સામાન્ય રીતે રક્તપિત્ત ભીખારીઓ જેવી વ્યક્તિઓ દ્વારા ફેલાય છે તેવી માન્યતા છે, પરંતુ આ માન્યતા સાચી નથી કારણ કે આવા મોટાભાગના દર્દીઓ બીનચેપી હોય છે. રક્તપિત્તની સારવાર ન લેતા ચેપી પ્રકારના દર્દીની ચામડી સાથે ગાઢ અને લાંબા સમયના સંપર્ક દ્વારા તથા તેની છીંક કે ઉધરસ દ્વારા આ રોગનો ચેપ તંદુરસ્ત વ્યક્તિને લાગી શકે છે. જો કે, અન્ય ચેપી રોગો જેવા કે, ટી.બી., ન્યૂમોનિયા તથા એઈડ્સ કરતા રક્તપિત્ત ઓછો ચેપી છે કારણ કે, રક્તપિત્તના બધા જ દર્દીઓ ચેપી હોતા નથી.
શરીર પર એક અથવા ઘણા નાના નાના અથવા મોટા આછા સફેદ કે રતાશ પડતા ચાઠા ઉપસી આવે છે. આ ચાઠામાં સામાન્ય રીતે ખંજવાળ આવતી નથી કે દુખાવો થતો નથી પરંતુ તેમાં સ્પર્શ-સંવેદનાનો અભાવ હોય છે એટલે કે ઠંડા-ગરમપણાનો ખ્યાલ આવતો નથી. આ ચાઠા સપાટ અથવા ઉપસેલા પણ હોઈ શકે છે. આ ઉપરાંત ચામડીના રંગ તથા કુમાશમાં ફેરફાર જણાય છે અને ચામડી જાડી, સુંવાળી, તૈલી ચકચકાટ મારતી તથા સુજેલી દેખાય છે. લેપ્રોજોરસ લેપ્રસીના પ્રકારમાં શરીર પર નાની ગાંઠો પણ જણાય છે, કાનની બુટ જાડી થાય છે અને ભ્રમરના વાળ ખરી પડે છે. આવા દર્દીના ચહેરાના લીઓનાઈન ફેસ તરીકે ઓળખાય છે કારણ કે આવા રક્તપિત્તના દર્દીનો ચહેરો સિંહ જેવો લાગે છે.
ચાઠા ઉપસી આવવા ઉપરાંત રક્તપિત્તના દર્દીના હાથે અને પગે બહેરાશ લાગે છે તથા ગરમ કે ઠંડા સ્પર્શનો અનુભવ ઓછો થાય છે. રક્તપિત્તમાં ચામડી ઉપરાંત જ્ઞાનતંતુઓ ઉપર પણ અસર થતી હોવાના કારણે હાથ-પગની ચેતાઓ જેવી કે રેડિયલ નર્વ, અલ્નર નર્વ, મિડીયન તથા પગમાં આવેલી લેટરલ પોપલીટોયલ નર્વ જાડી થઈ જાય છે. આ ચેતાઓને દબાવતા હાથ-પગમાં દુખાવો તથા ઝણઝણાટી અનુભવાય છે.
રક્તપિત્તના મુખ્ય બે પ્રકાર
બન્ને પ્રકારના રક્તપિત્ત એક જ પ્રકારના જંતુ એમ. લેપ્રે દ્વારા જ થાય છે, પંરતુ કઈ પ્રકારનો રક્તપિત્ત થશે તે દર્દીની રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) દ્વારા નક્કી થાય છે. (1) જો વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો તેને ચેપ લાગવા છતાં પણ રક્તપિત્ત થતો નથી (2) જો રોગપ્રતિકારક શક્તિ ચેપના હુમલા સામે લડવામાં નિષ્ફળ નિવડે તો તેને બિન ચેપી પ્રકારનો રક્તપિત્ત થાય છે અને (3) જો રોગપ્રતિકારક શક્તિનો સદંતર અભાવ હોય તો તેવા દર્દીને ચેપી પ્રકારનો રક્તપિત્ત થઈ શકે છે.
