એપેન્ડિક્સ એ શરીરના અન્ય અવયવોની જેમ એક અંગ છે. તે મોટા આંતરડાના ભાગ સાથે જોડાયેલું હોય છે. આશરે એક આંગળી જેટલી લંબાઇ ધરાવતું, પોલાણવાળું અને બીજી બાજુથી બંધ હોય છે. એપેન્ડિક્સને આંત્રપૂચ્છ પણ કહેવામાં આવે છે. કહેવાય છે કે પ્રાચીનકાળમાં લોકો જેમાં સેલ્યુલોઝનું પ્રમાણ વધારે હોય તેવો ખોરાક ખાતા હતા. તેના પાચન માટે ત્યારે એપેન્ડિક્સ અગત્યનો ભાગ ભજવતું હતું. એની લંબાઇ એ વખતે વધારે હતી. સમયમાં પરિવર્તન આવતા સેલ્યુલોઝનું પ્રમાણ ઘટતું ગયું તેના લીધે એપેન્ડિક્સની લંબાઇ ઘટતી ગઇ. હવે તેની લંબાઇ ઘટીને આશરે બે થી ત્રણ ઇંચની થઇ ગઇ છે. સ્ટુલનો કડક ભાગ અથવા અનાજનો કણ એપેન્ડિક્સના હોલમાં ફસાઇ જાય ત્યારે એમાં ઇન્ફેક્શન થઇ શકે છે તથા સોજો આવી શકે છે. આ ઉપરાંત વારંવાર જંકફૂડ ખાવાથી એમાં રહેલા બેક્ટેરિયા આ સમસ્યા જન્માવવા માટે કારણભૂત હોઇ શકે છે. બ્લડ ટેસ્ટ અને સોનોગ્રાફી દ્વારા એપેન્ડિક્સમાં તકલીફ છે કે કેમ તે જાણી શકાય છે.
એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સમાં થતું ઇન્ફેક્શન જેને કારણે એમાં સોજો આવી જાય. આ રોગ આમ તો કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે અને કોઈ પણ ઉંમરે એ સામે આવી શકે છે. જોકે બે વર્ષથી નાનાં બાળકોમાં આ રોગ જોવા મળતો નથી. પરંતુ 10-30 વર્ષની વયે આ રોગ વધુ સામે આવે છે. 60 વર્ષ પછી પણ આ રોગ સામે આવી શકે છે અને વૃદ્ધ લોકોમાં આ રોગ વધુ ભયજનક ગણી શકાય છે. જે લોકોનું પાચન ઠીક ન હોય તેમને આ રોગ થઈ શકે છે. એટલે કે જેમને લાંબા ગાળાથી કબજિયાત રહેતી હોય, જૂનો મરડો હોય તેને આ રોગ થઈ શકે છે, કારણ કે તેમનું પેટ સાફ થતું નથી અને કચરો એપેન્ડિક્સમાં ભરાયા કરે છે. તો તમે પણ જાણી લો આજે એપેન્ડિસાઇટિસના લક્ષણો
જ્યારે કોઈ વ્યક્તિને પેટની નીચેની તરફ જમણી બાજુ સખત દુખાવો થતો હોય તો એ ક્લિનિકલી ચેક કરીને સમજી શકાય છે કે આ એપેન્ડિક્સ હોઈ શકે છે. આ સિવાય કોઈની ભૂખ મરી જાય, પેટના દુખાવા સાથે ઊલટી કે ઊબકાની તકલીફ હોય, પેટ પર સોજો દેખાતો હોય, તાવ આવે કે પછી તાવ જેવું લાગે, સ્ટૂલ પાસ કરવામાં તકલીફ લાગે, ગેસ સરળતાથી પાસ ન થઈ શકે તો એપેન્ડિસાઇટિસ હોઈ શકે છે. એનું સૌથી મહત્વનું લક્ષણ છે પેટનો દુખાવો.
એપેન્ડિસાઇટિસમાં જુદાં-જુદાં કારણોસર સોજો આવી શકે છે અને જો ફક્ત સોજો જ આવ્યો હોય તો કદાચ આ રોગ એટલો ગંભીર બનતો નથી. પરંતુ જો એમાં બ્લોક વધુ માત્રામાં હોય ત્યારે એ ગંભીર બને છે. જો સામાન્ય વાઇરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શન થયું હોય તો પણ એપેન્ડિક્સ પર આ ઇન્ફેક્શનની અસરના રૂપે સોજો આવી શકે છે. પરંતુ આ સંજોગોમાં ઇન્ફેક્શનનો જ ઇલાજ કરવાનો હોય છે અને એની મેળે આ પ્રોબ્લેમ ઠીક થઈ જાય છે. આ સિવાય ટીબી હોય તો પણ એવું બની શકે કે એપેન્ડિક્સમાં સોજો આવી જાય. આ ટીબી આંતરડાનો ટીબી હોય છે જેની અસર એપેન્ડિક્સ પર પણ થાય છે.
