મેલેરિયા – મચ્છર દ્વારા ફેલાતો ચેપજન્ય રોગ છે. જો મેલેરિયાની સમયસર યોગ્યરીતે સારવાર કરવામાં ન આવે તો પ્રાણધાતક પણ બની શકે છે. આપણો દેશ ભારત પ્રાચીન સમયથી મેલેરિયા રોગથી પ્રભાવિત રહ્યો છે, જેનો ઉલ્લેખ અથર્વવેદ અને ચરક સંહિતા જેવા અતિપ્રાચીન ઉપચાર ગ્રંથોમાં પણ જોવા મળે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 2017માં મેલેરિયા વિષયક પ્રસિદ્ધ થયેલા વૈશ્વિક આંકડાઓ અનુસાર વિશ્વમાં મેલેરિયાગ્રસ્ત સર્વાધિક કેસીઝ અને મૃત્યુઆંક ધરાવતા પહેલા 15 દેશોમાં ભારતનો ક્રમાંક 4 છે. ભારતમાં મુખ્યત્વે ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, ગોવા, મધ્યપ્રદેશનો દક્ષિણભાગ, છત્તીસગઢ, ઝારખંડ, દિલ્હી અને ઉત્તર-પૂર્વી રાજ્યોનો સમાવેશ થાય છે.
મેલેરિયા થવા માટે પ્રોટોઝોઆ પ્લાઝમોડિયમ પેરાસાઈટ (પરોપજીવી) જવાબદાર છે, જે માણસમાં ચેપગ્રસ્ત માદા એનોફિલિસ મચ્છર કરડવાથી ફેલાય છે. પ્લાઝમોડીયમની 1000થી વધુ જાતો હોવા છતાં, ભારતમાં ફક્ત બે પ્લાઝમોડિયમ વિવાક્સ અને ફાલ્સીપેરમ વધુ પ્રચલિત છે. મેલેરિયા સામાન્ય અને ધાતક બન્ને રીતે થતો જોવા મળે છે. જ્યારે મેલેરિયા તેના પ્રથમ તબક્કામાં હોય અને શરીરના અન્ય મહત્વપૂર્ણ અંગોને અસર ન કરી હોય, તેવા સંજોગોમાં જો તેની યોગ્ય સારવાર કરવામાં આવે તો, તેને અનકોમ્પલિકેટેડ મેલેરિયા કહેવામાં આવે છે. બીજી તરફ જો મેલેરિયા વધી જાય અને શરીરના મુખ્ય અંગો જેવાકે મગજ, કિડની, યકૃત, ફેફસાં અને અસ્થિમજ્જાને અસર કરવાનું શરૂ કરી દો તેની સારવાર જટિલ બનતી જાય છે એટલે તેને કોમ્પલિકેટેડ મેલેરિયા કહેવામાં આવે છે.
સામાન્યત: મેલેરિયામાં હાઈગ્રેડ ફિવર આવે છે, જે થોડા સમય સુધી રહે છે અને પરસેવો થાય છે. પ્લાઝમોડિયા વિષાણુંના વિવિધ પ્રકારો અનુસાર તાવ દરરોજ કે આંતરે દિવસે આવે છે આ સાથે વ્યક્તિને ખૂબ અશક્તિ, માથુ દુ:ખવું, બૉડી પેઈન, ઉલટી-ઉબકા પણ થાય છે. આવા જ સામાન્ય લક્ષણો અન્ય ચેપજન્ય રોગો જેવાકે ડેંગ્યુ, ચીકનગુનિયા, ટાઈફોઈડ વિગેરેમાં જોવા મળે છે. પરિણામે મેલેરિયા છે કે નહી તેની સચોટ તપાસ માટે લેબોરેટરી તપાસ કારગત રહે છે. જટિલ કિસ્સાઓમાં મેલેરિયાની સાથે કમળો, વાઈ-આંચકી, કોમામાં જવું, રક્તસ્ત્રાવ, ગુંગળામણ તથા રેસ્પીરેટરી ફેલ્યોર પણ થઈ શકે છે. પ્લાઝમોડિયમ ફાલ્સીપેરમને કારણે મેલેરિયા વધુ ગંભીર બની શકે છે.
