રક્તપિત્ત ‘માઈકોબેક્ટેરિયમ લેપ્રી' નામના ક્ષયના રોગને મળતા જીવાણુથી થતો રોગ છે. આ જીવાણુ શરીરમાં મુખ્યત્વે ચેપી દર્દીના સંપર્કમાં આવવાથી ‘શ્વાસોશ્વાસ' દ્વારા લાંબા સમયના ગાઢ સંપર્કથી દાખલ થાય છે. જીવાણુ દાખલ થયા બાદ રોગના પ્રારંભિક લક્ષણો બેથી દસ વર્ષ સુધીમાં જોવા મળે છે. રક્તપિત્તએ મુખ્યત્વે ચેતનાનો રોગ છે, પરંતુ ચામડી તથા અન્ય અવયવો જેવા કે, સ્નાયુ, હાડકાં, આંખ, નાક, કાન, લસિકાગ્રંથિ, યકૃત, મૂત્રપિંડ, શ્વાસનળી, સ્વરપેટી, અંત:સ્ત્રાવની ગ્રંથિઓ તેમજ પુરૂષોમાં શુક્રપિંડને પણ વ્યાપક પ્રમાણમાં અસર કરે છે.
રક્તપિત્તનો ફેલાવો કેવી રીતે થાય છે?
રક્તપિત્તના જીવાણુઓ ‘માઈકોબેક્ટેરિયમ લેપ્રી' ચેપી પ્રકારના દર્દીઓમાંથી તંદુરસ્ત વ્યક્તિઓના દાખલ થઈ શકે છે. તે માનવ શરીરમાં વિવિધરૂપે દાખલ થાય છે જેમ કે, ચામડી દ્વારા,શ્વાસોશ્વાસ દ્વારા, બાળકોમાં ચેપી માતાના ધાવણ દ્વારા રક્તપિત્તના ૭૫થી ૮૦ ટકા જેટલા દર્દીઓ બિનચેપી પ્રકારના હોય છે જ્યારે માત્ર ૨૦થી ૨૫ ટકા દર્દીઓ ચેપી પ્રકારના હોય છે. આવા ચેપી પ્રકારના દર્દીઓના સંપર્કમાં આવતા તમામ વ્યક્તિઓમાંથી માત્ર ૨૦ ટકા વ્યક્તિઓને જ રક્તપિત્ત લાગુ પડે છે.
રક્તપિત્તનુ વર્ગીકરણ
રક્તપિત્તના જીવાણુઓ ‘માઈકોબેક્ટેરિયમ લેપ્રી' શરીરમાં કોઈ પણ રીતે દાખલ થયા પછી તે સૌ પ્રથમ ચેતાઓમાં આવેલા શ્વાન કોષો (schwann cell) માં દાખલ થાય છે અને ત્યાં લાંબા સમય સુધી રહ્યા બાદ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિના આધારે જુદાજુદા પ્રકારનો રક્તપિત્ત ઉત્પન્ન કરે છે. રક્તપિત્તના મુખ્ય બે પ્રકાર છે (૧) બિનચેપી રક્તપિત્ત (પોસીબેસીલરી લેપ્રસી) અને (૨) ચેપી રક્તપિત્ત (મલ્ટીબેસીલટી લેપ્રસી).
