અસ્થિ, તેની બાહ્ય સપાટી સાથે, ઘણી વખત ચેપને માટે અભેદ્ય માનવામાં આવે છે. જો કે, હાડકાની અંદરની પોચી પેશીમાં શરીરના અન્ય કોઈ ભાગ જેટલો જ ચેપ લાગવાનો ભય છે. હાડકાંની ક્ષય રોગ અમુક અન્ય અંગમાં સક્રિય ક્ષયના ચેપને કારણે થાય છે. તે લોહીના પ્રવાહ (હેમોટોજીનસ સ્પ્રેડ) દ્વારા હાડકાં સુધી પહોંચે છે. ક્યારેક તે અસ્થિમાં સક્રિય ચેપ ધરાવતા નજીકના અંગથી અથવા સામાન્ય લસિકા ગાંઠો મારફતે સીધા ફેલાય છે. ૨૧મી સદીમાં વિકસિત રાષ્ટ્રોમાં હાડકાંના ટીબીમાં વધારો થયો છે. આ રોગ પ્રતિકારકતારહિત (ઇમ્યુનોસપ્રેસ) દર્દીઓ, ખાસ કરીને એચ.આઇ.વી / એઇડ્ઝ ધરાવતા લોકોમાં થવાની સંભાવના વધુ છે.
કરોડરજ્જુ ગરદનમાંથી નિતંબ સુધી 33 મણકાથી આવરિત હોય છે. આ મણકા એકની ઉપર એક આવેલા હોય છે અને એક નરમ ગાદી (ડિસ્ક) દ્વારા અલગ પડે છે. ચેતાઓ બંને બાજુએ મણકા વચ્ચેથી બહાર નીકળે છે અને મગજથી બાકીના શરીરમાં આવેગ પહોંચાડે છે.મણકાનો ક્ષય રોગ ટ્યુબર્યુલર સ્પૉન્ડાલિટીસ અથવા સ્પાઇનલ ટ્યુબરક્યુલોસિસ તરીકે ઓળખાય છે. આ ચેપનું સામાન્ય નામ Pott's disease છે જેનું પ્રથમ વર્ણન 18 મી સદીના લંડનના સર્જન પેર્સીવાલ્લ પોટ્ટ એ કરેલ.. તે એક ગંભીર ચેપ છે જે સ્પાઇન (મણકા) ની તીવ્ર ખોડ ઉભી કરે છે અને શરીરના નીચલા ભાગમાં લકવો (પેરાપેલેજીયા) કરે છે. સામાન્ય રીતે આ રોગ પલ્મોનરી (ફેફસાં) ટીબી અને એચ.આઇ.વી / એઈડ્સ સાથે જીવતી વ્યક્તિમાં વધુ સામાન્ય રીતે જોવા મળે છે, પરંતુ મદ્યપાન કરનાર, કુપોષણનો શિકાર અને વૃદ્ધો પણ ઊંચા જોખમી જૂથો છે.
આ રોગની શરૂઆત નરમ ગાદી (ડિસ્ક) થી થાય છે. ગાદીનો નાશ થયા પછી મણકા પર અસર થાય છે મણકાનો આગળનો ભાગ સામાન્ય રીતે પહેલા અસર પામે છે અને અસામાન્ય વળાંક સર્જાય છે – ખૂંધ નીકળે (kyphosis) છે. કરોડરજ્જુ પર દબાણ થાય છે જેનાથી સંખ્યાબંધ ન્યુરોલોજિકલ જટિલતાઓ ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે નીચલા ( થોરેસિક,લમ્બર) મણકા વધુ અસર પામે છે. ક્યારેક અસ્થિપેશીનો નાશ થતાં મણકા તૂટી શકે છે.