પેરિફેરલ સ્મિઅર ટેસ્ટ મારફતે મેલેરિયાનું સચોટ નિદાન થઈ શકે છે. જ્યારે દર્દીને તાવ આવતો હોય ત્યારે તેના લોહીની વિશેષ તપાસ કરીને નિદાન કરવામાં આવે છે. આ સિવાય વૈકલ્પિક ટેસ્ટ્સ જેવાકે પોલિમર્સ ચેઈન રિએક્શન એસે, ન્યુક્લિઅર એસિડ સિકવન્સ-બેઝ્ડ એમ્પલિફિકેશન્સ અને ક્વોન્ટિટેટીવ બફી કોટ વિગેરે દ્વારા પણ મેલેરિયાનું નિદાન કરી શકાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા મેલેરિયાની યોગ્ય સારવાર માટે સુવ્યવસ્થિત માર્ગદર્શિકા પણ પ્રકાશિત કરવામાં આવી છે. જેમાં ઓરલ મેડિસીન દ્વારા સારવાર, હૉસ્પિટલમાં દાખલ કરવા માટેની જરૂરીઆત વિગેરે વિશે ભાર મૂકવામાં આવ્યો છે. નાના બાળકો, ગર્ભવતી સ્ત્રીઓ, વૃદ્ધજનો અથવા જેમની ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેવા કિસ્સાઓમાં અને મેલેરિયા ખૂબ વધી ગયો હોય તેવા કિસ્સાઓમાં દર્દીનું ક્લોઝ મોનિટરિંગ આવશ્યક હોય છે.
મેલેરિયા થતો રોકવા માટે આવશયક છે મચ્છરોના ઉપદ્રવને રોકવો. આ માટે મચ્છરજાળી, મોસ્કિટો ક્રિમ, કિટાણુંનાશક દવોનો છંટકાવ જેવા કારગત ઉપાયો કરી મચ્છરોની વૃદ્ધિને રોકવી જોઈએ. આ ઉપરાંત, ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો ન થવા દેવો, ભેજમુક્ત વાતાવરણ રાખવું, આખી બાંયના વસ્ત્રો અને અસ્તરવાળા વસ્ત્રો પહેરવા જોઈએ. સરકાર દ્વારા પણ આ માટે વિશેષ કાર્યક્રમો અને દવાઓ તથા જરૂરી સામગ્રીઓનું વિતરણ કરવામાં આવે છે. આ માટે સજાગ રહી મેલેરિયામુક્ત ઘર અને પરિવાર માટે આવશ્યક તમામ બાબતોને અનુસરવી જોઈએ.
મેલેરિયા અને અન્ય ચેપજન્ય રોગો માટે અગમચેતી ખૂબ જરૂરી છે. ઘરમાં સ્વચ્છતા, ચોખ્ખઈ, પૂરતો સૂર્ય પ્રકાશ, ભેજરહિત વાતાવરણ હોવું જરૂરી છે. ઘરમાં અને ઘરની આસપાસ બીનજરૂરી સામાનનો ભરાવો ન થવા દેવો, પાણી ન ભરાવા દેવું, મચ્છરો પેદા ન થાય તેનું ધ્યાન રાખવું. આ સાથે ઘરના તમામ સભ્યોની ઈમ્યુનીટી અર્થાત્ રોગપ્રતિકારકક્ષમતા વધે તે માટે યોગ્ય આહાર-વિહાર હોવો જરૂરી છે.
સ્ત્રોત: ડૉ શાલિની પંડ્યા, એમ.ડી. ફિઝિશિયન
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/19/2019