অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વસતિવધારો અને સાફસફાઈનો અભાવ મચ્છરજન્ય રોગોનાં કારણો

વસતિવધારો અને સાફસફાઈનો અભાવ મચ્છરજન્ય રોગોનાં કારણો

ચોમાસામાં મેલેરિયા અને ડેન્ગ્યુ સૌથી સામાન્ય રીતે ફેલાતી બિમારીઓ છે. ડેન્ગ્યુ અને મેલેરિયાનાં કારણે થતાં મૃત્યુઆંક ધરાવતાં ટોચનાં 10 રાજ્યોમાં ગુજરાત સામેલ છે એમાં નવાઈ ન લાગવી જોઈએ. વર્ષ 2015માં ગુજરાતમાં ડેન્ગ્યુનાં 5590 કેસ નોંધાયા હતાં અને તેનાં કારણે નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ રીતે ડેન્ગ્યુ સાથે સંબંધિત મૃત્યુઆંક ધરાવતાં ટોચનાં 10 રાજ્યોમાં ગુજરાતનું સ્થાન આઠમું હતું. વર્ષ 2014માં ભારતમાં ડેન્ગ્યુ સંબંધિત મૃત્યુઆંકની દ્રષ્ટિએ ગુજરાત ટોચનું 10મું રાજ્ય હતું.

આપણે જાણીએ છીએ કે, જ્યાં સ્વચ્છતા ન હોય કે ગંદકી હોય, ત્યાં મચ્છરનો ઉપદ્રવ થાય છે. આપણાં દેશમાં વસતિમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનાં પરિણામે આપણને આપણી આસપાસનાં વિસ્તારોમાં સ્વચ્છતાં જાળવવામાં મુશ્કેલી પડે છે, કારણ કે મોટાં ભાગનો કચરો અને કચરા સાથે સંબંધિત સામગ્રીનો યોગ્ય નિકાલ થતો નથી. જ્યાંત્યાં કચરાનાં ઢગલાં ખડકાય છે અને ગંદા પાણીનાં નિકાલ માટે નહેરોની પર્યાપ્ત સુવિધાનાં અભાવે ઠેરઠેર ગંદા પાણીનાં ખાબોચિયા જોવા મળે છે, જે મચ્છરનાં ઉપદ્રવ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.

ડેન્ગ્યુ અને મેલેરિયા એમ બંને રોગજન્ય જીવાણુઓથી થતાં રોગ હોવા છતાં અનેક રીતે અલગ છે. જ્યારે ડેન્ગ્યુનો પ્રસાર ડેન્ગ્યુનાં વાઇરસ ધરાવતાં એડીસ એજીપ્તી મચ્છર કરડવાથી થાય છે, ત્યારે મેલેરિયાનો પ્રસાર પ્લાઝમોડિયમ પેરેસાઇટ ધરાવતા માદા એનોફીલીસ મચ્છરનાં કારણે થાય છે.

જ્યારે ડેન્ગ્યુનાં ચિહ્નો 4થી 5 દિવસ પછી દેખાય છે, ત્યારે મેલેરિયાનાં ચિહ્નો 10થી 15 દિવસમાં દેખાય છે. વળી બંને રોગમાં તાવની પેટર્નમાં પણ ફેરફાર જોઈ શકાય છે. જ્યારે ડેન્ગ્યુનો તાવ એકાએક વધારે તાવ સાથે શરૂ થાય છે, જે માથાનો અતિશય દુઃખાવો તથા સ્નાયુ અને સાંધાનો દુઃખાવો, આંખની પાછળ દુઃખાવા સાથે લાંબા સમય સુધી જળવાઈ રહે છે; ત્યારે મેલેરિયાનો તાવ ઊંચો હોય છે અને ઠંડી તથા ધ્રુજારી સાથે નિયમિત સમયાંતરે આવે છે અને પરસેવા સાથે 3થી 5 કલાક સુધી રહે છે.