રક્તપિત્તના લક્ષણો
ઈન્ડીટર્મીનેટ લેપ્રસીમાં ચામડીમાં એક અથવા તેથી વધુ ચાંઠા જોવા મળે છે. જેની કિનારી ------ અસ્પષ્ઠ હોય છે. ચાઠાનો રંગ મોટેભાગે ઝાંખો સફેદ હોય છે ક્યારેક લાલાશ પડતો પણ હોય છે. ચાઠાંમાં સંવેદનશીલતા થોડી ઓછી અથવા સરખી જ હોય છે. ટ્યુબરક્યુલોઈડ લેપ્રસી (TT)માં માત્ર ચેતાઓ અને ચામડીમાં જ રોગની અસર થાય છે. બોર્ડરલાઈન ટ્યુબરક્યુલોઈડ લેપ્રસીમાં ચાઠાંની સંખ્યા વધારે પ્રમાણમાં હોય છે. એક જ દર્દીમાં જુદાજુદા માપ તથા આકારના ચાઠાં જોવા મળે છે. મીડબોર્ડરલાઈન લેપ્રસી (BB) ખૂબ જ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારના દર્દીમાં ખૂબ જ સંખ્યામાં ચાઠાંઓ જોવા મળે છે. બોર્ડરલાઈન લેપ્રોમેટ્સ લેપ્રસી (BL)ની શરૂઆત સફેદ ચાઠાંથી થાય છે. ચાઠાંઓ નાના અને શરીરમાં સપ્રમાણમાં હોય છે. લેપ્રોમેટ્સ લેપ્રસી (LL)ના દર્દીની રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ ઓછી અથવા તો નહીવત હોય છે. સૌ પ્રથમ દર્દીને વારંવાર નાક બંધ થઈ જવાની, નાકમાં ભીંગડા વળવાની તેમજ નાકમાંથી લોહી નીકળવાની ફરિયાદ હોય છે. આંખની ભ્રમર ખરી જાય છે તેમજ પાંપણના વાળ પણ ખરી જાય છે. દર્દીની આંખની કીકી ઉપર ક્યારેક સંવેદનાનો અભાવ જોવા મળે છે. હિસ્ટોઈડ લેપ્રસી, લેપ્રોમેટ્સ લેપ્રસીના દર્દી દવા બંધ કરે અથવા તો તેના જીવાણુઓમાં દવાની પ્રતિકાર શક્તિ આવી જાય તો હિસ્ટોઈડ પ્રકારની લેપ્રસી જોવા મળે છે. ચેતાતંત્રના રક્તપિત્તને પ્રાઈમરી ન્યુરલ કે પ્રાઈમરી ન્યુરાઈટીક લેપ્રસીના નામે ઓળખવામાં આવે છે. આ પ્રકારના રક્તપિત્તમાં માત્ર ચેતાને જ અસર થાય છે અને ચામડીમાં ચાઠાં થતા નથી.
રક્તપિત્તનુ નિદાન તેના લક્ષણો અને ચિન્હો પરથી, સ્કીન સ્મીયર દ્વારા ,સ્કીન બાયોપ્સી દ્વારા, નર્વ બાયોપ્સી, હિસ્ટામીન ટેસ્ટ, સ્વેટિંગ ટેસ્ટ, લેપ્રોમિન ટેસ્ટ, એલિસા ટેસ્ટ,ફ્લોરીસન્ટ લેપ્રસી એન્ટીબોડી એબ્સોરપ્સન ટેસ્ટ (FLA-ABS) દ્વારા થાય છે.
રક્તપિત્તની સારવારઃ
સામાન્ય સારવારઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા ઈસ ૧૯૮૨માં રક્તપિત્તની સારવાર માટે ‘મલ્ટિ ડ્રગ થેરપી' (એમડીટી) અમલમાં આવી ત્યારથી આ પ્રકારે સારવાર આપવામાં આપે છે. પોસીબેસીલરી પ્રકારની લેપ્રસીમાં સામાન્ય રીતે ૬ મહિના સુધી સારવાર આપવામાં આવે છે. પોસીબેસીલરી લેપ્રસીમા ટ્યુબરક્યુલોઈડ લેપ્રસી, બોર્ડરલાઈન ટ્યુબરક્યુલોઈડ લેપ્રસી, તેમજ એક્ટીવ ઈન્ડીટરમીનેટ લેપ્રસીનો સમાવેશ થાય છે. જેમાં ચાઠાંની સંખ્યા ૧૦થી ઓછી હોય છે. જ્યારે મલ્ટીબેસીલરી પ્રકારની લેપ્રસીમાં સારવાર એક વર્ષ સુધી આપવામાં આવે છે. મલ્ટીબેસીલરી પ્રકારમાં મીડબોર્ડર લાઈન, બોર્ડરલાઈન લેપ્રોમેટ્સ લેપ્રસી તેમજ લેપ્રોમેટ્સ લેપ્રસીનો સમાવેશ થાય છે.
સ્ત્રોત: ડો રીમા જોષી. સ્કીન સ્પેશિયાલિસ્ટ, નવગુજરાત હેલ્થ