ટી.બીના નામથી કુખ્યાત ટ્યૂબરક્યુલોસિસ એક ચેપી રોગ છે જે સામાન્ય રીતે બેક્ટેરિયમ માઇકોબેક્ટેરિયમ ટ્યૂબરક્યુલોસિસ (એમટીબી)થી થાય છે. આ રોગ સૌથી પહેલા શરીરના ઘમણ ગણાતાં ફેફસાને ગંભીર અસર કરે છે અને ત્યાર બાદ તે શરીરના બીજા ભાગોને પણ અસર કરતો જાય છે. ટી.બી.નો એક પ્રકાર લેટન્ટ ટ્યૂબરક્યુલોસિસ તરીકે ઓળખાય છે અને અંદાજે ૧૦ ટકા લેટન્ટ ચેપ એક્ટિવ રોગમાં ફેરવાય છે અને જો તેની સારવાર કરવામાં ન આવે તો ચેપગ્રસ્ત આશરે અડધોઅડધ લોકો મૃત્યુ પામે છે. સક્રિય ટીબીના લક્ષણોમાં સખત ખાંસી, ગળફામાં લોહી નીકળવું, તાવ, રાત્રે ખૂબ પરસેવો થવો તથા વજનમાં ઘટાડો સામેલ છે..
જ્યારે સક્રિય ટીબી ધરાવતા લોકો ઉધરસ ખાય, થૂંકે, બોલે કે છીંક ખાય ત્યારે હવા દ્વારા તેનો ચેપ ફેલાય છે. લેટન્ટ ટીબી ધરાવતા લોકો આ રોગ ફેલાવતા નથી. એક્ટિવ ચેપ એચઆઈવી/એઇડ્સ ધરાવતા લોકો તથા ધૂમ્રપાન કરતા લોકોમાં વધુ ઝડપથી ફેલાય છે. એક્ટિવ ટીબીનું નિદાન છાતીના એક્સ-રે તથા શરીરના પ્રવાહીના માઇક્રોસ્કોપિક તપાસ તથા કલ્ચરની મદદથી થાય છે. લેટન્ટ ટીબીનું નિદાન લોહીની તપાસના આધારે થાય છે. .
ટીબીનો ફેલાવો રોકવા માટે ઊંચું જોખમ ધરાવતા લોકોને અલગ તારવીને ટીબીના વહેલા નિદાન તથા સારવાર તથા બીસીજીની રસી આપવી જરૂરી છે. ટીબીની સારવારમાં લાંબા સમય સુધી વિવિધ એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે.
વિશ્વની ત્રીજા ભાગની વસતીને ટીબીનો ચેપ હોવાનું માનવામાં આવે છે. દર વર્ષે અંદાજે વિશ્વના એક ટકા લોકોને નવો ચેપ લાગે છે. વર્ષ ૨૦૧૬માં એક્ટિવ ટીબીના ૧૦ મિલિયનથી વધુ કેસ નોંધાયા હતા જેમાંથી ૧.૩ મિલિયનના મૃત્યુ થયા હતા. આ કારણે ચેપીરોગોમાં મૃત્યુનું આ પ્રથમક્રમનું કારણ છે. ૯૫ ટકા મૃત્યુ વિકાસશીલ દેશોમાં થાય છે અને ૫૦ ટકાથી વધુ ભારત, ચીન, ઇન્ડોનેશિયા, પાકિસ્તાન અને ધ ફિલિપાઇન્સમાં થાય છે. વર્ષ ૨૦૦૦થી દર વર્ષે નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. ટીબી સદીઓ જૂનો રોગ છે.
ટીબીના લક્ષણોમાં સખત ખાંસી, ગળફામાં લોહી નીકળવું, તાવ, રાત્રે ખૂબ પરસેવો થવો તથા વજનમાં ઘટાડો સામેલ છે.
