રક્તપિત સાથે મુખ્યત્વે સામાજિક લાંછન જોડાયેલ છે, જે રોગની વહેલી સારવાર માટે સતત અડચણરૂપ બને છે. આથી, રક્તપિતની અસરગ્રસ્ત પ્રત્યે જાગૃતિ લાવવા માટે 1954માં વિશ્વ રક્તપિત દિવસની શરૂઆત થઈ જે દર વર્ષે જાન્યુઆરી મહિનાના છેલ્લા રવિવારે ઉજવવામાં આવે છે. ભારતામાં પણ 30મી જાન્યુઆરીએ ગાંધીજીની પુણ્યતિથી નિમીત્તે તે દિવસને “એન્ટી લેપ્રસી ડે” તરીકે જાહેર કરવામાં આવેલ છે જે અંતર્ગત દેશભરમાં લેપ્રસી અંગે જનજાગૃતિ માટે સરકાર તથા સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે જેના દ્વારા લોકોમાં આ રોગ અંગે જાણકારી વધે અને રોગ અંગેની ગેરસમજ દૂર થાય જેથી રક્તપિતના દર્દીની સામાજિક સ્વીકૃતિ વધે તથા તેમની સમયસરની સારવારના કારણે કાયમી વિકલાંગતપણું ટાળી શકાય.
પરિચય:
રક્તપિત્ત જે લેપ્રસી કે હેન્સેન્સ તરીકે પણ ઓળખાય છે તે એક લાંબા ગાળાનો ચેપ છે, રક્તપિત્ત હજારો વર્ષોથી માનવજાતને પ્રભાવિત કરે છે. આ રોગનું નામ લેટિન શબ્દ લેપ્રા પરથી પડ્યું છે જેનો અર્થ “પોપડી” થાય છે, જ્યારે “હેન્સેન્સ રોગ” નામ ગેરહાર્ડ આર્મર હેન્સેન પરથી પડ્યું છે. લેપ્રસી કીટાણુંજન્ય ચેપી રોગ છે જે માયોબેક્ટેરિયમ લેપ્રે અને માયોબેક્ટેરિયા મેપ્રોમેટોસિસ બેક્ટેરીયા દ્વારા થાય છે.
રોગનો વ્યાપ:
લેપ્રસી વૈશ્વિક સ્તરે વ્યાપ્ત રોગ છે. 1980માં સમગ્ર વિશ્વમાં લેપ્રસીના બાવ્વન લાખ કેસ નોંધાયા હતા. તેની સરખામણીએ 2012માં વૈશ્વિક સ્તરે લેપ્રસીના નવા કેસોની સંખ્યા ઘટીને 2,30,000 થઈ ગઈ હતી, જે પૈકી અડધો અડધ કેસ ભારતમાં નોંધાયા હતા. વર્ષ 2016માં થયેલા સર્વે મુજબ ભારતમાં તે વર્ષે 79000 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં સરેરાશ એક લાખ વ્યક્તિએ સાત રક્તપિત્તના કેસ જોવા મળે છે, તેમાંય દક્ષિણ અને પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં આ રોગનું પ્રમાણ વધારે છે.
રોગનો ફેલાવો:
આ રોગ લેપ્રસીગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે. ઉઘરસ મારફતે અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના નાકના પ્રવાહી સાથે સંપર્કમાં આવવાથી તે થાય છે. ગરીબીમાં જીવતા લોકોમાં ગીચ વસ્તી, ગંદકી અને કુપોષણને કારણે રક્તપિત્ત થવાની શક્યતા વધુ હોય છે. પ્રચલિત માન્યતાથી વિપરીત, આ રોગ બહુ ચેપી નથી.
રોગના લક્ષણો:
ચેપ લાગ્યા પછી પાંચ થી વીસ વર્ષ સુધી રોગના કોઈ લક્ષણો દેખાતા નથી. મુખ્યત્વે ત્વચા, ચેતાતંતુ, આંખો અને શ્વસનમાર્ગને અસર કરતાં રોગમાં નીચે મુજબના લક્ષણો જોવા મળે છે.
- ચામડી પર આછા ગુલાબી કે તામ્રવર્ણી ચાઠાં.
- ત્વચા પર ગાંઠ કે ગુમડાં.
- ચેતાતંતુઓને અસર થવાથી હાથ પગની ત્વચા સ્પર્શ, દુ:ખાવો કે ગરમ-ઠંડાનો તફાવત અનુભવી શકતી નથી.
- ત્વચાની દુ:ખાવોની અનુભવ કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને વારંવાર ધ્યાન બહારની ઈજા થવાના કારણે ચેપથી અવયવો ગુમાનવવાનું જોખમ ઊભું થાય છે.
- નબળાઈ અને નબળી ર્દષ્ટિ જેવા લક્ષણો પણ જણાઈ શકે છે.
- રોગના આગળના તબક્કામાં નાક જાડું કે ચપટું થઈ જવું, નાકમાંથી લોહી નિકળવું, ચહેરા પર ગાંઠો નિકળવી જેવા લક્ષણોને કારણે ચહેરો બેડોળ બની જાય છે.
નિદાન અને સારવાર:
અગાઉના સમયમાં જટિલ નિદાન અને સારવાર પદ્વતિના કારણે લેપ્રસીના દર્દીઓમાં નિદાન અને સારવારમાં વિલંબ થવાથી શારીરિક વિકલાંગતાનું પ્રમાણ ઊંચુ જોવા મળતું હતું, પરંતુ તબીબી વિજ્ઞાનના વિકાસની સાથે ઝડપી નિદાન પદ્વતિ અને આધુનિક અસરકારક સારવાર ઉપલબ્ધ હોવાથી હવે રક્તપિત્તને કારણે થતી ખોડખાંપણને મહદઅંશે નિવારી શકાય છે. ચાઠાં કે ગાંઠ વાળી ત્વચા કે નાકના પ્રવાહીની લેબોરેટરીમાં Z-N STAIN ની તપાસ દ્વારા અથવા પોલીમર્સ ચેઈન રિએક્શનનો ઉપયોગ કરી DNA ની તપાસ દ્વારા નિદાનની પુષ્ટી થાય છે. આ તપાસ બધી જ સરકારી હોસ્પિટલ્સમાં વિના મૂલ્યે કરવામાં આવે છે.
ત્યારબાદ, રક્તપિત્તના દર્દીને રોગના પ્રકાર પ્રમાણે (Pausibacillary or Multibacilary) WHO નિર્ધારીત ગાઈડલાઈન મુજબ મલ્ટીડ્રગ થેરાપી (MDT) તરીકે જાણીતી સારવાર આપવામાં આવે છે. આ દવા લગભગ એક થી બે વર્ષ સુધી ચાલુ રાખવાની હોય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ સારવાર વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. બધી જ સરકારી હોસ્પિટલ્સ તથા સરકારી દવાખાનાઓમાં આ સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ હોય છે. ભારત સરકારે શરૂ કરેલા National Leprosy Eradication Programme (NLEP) ના કારણે રક્તપિત્ત હવે ભારતમાંથી મહદ અંશે નાબૂદ થઈ ગયો છે.
સ્ત્રોત :ડો નેહા જોષી. ડર્મેટોલોજિસ્ટ.