ પ્રથમક્રમનું કારણ છે. 95% મૃત્યુ વિકાસશીલ દેશોમાં થાય છે અને ૫૦ ટકાથી વધુ ભારત, ચીન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને ફિલિપાઇન્સમાં થાય છે.
ટ્યૂબરક્યુલોસિસ (ટીબી) એક ચેપી રોગ છે જે સામાન્ય રીતે બેક્ટેરિયમ માઇકોબેક્ટેરિયમ ટ્યૂબરક્યુલોસિસ (એમટીબી)થી થાય છે. ટીબી સામાન્ય રીતે ફેફસાંને અસર કરે છે પણ તેનાથી શરીરના અન્ય ભાગને પણ અસર થઈ શકે છે. મોટા ભાગના ચેપના કોઈ લક્ષણ હોતા નથી, જેને લેટન્ટ ટ્યૂબરક્યુલોસિસ કહે છે. અંદાજે ૧૦ ટકા લેટન્ટ ચેપ એક્ટિવ રોગમાં ફેરવાય છે અને જો તેની સારવાર કરવામાં ન આવે તો ચેપગ્રસ્ત આશરે અડધોઅડધ લોકો મૃત્યુ પામે છે. સક્રિય ટીબીના લક્ષણોમાં સખત ખાંસી, ગળફામાં લોહી નીકળવું, તાવ, રાત્રે ખૂબ પરસેવો થવો તથા વજનમાં ઘટાડો સામેલ છે.
જ્યારે સક્રિય ટીબી ધરાવતા લોકો ઉધરસ ખાય, થૂંકે, બોલે કે છીંક ખાય ત્યારે હવા દ્વારા તેનો ચેપ ફેલાય છે. લેટન્ટ ટીબી ધરાવતા લોકો આ રોગ ફેલાવતા નથી. એક્ટિવ ચેપ એચઆઈવી/એઇડ્સ ધરાવતા લોકો તથા ધૂમ્રપાન કરતા લોકોમાં વધુ ઝડપથી ફેલાય છે. એક્ટિવ ટીબીનું નિદાન છાતીના એક્સ-રે તથા શરીરના પ્રવાહીના માઇક્રોસ્કોપિક તપાસ તથા કલ્ચરની મદદથી થાય છે. લેટન્ટ ટીબીનું નિદાન લોહીની તપાસના આધારે થાય છે.
ટીબીનો ફેલાવો રોકવા માટે ઊંચું જોખમ ધરાવતા લોકોને અલગ તારવીને ટીબીના વહેલા નિદાન તથા સારવાર તથા બીસીજીની રસી આપવી જરૂરી છે. ટીબીની સારવારમાં લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે.
વિશ્વની ત્રીજા ભાગની વસતીને ટીબીનો ચેપ હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે અંદાજે વિશ્વના એક ટકા લોકોને નવો ચેપ લાગે છે. વર્ષ ૨૦૧૬માં એક્ટિવ ટીબીના ૧૦ મિલિયનથી વધુ કેસ નોંધાયા હતા જેમાંથી ૧.૩ મિલિયનના મૃત્યુ થયા હતા. આ કારણે ચેપીરોગોમાં મૃત્યુનું આ પ્રથમક્રમનું કારણ છે. ૯૫ ટકા મૃત્યુ વિકાસશીલ દેશોમાં થાય છે અને ૫૦ ટકાથી વધુ ભારત, ચીન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને ધ ફિલિપાઇન્સમાં થાય છે. વર્ષ ૨૦૦૦થી દર વર્ષે નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. ટીબી સદીઓ જૂનો રોગ છે.
લક્ષણો અને ચિહ્નો
ટીબી શરીરના કોઈ પણ ભાગને અસર કરી શકે છે પરંતુ મોટાભાગે ફેફસાંમાં થાય છે, જે પલ્મોનરી ટીબી કહેવાય છે. ટીબીના લક્ષણોમાં સખત ખાંસી, ગળફામાં લોહી નીકળવું, તાવ, રાત્રે ખૂબ પરસેવો થવો તથા વજનમાં ઘટાડો સામેલ છે.
પલ્મોનરી ટીબી: ટીબીનો ચેપ સક્રિય બને તો અંદાજે ૯૦ ટકા કેસમાં તે ફેફસાંને અસર કરે છે તેના ચિહ્નોમાં છાતીમાં દુઃખાવો તથા લાંબા ગાળા સુધી ગળફા સાથેની ખાંસી થાય છે. અંદાજે ૨૫ ટકા લોકોમાં કોઈ લક્ષણ ન પણ જોવા મળે. ક્યારેક લોકોને ગળફામાં થોડું લોહી પડી શકે છે અને બહુ દુર્લભ કિસ્સામાં પલ્મોનરી આર્ટરીમાં ચેપ લાગતા ઘણું વધુ લોહી વહી શકે છે. ગંભીર ટીબીમાં ફેફસાંના ઉપલા ભાગને વધુ અસર થઈ શકે છે.
એકસ્ટ્રાપલ્મોનરી: ૧૫ થી ૨૦ ટકા એક્ટિવ કેસમાં ચેપ ફેફસાંની બહાર ફેલાઈ શકે છે જેનાથી અન્ય પ્રકારનો ટીબી થાય છે જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી કહેવામાં આવે છે. આ પ્રકારનો ટીબી મોટાભાગે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તથા નાના બાળકોને થાય છે. એચઆઇવી ધરાવતા લોકોમાં ૫૦ ટકાથી વધુ લોકોમાં આ રોગ થાય છે. ટીબીના વધુ ગંભીર અને વ્યાપક પ્રકારને ડિસસેમિનેટેડ ટ્યૂબરક્યુલોસિસ કહે છે જેને જે એકસ્ટ્રાપલ્મોનરી કેસીસમાં આશરે ૧૦ ટકા છે.
કારણો
માઇક્રોબેક્ટેરિયાઃ. ટીબીનું મુખ્ય કારણ માઇક્રોબેક્ટેરિયન ટ્યૂબરક્યુલોસિસ છે. આ બેક્ટેરિયા દર ૧૬ થી ૨૦ કલાકે વિભાજિત થાય છે જે અંદાજે ૧ કલાક કરતાં ઓછા સમયમાં વિભાજિત થતા અન્ય બેકટેરિયા કરતા બહુ ધીમો દર છે. આ પ્રકારના બેક્ટેરિયા નબળાં ડિસઇન્ફેક્ટન્ટનો અઠવાડિયાઓ સુધી સામનો કરી શકે છે.
જોખમનાં પરિબળો
સંખ્યાબંધ કારણોને લીધે લોકોને ટીબીનો ચેપ લાગવાની શક્યતા રહે છે. સૌથી મોટું જોખમી પરિબળ એચઆઈવી છે. વધુ પડતી ભીડ અને અપૂરતું પોષણ એ બંને ટીબી સાથે સંકળાયેલા છે અને આથી જ આ રોગ ગરીબીનો રોગ ગણાય છે. ગેરકાયદે ડ્રગ લેનારા લોકો, જેલ કે ઘરવિહોણાં લોકો માટેના આશ્રયસ્થાનોમાં એકઠાં થતાં લોકો, અપૂરતી તબીબી સુવિધાઓ મેળવતા લોકો તથા વંચિત લોકોને જ ટીબી થવાની સૌથી વધુ શક્યતા રહે છે. આ ઉપરાંત આ લોકોના સંપર્કમાં આવતા લોકો તથા તેમની સારવાર કરતા લોકોને પણ ચેપ લાગવાનું જોખમ રહે છે.
ફેફસાંની ક્રોનિક બીમારી પણ બીજું મહત્વનું જોખમી પરિબળ છે. સિલિકોસિસથી જોખમ ૩૦ ગણું વધી જાય છે. ધૂમ્રપાન કરનારા લોકોને અન્ય લોકો કરતાં ટીબી થવાનું બમણું જોખમ રહે છે. દારૂની લત ધરાવતા લોકો તથા ડાયાબિટીસ મેલિટસ ધરાવતા લોકોને ટીબી થવાનું જોખમ વધુ રહે છે.
સંક્રમણ
જ્યારે એક્ટિવ પલ્મોનરી ટીબી ધરાવતા લોકો ખાંસે, છીંક ખાય, બોલે, ગાય કે થૂંકે ત્યારે તેઓ ચેપ ધરાવતા તત્વો બહાર ફેંકે છે. ફકત એક છીંકથી ચાલીસ હજાર જેટલા તત્વો બહાર ફેંકાઈ શકે છે. આ દરેક તત્વ ચેપ ફેલાવી શકે છે.
ટીબી ધરાવતા લોકોના લાંબા, સતત કે ગાઢ સંપર્કમાં રહેલા લોકોને ચેપ લાગવાનું સૌથી વધુ જોખમ હોય છે. એક્ટિવટીબી ધરાવતી પરંતુ સારવાર ન પામેલ વ્યક્તિ દર વર્ષે ૧૦ થી ૧૫ કે વધુ લોકોને ચેપ લગાડી શકે છે.
