ટાઇફોઇડ અથવા મુદતિયો તાવ આપણે ત્યાં વર્ષોથી જાણીતો છે. લાંબા સમય સુધી સતત આવતો તાવ એ ટાઇફોઇડનું લક્ષણ છે. આ તાવનું કારણ બેકટેરિયાનો ચેપ છે. સાલ્યોનેલાટાઇફી અથવા પેરાટઇફી નામે ઓળખાતા બેકટેરિયા મુદતિયા તાવ માટે જવાબદાર હોય છે. બેકટેરિયાના ચેપની શરૃઆત આંતરડામાંથી થાય છે અને રોગનાં લક્ષણોમાં પણ આંતરડાની ખરાબીને કારણે ઘણાં લક્ષણો આવતા હોવાથી તાવને આંતરડાનો તાવ (એન્ટરિક ફીવર) પણ કહેવામાં આવે છે. ટાઇફોઇડ કરવા માટે જવાબદાર બેકટેરિયા ખોરાક, દૂધ, આઇસક્રીમ, બરફ કે પાણી વાટે તંદુરસ્ત વ્યકિતના શરીરમાં પ્રવેશે છે. આમાંથી મોટા ભાગના બેકટેરિયા તો જઠરમાં રહેલા એસિડને કારણે મરી જાય છે પણ જો ખૂબ મોટી સંખ્યામાં અને ખોરાક સાથે બેકટેરિયા પેટમાં ગયા હોય તો કેટલાંક બેકટેરિયા, એસિડની અસરમાંથી બચી જાય છે. આ બેકટેરિયા આંતરડામાં પહોંચીને તેની દીવાલમાં ઘૂસે છે. બરાબર આ વખતે આંતરડાનું રક્ષણ કરવા માટે તૈનાત મેક્રોફેઝ નામના કોષો આ બેકટેરિયાને પકડીને ગળી જાય છે. સામાન્ય રીતે એકવાર મેક્રોફેઝના પેટમાં પહોંચી ગયેલા સૂક્ષ્મ જંતુઓ થોડીક જ વારમાં મૃત્યુ પામે છે. પરંતુ મેક્રોફેઝને પોતાનું ઘર બનાવી દે છે અને લહેરથી આ કોષોની અંદર પોતાનું જીવન વિતાવે છે. જયાં જયાં આ મેક્રોફેઝ જાય ત્યાં ત્યાં એનાં પેટમાં રહીને બેકટેરિયા પણ પહોંચી જાય છે. મેક્રોફેઝમાં રહ્યો-રહ્યો બેકટેરિયા વંશવૃદ્ધિ કરે છે અને જ્યારે બેકટેરિયાઓની સંખ્યા ખૂબ વધી જાય ત્યારે એ મેક્રોફેઝ ફાટે છે અને એમાંથી ઘણા બધા બેકટેરિયા લોહીમાં ભળે છે. બરાબર આ વખતે તાવની શરૃઆત થાય છે. તાવની શરૃઆત એકદમ ધીમી અને મામૂલી તકલીફો સાથે થાય છે. માથાનો દુ:ખાવો, બેચેની અને અરુચિની શરૃઆતનાં લક્ષણો હોય છે જે બીજા પણ ઘણી જાતના તાવમાં હોઈ શકે. તાવ સાથે કોઇવાર ઠંડી લાગે છે પણ ધૂ્રજારી સામાન્ય રીતે ક્યારેય નથી આવતી. તાવ ધીમે ધીમે રોજે રોજ થોડો થોડો વધતો જાય છે અને દિવસમાં એક પણ સમયે નોર્મલ તો થતો જ નથી. આજે ૯૯ ફેરનહીટ હોય તો કાલે ૧૦૦ અને પરમ દિવસે ૧૦૧ ફેરનહીટ આ રીતે પાંચ થી સાત દિવસ સુધી સતત વધતા જતા ક્રમમાં તાવ આવે છે અને એ આશરે ૧૦૨ ફેરનહીટ સુધી વધીને પછી એની આસપાસ જ સતત બે-ત્રણ અઠવાડિયામાં તાવ સિવાય અન્ય કોઇ ખાસ લક્ષણ હોતા નથી. જો તાવ ઉતરવાની કોઇ દવા લીધી ન હોય અને તાવની નોંધ રાખી હોય તો આવા સતત ચઢતા જતા તાવને આધારે જ ટાઇફોઇડની શંકા થઇ શકે. પરંતુ જો વચ્ચે તાવશામક પેરાસિટામોલ કે મેટાસિન જેવી દવા લીધી હોય તો દવાના પ્રભાવથી તત્પૂરતો તાવ ઉતરી જાય છે અને ફરી પાછો ધૂ્રજારી સાથે તાવ પહેલાં જેટલો જ ચઢી જાય છે. તાવની સાથે સાથે પહેલા અઠવાડિયા દરમિયાન પેટની થોડીક ગરબડ લાગે છે. ભૂખ નથી લાગતી અને કબજિયાત રહે છે. પેટમાં જમણી બાજુએ (દર્દીની) ડૂંટીથી નીચેના ભાગે દબાવવાથી દુ:ખાવો થાય છે. આની સાથે જ જીભના ટેરવા આળા થઈ જાય છે અને જીભની વચ્ચેના ભાગે છારી બાજી ગઈ હોય તેવું લાગે છે. જો સમયસર નિદાન અને સારવાર શરૃ ન થાય તો પણ તાવના બીજા અઠવાડિયામાં તાવ અમુક ઉંચાઇએ સ્થિર થઈ જાય છે. એની સાથે સાથે પેટનો દુ:ખાવો અને લીલાશ પડતાં પાતળા ઝાડા થાય છે. આ તબક્કે બરોળ અને લીવર મોટા થયેલા માલૂમ પડે છે અને દર્દીને ખૂબ અશક્તિ આવતી જાય છે. પછી રોગનો ગંભીર તબક્કો શરૃ થાય છે. ટાઇફોઇડનાં મોટા ભાગના કોમ્પ્લિકેશનો તાવના ત્રીજા અઠવાડિયા દરમિયાન થતા હોય છે. આંતરડાની દીવાલમાં બેકટેરિયા ઘૂસવાથી ઉદભવેલા સોજાવાળા ભાગનું સ્વરૃપ બદલાઇ જાય છે અને આંતરડાની અંદરની દીવાલનો કેટલોક ભાગ ખરી પડતાં આંતરડાની દીવાલ પર ઠેર ઠેર ચાંદા પડે છે. આ ચાંદામાંથી ક્યારેક લોહી પણ નીકળે છે જે કાળા રંગના મળ પરથી જાણી શકાય છે. તાવના બીજા અઠવાડિયા પછીથી જેમ જેમ બીમારી વધતી જાય તેમ-તેમ લક્ષણોની તીવ્રતા વધતી જાય છે. મેક્રોફેઝ દિવસે-દિવસે નખાતો જાય છે અને ખૂબ અશક્તિને કારણે દર્દી પથારીવશ થઇ જાય છે. ઘણીવાર ભાનમાં હોવા છતાં આજુબાજુની પરિસ્થિતિથી બેઘર હોય છે. કયારેક સૂધબૂધ ગુમાવીને લવારો કરવા પર પણ દર્દી ચડી જાય છે. કોઇ જાતના હેતુ વગર હાથ હલાવવા કે ચાદર- કપડાં ખેંચવા વગેરે લક્ષણો પણ ક્યારેક દેખાય છે.તાવના બીજા અઠવાડિયા દરમિયાન કેટલાક દર્દીના શરીર પર ગુલાબી રંગના ડાઘા પડેલા જોવા મળે છે. જો કે ઘેરી ચામડીના લોકોમાં આવા ડાઘ શોધવાનું અઘરું હોય છે. આ ડાઘ પર દબાણ આવવાથી એનો રંગ ઓછો થઇ જાય છે. આ ડાઘ થોડા વખત પછી આપોઆપ અલોપ થઇ જાય છે. આશરે પાંચેક ટકા દર્દીઓમાં ટાઇફોઇડના કોમ્પ્લિકેશન જોવા મળે છે. ખાસ કરીને ત્રીજા અઠવાડિયા દરમિયાન આંતરડામાં પડેલાં ચાંદાઓને કારણે મોટા ભાગનાં કોમ્પ્લિકેશન થાય છે. જો આ ચાંદામાંથી ખૂબ લોહી વહી જાય તો એને કારણે દર્દીની હાલત ગંભીર થઇ શકે છે. એજ રીતે ચાંદાને કારણે જો આંતરડાની દીવાલમાં આરપાર કાણું પડી જાય તો આંતરડામાં રહેલ ખોરાક, પાચક રસો અને બેકટેરિયા આખા પેટમાં ફેલાઈ જાય છે અને પેરિટોનાઇટીસ તરીકે ઓળખાતી ગંભીર સ્થિતિ ઉદ્ભવે છે. આને લીધે આખા પેટમાં સખત દુ:ખાવો થાય છે, પેટ ફૂલી જાય છે અને ઘણી વખત પથરા જેવું કઠણ થઈ જાય છે. દર્દીની સ્થિતિ વધુ ઝડપથી બગડવા લાગે છે. એનું શરીર ઠંડુ પડી જાય છે અને બ્લડપ્રેશર એકદમ ઘટી જાય છે. આંતરડાનાં આ જીવલેણ કોમ્પ્લિકેશનો ઉપરાંત, કીડની, પિત્તાશય, હાડકાં, મગજ, હૃદય વગેરે જગ્યાએ ચેપનો ફેલાવો થઇ શકે છે. ક્યારેક ન્યુમોનિયા પણ થઇ જાય છે. ક્યારેક પિત્તાશયનો સોજો ટાઇફોઇડ ગયા પછી પણ ચાલુ રહે છે. જો કોઇ કોમ્પ્લિકેશન ન થાય તો ત્રીજા અઠવાડિયા પછી તાવ ધીમે ધીમે નોર્મલ થવા લાગે છે અને બીજાં લક્ષણો પણ રાચવા લાગે છે. જો કે અમુક દર્દીઓમાં તાવ કાબૂમાં આવ્યા પછી એક બે અઠવાડિયે ફરીથી ઉથલો મારી શકે છે. જે પહેલાં હુમલા કરતાં માઇલ્ડ હોય છે. દર્દી તાવમાંથી સારો થાય એ પછી પણ એનાં ઝાડા અને પેશાબ માટે શરીરમાં રહી ગયેલા બેકટેરિયા બે-ત્રણ મહિના સુધી નીકળ્યા કરે છે અને આ બેકટેરિયા માખી ગંદા હાથ, પ્રદૂષિત પાણી કે ખોરાક વાટે પ્રવાસ કરી એને અન્ય તંદુરસ્ત માણસને ચેપ લગાવી શકે છે. અમુક દર્દીઓનું શરીર તો બેકટેરિયાને એટલું બધું ફાવી જાય છે કે વર્ષો સુધી બેકટેરિયાને તે માણસના શરીરમાં રહીને વંશવૃદ્ધિ કર્યા કરે અને એ માણસના ઝાડા-પેશાબ માટે વાતાવરણમાં ફેલાયા કરે. આ માણસને તો ખબરેય નથી હોતી કે પોતે ટાઇફોઇડના બેકટેરિયાનો વાહક (કેરિયર) બની ગયો છે. જો આવા વાહકને કોઈ રીતે ઓળખી શકાય તો એની સારવાર પણ સમાજના ભલા માટે જરૃરી બની જાય છે. આ માટે એમ્પિલિસીન જેવી એન્ટિબાયોટીક દવાનો છ અઠવાડિયાનો કોર્સ કરવો પડે છે. વળી, આવા રોહવાહક વ્યકિતને ખોરાક બનાવવાની કે પીરસવાની કામગીરી ન આપવી જોઈએ. પીવાના પાણી, દૂધ, ખોરાક બરફ અને આઇસક્રીમમાં પહોંચેલા બેકટેરિયા ત્યાં સાતથી ત્રીસ દિવસ જેટલા લાંબા સમય માટે જીવતા રહી શકે છે અને અન્ય લોકોને ચેપ લગાવી શકે છે. ટાઇફોઇડની બીમારી દરમિયાન આંતરડા એટલા નબળા થઇ ગયા હોય છે કે તે ઠીકથી હલન ચલન કરી શકતો નથી. નહાવાનું કામ પણ ન કરી શકે, તેલ અને મરચાં, મસાલા તો બિલકુલ બંધ કરી દેવા પડે. અન્યથા પેટમાં ચાંદા પડે છે. તેથી જ ટાઇફોઇડના દરદીને મોટે ભાગે મગનું પાણી, દહીં-ભાત, નાળિયેર પાણી કે મોસંબીના જયુસ પર રખાય છે.
સ્ત્રોત: ગુજરાત સમાચાર
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/19/2020