ટીબીનો ચેપ સક્રિય બને તો અંદાજે ૯૦ ટકા કેસમાં તે ફેફસાંને અસર કરે છે તેના ચિહ્નોમાં છાતીમાં દુઃખાવો તથા લાંબા ગાળા સુધી ગળફા સાથેની ખાંસી થાય છે. અંદાજે ૨૫ ટકા લોકોમાં કોઈ લક્ષણ ન પણ જોવા મળે.
૧૫ થી ૨૦ ટકા એક્ટિવ કેસમાં ચેપ ફેફસાંની બહાર ફેલાઈ શકે છે જેનાથી અન્ય પ્રકારનો ટીબી થાય છે જેને એક્સ્ટ્રાપલ્મોનરી ટીબી કહેવામાં આવે છે. આ પ્રકારનો ટીબી મોટાભાગે ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તથા નાના બાળકોને થાય છે.
ટીબીનું મુખ્ય કારણ માઇક્રોબેક્ટેરિયન ટ્યૂબરક્યુલોસિસ છે. આ બેક્ટેરિયા દર ૧૬ થી ૨૦ કલાકે વિભાજિત થાય છે જે અંદાજે ૧ કલાક કરતાં ઓછા સમયમાં વિભાજિત થતા અન્ય બેકટેરિયા કરતા બહુ ધીમો દર છે. આ પ્રકારના બેક્ટેરિયા નબળાં ડિસઇન્ફેક્ટન્ટનો અઠવાડિયાઓ સુધી સામનો કરી શકે છે.
જ્યારે એક્ટિવ પલ્મોનરી ટીબી ધરાવતા લોકો ખાંસે, છીંક ખાય, બોલે, ગાય કે થૂંકે ત્યારે તેઓ ચેપ ધરાવતા તત્વો બહાર ફેંકે છે. ફકત એક છીંકથી ચાલીસ હજાર જેટલા તત્વો બહાર ફેંકાઈ શકે છે. આ દરેક તત્વ ચેપ ફેલાવી શકે છે.
એક્ટિવ ટ્યૂબરક્યુલોસિસનું નિદાન માત્ર ચિન્હો અને લક્ષણોને આધારે કરવું મુશ્કેલ છે. જે લોકોને ફેફસાંના રોગની બે અઠવાડિયાથી વધુ સમયથી અસર દેખાઈ રહી હોય તેમની ટીબી માટે તપાસ થવી જોઈએ. તેવી જ રીતે લેટન્ટ ટ્યૂબરક્યુલોસિસ માટે ટીબીનું ઊંચું જોખમ ધરાવતા લોકોમાં મેનટોક્સ ટ્યૂબરક્યુલિન સ્કિન ટેસ્ટ કરવામાં આવે છે.
ટીબીની સારવાર માટે બેક્ટેરિયાને મારી નાખતી એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. આ માટે મુખ્યત્વે આઇસોનાયેઝાઇડ અને રાઇફેમપીસીન નામની બે એન્ટિબાયોટિક્સ આપવામાં આવે છે. ટીબીની સારવાર ઘણાં મહિનાઓ સુધી ચાલી શકે છે. લેટન્ટ ટીબીની સારવારમાં સામાન્ય રીતે એક જ એન્ટિબાયોટિક આપવામાં આવે છે જ્યારે એક્ટિવ ટીબીની સારવારમાં વિવિધ એન્ટિબાયોટિક્સના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. લેટન્ટ ચેપ ધરાવતા લોકોને આગળ જતાં એક્ટિવ ટીબી ન થાય એ માટે પણ સારવાર આપવામાં આવે છે. જેઓ યોગ્ય રીતે દવાઓ ન લેતા હોય તેમની સંખ્યા ઘટાડવા માટે ડબલ્યુએચઓ દ્વારા આવા લોકો પર હેલ્થકેર પ્રોવાઇડરની સતત દેખરેખ રાખવાની ભલામણ કરવામાં આવે છે.
સ્ત્રોત : ડો ગોપાલ રાવલ પલ્મોનોલોજિસ્ટ. (રેફરન્સ: નવગુજરાત હેલ્થ)
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 11/13/2019