অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

વધારે પડતાં નસકોરાં ગંભીર સમસ્યાનો સંકેત છે

વધારે પડતાં નસકોરાં ગંભીર સમસ્યાનો સંકેત છે

અંધારાને બે ભાગમાં વહેંચી દેતી હાવરા એક્સપ્રેસની હેડલાઈન સિગ્નલની રેડ લાઈટને જોઈને સ્ટેશનથી થોડે દૂર થંભી ગઈ. ધમધમાટ કરતો એક્સપ્રેસનો ઘોંઘાટ પણ રાત્રિના અંધકારમાં ધીમે-ધીમે શાંત થઈ ગયો.

શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમ માટે કલકત્તા જઈ રહેલા તબલા વાદક શ્રી સહદેવ મહારાજ ઘસઘસાટ ગાઢ-મીઠી નિદ્રા માણી રહ્યા હતા. એમનાં નસકોરાંનો અવાજ એટલો તીવ્ર હતો કે ટ્રેનના આખા સ્લિપિંગ કોચમાં સંભળાતો હતો. ટ્રેનના ધમધમાટે કોઈની ઊંઘ બગાડી નહોતી. પરંતુ સહદેવ મહારાજનાં નસકોરાંએ એક પછી એક એમ આખા કમ્પાર્ટમેન્ટના પેસેન્જરોને ઊંઘમાંથી જગાડી દીધા.

જે વ્યક્તિને નસકોરાંનો અવાજ આવતો હોય તેને પોતાને એ અવાજ સંભળાતો નથી. એને માટે તો કદાચ નસકોરાંનો અવાજ ઊંડી ઊંઘમાં ખેંચી જતા હાલરડા જેવો થઈ જતો હશે.

નસકોરાના અવાજની માત્રા વધતી-ઓછી હોઈ શકે છે. અમેરિકામાં ઊંઘ વિષે સંશોધન કરતા ડો. ફિલિપ વેસ્ટબુક કહે છે કે જો તમારી પત્ની રાતે પથારી છોડી ઓશિકું લઈને બાલ્કનીમાં કે ડ્રોઈંગરૂમમાં સુવા માટે ચાલી જાય તો માનવું કે તમારાં નસકોરાંનો અવાજ વધુ પડતો ન કહેવાય. પરંતુ જો તમારા પડોશીઓ તમારા ડોરેબલને રાત્રે વારે વારે વગાડી જતા હોય તો માનવું કે નસકોરાંની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કરી લીધું છે.

મેલ્વિન શ્વેટ્ઝર: બ્રિટનના મેલ્વિન શ્વેટ્ઝર નું નામ તમે સાંભળ્યું છે. આ મહાશયના ઊંઘમાં એટલાં તીવ્ર નસકોરાં બોલતાં કે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું. મોલ્વિન શ્વેટ્ઝરના નસકોરાંની તીવ્રતા માપવામાં આવી તો ૮૮ ડેસિબલના આંક સુધી પહોંચી ગઈ. કોઈ નટખટ યુવાન હાઈવે પર પુરપાટ મોટર સાઈકલ ચલાવે ત્યારે જેટલો અવાજ થાય એટલો અવાજ બ્રિટનના આ મેલ્વિન સાહેબનાં નસકોરાંનો હતો.

મેલ્વિન સાહેબની ડિસ્કો ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં નોંધાયો એટલે આટલો પ્રસિદ્ધિ પામ્યો. પરંતુ, આપણા સહદેવ મહારાજની પત્ની પરણ્યાના છ મહિના પછી કાનના ડોક્ટરની સારવાર લેતી હતી અને છેલ્લા સમાચાર પ્રમાણે સહદેવ મહારાજ હવે એકલા રહે છે.

સહદેવ મહારાજની પત્નીએ અંતિમ નિર્ણય લીધા પહેલા ઘણા ઉપાયો અજમાવી જોયા હતા. જેમાંથી એક સીધો સાદો ઉપાય હતો નસકોરાં બોલાવતા પતિદેવનું નાક થોડીવાર પકડી રાખતાં મહારાજ જાગી જાય, થોડીવાર નસકોરાં બંધ રહે - ફિર વોહી રફતાર.

કોના નસકોરાંનો અવાજ વધારે આવે ?