રક્તપિત્તનું નિદાન સામાન્ય રીતે શરીર ઉપરનાં ચાઠા, ગાંઠ અને ભ્રમરની ચામડીમાંથી સ્મીચર બનાવીને કરવામાં આવે છે. આ સ્મીચરમાં એસિડ ફાસ્ટ બેસિલી – એમ.લેપ્રે આછા ગુલાબી રંગના જોવા મળે છે. આ ઉપરાંત રક્તપિત્તનું નિદાન ત્વચાની બાયોપ્સી દ્વારા કરવામાં આવે છે અને હાલમાં પોલીમરેઝ ચેઈન રિએક્શન (પીસીઆર)નો ઉપયોગ કરી ડી.એન.એ. તપાસ દ્વારા પણ નિદાનની પુષ્ટી કરી શકાય છે.
રક્તપિત્તની સારવાર સામાન્ય રીતે મલ્ટી ડ્રગ થેરાપી (એમડીટી) દ્વારા કરવામાં આવે છે. આ રોગમાં કેપ્સોન, ક્લોફાઝેમીન અને રિફામ્પીસીન જેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં બિનચેપી પ્રકારના રક્તપિત્તમાં ડેપ્સોન અને રિફામ્પીસીન છ મહિના સુધી અને ચેપી પ્રકારના રક્તપિત્તની સારવારમાં ડેપ્સોન, ક્લોફાઝેમીન અને રિફામ્પીસીન નામની દવાઓ બાર મહિના સુધી આપવામાં આવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા આ દવાઓ તમામ સરકારી અને મ્યુનિસિપલ હોસ્પિટલ્સ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વિના મૂલ્યે આપવામાં આવે છે. આ ઉપરાંત જુદી-જુદી એન્ટીબાયોટીક્સનો પણ ઉપયોગ કરવામાં આવે છે. 1980માં આશરે 5.2 મિલીયનની સરખામણીએ વર્ષ 2012માં વૈશ્વિક સ્તરે રક્તપિત્તના ગંભીર કેસોની સંખ્યા 1,89,000 હતી. દર વર્ષે 30મી જાન્યુઆરીને એન્ટી લેપ્રસી ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
સામાન્ય રીતે રોગના શરૂઆતના તબક્કે જ સારવાર શરૂ કરવાથી અને નિયમીત સારવાર પૂર્ણ કરવાથી વિકૃતિ આવતી અટકાવી શકાય છે અને રોગ મુક્ત થઈ શકાય છે પરંતુ રોગના ચિન્હો દેખાયા બાદ પણ સમયસર અને યોગ્ય સારવાર લેવામાં ન આવે કે અનિયમીત લેવામાં આવે અથવા તો સારવાર અધૂરી છોડવામાં આવે તો લાંબા ગાળે વિકૃતી આવી શકે છે.
સામાન્ય રીતે રક્તપિત્તના દર્દીઓમાં યોગ્ય સારવાર લેવામાં ન આવે તો હાથ કે પગના આંગળા વાંકા વળી જવા, પગની ઘૂંટીથી લળી પડવું એટલે કે ઘૂંટીથી પગને ઉપર લઈ જવામાં મુશ્કેલી અને પગમાં ચંપલ પહેરવામાં અક્ષમતા અને ઉંચા પગે ચાલવું જેવી વિકૃતી જોવા મળે છે. આ ઉપરાંત હાથના કાંડાનું લળી પડવું એટલે કે હાથના કાંડાને પાછળની બાજુ વાળવામાં અક્ષમતા જણાય છે, આંખ સંપૂર્ણ બંધ કરી શકાતી નથી તથા પગના તળીયામાં અથવા હથેળીમાં દુખાવા વગરના ચાંદા જોવા મળે છે.
આ રોગના કારણે આવતી શારિરીક વિકૃતી અટકાવવા આધુનિક સારવાર અસરકારક છે. શરૂઆતના તબક્કે જ યોગ્ય નિદાન કરી નિયમીત સારવાર મેળવવામાં આવે તો વિકૃતિથી બચી શકાય છે. સામાન્ય રીતે જ્ઞાનતંતુઓને નુક્સાન ન થાય ત્યાં સુધી વિકૃતી જોવા મળતી નથી. જ્ઞાનતંતુઓને નુક્સાન અને વિકૃતી થયા બાદ સારવાર શરૂ કરવામાં આવે તો તેની સ્થિતી પૂર્વવત થઈ શકતી નથી એટલે કે વિકૃતિ મટાડી શકાતી નથી જો કે, સારવાર શરૂ કરવાથી વધુ નુક્સાન થતું (વિકૃતિ વધતી) અટકાવી શકાય છે. આધુનિક દવાઓ રક્તપિત્તના જંતુઓની માનવ શરીરમાં થતી વૃધ્ધિ અટકાવે છે તથા તેનો નાશ કરે છે.
હા, શરૂઆતની વિકૃતી ભૌતિક સારવારથી દૂર કરી શકાય છે જેવી કે, માલિશ કરવી, ખાસ પ્રકારની કસરતો અને ચીપનો ઉપયોગ કરવો. આ સિવાયની અન્ય પ્રકારની વિકૃતીઓ શસ્ત્રક્રિયા (સર્જરી) દ્વારા સુધારી શકાય છે. વહેલું નિદાન અને નિયમીત સારવારની અગત્યતા વિકૃતી આવતી અટકાવવા માટે તથા રોગને ફેલાતો અટકાવવા માટે ઘણી જ મહત્વની છે.
ના, હાલમાં રક્તપિત્તની કોઈ રસી ઉપલબ્ધ નથી, રસી શોધવા માટેના પ્રયાસો ચાલુ છે. આ રોગ થયા પછી તેને મટાડી શકાય તેવી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે પરંતુ આ રોગ થતો જ અટકાવી શકાય તેવી કોઈ રસી કે દવા શોધાઈ નથી. રક્તપિત્તની શરૂઆતની અવસ્થાવાળા દર્દીને શોધી કાઢી તેમને સત્વરે સારવાર હેઠળ આવરી લેવાથી આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આમ રાજ્યની અને દેશની પ્રજાને રોગ મુક્ત કરી શકાય છે.
ના, આધુનિક દવાઓથી ચેપી દર્દી ખૂબ જ ટુંકા ગાળામાં બિનચેપી બને છે અને રોગનો ફેલાવો કરતો અટકે છે તેથી ચેપી પ્રકારના દર્દીને સમાજથી અલાયદા રાખવાની કોઈ જ જરૂર નથી.
રક્તપિત્ત રોગ વિષે સાચી માહિતીનો પ્રસાર કરવો, દર્દીને નિયમીતરૂપે એમડીટી સારવાર પૂર્ણ કરવા પ્રોત્સાહિત કરવું ઘણું જ મહત્વનું છે. સમાજમાં લોકોની મિટીંગ્સ યોડીને તેમને કહેવું જોઈએ કે, (1) રક્તપિત્ત બીજા રોગોની જેમ સૂક્ષ્મ જીવાણુંઓથી થતો ચેપી રોગ છે. (2) તે સંપૂર્ણપણે મટી શકે છે તેથી ગભરાવાની જરૂર નથી કારણ કે, રક્તપિત્તનો દર્દી ઘરે રહીને સામાન્ય જીવન જીવી શકે છે. દા.ત. શાળાએ જવું, કામ કરવું, લગ્ન કરી શકે છે અને તેઓને બાળકો પણ થઈ શકે છે. જો એમડીટી સારવાર બરાબર ન લેવામાં આવે અન્ય વ્યક્તિને ચેપ લાગી શકે છે, ખાસ કરીને ઘરના બાળકોને.
આ સારવાર નજીકના આરોગ્ય કેન્દ્રમાં વિના મૂલ્યે ઉપલબ્ધ છે એટલું જ નહીં લેવામાં સલામત અને અસરકારક છે. આ સારવાર લીધેલા દર્દી બિનચેપી હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન પણ આ સારવાર સલામત છે. રક્તપિત્ત રોગનો ભય દૂર કરો અને સાચી માહિતીનો પ્રસાર કરો.
ડો અનિરૂધ્ધ વ્યાસ. સ્કીન સ્પેશિયાલિસ્ટ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/6/2020