આ રોગમાં શરૂઆતમાં દર્દી ઘણી વખત કોઇ તકલીફ ધરાવતો નથી અથવા જીણો પીઠનો દુખાવો ધરાવે છે જે સમય પસાર થતા વધતો જાય છે અને ઊભા રહેતા તેમજ ચાલતી વખતે દુખાવો અસહ્ય બને છે. કરોડરજ્જૂની બંન્ને બાજુએ સોજો પણ આવે છે અને ખૂંધ પણ નીકળે છે. આ ઉપરાંત દર્દી ને જીણો તાવ, ખાંસી, વજન ધટવું, ભૂખ ઓછી લાગવી, રાત્રે ખૂબ પસીનો થવો જેવા લક્ષણો જોવા મળતા હોય છે. ઉપરાંત, રોગની જ્ગ્યાને આધારે મજ્જાતંતુની પીડા, સ્નાયુઓની નબળાઇ અને શરીરના નીચલા અડધા ભાગમાં લકવા (પરેપ્લેગિઆ) જેવા ન્યુરોલોજીકલ ગંભીર લક્ષણો જોવા મળી શકે છે.
હાલમાં, સર્જીકલ ડેબ્રિડેમેન્ટ પહેલા અને પછી ટીબીની દવાનો કોર્સ આપવામાં આવે છે અને સર્જીકલ ડેબ્રિડેમેન્ટ પછી કરોડરજ્જુની સ્થિરતા માટે પુનઃરચના કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીને ન્યુરોલોજીકલ સંબંધિત ગંભીર લક્ષણો છે કે નહિ તેને આધારે સારવાર નક્કી કરાય છે. જો દર્દીને આવા લક્ષણો ન હોય તો ૬ થી ૯માસની ટીબીની દવાના નિયમિત કોર્સની (તબીબી સારવાર) જરૂર પડે છે જ્યારે ઓપરેશનની આવશ્યકતા નહિવત હોય છે. પરંતુ જો ગંભીર ન્યુરોલોજીકલ લક્ષણો હોય તો મેડીકલ ટ્રીટ્મેન્ટની સાથે ઓપરેશન (સર્જિકલ ટ્રીટ્મેન્ટ)ની જરૂર પડે છે. મેડીકલ ટ્રીટ્મેન્ટમાં પહેલા બે માસ દરમિયાન રિફેમ્પિસિન, આઇસોનિયાઝિડ, ઇથામ્બુટોલ અને પિરાઝીનોમાઇડ અને બાદમાં રિફેમ્પિસિન, આઇસોનિયાઝિડ જેવી દવાની સારવાર અપાય છે. લગભગ 4-6 અઠવાડિયા પછી, મોટાભાગના દર્દીઓમાં ક્ષય રોગના લક્ષણો અને પીડામાં સુધારો થાય છે જ્યારે હઠીલા (એમ.ડી.આર) ટીબીની સારવાર માટે અન્ય દવાઓ વપરાય છે જેની સારવાર બે વર્ષ સુધીની હોય છે. આ રોગ માટે ઘણી દવાઓ હાલ સંશોધન હેઠળ છે.
નિદાન અર્થે નમુનો લેવા, કરોડરજ્જૂની આસપાસ રહેલ પરુનો નિકાલ કરી તેને તપાસ માટે મોકલવા, ગંભીર ન્યુરોલોજીકલ લક્ષણો અટકાવી તેની સારવાર માટે શસ્ત્રક્રિયાની જરૂર જણાતી હોય છે. આ શસ્ત્રક્રિયાનો હેતુ કરોડરજ્જુ પરનું દબાણ અટકાવી મણકાનો બગાડ કાઢી તેના સ્થાને નવા અસ્થિને પ્રસ્થાપિત કરવાનો (બોન ગ્રાફ્ટ) કરવામાં આવે છે. ઝડપી નિદાન અને સારવારથી રોગને જટિલ બનતો અટકાવી શકાય છે.
હાડકાંનો ટીબી શરીરના વજનને આધાર આપતા હાડકા, સાંધાઓ, કરોડરજ્જૂના મણકાને સૌથી વધુ અસર કરે છે. સાંધાના ટીબી (ટ્યુબરક્યુલોસ આર્થરાઇટિસ) માં સામાન્ય રીતે હિપ્સ અને ઘૂંટણ ઊપર અસર થતી હોય છે.
સ્ત્રોત : સંજય ત્રિપાઠી ટીબી રોગના નિષ્ણાત
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020