જીવલેણ રોગ બનવાની સંભવિતતા ધરાવતો મેલેરિયા રોગ ભારતમાં જાહેર સ્વાસ્થ્ય સાથે સંબંધિત મોટી સમસ્યા છે અને દક્ષિણપૂર્વ એશિયામાં મેલેરિયાનાં સંપૂર્ણ ભારણમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. પરોપજીવીઓને કારણે થતો આ રોગ ચેપી માદા એનોફોલીસ મચ્છર કરડવાથી અન્ય લોકોમાં ફેલાય છે. મેલેરિયાનાં કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું આંકડા સૂચવે છે છતાં ચેપી રોગોમાં મેલેરિયા મહત્ત્વપૂર્ણ રોગ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાનાં 2017નાં વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ મુજબ, મેલેરિયાનાં સૌથી વધુ કેસો અને એનાં કારણે સૌથી વધુ મૃત્યુઆંક ધરાવતો ભારત દુનિયાનો ચોથો સૌથી મોટો દેશ છે. આ ચિંતાજનક સ્થિતિ હોવા છતાં ભારતમાં મેલેરિયાનાં કેસો પર નજર રાખવાનું પ્રમાણ ઓછું છે
1.3 અબજ લોકો સાથે દુનિયામાં બીજી સૌથી વધુ વસતિ ધરાવતાં દેશ તરીકે ભારતની સરકારી આરોગ્ય વ્યવસ્થા ઘણાં પડકારોનો સામનો કરે છે, જેમાં રાષ્ટ્રીય સ્તરે મેલેરિયાનાં ભારણનો સચોટ અંદાજ મેળવવા અને નિયંત્રણ કરવા નિરીક્ષણ કાર્યક્રમોનો અમલ સામેલ છે. ભારતમાં મનુષ્યને થતાં મેલેરિયા માટે પ્લાઝમોડિયમની પાંચ પ્રજાતિઓ જવાબદાર છે – પી. ફાલ્સિપારમ, પી. વિવાક્સ, પી ઓવેલ, પી. મેલેરિયા અને પી નૉલ્સ. તેમાં બે પ્રજાતિ સૌથી વધુ સામાન્ય છે – પી ફાલ્સિપારમ અને પી વિવાક્સ છે.
જ્યારે પ્લાઝમોડિયમથી ચેપગ્રસ્ત શરીરને માદા એનોફોલીસ મચ્છર કરડે છે, ત્યાર મેલેરિયા થાય છે. ફક્ત એનોફોલીસ મચ્છર મેલેરિયાને ફેલાવી શકે છે. મચ્છરની અંદર પરોપજીવીનો સફળતાપૂર્વક વિકાસ કેટલાંક પરિબળો પર આધારિત હોય છે, જેમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પરિબળ ભેજયુક્ત અને બંધિયાર વાતાવરણ છે. જ્યારે ચેપી મચ્છર મનુષ્યને કરડે છે, ત્યારે પરોપજીવી રક્તપ્રવાહમાં પ્રવેશ કરે છે અને યકૃતની અંદર નિષ્ક્રિય રહે છે. મનુષ્યને સરેરાશ 10.5 દિવસ સુધી કોઈ ચિહ્નો દેખાશે નહીં, પણ આ સમયગાળા દરમિયાન પરોપજીવી મેલેરિયા અનેકગણા થઈ જાય છે. પછી નવા પરોપજીવી મેલેરિયાને રક્તપ્રવાહમાં પરત છોડવામાં આવે છે, જ્યાં તેઓ લાલ રક્તકોષોને ચેપ લગાવે છે અને અનેકગણી સંખ્યામાં વધે છે. મેલેરિયાનાં કેટલાંક પરોપજીવી યકૃતમાં રહી જાય છે અને લાંબા સમય સુધી નિષ્ક્રિય રહે છે, જેનાં કારણે મેલેરિયા ઉથલો મારે છે. જે મચ્છરને ચેપ લાગ્યો ન હોય એવા મચ્છર મેલેરિયાનો ભોગ બનેલી વ્યક્તિનાં શરીરમાંથી પોષણ મેળવતા એ પણ ચેપી મચ્છર બની જાય છે. આ રીતે એક ચક્ર પુનઃ શરૂ થાય છે.
મેલેરિયા એક પ્રકારે તીવ્ર તાવનો રોગ છે. ઓછી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતી વ્યક્તિને ચેપી મચ્છર કરડ્યાં પછી સામાન્ય રીતે 10થી 15 દિવસની અંદર ચિહ્નો જોવા મળે છે. એનાં પ્રથમ ચિહ્નો – તાવ, માથાનો દુઃખાવો અને ઠંડી – છે, જે હળવા હોઈ શકે છે અને મેલેરિયાનાં ચિહ્નો તરીકે ઓળખવા મુશ્કેલ છે. જો 24 કલાકની અંદર એની સારવાર ન થાય, તો પી. ફાલ્સિપારમ મેલેરિયા ગંભીર બિમારી સ્વરૂપે વધી શકે છે, જેમાં ઘણી વાર દર્દીનું મૃત્યુ થાય છે.