નિદાન
એક્ટિવ ટ્યૂબરક્યુલોસિસઃ એક્ટિવ ટ્યૂબરક્યુલોસિસનું નિદાન માત્ર ચિન્હો અને લક્ષણોને આધારે કરવું મુશ્કેલ છે. જે લોકોને ફેફસાંના રોગની બે અઠવાડિયાથી વધુ સમયથી અસર દેખાઈ રહી હોય તેમની ટીબી માટે તપાસ થવી જોઈએ. ટીબીની પ્રાથમિક તપાસમાં છાતીનો એક્સ-રે તથા ગળફાંની તપાસ જેવી બાબતો સામેલ છે. ટીબીનું ખાત્રીબદ્ધ નિદાન ગળફાં, પરુ કે ટીસ્યુ બાયોપ્સી જેવા ક્લિનિકલ સેમ્પલમાં એમ ટ્યૂબરક્યુલોસિસને ઓળખીને કરી શકાય છે.
લેટન્ટ ટ્યૂબરક્યુલોસિસઃટીબીનું ઊંચું જોખમ ધરાવતા લોકોમાં મેનટોક્સ ટ્યૂબરક્યુલિન સ્કિન ટેસ્ટ કરવામાં આવે છે. જે લોકોને અગાઉ રસી આપવામાં આવી હોય તેમને માટે ખોટું પોઝિટીવ રીઝલ્ટ મળી શકે છે.
નિવારણ
ટીબીનું નિવારણ અને અંકુશના પ્રયાસો મુખ્યત્વે નવજાત શિશુઓના રસીકરણ પર તથા સક્રિય કેસોને ઓળખીને તેમની સારવાર પર આધાર રાખે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને બહેતર સારવાર પ્રયાસોને કારણે આ દિશામાં થોડી સફળતા મળી છે અને કેસોની સંખ્યાંમાં થોડો ઘટાડો થયો છે.
રસીઓઃ
ટીબીના નિવારણ માટે ૨૦૧૧ની સ્થિતિ મુજબ સુધી માત્ર બેસિલસ કેલમેટ ગુરિન (બીસીજી) રસી ઉપલબ્ધ છે. બાળકોને આ રસી આપવાથી ચેપ લાગવાનું જોખમ ૨૦ ટકા ઘટી જાય છે અને ચેપમાંથી રોગ થવાનું જોખમ ૬૦ જેટલું ઘટી જાય છે. આ રસી વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે અને વિશ્વના ૯૦ ટકાથી વધુ બાળકને આ રસી આપવામાં આવે છે. જોકે તેની રોગપ્રતિકારત્મક શક્તિ દસેક વર્ષ પછી ઘટે છે. ટીબી માટે સંખ્યાબંધ નવી રસીઓ પણ શોધાઈ રહી છે.
ટીબીનું વ્યવસ્થાપન
ટીબીની સારવાર માટે બેક્ટેરિયાને મારી નાખતી એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. આ માટે મુખ્યત્વે આઇસોનાયેઝાઇડ અને રાઇફેમપીસીન નામની બે એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. ટીબીની સારવાર ઘણાં મહિનાઓ સુધી ચાલી શકે છે. લેટન્ટ ટીબીની સારવારમાં સામાન્ય રીતે એક જ એન્ટિબાયોટિક આપવામાં આવે છે જ્યારે એક્ટિવ ટીબીની સારવારમાં વિવિધ એન્ટિબાયોટિક્સના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. લેટન્ટ ચેપ ધરાવતા લોકોને આગળ જતાં એક્ટિવ ટીબી ન થાય એ માટે પણ સારવાર આપવામાં આવે છે. જે લોકો યોગ્ય રીતે દવાઓ ન લેતા હોય એવા લોકોની સંખ્યા ઘટાડવા માટે ડબલ્યુએચઓ દ્વારા આવા લોકો પર હેલ્થકેર પ્રોવાઇડરની સતત દેખરેખ રાખવાની ભલામણ કરવામાં આવે છે.
ટીબીનો ઉથલો
જો ટીબી ફરીથી થાય તો નવેસરથી સારવાર નક્કી કરતી વખતે કઈ એન્ટિબાયોટિકની અસર થઈ શકશે તે તપાસવું જરૂરી બની જાય છે. જો મલ્ટિપલ ડ્રગ રેઝિસ્ટન્ટ ટીબીનું નિદાન થાય તો ૧૮ થી ૨૪ મહિના માટે ઓછામાં ઓછી ચાર અસરકારક એન્ટિબાયોટિક્સથી સારવાર કરવી જરૂરી બની જાય છે.
ડો ગોપાલ રાવલ. પલ્મોનોલોજિસ્ટ.