અમદાવાદના ગેસ્ટ્રોસર્જન ડો. વિસ્મિત જોષીપુરા કહે છે, એપેન્ડિક્સમાં જ્યારે સોજો આવે છે ત્યારે ડૂંટીની જમણીબાજુના ભાગમાં કંઇ કપાતું હોય એવો અહેસાસ થાય છે. આ દુખાવો તીવ્ર હોય છે. આધુનિક દવાઓ દ્વારા પેટના દુખાવાને દૂર કરી શકાય છે. પણ એપેન્ડિક્સમાં સોજો હોવાનું નિદાન થાય ત્યારે ઓપરેશન દ્વારા તેને કઢાવી લેવું જોઇએ. અમુક કેસમાં યુરિનરી ડાયવર્ઝન માટે એપેન્ડિક્સનો ઉપયોગ થતો હોય છે. બાકી એપેન્ડિક્સએ શરીરનો એવો અવયવ છે જે શરીરમાં ન હોય તો પણ તેનાથી વ્યક્તિની કામ કરવાની શક્તિમાં કોઇ ફરક પડતો નથી. એક વખત એપેન્ડિક્સમાં ઇન્ફેક્શન કે સોજો આવે ત્યારે દવા દ્વારા દર્દીના દુઃખાવા પર કન્ટ્રોલ કરી શકાય છે. પણ બે ત્રણ દિવસ પછી કે થોડા દિવસ બાદ ફરી પેટમાં અસહ્ય દુખાવો થાય છે. જો દર્દીને વારંવાર એપેન્ડિક્સનો હુમલો આવે તો તે તેના મૃત્યુનું કારણ પણ બની શકે છે.
એપેન્ડિક્સના સોજોનું ઓપરેશન એ જ એક માત્ર સારવાર છે. હવે અદ્યતન ટેક્નિકથી ઓપરેશન કરવામાં આવતું હોવાથી એમાં ગભરાવવાની જરૂર નથી. ઘણા લોકોમાં એવી માન્યતા છે કે એક વખત ઓપરેશન કરાવ્યા પછી થોડાં વર્ષો બાદ ફરી તેનો દુખાવો થાય છે. પણ એવું નથી. બીજું એપેન્ડિક્સના ઓપરેશનમાં શરીરના અન્ય અવયવોને ઇજા થાય છે. એવો ઘણાને ડર હોય છે પણ કોઇ અવયવને જરાય નુકસાન થતું નથી.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા જેમને ડાયાબિટીસ હોય એવા લોકોને એપેન્ડિક્સનું ઇન્ફેક્શન અન્ય વ્યક્તિની સરખામણીએ શરીરમાં ઝડપથી ફેલાય છે. તેથી આવા દર્દીઓએ ખૂબ કાળજી રાખવી જોઇએ અને જેમ બને એમ જલદી તેને ઓપરેટ કરાવવું હિતાવહ છે.
ડોક્ટરોનું માનવું છે કે સોનોગ્રાફીની મદદથી એપેન્ડિક્સમાં સોજો હોવાનું નિદાન થાય ત્યારે વહેલી તકે ઓપરેશન કરાવી લેવું એ દર્દી માટે ફાયદાકારક છે. જો સમયસર એને ઓપરેટ કરવામાં ન આવે તો એપેન્ડિક્સ ફાટી શકે છે. એપેન્ડિક્સ ફાટવાથી તેનું ઇન્ફેક્શન શરીરનાં અન્ય અંગોમાં ફેલાઇ શકે છે.
દુનિયામાં જાતજાતનાં અને ભાતભાતનાં સંશોધનો થતાં રહે છે. એમાં ખાસ કરીને વિવધ પ્રકારના રોગ અને સર્જરીનો સમાવેશ થતો હોય છે. એવી જ રીતે એપેન્ડિક્સની સર્જરીને લઇને પણ એક અનોખી ટેક્નિક વિકસાવવામાં આવી છે. જેને નેચરલ ઓરીફિસ સર્જરી એવું નામ આપવામાં આવ્યું છે.
ડોક્ટરનું કહેવું છે કે નેચરલ ઓરીફિસ સર્જરીમાં એપેન્ડિક્સને મોં, યોનિમાર્ગ કે મળમાર્ગના રસ્તે બહાર કાઢી શકાય છે. એપેન્ડિક્સ એ સામાન્ય તકલીફ છે. જે ફક્ત ભારતમાં જ નહીં પણ ભારત સિવાય અન્ય દેશોમાં પણ જોવા મળે છે.
યુરોપમાં લગભગ એક હજાર કરતાં પણ વધારે દર્દીઓએ આ નેચરલ ઓરીફિસ સર્જરી કરાવી છે. આ સર્જરીમાં દર્દીની ત્વચા કાપવાને બદલે ડોક્ટર તેમનાં અંગોને કાઢવા કે એમાં આવેલી ગડબડને યોગ્ય કરવા માટે દર્દીના મોં, મૂત્રમાર્ગ, યોનિમાર્ગ દ્વારા શરીરની અંદર પહોંચે છે. આ ટેક્નિકને અનેક કારણોને લીધે પસંદ કરવામાં આવે છે. તેમાં ક્યાંય દર્દીના શરીર પર નિશાન પડતો નથી. દુખાવો ઓછો થાય છે અને સૌથી મોટો ફાયદો એ છે કે ઇન્ફેક્શન થવાનો ભય રહેતો નથી. તેથી વિદેશમાં આ પદ્ધતિ પ્રચલિત થઇ રહી છે. જોકે હજુ ભારતમાં નેચરલ ઓરીફિસ સર્જરી થતી નથી. પણ ભવિષ્યમાં અહીં થતી જોવા મળશે.
સાભાર: દિવ્ય ભાસ્કર.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 5/30/2020