ગંભીર મેલેરિયા ધરાવતાં બાળકોમાં નીચેનાં ચિહ્નોમાંથી એક કે વધારે ચિહ્નો અવારનવાર જોવા મળે છેઃ ગંભીર પાંડુરોગ, મેટાબોલિક એસિડોસિસ સાથે સંબંધિત શ્વાસોશ્વાસની સમસ્યા, કે સેરેબ્રલ મેલેરિયા. પુખ્ત વયની વ્યક્તિઓમાં ઘણી વાર એકથી વધારે અંગ સંકળાયેલા જોય છે. મેલેરિયાન રોગચાળો ધરાવતાં વિસ્તારોમાં લોકોને આંશિક રોગપ્રતિકારક ક્ષમતા વિકસી શકે છે, જેનાથી ચેપ ન દેખાય એવા ચિહ્નો જોવા મળે છે. મેલેરિયાનાં ગંભીર ચિહ્નોમાં તાવ અને ઠંડી, ચેતાતંત્ર નબળું પડી જવું, કે શરીર વળી જવું, એકથી વધારે વાર આંચકી કે તાણ આવવી, ઊંડો, લાંબો શ્વાસ અને શ્વાસોશ્વાસમાં મુશ્કેલી, અસાધારણ રક્તસ્ત્રાવ અને પાડુંરોગનાં ચિહ્નો, કમળો થવો અને આવશ્યક અંગોનું કામ ન કરવું સામેલ છે. અતિ ગંભીર મેલેરિયાનાં કેસમાં દર્દીનું સારવાર વિના મૃત્યુ થઈ શકે છે.
વસતિનાં કેટલાંક જૂથો અન્ય લોકોની સરખામણીમાં મેલેરિયાનો ભોગ બનવાનું અને ગંભીર રોગ ધરાવવાનું ઊંચું જોખમ ધરાવે છે. એમાં નવજાત બાળકો, 5 વર્ષથી ઓછી વયનાં બાળકો, ગર્ભવતી મહિલાઓ અને HIV/AIDS ધરાવતાં દર્દીઓ, તેમજ ઓછી રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતા માઇગ્રન્ટ, હરતાંફરતાં લોકો અને પ્રવાસીઓ સામેલ છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ ઉપલબ્ધ સુવિધાઓને આધારે માઇક્રોસ્કોપિક લેબોરેટરી ટેસ્ટિંગ અથવા રેપિડે ડાઇગ્નોસ્ટિક (આરડીટી) મારફતે પરોપજીવીની પુષ્ટિ કરવાની સલાહ આપી છે. એનાં એક કે બે ચિહ્નોનો સમન્વય મેલેરિયાને અન્ય રોગોથી અલગ પાડી ન શકે, એટલે આ રોગની ઓળખ કરવા અને એની સારવાર માટે પેરાસાઇટોલોજિકલ ટેસ્ટ આવશ્યક છે.
સારવારનો ઉદ્દેશ દર્દીનાં રક્તપ્રવાહમાંથી પ્લાઝમોડિયમ પરોપજીવીને દૂર કરવાનો છે. જે દર્દીઓમાં ચિહ્નો જોવા મળતાં નથી, તેમની સારવાર આસપાસનાં લોકોમાં રોગ ફેલાવવાનું જોખમ ઘટાડવા માટે ઇન્ફેક્શન માટે કરવામાં આવે છે. આર્ટેમિસ્નિન આધારિત કોમ્બિનેશન થેરવી, ડોક્સીસાઇક્લાઇન, ક્લાઇન્ડેમાયસિન વગેરે વિસ્તૃતપણે ઉપયોગ થતી એન્ટિમેલેરિયલ દવાઓ છે. જટિલ મેલેરિયામાં બે એન્ટમેલેરિયલ ઉપયોગી છે. આર્ટેમિસ્નિન આર્ટેમિસિયા એન્યૂઆ એટલે કે સ્વીટ વોર્મવૂડ નામની વનસ્પતિમાંથી મળે છે. આ રક્તપ્રવાહમાં પ્લાઝમોડિયમ પરોપજીવીઓનાં સંકેન્દ્રણને ઝડપથી ઘટાડવાની ક્ષમતા માટે પ્રસિદ્ધ છે. ACT પાર્ટનર ડ્રગ સાથે આર્ટેમિસિનિન સાથે આપવામાં આવે છે. આર્ટેમિસિનિનની ભૂમિકા ઇન્ફેક્શનનાં પ્રથમ 3 દિવસની અંદર પરોપજીવીઓની સંખ્યા ઘટાડવાની છે, ત્યારે પાર્ટનર દવાઓ બાકીનાં પરોપજીવીઓને દૂર કરે છે. જ્યાં મેલેરિયા ACTનો સામનો કરે છે એવી જગ્યાઓમાં સારવારમાં અસરકારક પાર્ટનર ડ્રગનો ઉપયોગ કરવો જોઈએ. પી. વિવાક્સ મેલેરિયાનાં કેસમાં મેલેરિયા ઉથલો ન મારે એ માટે 14 દિવસ સુધી પ્રાઇમાક્વાઇનનો ઉપયોગ થશે.
જો દર્દીને સમયસર સારવાર ન મળે, તો એકથી વધારે અંગ કામ કરતાં બંધ થઈ શકે છે, જે છેવટે મૃત્યુ તરફ દોરી જાય છે. ભારતમાં આર્થિક ઉદારીકરણનાં હાલનાં યુગમાં મેલેરિયાને નિયંત્રણમાં લેવા માટે સારું રોકાણ જાહેર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ઉચિત છે. માનવીય સંસાધનનાં વિકાસ માટે મેલેરિયાનું નિયંત્રણ આવશ્યક છે, જેનાં પરિણામે સંતુલિત અને સ્થાયી આર્થિક વૃદ્ધિ આવશે.
સ્ત્રોત: ડૉ વિવેક દવે. એનેસ્થેસિયા એન્ડ ક્રિટિકલ કેર.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 12/17/2019