મેલેરિયાનાં મચ્છર રાત્રે સક્રિય થાય છે. ખુલ્લી જગ્યામાં, મોટા ભાગે ગંદા પાણીમાં તેમની સંખ્યામાં અનેકગણો વધારો થાય છે. ડેન્ગ્યુનાં મચ્છરની સંખ્યા સ્વચ્છ પાણીમાં વધે છે. વ્યક્તિગત અસ્વચ્છતા અને આસપાસ સ્વચ્છતાનો અભાવ મુખ્ય પરિબળ છે. મેલેરિયાનાં વાઇરસ 4 પ્રકારનાં છે, જેનાં નામ છેઃ પી. ફાલ્સિપારમ, પી. મેલેરિયા, પી. ઓવલ, પી. વિવેક્સ. આપણાં દેશમાં પી. ફાસ્લીપારમ અને પી. વિવેક્સ મેલેરિયા વધારે જોવા મળે છે. ઉપરાંત જ્યારે લોકોને મેલેરિયા કે ડેન્ગ્યુ થાય છે, ત્યારે તેઓ શરૂઆતમાં વાઇરલ ઇન્ફેક્શન સમજીને તેની ઉપેક્ષા કરવાનું વલણ ધરાવે છે. જો દર્દી વહેલાસર ફક્ત એક ચિહ્નની ઓળખ પણ કરી શકે, તો મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. મેલેરિયાનાં કારણે થતાં મૃત્યુદરનું સૌથી સામાન્ય કારણ પી. ફાલ્સીપારમનું ઇન્ફેક્શન છે, કારણ કે તેનાથી સેરેબ્રલ મેલેરિયા થાય છે. આ પરિસ્થિતિ મેલેરિયાની સારવાર ન મળી હોય એવા કિસ્સાઓમાં કે સારવારમાં વિલંબ થયો હોય એવા કિસ્સામાં જોવા મળે છે.

ડેન્ગ્યુ અને મેલેરિયા : બંને માટે સારવારનો કોર્સ :મેલેરિયાની સારવાર માટે સૌથી સામાન્ય દવા ઓરલ અને ઇન્ટ્રાવેનસ ઇન્ફ્યુઝન દ્વારા લેવામાં આવતી ક્લોરોક્વિન છે. બીજી તરફ ડેન્ગ્યુ સ્વનિયંત્રિત રોગ છે અને તેની સારવાર માટે કોઈ ચોક્કસ એન્ટિ-વાઇરલ દવા નથી. જોકે ચિહ્નો મુજબ દર્દીની સારવાર કરવામાં આવે છે, જેમાં તાવ માટે એસિટામિનોફેન (પેરાસિટામોલ), મુખ વાટે પુષ્કળ પ્રવાહી લેવું, સતત આરામ સામેલ છે. યોગ્ય ભોજન લેવું અને આસપાસ સ્વચ્છતાં જાળવવી. તેનાથી દર્દીનું સ્વાસ્થ્ય જળવાશે તેમજ આ પ્રકારનાં રોગોનો ફેલાવો અટકશે. આપણે આ જ રોગને અટકાવવા માધ્યમ બની શકીશું તથા તમામ માટે સ્વચ્છ અને સુરક્ષિત વાતાવરણ સુનિશ્ચિત કરી શકીશું. વરસાદની સિઝન દરમિયાન કોઈ પણ વ્યક્તિએ સુનિશ્ચિત કરવું જોઈએ કે, તમારી જગ્યાની આસપાસ કોઈ પણ જગ્યાએ પાણીનાં ખાબોચિયા ભરાય નહીં, જેમ કે નિયમિત ચાલુ ન હોય એવા ફુવારામાં પાણી ભરાઈ ન રહે, ખાલી પાત્રો, કેન, કૂલર, માટલા નીચે વરસાનું પાણી એકત્ર થઈ શકે એવી પ્લેટ કે વાટકો, એસીની નળી અને છત પર કોઈ પાત્રમાં પાણી ભરાયેલું ન રહે, કારણ કે તેમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે.

ડૉ મહર્ષી દેસાઈ, ક્રિટિકલ કેર કન્સલ્ટન્ટ

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/25/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate