ઊંઘની ગંભીર બીમારીને નોતરતા નસકોરા સ્લીપ એપ્નિઆ
સામાન્ય જીવનમાં વ્યક્તિ પોતાની જાતને ભલે નિરોગી માને પરંતુ સ્વાસ્થ્યની કાળજી લેવામાં થોડી પણ બેદરકારી રાખતા હોય છે ત્યારે જ આપણાં શરીર પર તેની વિપરીત અસર અવશ્ય દેખાય છે. વિવિઘ રોગો આજે ખૂબ ઝડપથી માનવ સમુદાયને પોતાનો શિકાર બનાવી રહ્યાં છે. આજની પ્રાશ્ચાત્ય જીવનશૈલીને અપનાવવાના અભિગમને કારણે તથા વિરૂધ્ધ આહાર-પધ્ધતિને કારણે એક તરફ નાની ઉંમરે રોગોની સમસ્યા વધી છે ત્યારે વધતી ઉમરે પણ રોગોના પ્રમાણમા વધારો થઈ રહ્યો છે. આ ઉપરાંત આપણે જોઈ રહ્યાં છીએ કે લોકો આજકાલ ખૂબજ ભાગદોડવાળી અને સ્ટ્રેસવાળી લાઇફ જીવતા હોય છે.
સ્લીપ એપ્નિઆ એ એક એવી વ્યાધિ છે જેમાં ઊંઘ દરમિયાન શ્વાસોશ્વાસમાં તકલીફ થાય છે. રાત્રિ દરમિયાન ગળાના ભાગમાં આવેલ સ્નાયુઓ શિથિલ થવાથી શ્વસનમાર્ગમાં અવરોધ થતા શ્વાસોશ્વાસ રૂંધાય છે જેને લીધે છાતીમાં ભીંસ, ગભરામણ, શ્વાસ લેવામાં મુશ્કેલી થવી અને શરીરમાં ઓક્સિજનની ઉણપ વિગેરે થાય છે.
સ્લીપ એપ્નિઆનું સૌથી સામાન્ય લક્ષણ છે નસકોરાં બોલવા, સ્લીપ એપ્નિઆ ધરાવનાર વ્યક્તિ તેના લક્ષણોથી અજાણ હોઇ શકે છે. પરંતુ અન્ય વ્યક્તિને લાગે છે કે ઊંઘ દરમિયાન શ્વાસ લેવાનું બંધ કરી દે છે અથવા અવાજ કરે છે, વચ્ચે ઊઠે છે, અને ફરી પાછા સુઈ જતા હોય છે. જેને કારણે તેમની ઊંઘ પણ પૂરી થતી ન હોય ! મેદસ્વીતા, ગળાના ભાગમાં વધારે ચરબી હોવી. શારીરિક તકલિફો જેવી કે સાંકડો શ્વસનમાર્ગ, જીભ જાડી, નાનું જડબું, ગળામાં કાકડા વિગેરેને કારણે તથા વધતી ઉમરને લીધે શ્વસનમાર્ગના સ્નાયુઓની શિથિલતા આવવાથી શ્વસનમાર્ગ અવરોધાય છે. આ ઉપરાંત ઊંઘની દવાઓ અને મદીરાના સેવનમાં વધારો કરવાથી શ્વસનમાર્ગના સ્નાયુઓની શિથિલતામાં વધારો થાય છે. વધુ પડતા નસકોરા બોલવાથી નાકમાં અને ગળામાં સોજો વધતા શ્વસનમાર્ગમાં અવરોધ ઉભો થાય છે. આ બધા કારણો સ્લીપ એપ્નિઆની સંભાવના વધારે છે.
આ ઉપરાંત સ્લીપ એપ્નિઆની સારવારમાં અને શ્વસનરોગોથી બચવા જીવનશૈલીના ફેરફારો ઘણા ઉપયોગી સાબિત થતા હોય છે અને જેમાં ઘણી બાબતો સામેલ છે જેમકે, દારૂનું વ્યસન અને ધુમ્રપાન તાત્કાલિક છોડી દેવું જોઈએ. જો વ્યક્તિ મેદસ્વી હોય તો વજનમાં પણ યોગ્ય ઘટાડો કરવો. સુવાની આદતોમાં ફેરફાર પણ કરવો જોઈએ જેમકે પડખા ફેરવીને સુવું જોઈએ.
સ્લીપ એપ્નિઆનું નિદાન તબીબી રીતે થઇ શકે છે પરંતુ તેનું સચોટ નિદાન કરવા માટે રાત્રિ દરમિયાન સ્લીપ સ્ટડી કરવામાં આવે છે. સ્લીપ સ્ટડીમાં આખી રાત ઊંઘ દરમિયાન વ્યક્તિના અલગ-અલગ અવયવોમાં થતા પરિવર્તનો, ઓક્સિજનનું પ્રમાણ, હ્રદયના ધબકારા નોંધવામાં આવે છે. નસકોરાની તીવ્રતા, શ્વસનમાર્ગ કેટલી વખત રૂંધાય છે તથા કેટલી વખત શ્વસનમાર્ગ સંપૂર્ણપણે બંધ રહે છે. જેવી વિગતવાર માહિતી આ સ્ટડી દ્વારા મેળવી સ્લીપ એપ્નિઆ છે કે નહી તે નક્કી કરવામાં આવે છે અને જો હોય તો તેની યોગ્ય સારવાર કરવામાં આવે છે.
યાદ રાખો :- પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે જે અનેક રોગોને આપણાથી દૂર રાખવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
સ્ત્રોત :ડો તુષાર પટેલ કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ.
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/8/2020
0 રેટિંગ્સ અને 0 comments
તારાઓ ઉપર રોલ કરો પછી રેટ કરવા માટે ક્લિક કરો.
© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.