  • ખૂબ થાકી ગયા પછી પ્રગાઢ નિદ્રા માણી રહેલા માણસો.
  • સુતાં પહેલાં શરાબ, અફીણ, ભાંગ, ચરસ જેવી માદકચીજો લીધા પછી
  • ઊંઘ લાવનારી ગોળીઓ લીધા પછી.
  • વધારે પડતી ચરબી - એક સંશોધન પ્રમાણે પુરુષોમાં જરૂરિયાત કરતા વીસ ટકા અને સ્ત્રીઓમાં ત્રીસથી ચાલીસ ટકા વજન વધી જાય તો નસકોરાંનો અવાજ વધવાની સંભાવના વધી જાય છે. કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય તો પણ નસકોરાંનું પ્રમાણ વધી શકે છે.
  • એલર્જી- શરદીના દર્દીને નસકોરાંનો અવાજ વધુ આવે.
  • મીઠાઈ વગેરે મધુર અને ભારે ચીજો લેવાથી માથામાં સેરેયોનિન નામનો રાસાયણિક સ્ત્રાવ વધે છે. જે માણસને પ્રગાઢ નિદ્રામાં ખેંચી જાય છે. આવી ચીજો વધુ ખાવાથી નસકોરાંનો અવાજ પણ વધે છે.

ઉપચારક્રમ

  • ષડ એટલે છ અને બિંદુ એટલે ટીંપા છ ટીપાંની માત્રા જેની છે તેવું ઔષધ-ષડ્બિંદુતેલ
  • ષડ્બિંદુતેલ કાળાતલના તેલમાં બકરીનું દૂધ, ભાંગરાનો રસ, એરંડમૂળ, ડોડી, રાસ્ના, વાવડિંગ, સૂંઠ, વગેરે ઔષધો નાખીને ઊઠાવીને સિદ્ધ કરવામાં આવેલું હોય છે. આ તેલનો ઉપયોગ સામાન્ય રીતે વાળના મૂળને દૃઢ કરવા માટે કે સફેદ થતા વાળને કાળા કરવા માટે નાકમાં ટીપાં પાડીને કરાય છે.
  • પરંતુ તેમાંના ઔષધો ત્રણે દોષથી થતી નાક, દાંત, વાળની વિકૃતિઓને દૂર કરવાની ક્ષમતા ધરાવે છે. પિત્તપ્રકૃતિના લોકોને ઘણીવાર આનાથી નાકમાં ચચરાટ કે સાધારણ બળતરા થવાની ફરિયાદ હોય છે. તેમણે આ તેલમાં સરખા પ્રમાણમાં ગાયનું ઘી ઉમેરી દેવું. તેનાથી ઉપર્યુક્ત ફરિયાદો રહેતી નથી.
  • આ તેલને સાધારણ ગરમ કરવું, રૂ (કોટન) લઈ તેલમાં ઝબોળવું. દર્દીએ સૂઈ જવું. ઓશિકું ગરદન નીચે રાખી નાક ઉપર રહે એ પ્રમાણે માથુ રાખવું. બંને નસકોરાંમાં તેલનાં છ-છ ટીપાં પાડવા. તેલ થોડીવારમાં નાકમાં આવી જશે. ત્યાર પછી ઊભા થઈ ગળું પાણીથી સાફ કરવું. રાતે સુતી વખતે આ ઉપચાર કરી શકાય. તેનાથી ધીમે-ધીમે નસકોરાંનો અવાજ ઓછો થવા માંડે છે.
  • ઉપર્યુક્ત ઉપચારની સાથે લક્ષ્મીવિલાસ રસની એક એક ગોળી સવાર-સાંજ મધ અને ઘી સાથે વાટીને લેવી. લક્ષ્મીવિલાસ રસ નસકોરાં માટેનું ઉત્તમ ઔષધ છે.

આહાર-જીવનશૈલી

  • નસકોરાંનો અવાજ બહુ આવતો હોય તેમણે રાતે મોડા ન જમવું. સાંજે ૬ થી ૭ વાગે જમી લેવું.
  • રાતના સમયે ભારે ખોરાક ન ખાવો.
  • જમીને તરત વધારે પડતું પાણી ન પીવું.
  • દિવસે ઊંઘવું નહિ.
  • પેટ તણાય - ભારે થાય તેટલું ન જમતાં પેટ થોડું ખાલી રાખવું.

લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા, આરોગ્યમ્,  aarogyatirth@gmail.com

ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 4/23/2020



© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate