લેપ્રસી એક એવો રોગ છે જેના વિશે માન્યતાઓ ઓછી અને ગેરમાન્યતાઓ વધારે છે જેના કારણે આ રોગથી પિડાતી વ્યક્તિને સામાજિક તિરસ્કારનો ભોગ બનવું પડે છે. કુષ્ઠરોગ, રક્તપિત્ત અને હેન્સન્સ ડિસીઝ તરીકે ઓળખાતો આ રોગ સામાન્યરીતે વિશ્વના ટ્રોપિકલ દેશો (ખંડો) જેવા કે આફ્રિકા, એશિયા તથા દક્ષિણ અને સેન્ટ્રલ અમેરિકામાં વધુ જોવા મળે છે. જુના જમાનામાં આ રોગને વારસાગત રોગ માનવામાં આવતો હતો પરંતુ ડો. હેનસનની શોધથી વિશ્વને જાણવા મળ્યું કે આ કોઈ વારસાગત નહીં પણ ચેપી બેક્ટેરીયાથી થતો રોગ છે.
લેપ્રસી માઈકોબેક્ટેરીયમ લેપ્રી નામના બેકટેરીયાથી થતો રોગ છે. જંતુ રોગીના શ્વાસોશ્વાસ અને ચામડી પર પડેલા ઘા પરથી બીજાને ફેલાય છે.
લેપ્રસી થવાનું કારણ
કોઈપણ રોગ વિશે સૌથી પ્રથમ પ્રશ્ન એ થાય કે આ થવાનું કારણ શું હોઈ શકે? લેપ્રસી માઈકોબેક્ટેરીયમ લેપ્રી નામના બેકટેરીયાથી થતો રોગ છે. જંતુ રોગીના શ્વાસોશ્વાસ અને ચામડી પર પડેલા ઘા પરથી બીજાને ફેલાય છે. ચેપી રોગીના સંપર્કમાં આવ્યાથી ચાર થી દશ વર્ષ સુધીમાં ચેપ બીજી વ્યક્તિને ફેલાઈ શકે છે જેથી કહી શકાય કે રોગના જંતુ ઘણા જ ધીમા પ્રમાણમાં સંખ્યામાં વધે છે. રોગના જંતુ ખાસ કરીને ચામડી અને ચેતાતંતુને અસર કરે છે.
લક્ષણો
ચામડી પર રતાશ પડતા લાલા અથવા સફેદ ચકામા પડવા, નાક વારંવાર બંધ થઈ તેમાંથી લોહી ઝરવું, હાથ અથવા પગમાં સંવેદના ઓછી થઈ જવી, ઝણઝણાટી થવી, શરીરના ચાઠઆ પર ગરમ-ઠંડા જેવી સંવેદનાનો અભાવ થવો, ચામડી (ચાઠાં પરની) પરના વાળ ઉતરી જવા વગેરે આ રોગના લક્ષણો છે. જંતુ લગભગ શરીરના ઠંડા અવયવો જેવા કે આંખ, નાક, કાન, હથેળી, પગના પંજા અને જનનેન્દ્રીઓને વધારે અસર કરે છે. શરીર પરના ચાઠાની સંખ્યા પ્રમાણે રોગને પોસીબેસીલરી કે મલ્ટીબેસીલરી લેપ્રસીમાં વિભાજીત કરવામાં આવે છે. જેમ ચાઠા વધારે તેમ સારવાર લાંબી. રોગ જ્યારે કાબુ બહાર થઈ જાય છે અથવા તેનું નિદાન અને સારવાર સમયસર અને પૂરતી ના થઈ હોય તો જ હાથ-પગનાં આંગળાના ટોચકા ખરી જવા, નાક ચપટું થઈ જવું, ભ્રમર ખરી જવી, હાથ-પગ પરના ઘા (ચાંદા) ન રૂઝાવા વગેરે ચિન્હો દેખાય છે. રોગનો ફેલાવો દર્દીની રોગ પ્રતિકારક શક્તિને આધારે નક્કી થાય છે.
નિદાન:
ઉપર જણાવેલા લક્ષણોમાંથી, કોઈપણ વ્યક્તિને દેખાય તો તેને તરત જ ચામડીના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. તબીબ દર્દીના ચાઠા પરથી, કાનની બૂટ પરથી સેમ્પલ લે છે જેને (Z N Stain) કરી જંતુનું પરિક્ષણ કરવામાં આવે છે. જરૂર પડે ચામડીની બાયોપ્સી કરીને પણ રોગનું સચોટ નિદાન કરવામાં આવે છે.
સારવાર:
આ રોગની સચોટ સારવાર ઉપલબ્ધ છે. જે વહેલા નિદાન અને નિયમીત દવાઓ લેવાથી શક્ય છે. દવાને એન્ટીલેપ્રોટીક દવાઓ કહેવામાં આવે છે. આ દવાઓ રોગના પ્રકાર પ્રમાણે 12થી 18 મહિના આપવામાં આવે છે. દરેક શહેરની સિવીલ હોસ્પિટલ્સ, મ્યુનિસિપલ સારવાર કેન્દ્ર તથા લેપ્રસી સેન્ટર પરથી દવાઓ મફત મળે છે. આ રોગમાં ઘણી નવી દવાઓની શોધ પણ થઈ છે પરંતુ આ રોગની કોઈ રસી (વેક્સીન) શોધાઈ નથી. રક્તપિત્તના નવા દર્દીઓ પહેલા કરતાં ઘણાં ઓછા જોવા મળે છએ જે WHOના મલ્ટી ડ્રગ થેરાપી અને લેપ્રસી સ્ક્રીનિંગ પ્રોગ્રામના કારણે થતાં વહેલા નિદાનને આભારી છે.
ડો કાનન શાહ, સ્કીન સ્પેશિયાલિસ્ટ.